જે શાતા આપે એ સુખ
સુખને હું ક્ષણિક પરિસ્થિતિ તરીકે મૂલવું છું. કોઈક બાબત જ્યારે આપણને આનંદ આપે અથવા કોઈક વાતને લઈને આપણા મનમાં આનંદની લાગણી પ્રકટ થાય તો એને આપણે સુખ કહેતા હોઈએ છીએ. આપણા માનસિક આનંદને આપણે સુખ માની લેતા હોઈએ છીએ. પણ વાસ્તવમાં સુખને હ્રદય અને શરીર સાથે સંબંધ છે. બીજું એ કે, આપણે ભૌતિક બાબતો સાથે સંકળાયેલી વાતોને સુખ માની બેસતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવિકતા એ નથી. કારણ કે જો આપણા ગજવામાં લાખ રૂપિયા પડેલા હોય અને આપણું હ્રદય ઉચાટ અનુભવતું હોય તો એને આપણે સુખ કહેવું? એટલે જ કહું છું કે, સુખને પૈસા સાથે નહીં પરંતુ સંતોષ કે શાતા સાથે સંબંધ છે.
મારા આનંદની વાત કરું તો, હું તો એક કલાકાર જીવ છું અને નાટકો કરું છું. એટલે મારા આનંદનો સૌથી પહેલો સ્ત્રોત મારો અભિનય છે. એમાંય જ્યારે મારો અભિનય વખણાય છે ત્યારે મારા આનંદમાં વધારો થતો હોય છે. આ ઉપરાંત કોઈક માણસ અથવા અબોલ જીવ પોતાની શરતે જીવતા હોય કે તેઓ લાચારીમાં જીવતા ન હોય તો એ બાબત પણ મને આનંદ આપી જાય છે.
તો મારી વ્યથાની વાત ઉપરના જવાબમાં જ આવી જાય છે. કારણ કે, જો હું કોઈને લાચાર અવસ્થામાં જોઉં તો હું અત્યંત વ્યથા અનુભવું છું. એક માણસની બીજા માણસ સામેની લાચારી, માણસની કુદરત સામેની લાચારી, માણસની શસ્ત્ર સામેની લાચારી કે માણસની ગરીબી સામેની લાચારી મને અંદરથી ખળભળાવી મૂકે છે. કારણ કે આવી લાચારીમાં પેલા માણસની કોઈ ભૂલ જ નથી હોતી, કેટલીક બાબતો બળજબરીપૂર્વક એના પર ઠોકી બેસાડવામાં આવે છે અને એને લાચાર કરવામાં આવે છે. માણસની આવી લાચારીઓ મને ઉંઘવા નથી દેતી અને આવા કિસ્સા મારા જોવા, વાંચવામાં આવે તો હું ખિન્ન થઈ જાઉં છું.
સુખની આધારિતાની વાત આવે છે ત્યારે હું કહીશ કે, માણસનું સુખ બીજાઓ પર આધારિત પણ છે અને આપણું સુખ બીજા પર આધારિત નથી પણ! જો માણસ એમ કહે કે, એનું સુખ બીજા પર આધારિત નથી, તો એના માટે એણે પોતાની જાતને ઘણી ઉંચાઈ પર લઈ જવી પડે છે. કારણ કે, તમે યોગી, મહાત્મા કે અસામન્ય હો તો જ તમે સુખની આધારિતા નકારી શકો. બાકી, જે સામાન્ય છે, જે સમુહમાં જીવે છે, જે એકબીજા સાથે જીવે છે અને જે એકબીજા માટે જીવે છે એવા લોકોનું સુખ ચોક્કસ જ બીજાઓ પર આધારિત હોવાનું.
તમે ઘર સંસાર ધરાવતા હો અને સાંજે નોકરીએથી ઘરે આવો અને જો પત્ની તમારી સાથે ઝગડતી હોય કે બાળકો તમને ટોણાં મારતા હોય, તો એ બાબત તમને ક્યારેય સુખી નહીં કરી શકે. એ જ રીતે ઓફિસમાં પણ બોસ સાથે કામ બાબતે કે પગાર બાબતે તમારી માથાકૂટ થવાની જ છે, ...અને આ ઉપરાંત તો રોજિંદા જીવનની એવી અનેક ઘટમાળ છે, જેને અતિક્રમીને તમે નિજાનંદમાં નથી રહી શકતા. નરસિંહ મહેતાની જેમ દરેક સામાન્ય માણસ 'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ' નથી કહી શકતો. એણે તો સમૂહમાં રહેવાનું જ છે અને એ જીવનમાંથી ઉત્પન્ન થતી વિટંબણાઓનો સામનો કરવાનો જ છે. એટલે જ્યારે જ્યારે સામાન્ય માણસની વાત આવશે ત્યારે હું એમ જ કહીશ કે હા, આપણું સુખ ચોક્કસ જ બીજા પર આધાર રાખે છે!
આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને મને ક્યારેય ભાગી જવાનું મન નથી થયું. હું એને પલાયનવાદ માનું છું. આ તો પોતાની મુશ્કેલ પરિસ્થિતિમાંથી ભાગી છૂટવાનો સૌથી સરળ રસ્તો છે. પણ હું એમાં માનતો નથી. હું સામનો કરવામાં માનું છું અને જે-તે વિષમ પરિસ્થિતિમાં ઈનવોલ્વ થઈને એની ગૂંચ ઉકેલવામાં માનું છું.
મારા જીવનના કપરા સમયની વાત કરું તો હું એ વાત સ્પષ્ટ શબ્દોમાં કબૂલ કરીશ કે, મેં જીવનમાં એવો કોઈ કપરો સમય જોયો નથી. અલબત્ત, ટકી રહેવા માટે મહેનત સતત કરી છે અને સખત કરી છે. પરંતુ એને હું સંઘર્ષ માનતો નથી. અહીં એક વાત જરૂર કહીશ કે, આપણા જીવનના સંઘર્ષ કે કપરા સમયની વ્યાખ્યા પણ આપણે આપણા હિસાબે જ કરી નાંખી છે. જ્યારે આપણું ધારેલું નથી થતું ત્યારે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે, હમણા આપણા જીવનનો કપરો જીવન ચાલે છે! પરંતુ વાસ્તવમાં એવું હોય છે ખરું?
હું જ્યારે પણ દુખી થાઉં છું કે પીડા અનુભવું છું ત્યારે મારા મનને અન્ય કેટલીક સર્જનાત્મક બાબતોમાં પરોવીને મનને બીજી દિશામાં વાળવું એ મારી સૌથી મોટી પ્રાથમિકતા બની જાય છે. અને સૌથી મજાની વાત તો એ છે કે, મારું કામ એવું જોરદાર છે કે, એ કામ કરતી વખતે કેટલાક કલાકો સુધી હું મારી પીડાઓ તો શું મારા આનંદને પણ ભૂલી જતો હોઉં છું. કારણ કે મારું નાટક ચાલતું હોય છે ત્યારે ત્રણ કલાક સુધી મારે મારું પાત્ર ભજવવાનું જ હોય છે અને મારે લોકોને હસાવવાના જ હોય છે. હું જ્યારે નાટક કરતો હોઉં છું ત્યારે આ દુનિયામાં મારી પીડાઓ ભલે રહેતી હોય, પરંતુ અમુક સમય માટે હું કોઈ જુદી જ દુનિયાનો ભાગ બની જતો હોઉં છું. આ તો એક પ્રકારના આશીર્વાદ કે, સાહ્યબી છે, જે બધા માણસોને નથી મળતા!
આ ઉપરાંત હું સમયને પસાર થઈ જવા દેવામાં પણ માનું છું. જીવનમાં દુખ કે પીડાની ઘડી આવે ત્યારે આપણે સૌથી પહેલા મૌન થઈને એ ઘડી કે સમયને પસાર થઈ જવા દેવો જોઈએ. આવે સમયે આપણે મનમાં એક વાત રાખવાની છે કે, જેમ સુખની ઘડી વીતીને આ દુખ આવ્યું છે એમ આ દુખની ઘડી પણ વીતી જ જવાની છે, એ કંઈ આજીવન ટકવાની નથી!
જીવનમાં મને નાટકે ઘણી બધી બાબતો શીખવી છે. આ એક એવું માધ્યમ છે, જ્યાં તમારે જાતજાતની પ્રકૃતિ ધરાવતા લોકો વચ્ચે રહીને તમારું કામ સફળતા પૂર્વક પાર પાડવાનું હોય છે, જે બાબત તમને જીવનમાં ઘણું બધું શીખવી જતી હોય છે. આ ઉપરાંત નાટકે મને કંઈક નોખો દૃષ્ટિકોણ પણ આપ્યો છે, જેના કારણે હું વિવિધ બાબતોને કંઈક અલગ અને અસામાન્ય દૃષ્ટિકોણથી જોતાં શીખ્યો છું.
દુનિયાના સૌથી સુખી અને સૌથી દુખી માણસની વાત આવે છે ત્યારે હું કહીશ કે, જે માણસ પોતાના કામનો સંપૂર્ણ આનંદ લઈ શકે છે એ માણસ દુનિયાનો સૌથી સુખી માણસ છે અને જે માણસ પોતાના કામનો આનંદ નથી લઈ શકતો એ દુનિયાનો સૌથી દુખી માણસ! આપણે એમ માની લેતા હોઈએ છીએ કે, જીવનમાં ઘણો બધો પૈસો મળી જાય એટલે આપણે સુખી કહેવાઈએ. પૈસાથી આપણે કમ્ફર્ટ જરૂર ખરીદી શકીએ છીએ પરંતુ એનાથી અંતરનો આનંદ ખરીદી શકાતો નથી. અને જ્યારે અંતર રાજી ન હોય કે એને સંતોષ નહીં હોય ત્યારે કરોડ રૂપિયા પણ એની સામે પાણી ભરતા હોય છે. એટલે હું તો એમ કહીશ કે, જે માણસ એમ માનતો હોય કે, પૈસાથી સુખ ખરીદી શકાય છે, એ માણસ પણ દુનિયાનો સૌથી દુખી માણસ!
આ લેખનું સમાપન કરતી વખતે મને સુખી થવાની કે આનંદમાં રહેવાની ટિપ્સ આપવાનું કહેવાયું છે. આવા સમયે મને એમ કહેવાનું મન થઈ આવે છે કે, સુખી થવાની સલાહ હું તો શું, મોરારી બાપુ પણ આપી શકવાના નથી! કારણ કે આપણું સુખ આપણે જાતે શોધવાનું હોય છે. જેમ દરેકના જીવન જુદાં હોય છે એમ દરેક માણસની સુખની વ્યાખ્યા પણ અલગ જ હોવાની. એટલે એમાં સલાહ આપવા જેવું કશું નથી. હા, એટલું જરૂર કહીશ કે, આપણું સુખ બીજાને માટે હાનિકારક નહીં નીવડે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અથવા આ વાક્યને એમ પણ કહી શકાય કે, ‘બીજાના નુકશાનમાં ક્યારેય આપણું સુખ ન હોવું જોઈએ.’
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર