સમષ્ટિના દુખને જોશો તો તમારા દુખ આપમેળે નાના લાગશે

05 Jul, 2015
12:00 AM

mamta ashok

PC:

નાટકો કરતા રહેવાને કારણે મને એવું લાગે છે કે હું થોડો જાણીતો માણસ છું. પરંતુ હું એ પણ જાણું છું કે સામાન્ય માણસો અને જાણીતા માણસોના સુખ અને દુખ અલગ હોતા નથી. કુદરતે આ અનુભૂતિઓ બધાને એક સરખી રીતે જ વહેંચી હોય છે. જો કે માણસના સુખ કે દુખની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરવી હોય તો એ અત્યંત મુશ્કેલ કામ છે. પરંતુ મારે માટે સુખ એ ઘણું ઍબસ્ટ્રેક્ટ બાબત છે. એટલે હું વ્યક્તિગત રીતે સુખને કોઈ ચોક્કસ વ્યાખ્યામાં બાંધતો નથી. પણ હું સુખ વિશે એટલું જરૂર માનું છું કે, 'બીજાને કોઈ પણ પ્રકારની અડચણ પહોંચાડ્યા વિના આપણું ગમતું કામ કરવું એ સુખ.' આમ જોવા જઈએ તો આ વિધાન બહુ સાદુ લાગે પરંતુ જરા ઉંડાણમાં એના વિશે વિચારીએ તો આજના સમયમાં દુનિયા સામે ટક્કર લઈને પોતાને ગમતું કામ કરવું એ અત્યંત અઘરી બાબત થઈ ગઈ છે. કારણ કે, દુનિયાદારીના ચક્કરમાં ક્યારેક તમારા પર એવી બધી વસ્તુઓ થોપી દેવામાં આવતી હોય છે અથવા સંજોગોવશાત્ પણ તમારે એવી કેટલીક વસ્તુઓ કરવી પડતી હોય છે, જે તમે ક્યારેય કરવા માગતા નહીં હો. એટલે પોતાના પેશનને વળગી રહીને પોતાનું ગમતું જ કરવું અને એય કોઈને દુભાવ્યા વિના એ કામ કરવું એ અઘરી બાબત થઈ પડે છે. અને હું હંમેશાં આ રીતે જ મારું સુખ મેળવવાનો પ્રયત્ન કરું છું.

જીવનમાં મને ઘણી બધી બાબતોમાંથી આનંદ મળે છે. પરંતુ કોઈ એક બાબત જે, મને સૌથી વધુ સુખ આપતી હોય છે એ છે નાટક. નાટક લખવું, ડિરેક્ટ કરવું કે ખૂબ જ મહેનત અને દિલથી એને દર્શકો સમક્ષ રજૂ કરવું એ મારું પેશન છે. નાટ્ય સર્જનની આ આખી પ્રક્રિયા મને અદમ્ય આનંદ આપે છે. અને સ્વજનોની સાથે હોવું પણ મારા માટે નાટકો જેટલું જ આનંદદાયી છે. જો કે આ બંને બાબતોને હું મારું સુખ ગણું છું. બાકી આનંદ તો મને પ્રવાસો દ્વારા પણ મળે છે. આ ઉપરાંત મને સમાજના જુદા જુદા વર્ગોમાંથી આવતા માણસોને મળવું, તેમની સાથે વાતો કરવી કે તેમનો અભ્યાસ કરવાનું પણ ઘણું ગમે છે. સંગીત સાંભળવાથી પણ મને ઘણો આનંદ મળે છે.

સુખની આધારિતતા વિશે તમે વાત કરો છો ત્યારે હું એટલું જ કહીશ માણસ નામનું પ્રાણી સમાજમાં રહે છે. અને આપણે જ્યારે સમાજ શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપમેળે જ આપણું સુખ અન્યો પર આધારિત બની જતું હોય છે. આમ જોવા જઈએ તો કેટલી બધી બાબતો પર આપણું સુખ આધારિત હોય છે. રાજકારણથી લઈને સમા, રાષ્ટ્રની ઘણી એવી બાબતો હોય છે, જેના પર આપણું સુખ ટકેલું હોય છે. જો કે ઘણી બધી વિટંબણાઓમાંથી આપણું સુખ શોધી કાઢવું અને એ સુખને પામવું એ ઘણી મોટી વાત છે.

આસપાસના માણસોથી ભાગી છૂટવાની વાત આવે ત્યારે હું એટલું જ કહીશ કે, મને આસપાસનો માહોલ, માણસ કે સમાજ જેવી બાબતોમાં ઘણો રસ પડે છે. એટલે વિષમ પરિસ્થિતિઓમાં આસપાસના માણસોથી કંટાળીને એમનાથી દૂર જવાનું કે એમની સાથે છેડો ફાડી નાંખવાનું મન મને ક્યારેય નથી થયું. ઘણીવાર સમાજમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે, જેને કારણે તમે વ્યથિત રહો કે મનમાં કશોક ચચરાટ રહે. પરંતુ એનાથી ભાગી છૂટવાની ઈચ્છા ક્યારેય નથી થઈ.

જીવનમાં મેં સ્વીકારેલા પડકારોની વાત કરું તો, હું પોતે અમદાવાદ સ્થિત નાટ્યકાર છું અને એક સમયે એવી માન્યતા હતી કે, અમદાવાદના નાટકો મુંબઈમાં નહીં ચાલે! પણ મેં એ પડકાર ઝીલ્યો અને હું મારું 'વેલકમ ઝિંદગી' નાટક ત્યાં લઈ ગયો. અમારું નાટક જ્યાં સુધી નહીં ભજવાયુ ત્યાં સુધી અમે ત્યાં અંડરડોગ્સ હતાં. પરંતુ દર્શકોએ નાટકને જે રીતે સ્વીકાર્યું અને તેને જે રીતે બિરદાવ્યું એ અમારા માટે ઘણી ઉત્સાહજનક વાત હતી. જો કે એ નાટકને તૈયાર કરવામાં મારી મહેનત અને નિષ્ઠા પણ સામેલ હતા એટલે મને હતું કે આ નાટક અસરકારક સાબિત થશે. પણ એક માણસ તરીકે મને હંમેશાં એવું લાગ્યું છે કે, આપણે જીવનમાં કેટલાક પડકારો ઝીલીને તેને માત આપવી જોઈએ. સાચું કહું તો પડકારો ઝીલવા એ મારો અંગત શોખ પણ રહ્યો છે.

દુનિયાનો દરેક માણસ દુખનો અહેસાસ કરતો જ હોય છે અને દરેક વ્યક્તિની એક આગવી પીડા હોય છે. એટલે ક્યાંકને ક્યાંક હું પણ દુખી થયો જ હોઉં કે કોઈ પીડા મને પણ પજવતી જ હોય. પરંતુ એમાંથી બહાર નીકળવા માટે નાટક એ અકસીર ઈલાજ છે. કારણ કે જ્યારે પણ હું રિહર્સલની ભૂમિ પર પગ મૂકું ત્યારે મારો બધો ભાર હળવો થઈ જતો હોય છે. હું એમ નથી કહેતો કે મારો એ ભાર સદંતર જતો રહે છે. પરંતુ એટલા સમય પૂરતો મારો ભાર હળવો જરૂર થઈ જાય છે. આ ઉપરાંત હું મુશ્કેલીના સમયમાં વાંચવાનું, સંગીત સાંભળવાનું કે કસરત કરવાનું વધુ પસંદ કરું છું.

દુનિયાના સૌથી સુખી અને દુખી માણસની વાત કરીએ તો, મેં આગળ કહ્યું એમ દુનિયાનો સૌથી સુખી માણસ એ જ છે કે, જે પોતાનું સુખ પામતી વખતે અન્યોને પરેશાન નહીં કરે એમની ઉન્નતિ કરે. આ ઉપરાંત સર્જનનું સુખ પણ ઘણું મોટું હોય છે એટલે હું સર્જકોને પણ સુખી ગણું. કારણ કે કોઈ કવિતા, સાહિત્ય કે નાટક સર્જવું એ ઘણી મોટી વાત છે. અને જે માણસની પાસે જે છે, નો સંતોષ કરવાના બદલે એની જે નથી એનો અસંતોષ કરતો હોય એવો માણસ મારી દૃષ્ટિ દુનિયાનો સૌથી દુખી માણસ છે.

હું મારી જાતને ક્યારેય એ લાયક નથી ગણતો કે, હું કોઈને સલાહ આપી શકું કે કોઈક માર્ગદર્શન આપી શકું પરંતુ આજે આપણે સુખ-દુખ જેવા ગહન વિષયની વાતો કરી રહ્યા છીએ ત્યારે 'khabarchhe.com'ના રિડર્સને એટલું જરૂર કહીશ કે, આપણે વિશ્વના બહુ મોટા તંત્રના ઘણા નાના ભાગ છીએ એટલે જ્યારે આપણે આપણી જાતને એક વિશાળ ફલક પર જોઈશું તો ઘણી બધી બાબતો આપમેળે ઓગળી જશે. તમે જો સમષ્ટિના દુખો, એમની પીડા કે વિટંબણાઓને જોશો એવું આપોઆપ બનશે કે તમને તમારી અંગત પીડાઓ ઘણી નાની લાગવા માંડશે. અને જીવનમાંથી પીડાઓની બાદબાકી થાય એ આનંદની વાત નથી?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.