સાંપ્રતમાં જીવનારો માણસ સૌથી સુખી
સુખ વિશે જ્યારે પણ વિચારું છું ત્યારે લાગે છે કે જીવનમાં કોઈપણ વસ્તુ, જે મન અને હ્રદયને શાંતિ આપે એ જ સુખ છે. મારે માટે સુખ એ હંમેશાં આંતરિક શાંતિનો પર્યાય રહ્યું છે. હું અહીં શાંતિને વિસ્તૃત અર્થમાં જોઉં છું. હું માનું છું કે કોઈપણ માણસ પોતાના સુખ માટે વત્તા ઓછા અંશે બીજા ઉપર અથવા તો કોઈ અન્ય વસ્તુ પર આધારિત હોય જ છે. દા.ત. કોઈ મિત્રોના સંગમાં ખુશ રહે છે, તો ઘણા લોકોને કોઈક વસ્તુ અથવા પ્રવૃત્તિ આનંદ આપે છે. મારી વાત કરું તો પરિવાર સાથે, મિત્રો સાથે સમય પસાર કરવાથી કે ફિલ્મો જોવાથી અને સંગીત સાંભળીને કે સંગીતમાં નવા પ્રયોગો કરતા રહેવાથી હું આનંદિત રહું છું.
જીવનમાં ઘણી વખત એવા લોકો સાથે પણ કામ કરવાનું બને છે, જેઓ પોતાના એક ચહેરા પર અનેક મુખોટા પહેરીને કૃત્રિમ દેખાવ કરતાં હોય છે. તેમજ માણસે-માણસે તેમનો સ્વભાવ અને વર્તન બદલતાં હોય છે. આવા માણસો સાથે પનારો પડે ત્યારે હું ખૂબ જ વ્યથિત અને વિચલિત થઈ જાઉં છું. આ ઉપરાંત મેં ખૂબ જ પરિશ્રમથી સંગીત તૈયાર કર્યું હોય અને જ્યારે સામેવાળી વ્યક્તિ તે ન સમજી શકે ત્યારે પણ થોડું દુખ થાય. જો કે આવા નાના-મોટા ખરાબ અનુભવોથી મને દુનિયા છોડીને ચાલ્યા જવાનું કે થોડા દિવસો માટે પણ એકલા રહેવાનું મન નથી થતું. સાચું કહું તો હું એકલો રહી શકતો જ નથી. મને મારી સાથે કોઈને કોઈ કંપનીની જરૂર પડે જ છે. પછી હું સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતો હોઉં કે પછી હું ફિલ્મ જોવા ગયો હોઉં. માણસોના સહવાસ વિના મને નથી ચાલતું.
જીવનમાં જ્યારે જ્યારે કપરો સમય આવે છે ત્યારે એમાંથી બહાર નીકળવાનો કે એનો સામનો કરવાનો પ્રયાસ હું ક્યારેય કરતો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે, હું ક્યારેય નકામા હવાતિયાં નથી મારતો. જીવનમાં જ્યારે પણ સમસ્યા આવે ત્યારે માત્ર હું એમાંથી પૂરી હિંમત અને આત્મવિશ્વાસ સાથે પસાર થાઉં છું. મને લાગે છે કે સમસ્યાઓ એ જીવનનો એક ભાગ હોય છે, એમાંથી ભાગીને બહાર ના નીકળાય એનો સામનો જ કરાય. છતાંય જ્યારે જીવનમાં ક્યારેક ધારેલું નહીં થાય કે કોઈ દુઃખદાયક ઘટના બને ત્યારે હું મારા નિત્યક્રમમાં ફરી ગૂંથાવા પ્રયાસ કરું છું. જીમ, સંગીત અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જાઉં છું અને જાતને સતત ગમતા કામોમાં ડૂબેલી રાખું છું. મને એમ લાગે છે આપણા દુખમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે, આપણે અન્ય કોઈ બાબતમાં ગૂંચવાયેલા રહેવા કરતા આપણા નિત્યક્રમમાં ગૂંથાઈ જવું જોઈએ.
હું માનું છું કે જીવનમાં અમુક એવી ઘટનાઓ બનતી હોય છે, જે પહેલી વારમાં અરુચિકર લાગે પણ એમાંથી મેળવેલી શીખ આપણને આખી જિંદગી કામ આવતી હોય છે. મારા અનુભવોમાં પણ આવું બન્યું છે. મેં ખૂબ મહેનત કરીને કોઈક સંગીત તૈયાર કર્યું હોય અને અધિકૃત લોકોએ પળવારમાં એને રિજેક્ટ કર્યું હોય. આ પરથી હું શીખ્યો કે એ જરૂરી નથી કે આપણી જે વસ્તુ આપણને ગમતી હોય એ અન્ય લોકોને પણ એટલી જ પસંદ આવે. દરેકની પોતપોતાની પસંદગી હોઈ શકે. હા, પણ જો તમને તમારા સર્જન પર અને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય તો લોકોના પ્રતિભાવોને ધ્યાનમાં લઈને કે એનાથી વ્યથિત થઈને પોતાનું કામ બંધ નહીં કરવું. તમે એક દિવસ ચોક્ક્સ સફળ થશો જ. મને યાદ છે મારું એક ગીત, જેને એક જાણીતા પ્રોડક્શન હાઉસે નાપસંદ કર્યું હતું એ ગીત આગળ જઈને સુપરહીટ થયું હતું.
મારી દૃષ્ટિએ જગતમાં સૌથી સુખી એ જ માણસ છે, જે વર્તમાનમાં જીવી શકે છે અને સાંપ્રતની ઘટનાઓને સ્વીકારીને પોતે જે સમયમાં જીવે છે એનો આનંદ મેળવી શકે. જ્યારે સૌથી દુખી એ માણસ છે, જેનો ‘સુખ નો ક્વોટા’ કદી પૂરો જ નથી થતો અને એ વધુ ને વધુ સુખની આશા રાખીને વર્તમાનમાં જીવવાનું ભૂલી જઈ ભવિષ્ય તરફ તાક્યા કરે છે.
‘Khabarchhe.com’ના વાચકોને મારે એટલું જ કહેવું છે કે, સુખી રહેવા માટે વર્તમાનમાં જીવો અને ઈશ્વરે આ જીવનમાં આપેલી દરેક ક્ષણને ભરપૂર માણો. તમારી આસપાસના દરેક લોકોની કદર-કિંમત કરતાં શીખો, એમને ખુશ રાખવાના પ્રયાસ કરો અને બધે હકારાત્મકતા ફેલાવો. હા, એક બાબતનું વિશેષ ધ્યાન રાખવું કે તમારી કરિયર એ તમારા જીવનનો એક હિસ્સો છે. એ કંઈ જીવન નથી. આવી વિચારસરણી રાખવાથી તમારા કરિયરની નાની-મોટી સમસ્યા તમને વધુ દુખી નહીં કરી શકે.
(શબ્દાંકન- વિકેન જોષી)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર