યઝદી હસાવી શકે છે કારણ કે, એ આંસુઓની કિંમત સમજે છે!
સુખ અને દુખ બંને રિલેટિવ ફેક્ટર છે. દરેક માણસની સુખ દુખની વ્યાખ્યા અલાયદી હોવાની. મારા માટે શિક્ષણકાર્ય એ સુખ છે તો કોઈક બીજાને વેપાર કરવો સુખદાયી લાગતો હોય. એટલે જગતમાં સુખની કોઈ એક વ્યાખ્યા નહીં હોય. છતાં હું નમ્રપણે એ માનું છું કે, સુખ અને આનંદ, ખુશી વચ્ચે ઘણો મોટો તફાવત છે. સુખ હંમેશાં મટિરિયાલિસ્ટિક હોય છે, જ્યારે ખુશી માણસની આંતરીક અનુભૂતિ છે. પણ ઘણા લોકો આ બે વચ્ચેનો ભેદ ભૂલી જતાં હોય છે. ફિલ્મો જોવાથી, નાટકો જોવાથી કે ક્યાંક પ્રવાસો કરવાથી તમને સુખ મળશે ખરું, પણ આ બધામાં તમને ખુશી મળશે કે કેમ એની કોઈ ગેરેન્ટી નથી હોતી. તો ક્યારેક કોઈ બાળકને હસતું જોવાથી કે કોઈ વૃદ્ધની પાસે બેસવાથી પણ તમને આંતરિક આનંદ મળી જતો હોય છે. મારા સુખની વ્યાખ્યામાં મારો પરિવાર સૌથી પહેલો છે. કારણ કે, પરિવાર સુખી હોય એટલે તમે આપોઆપ જ સુખી થવાના.
મારા આનંદની વાત કરું તો, નાટક કરતી વખતે મને ખૂબ આનંદ મળે. આ ઉપરાંત મારા વર્ગખંડમાં હું લેક્ચર આપું ત્યારે, મારા વિદ્યાર્થીઓના ચહેરા પર જે સંતોષ જોઉં છું એમાંથી પણ મને ઘણો આનંદ મળે. હું સુરત પારસી પંચાયતનો ટ્રસ્ટી છું, એટલે હું નિયમિતપણે ઘરડાઘરો કે હોસ્પિટલ્સની વિઝિટ લઉં છું. આવા સમયે હું વૃદ્ધો અને દર્દીઓ સાથે મજાક કરું છું. મારી મજાકને કારણે એમના ચહેરા પર જે આનંદની લાલિમા પથરાયેલી જોઉં ત્યારે પણ મને અત્યંત આનંદ આવે છે. મારો આનંદ બસ આવી નાની નાની વાતો પૂરતો જ સીમિત છે.
સુખની આધારિતાની વાત કરીએ ત્યારે જો માત્ર સુખની વાત આવતી હોય તો આપણું સુખ ચોક્કસ જ બીજા પર આધારિત હોવાનું. આપણે આપણી નાનીનાની જરૂરિયાતો માટે બીજા પર આધારિત હોઈએ જ છીએ, પણ જો આનંદની વાત આવે તો આપણો આનંદ ક્યારેય કોઈના પર આધારિત નથી હોતો. આનંદ મેળવવાની જો તમારી તત્પરતા હોય તો તમે બિમાર હો તો પણ આનંદમાં રહી શકો છો. આનંદ કોઈ પણ પરિસ્થિતિમાંથી મેળવી શકાય છે!
આસપાસના સંબંધો કે, માણસોથી કંટાળીને મને ક્યારેય કયાંક ભાગી જવાનું મન નથી થયું. મારી જો ક્યાંક ભૂલ થઈ હોય તો હું હંમેશાં એ ભૂલ સ્વીકારવા તત્પર રહું છું. ક્યારેક કોઈ કારણસર મારે મારા ઘરના બચ્ચાઓને ધમકાવવાનું થયું હોય કે, ક્યારેક મારે મારા ક્લાસમાં પણ કોઈ વિદ્યાર્થીને ધમકાવવાનું થયું હોય તો બીજા દિવસે હું એ બચ્ચાઓ સાથે ક્યારે વાત કરું કે, ક્યારે હું એમના ચહેરા પર ખુશી લાવું એ મારી પ્રાથમિકતા બની જાય છે. મારી ફોર્મ્યુલા એક જ છે કે, પોતે ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખો. એટલે જીવનમાં હું ક્યારેય નાના-મોટા ખટરાગોને બહું મહત્ત્વ નથી આપતો.
મારા જીવનના કપરા સમયની વાત કરું તો, મારા જીવનનો સૌથી પહેલો કપરો સમય એટલે મારા પિતાનું અવસાન! 54 વર્ષની વયે મહેર લઘુલિપિનું ઈનવેન્શન કરતા કરતા તેઓ અચાનક અવસાન પામેલા. એ લિપિની શોધ માટે તેઓ રાતોની રાતો ઉજાગરા કરતા અને સવારે વળી પોતાના ક્લાસમાં હાજર થઈ જતાં! એવામાં એમનું અચાનક અવસાન થઈ જતાં મારે ઘણી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડેલો. તમારા પિતાની દુકાન કે વ્યવસાય તમારે સંભાળવાનો હોય તો એમાં બહું વાંધો નહીં આવે. પરંતુ મારે તો પિતાના ક્લાસિસ સંભાળવાના હતા, અનેક વિદ્યાર્થીઓ અને સિનિયર શિક્ષકોના ચહેરા ફેસ કરવાના હતા અને એમની સાથે કામ પાર પાડવાનું હતું. જોકે તમારી વિકટ પરિસ્થિતિઓમાં તમારો ભગવાન તમારી ખાસ દરકાર રાખતો હોય છે, એટલે ધીમે ધીમે બધું થાળે પડવા માંડ્યું અને હું મારા જીવનમાં ગોઠવાતો ગયો. કારણ કે એ સમયમાં મારા સિનિયર શિક્ષકો, મારા વિદ્યાર્થીઓ, મારા ભાઈઓ, મારી પત્ની અને બાળકોએ મારી પડખે રહીને મારામાં આત્મવિશ્વાસ પેદા કર્યો.
જો ક્યારેક હું ડાઉન ફીલ કરું અથવા કોઈક વાતે મને પીડા થાય તો, મારી એ પીડામાંથી બહાર નીકળવા માટે હું એકાંતમાં ચાલી જાઉં છું અને મારા ઈશ્વરને યાદ કરું છું. મારા માટે મારું એકાંત સૌથી મહત્ત્વનું છે. આ ઉપરાંત આવા સમયે મને સ્વિમિંગ કરવાનું પણ ઘણું ગમે છે. હું માનું છું કે આપણું દુખ કે આપણી પીડાઓ બહું જ હંગામી હોય છે. આપણા જીવનમાં એમનું અસ્તિત્વ ઝાઝું ટકતું નથી.
આપણું જીવન ડગલેને પગલે આપણને કંઈને કંઈ શીખવતું રહેતું હોય છે. એટલે કોઈ એક જ ઘટના કે અનુભવ આપણને જીવનભરનો બોધ આપતી નથી. પણ તોય આજે હું એક કિસ્સો ખાસ યાદ કરવાનું પસંદ કરીશ. હું નાનો હતો ત્યારે મારી સ્કૂલનો ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ હતો. હું જે સ્કૂલમાં ભણતો એ જ સ્કૂલમાં મારા પિતા પણ ભણતા એટલે એમણે સ્કૂલના ફંક્શન માટે એક હાસ્ય નાટક તૈયાર કરેલું. વર્ષ 1952ની એ વાત અને નાટક ભજવાવાનું હતું એના એક દિવસ પહેલા નાટકની નાયિકાનું પાત્ર ભજવતો છોકરો બીમાર પડી ગયો. એક રીતે તો એ છોકરો જ નાટકનું મુખ્ય પાત્ર હતું એટલે બધા વડીલોએ નાટકને પડતું મૂકવાનું નક્કી કર્યું. પણ મારા પિતા કહે, 'ગોલ્ડન જ્યુબિલી માટે તૈયાર થયેલી તમામ કૃતિઓમાં સૌથી હળવું અને મજાનું નાટક તો આ જ છે. એને તો પડતું નહીં જ મૂકાય.' આ કારણે નાટકનું સ્ત્રીનું એ પાત્ર ભજવવા માટે મને તૈયાર કરવામાં આવ્યો.
ત્યારે મારી ઉંમર બારેક વર્ષની હશે અને નાટકના રિહર્સલ્સ જોવા હું નિયમિત જતો એટલે મને નાટકના સંવાદ તો યાદ હતા. પરંતુ મારાથી કેમેય કરીને સ્ત્રીના પાત્રમાં પ્રવેશ કરી શકાય નહીં. સંવાદોમાં, 'હું આવી'ની જગ્યાએ 'હું આવ્યો' એવું જ બોલાય જાય! પણ એ રાત્રે મેં ખૂબ મહેનત કરેલી. બીજા દિવસે શૉ ઘણો સરસ રીતે ભજવાયો અને મારા અભિનયના ખૂબ વખાણ થયાં. એવામાં ગ્રીનરૂમમાં એક સ્ત્રી મને મળવા આવી અને એણે મારા માથે હાથ મૂકીને કહ્યું કે, 'દીકરા તે મને આજે ખૂબ હસાવી. હજુ થોડા દિવસો પહેલા જ એક અકસ્માતમાં મારા પતિનું અવસાન થયું અને એના કારણે હું આ કાર્યક્રમમાં આવવાની પણ ન હતી. પરંતુ મારા પતિ આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને એમને આ કાર્યક્રમમાં આવવની ખૂબ ઈચ્છા હતી. અહીં આવવાના મહિના પહેલા તો એમણે એમની બેગ પણ તૈયાર કરી રાખી હતી, પણ અવસાનને કારણે એમની ઈચ્છા અધૂરી રહી. પરંતુ હું અહીં આવીશ તો એમના આત્માને શાંતિ મળશે એમ વિચારીને હું અહીં આવી છું. આમ તો હું બહું દુખી હતી, પરંતુ આજે તારો અભિનય જોઈને હું ઘણા દિવસે ખડખડાટ હસી પડી! દીકરા, તું સદા હસતો રહેજે અને બીજાને હસાવતો રહેજે!'
પેલી સ્ત્રીના આ શબ્દો મને ખૂબ સ્પર્શી ગયા અને મેં ત્યારે જ નક્કી કર્યું કે, જો ભગવાન ભવિષ્યમાં મારી પાસે નાટક કરાવશે તો હું હંમેશાં કોમેડી નાટકો જ કરીશ! અને બસ, ત્યારથી સદા હસતા રહેવું અને બીજાને હસાવતા રહેવું એ મારા જીવનનો મંત્ર બની ગયો છે. જ્યારે તમે ખુશ હો છો ત્યારે તમે ભગવાનની નજદીક જાઓ છો, પણ જ્યારે તમે બીજાને ખુશ કરો છો, ત્યારે ભગવાન તમારી નજીક આવે છે, એવું હું નમ્રપણે માનું છું.
દુનિયાના સૌથી સુખી અને દુખી માણસની વાત આવે છે ત્યારે હું કહીશ કે, જેની પાસે પુસ્કળ ધન હોવા છતાં તેને સંતોષ ન હોય તો એ માણસ દુનિયાનો સૌથી દુખી માણસ. અને જે માણસ નિર્ધન છે, પણ છતાંય તેના ચહેરા પર સંતોષની લાગણી હોય તો એ દુનિયાનો સૌથી સુખી માણસ! જતાં જતાં 'khabarchhe.com'ના વાચકોને હું એક સલાહ આપીશ કે, જીવનમાં હંમેશાં હસતા રહો. દિવસમાં જો તમે એક પણ સેકન્ડ નથી હસતા તો જીવનમાં તમે અમૂલ્ય તક ગુમાવો છો. આપણા જીવનમાં હાસ્યનું સ્થાન સર્વોપરી હોવું જોઈએ. છેલ્લે મને રાજ કપૂરની ફિલ્મની પેલું ગીત યાદ આવે છે,
'કીસી કી મુસ્કુરાહટો પે હો નિસાર,
કીસી કા દર્દ મિલ શકે તો લે ઉધાર,
કિસ કે વાસ્તે હો તેરે દિલમેં પ્યાર,
જીના ઈસી કા નામ હૈ.'
હાસ્ય અને પ્રેમની બાબતે આપણે આપણા પૂરતા જ સીમિત નહીં રહીને બીજાઓ સુધી પણ આપણો પ્રેમ વિસ્તારીએ અને સૌ ભેગા મળીને આનંદથી જીવન વીતાવીએ એ જ મારી તો ઈચ્છા.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર