સુખ દુઃખ મનમાં ન આણીએ
તમારા માટે સુખની વ્યાખ્યા શું ?
સાર્થ ગૂજરાતી જોડણીકોશ જણાવે છે તેમ ‘સુખ’ એટલે ‘તનમનને ગમે તેવો અનુભવ’. છેવટે, તો સુખ અંત:કરણની વૃત્તિ જ છે. સુખ બહારથી આવતું નથી, તે તો અંદરથી આવે છે.
જીવનમાં કઈ બાબતોમાંથી આનંદ મળે ?
રોચક બાબતોમાંથી આનંદનો સ્ત્રાવ થયા કરે છે. મારે મન આનંદનો આવો સ્ત્રાવ સંગીત વાટે, વાંચન દ્વારા, સારાં માણસોના સંગમાંથી, સંગાથીઓને હળવામળવામાંથી મળતો રહે છે.
સુખ માટે આધારિતતા કેટલી યોગ્ય ? અથવા આપણું સુખ બીજા પર આધારિત હોવું જોઈએ ખરું ?
આ સવાલના હાર્દને છેવટે કોઈક અવલંબન સાથે લગાવ છે. સવાલ સહેલો છે, જવાબ અઘરો છે. પણ જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ સમજાય છે, અનુભવાય છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પર અવંલબિત થવાથી, આધારિત રહેવાથી સુખ આવી મળતું નથી. અને જો સુખ આવે તો તે કાયમી ઠરતું નથી. સુખનાં ય મૂળિયાં ઊંડા હોવાં જરૂરી છે. પેલામાં આશરો મળે તો સુખ આવે તો આવે, તેવો ય ઘાટ બનવા સંભવ.
કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય ?
અસહિષ્ણુપણું. સારાસારની સમજણ કેળવ્યા વિનાનો વહેવાર. સર્વસમાવિષ્ટપણાંનો અભાવ. આટલી બાબતો મારા મનને વ્યથિત કરે.
આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ક્યારેક ?
હા. આ તદ્દન સ્વાભાવિક છે. જેવું સમજાય કે આ મુદ્દો આપણી બરનો નથી; આપણી મર્યાદા બહારનો છે ત્યારે અને પછી હળુ હળુ પોતાના બિંદુ પર સ્થિર થવાનું બનતું ય રહ્યું છે.
તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો ?
આપણી માનવ જમાતને કપરા સમયમાંથી સતત પસાર થવાનું આવે છે. દરેક માણસના નાનામોટા અનુભવો રહેવાના. વિચારને અંતે લીધેલા નિર્ણયો વેળા સગાંસબંધીઓના, સાથી સહોદરોના સાથસહકારનો અભાવ મળે તો ય કપરો સમય ઉદ્દભવે. રોજગારીનો અભાવ હોય તો તેની પીડા આવે. માંદગી પણ આવા સમયમાં આંટોફેરો કરવા લઈ જ જાય છે. પોતાનાં અંગત માણસોનો વિશ્વાસ તૂટે ત્યારે પણ કપરી હાલત આવી નડે છે. અંગત અને સામાજિક તેમ જ જાહેરજીવનમાં આપણું નાવડું આમ હાલકડોલક થયાં જ કરે છે !
આવો સમય કેટલેક અંશે દરેકને સહજ અનુભવવા મળે.
દુ:ખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા તમે શું કરો ?
સંગીતનો પનારો. વાંચનને ખોળે સધિયારો.
અમારી સાથે કોઈ ઘટના અથવા અનુભવ શેર કરશો, જેમાંથી મળેલો બોધ તમને જીવનમાં ખપમાં આવ્યો હોય ?
આપણને દરેકને નાનામોટા અનુભવો થતા રહે છે. મારી વાત કહેવી તે ઘણીબધી રીતે ટૂંકી બની રહેવાની. આથી તેમાં જવાનું ટાળીએ તે જ યોગ્ય લેખું.
તમારા મતે દુનિયા સૌથી સુખી કોણ અને દુ:ખી કોણ ?
તૂંડે તૂંડે જુદો જુદો મત રહેરવાનો. આ સમૂળો સવાલ વ્યક્તિગત ઉદ્દેશ્યનો છે. વસ્તુિનષ્ઠ નથી. સંતોષી રહેવા યત્નશીલ વ્યક્તિ, દુ:ખનો પટ વળોટતા વળોટતા, સુખના ક્ષેત્રમાં પ્રવેશતી હોવાના આપણને અનેક અનુભવ દાખલાઓ જડી આવે.
અમારા વાચકોને સુખી રહેવા માટે કોઈ સલાહ કે ટીપ્સ જેવું કંઈક આપશો ?
“સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં”
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર