બીજા પર આધાર રાખતું હોય તો એ સુખ નથી
મારા માટે સુખ એટલે મનની અનુકૂળ સ્થિતિ. આપણા માટે આપણે જે કંઈ વિચાર્યું હોય એ ફલિતાર્થ થાય કે દિલમાં ઊંડે પડેલી ઈચ્છાઓ કે આપણા સપનાં પૂર્ણ થતાં લાગે અથવા જીવનમાં કશાયની ઉણપ નહીં વર્તાતી હોય અને બધુ જ ભરપૂર લાગે તો એને હું સુખ ગણું છું. સુખ અને આનંદની બાબતે સુખ મને ચિરંજીવી લાગ્યું છે, જ્યારે આનંદ એ એવી ક્ષણોનું નામ છે, જ્યારે આપણું મન અત્યંત પ્રફુલ્લિત હોય છે. બીજું એ કે, એ પ્રફુલ્લિતતાના કોઈ ચોક્કસ કારણો નથી હોતા. મારી બાબતે તો એમ પણ બને કે, કોઈ વાર પ્રકૃતિનું રમ્ય સ્વરૂપ જોઈને પણ મને આનંદ થાય.
સુખના આધારની વાત આવે છે ત્યારે હું કહીશ કે, આપણું સુખ ક્યારેય બીજા પર આધારિત નથી હોતું. આપણું સુખ આપણી આંતરિક પરિપૂર્ણતા પર જ આધાર રાખે છે. ઘણી વખત એવું બને કે કોઈ વ્યક્તિ આપણને નહીં સ્વીકારે અથવા એના મન મુજબ આપણને જીવવાની ફરજ પણ પાડે. આવા આધારને કારણે આપણને દુખી થવાના પુરતા કારણો પણ મળી રહે છે. પરંતુ આપણે આપણી સીમાઓ દોરી દીધી હોય અને આપણે ખુશ રહેવાનું નક્કી જ કરી લીધું હોય તો કોઈ લાખ ચાહીને પણ આપણને દુખી નહીં કરી શકે. એટલે આ બાબતે હું એ સ્પષ્ટપણે માનું છું કે, બીજા પર આધાર રાખે છે એ સુખ નથી. એને તો છદ્મ જ કહેવાય.
મારા વ્યથિત થવાના કારણો હું જેમની સાથે સંકળાયેલી છું એવી તમામ બાબતો સાથે જોડાયેલા છે. મારા જીવન, શિક્ષણ, સાહિત્ય, સમાજ અને રાજકારણમાં કંઈક ઉથલપાથલ સર્જાય અને એનાથી કોઈક વંચિતને લાભ નહીં મળે અથવા કોઈક સંવેદનશીલ વ્યક્તિના ભાગે છેતરાવાનું કે ભોગવવાનું આવે તો હું વ્યથા અનુભવું. આ ઉપરાંત કોઈની ભૂલ કે સત્તામાં બેઠેલા કોઈના ખોટા નિર્ણયોને કારણે કોઈ નિર્દોષના સપનાં રગદોળાતા જોઉં તો પણ મારી ઉંઘ ઊડી જાય.
આસપાસના માણસો અને સંબંધો કે વ્યવસ્થાથી કંટાળીને ભાગી જવાનું મન મને અનેક વખત થયું છે. જ્યારે પણ ક્યાંક અસ્તવ્યસ્ત કે ડામાડોળ થતું જોઉં ત્યારે મને એમ થાય કે આપણે અહીંથી સરકી જઈએ તો સારું. પરંતુ બીજી જ ક્ષણે મને વિચાર આવે કે, આખરે હું ભાગીને જઈશ ક્યાં? જગત છોડીને તો ક્યાંય જઈ શકવાની નથી! અને બીજી મહત્ત્વની બાબત એ પણ છે કે, આપણે કોઈક સિસ્ટમમાં હોઈશું તો જ એમાં કંઈક સારું કરી શકવાનો અવકાશ છે. એ સિસ્ટમમાં હોઈશું જ નહીં તો આપણે એમાં કશું પણ કરી શકીશું ખરા? મારી પાસે એવી કોઈ સત્તા નથી કે, હું જ્યાં-ત્યાં ધરખમ સુધારા આણી શકું. હા, પણ એ વાત એટલી જ સાચી કે માણસ પાસે સત્તા હોય તો જ એ કામ કરી શકે એ વાતમાં પણ બહુ તથ્ય નથી. શ્રદ્ધા હોય તો આપણા ક્ષેત્ર કે જીવનમાં આપણી આવડત અને આપણી ક્ષમતા મુજબનું સારું કાર્ય આપણે કરી જ શકીએ છીએ.
મારા જીવનના કપરાકાળ વિશેની વાત કરું તો સાડા છ વર્ષ પહેલા એટલે કે 2009ના ઓગસ્ટમાં એક અકસ્માતમાં મારો દીકરો ઓચિંતો ગુજરી ગયેલો. દીકરાના અવસાન પહેલા પણ મેં અનેક સ્વજનોના મૃત્યુનો સામનો કરેલો, પરંતુ એ તમામ સ્વજનો જીવન માણીને પાકટ વયે ગુજરી ગયેલા. ઉત્સાહથી તરવરતો અને અત્યંત શોખીન જીવ હજુ તો યુવાનીને દરવાજે દસ્તક દેવાની તૈયારીમાં હોય અને એ આમ સાવ અચાનક વિદાય લે અથવા અચાનક જ એ ચહેરો આપણી આંખો સામેથી અદૃશ્ય થઈ જાય એ વાત હું થોડા સમય માટે સ્વીકારી જ નહોતી શકી. પરંતુ એ કાળમાં મને મારું વાંચન કામ આવ્યું અને ત્યાર સુધી મેં જે કંઈ વાંચેલુ એ બધુ મારી પાસે આવી આવીને કહી રહ્યું હતું કે, ‘જો, આ જ તો જિંદગી છે. અહીં કશું સ્થાયી નથી હોતું અને અહીં દર વખતે આપણી મરજી મુજબનું જ થાય એ પણ શક્ય નથી.’
જીવનના એ તબક્કામાં હું અત્યંત વ્યથિત તો હતી જ, પરંતુ એ જ કાળમાં હું કંઈક અંશે પરિપક્વ પણ બની અને જીવન અને જીવનમાં બનતી ઘટનાઓને કંઈક અલગ દૃષ્ટિકોણથી મુલવતી થઈ. ત્યારથી હું એમ પણ માનતી થઈ છું કે, જ્યાં સુધી જીવનમાં વ્યથા કે દુખ નહીં આવે ત્યાં સુધી માણસ જીવનનું મહત્ત્વ પણ નથી સમજતો.
જો હું કોઈક બાબતે દુખી થાઉં કે વ્યથા અનુભવુ તો મારી વ્યથામાંથી બહાર આવવા માટે હું કોઈ સકારાત્મક કાર્યોમાં ખૂંપી જાઉં. જેમકે મારા દીકરાનું ઓચિંતુ અવસાન થયું તો મેં વિચાર્યું કે, આવી ઘટનાનો સામનો મેં એકલીએ જ નથી કર્યો. બીજા પણ એવા અનેક લોકો હશે, જેઓ આ પીડામાંથી પસાર થયાં હશે. એટલે મેં કેટલાક લોકોને પત્ર લખ્યો અને એમની પાસે સ્વજનોને ગુમાવવાની, મારા જેવી જ એમની પીડા, એમની લાગણીઓ વિશેના લેખો મગાવ્યા. એમના લેખોનું એક સુંદર પુસ્તક ‘તારું ચાલી જવું’ તો તૈયાર થયું જ, પણ સાથોસાથ મને હું એકલી નથી એ વાતનો સધિયારો પણ મળ્યો.
અત્યાર સુધીના જીવનમાંથી હું એ શીખી છું કે, જીવન એ ખૂબ સંકુલ છે. આપણે એને ધારીએ છીએ એટલું એ સરળ નથી જ. રોજ સવારે આપણે ઊઠીએ છીએ ત્યારથી પ્રત્યેક ક્ષણ આપણે પડકારોનો સામનો કરવો પડતો હોય છે. સૈનિકોની જેમ આપણે પણ હંમેશાં કૂચકદમ કૂચકદમ કરતા સતત ચાલતા રહેવું પડે છે અને સતત સંઘર્ષ કરીને આગળ વધતા રહેવું પડે છે. જોકે તોય હું એમ કહીશ કે, જીવન ખૂબ સુંદર અને જીવવાલાયક છે. સંઘર્ષ હોવા છતાં મને જીવન વ્યર્થ ક્યારેય નથી લાગ્યું.
જીવનમાં સુખીમાં સુખી માણસ એ જ છે, જે શાંત છે અને જે સરળ છે. તો દુઃખીમાં દુઃખી માણસ એ છે, જેને ઘણું બધુ હાંસલ કરવું છે અને એ પામવા માટે એ સતત દોડતો રહે છે કે, એણે સતત ઉંડા વમળોમાં તણાતા રહેવું પડે. મૂળ વાત એ છે કે, એ બધી દોડધામમાં એ જીવન જીવવાનું ચૂકી જાય છે. તો એને સુખ કઈ રીતે ગણી શકાય? અંતે તો હું એટલું જ કહીશ કે, આપણા સૌ માટે વર્તમાનમાં જીવવું અને વર્તમાનને માણવું અત્યંત મહત્ત્વનું છે. અરે, દુઃખની પરિસ્થિતિમાં પણ આપણે સંતુલન જાળવી શકીએ અને એમાંથી કશો બોધ મેળવી શકતા હોઈએ તો એ પણ એક આનંદ જ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર