કોઈપણ પરિસ્થિતિમાં Positive રહેવું

14 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

'તમને જીવનમાં કઈ બાબતો આનંદ આપે છે?' એ સવાલના જવાબમાં Andy કહે છે કે, આપણાને જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરવા માટે કરવો પડતો પરિશ્રમ અને પોતાને પસંદ હોય એ કામ કરવા માટેની છૂટ મળે તો મને એમાં આનંદ અને સુખ મળે.

આપણું સુખ અન્યો પર આધારિત તો હોય છે પણ લોકોની વચ્ચે ખુશ રહેવું કે નહીં એ બાબત આપણી માનસિકતા અને જે-તે સમયની પરિસ્થિતિ પર પણ આધાર રાખે છે. કારણ કે, ઘણી વખત હું લોકોની વચ્ચે રહીને ખુશ રહું છું તો ઘણીવાર મને એકલા રહેવામાં પણ આનંદ મળે છે. જો કે આ બાબતે મારું માનવું એ પણ છે કે, એકલા રહેવું અને ખુશ રહેવું એ એક આવડત છે.'

પોતાનું મન વ્યથિત કરતી ઘટનાઓને યાદ કરતા તે કહે છે કે, 'એવી તો ઘણી ઘટનાઓ વિશે વાત કરી શકાય જે મારું મન દુભવી જાય છે. મને એક ઘટના યાદ આવે છે, જ્યારે એક ક્ષણ માટે મારી આખી દુનિયા થંભી ગઈ હોય એવો અનુભવ મને થયેલો. મારી માતાને જ્યારે ડૉક્ટરે મૃત જાહેર કરી, ત્યારે ક્ષણેક માટે હું બીજું કશું જ નહોતું વિચારી શક્યો. મારે માટે એ 'Realization'ની ક્ષણો હતી. પણ ઈશ્વરની મહેરબાનીથી પછી આપોઆપ મારી માતાનાં શ્વાસ ચાલું થઈ ગયા અને હવે એ મારી સાથે ખૂબ જ આનંદથી જીવી રહી છે.

દુનિયા કે સંબંધોથી ભાગી છૂટવાની વાત કરીએ તો હું પલાયનવાદી માણસ નથી. અને બીજું એ કે આસપાસના લોકોથી કંટાળવાનો અવસર પણ આજ સુધી ક્યારેય નથી આવ્યો. મને હંમેશાં લોકોની આજુબાજુ રહેવું ગમ્યું છે અને એ ક્ષણો જ મને ખુશ રાખે છે. મારી આસપાસના લોકો સાથે હું ખૂબ જ સ્પષ્ટ અને તટસ્થતાથી વર્તુ છું અને માટે મને લાગે છે કે તેઓ ક્યારેય મારાથી સંકોચ નથી અનુભવતા.

પોતાના જીવનના કપરા સમયને સ્મરીને તે કહે છે કે, 'કપરો સમય પણ મેં બહુ જોયો છે, ખાસ તો 12 વર્ષની ઉંમરે કે જ્યારે દુનિયાની કોઈ ખાસ જાણકારી પણ ન હોય ત્યારે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દેવી એ ઘણું જ અઘરૂં કામ છે. એવા સમયમાં પણ હું મારું ભણતર ચાલું રાખવા માટે કોઈ પણ હદ સુધીની મહેનત કરવા તૈયાર હતો. મેં મારા યુનિવર્સિટીના શિક્ષણ માટે એક જ સમયે ત્રણ નોકરીઓ કરેલી. દિવસમાં હું કેફે અને રેસ્ટોરાંમાં કામ કરતો અને રાત્રે હું નાઈટ ક્લબ ડાન્સર તરીકે નોકરી કરતો. છતાંય મેં એવું ક્યારેય સમજ્યું નહોતું કે આ મારા જીવનનો કપરો સમય છે. મને હંમેશાં ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ Positive રહેતાં આવડ્યું છે અને મને લાગે છે કે આ જ વાત મને ટકાવી ગઈ છે.

પીડામાંથી બહાર આવવાની જ્યારે વાત છે ત્યારે હું કહીશ કે, હું હંમેશાં પીડાઓથી ઘેરાયેલો જ હોઉં છું. અત્યારે પણ હું શારીરિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છું. પણ એવી પરિસ્થિતિઓમાં હું અડગ રહેવા માટે Meditiation કરું છું. અત્યારે પણ હું ધ્યાન કરવાની સાથે અધ્યાત્મ તરફ પણ જઈ રહ્યો છું જેથી અંતરની શાંતિને સાધી શકાય.

જીવનમાં એવી ઘણી ઘટનાઓ છે જે મને ઘણું શીખવી ગઈ છે, આજે જ્યારે એક વિશેષ ઘટનામાંથી મેળવેલ શીખ વિશે તમે પૂછી રહ્યાં છો ને હું મારા 'બિગ બૉસ'ના અનુભવને જ યાદ કરું, ત્યાં એક વસ્તુ હું ખૂબ સારી રીતે શીખ્યો કે કોઈપણ વ્યક્તિ ઉપર એટલી જલદી ભરોસો કરવો નહીં. કોઈની પણ ઉપર વિશ્વાસ કરી લેવો એ મારા સ્વભાવમાં ખૂબ ઊંડું વસી ગયું છે, અને અત્યારે હું એને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યો છું.

દુનિયાના સૌથી સુખી અને દુઃખી લોકો વિશે જ્યારે હું મારા દૃષ્ટિકોણથી વિચારું છું, ત્યારે મને લાગે છે કે પોતાની પાસે જે છે એમાં ખુશ થનારી અને બીજાના સુખને જોઈને સુખી થનારી વ્યક્તિ સૌથી સુખી છે. મને લોકોની આજુબાજુ રહેવું ગમે છે. અને દુખી વ્યક્તિ વિશે હું માનું છું કે આપણા મોટાભાગના સેલિબ્રિટિસ સૌથી દુઃખી હોય છે કારણ કે તેઓ સૌથી એકલા હોય છે.

વાચકોને સુખી થવા માટે હું એક જ ટીપ આપીશ કે જીવનમાં સુખી થવા માટે તમારે જે કરવું હોય તે કરો, પોતાના અંતરનો અવાજ સાંભળો અને પોતાના સુખ માટે બીજા લોકો પર વિશ્વાસ ન કરો.

(શબ્દાંકનઃ વિકેન જોષી)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.