જીવનમાં ના કહેવાની સ્વતંત્રતા કેળવો

10 Jan, 2016
12:05 AM

mamta ashok

PC:

મારા માટે મારું સુખ એટલે મારી સ્વતંત્રતા. સ્વતંત્ર વિચાર સાથે જે કરી શકાય અને સારા કામને હા પાડી શકાય કે, કશાય છોછ વિના ખરાબ કામને ના પાડી શકાય તો એ મારા માટે સુખ. તો મારો આનંદ મારા પરિવાર અને મારા કામની આસપાસ વિંટળાયેલો છે. મને મારી જાત સાથે જીવવા મળે અથવા મારા દીકરા સાથે ઉત્તમ સમય ગાળવા મળે તો મને આનંદ મળે. આ ઉપરાંત મને કોઈક સારું પુસ્તક વાંચવા મળે, સામાન્ય કરતા થોડું વધુ ઉંઘવા મળે, બીચ પર નિરાંતે ચાલવા મળે તો મને આનંદ થાય. મેં કોઈ બહુ જ સારી કૃતિ પોતે લખી, ભજવી હોય તો તો મને આનંદ મળે જ પરંતુ બીજા કોઈની ઉત્તમ કૃતિ મને માણવા મળે તો પણ મને ઘણો આનંદ મળે.

આપણું સુખ બીજા ઉપર આધારિત હોવાની શક્યતાને નકારી શકાય એમ નથી. કારણ કે આપણે ઘણી બધી વ્યક્તિઓ અને ઘણી વસ્તુઓની સાથે સંકળાયેલા હોઈએ છીએ એટલે સ્વાભાવિક જ આપણો આનંદ કે આપણું સુખ એ વ્યક્તિઓ કે વસ્તુઓ સાથે સંકળાયેલો હોવાનો. પરંતુ મારા જ એક નાટક 'મીરાં'માં મેં એક વાક્ય લખ્યું છે કે, 'તમારું સુખ બીજી વ્યક્તિ કે વસ્તુઓ પર આધારિત ન રાખો તો તમને લાઈફ ટાઈમ સુખી થવાનો મંત્ર મળી જતો હોય છે.' કારણ કે, એ વ્યક્તિ કે વસ્તુ આપણી પાસેથી છીનવાઈ જાય તો આપણું સુખ પણ છીનવાઈ જતું હોય છે. એટલે એ બાબતે સ્વાલંબી થઈ જવું ઘણું જરૂરી છે.

મારી વ્યથાના કારણો મોટાભાગે મારા કામ સાથે સંકળાયેલા છે. કોઈ કામમાં હું મારા સો ટકા આપું અને બીજી તરફ મારી ટીમના સભ્યો પાસેથી મને યોગ્ય પ્રતિક્રિયા નહીં મળે ત્યારે મને વ્યથા થાય. કોઈનામાં ધગશની કમી જોઉં કે કોઈનામાં કર્તવ્યનિષ્ઠાનો અભાવ જણાય તો એ પણ મને નહીં ગમે. અને કોઈ વ્યક્તિ ખરાબ આશય સાથે સારું કામ કરતી હોય ત્યારે મને સતત ચચરાટ થયાં કરે, જો કોઈક કામમાં અયોગ્ય રીતે ક્રિએટીવ લિબર્ટી લેવામાં આવે તો પણ મને નહીં ગમે. આ ઉપરાંત સારું કામ કરનારી વ્યક્તિને જ્યારે વ્યવસાયિક કારણોસર કે આર્થિક કારણોસર મીડિયોકોર કામ કરતા જોઉં ત્યારે મને એ લોકો માટે દુખ થાય.

જીવનમાં ક્યારેક કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે ઘણી વખત એવું થાય કે, આ બધુ છોડીને, એને ત્યાંનું ત્યાં મૂકીને મારે આગળ વધી જવું છે. જોકે સ્થિતિ કે સંબંધમાંથી ભાગી જવાની મારી એ વૃત્તિ અત્યંત હંગામી હોય છે. કારણ કે આવી બધી લાગણીઓ ઉગ્રતાને કારણે આવતી હોય છે, જે ગુસ્સો શમતા જ ફરી શમી જતી હોય છે. ઘણી વખત સામેની વ્યક્તિ મજબૂરીને કારણે પણ આપણી સાથે વિચિત્ર વર્તન કરી બેસતી હોય છે. એટલે વિકટ પરિસ્થિતિમાંથી ભાગી છૂટવાનું મન થાય છે ખરું પરંતુ એમાંથી ભાગી છૂટ્યા હોઈએ એવું ક્યારેય બન્યું નથી.

મારા જીવનમાં કપરો કાળ જોવાનું ક્યારેય બન્યું નથી. એટલે કે, આપણે જેને સ્ટ્રગલ કહીએ એવું ક્યારેય નથી બન્યું. જીવન ટકાવી રાખવા માટે અત્યંત મથામણ કરવી પડી હોય કે, ખાવાના સાંસા પડી ગયા હોય અથવા કશુંક મેળવવા માટે આજીજીઓ કરવી પડી હોય એવું ક્યારેય બન્યું નથી. એને તો ભગવાનની મહેરબાની જ કહી શકાય! આ ઉપરાંત મને ઘર કે જીવનમાં માણસો પણ ખૂબ સારા મળ્યાં છે. મારું જીવન ખરા અર્થમાં ઘણું સરળ રહ્યું.

જો કોઈ વાતે હું દુખી થાઉં અથવા પીડા અનુભવું તો એમાંથી બહાર આવવા માટે સૌથી પહેલા તો હું શાંત થઈ જાઉં. અને મારી અંદર ચાલતા વલોપાતને શાંત કરીને એમાંથી હું બહાર આવી જાઉં. એક્સ્પ્રેશનની બાબતે હું એમ માનું છું કે, બહુ એક્સપ્રેસ કરવાથી વ્યથા વઘે છે. એટલે મૌન દ્વારા એને અંતરમાં સમાવી લેવાનું જ મને માફક આવે છે.

જીવનમાંથી આપણને હરપળ બોધ મળતો રહેતો હોય છે. જીવનમાંથી હું એટલું શીખી છું કે, જો તમે કોઈ કામ કરવામાં અસમર્થ હો તો તમારે એ બાબતે સ્પષ્ટ ના પાડી દેવી. આવા સમયે, 'જોઈશું' કે 'કદાચ' જેવા શબ્દોનો ઉપયોગ નહીં કરવા અને નકામા કમિટમેન્ટ્સમાં નહીં બંધાવું. કે જેથી પાછળ જઈને મુશ્કેલીઓ ઊભી થાય.

મારા જીવનમાં મેં હંમેશાં વ્યક્તિની આઝાદીને અત્યંત મહત્ત્વ આપ્યું છે એટલે દુનિયાના સૌથી સુખી અને દુખી માણસની વાત આવે છે ત્યારે પણ હું એમ જ કહીશ કે, જે માણસ પાસે પોતાનું ગમતું કરવાની કે એને ગમે એ રીતે જીવવાની સ્વતંત્રતા હોય તો એ માણસ દુનિયાનો સૌથી સુખી માણસ અને જે માણસ પાસે એનું ગમતું કરવાની સ્વતંત્રતા નહીં હોય તો એ માણસ સૌથી દુખી. 'khabarchhe.com'ના રીડર્સને હું એટલું જ કહીશ કે, જીવનમાં હંમેશાં ગુણવત્તાને પ્રાથમિકતા આપતા શીખો. કારણ કે, એ ગુણવત્તા જ આપણને આપણા સુખ કે આનંદ સુધી લઈ જતી હોય છે. સારા લેખકોને વાંચશો, સારી ફિલોસોફી કે કવિતા વાંચશો કે સારા માણસો સાથે જીવશો તો તમે અમસ્તા જ આનંદની મજા લેતા થઈ જશો.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.