મારા સુખ બાબતે હું ઘણો સ્વાર્થી છું

16 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

મારા સુખ-દુખની વાતની શરૂઆત હું મારા સુખ અથવા મારી ખુશીથી કરીશ. ખુશ રહેવા માટે મારે ક્યારેય પ્રયત્નો નથી કરવા પડતા. આખો દિવસ ખુશ રહેવું એ મારે માટે સહજ છે. જોકે આ પાછળ મારી કેટલીક વૃત્તિઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એમાં સૌથી પહેલી બાબત તો એ છે કે, મારો સ્વભાવ ફરીયાદી નથી. હું નથી તો સંબંધો વિશે ફરીયાદ કરતો કે નથી તો હું ક્યારેય પૈસા કે જીવનની કોઈ વિટંબણાઓ વિશે ફરિયાદ કરતો. મારા સુખની બાબતે હું 'દહાડિયા' જેવો છું. સાંજના છેડે હું બધો હિસાબ ચૂકતે કરી દેવામાં માનું છું. સામાન્ય રીતે તો હું કોઈની સાથે ઝગડતો નથી પરંતુ જો ભૂલમાંય કોઈની સાથે મતભેદ જેવું કંઈક થઈ જાય તો હું સાંજ સુધીમાં એ મેટરને ક્લિયર કરી દઉં છું. ચંદ્રકાન્ત બક્ષીને હું મળતો ત્યારે તેઓ મને કહેતા કે, 'never postpone happiness'. પહેલા તો મને આ વાક્ય એક સુવાક્ય માત્ર લાગતું પરંતુ હું જેમ એને અમલમાં મૂકતો ગયો એમ મને આ વાતનું મુલ્ય સમજાતું ગયું.

બીજી બાબત એ કે, હું બહુ પ્લાનિંગનો માણસ નથી. મારા માતા-પિતા અને મારી પત્નીને પણ ક્યારેક મારા સ્વભાવના આ લક્ષણ માટે ચિંતા થઈ આવે છે. કારણ કે હું ક્યારેય મારી આર્થિક બાબતોનું પ્લાનિંગ કરતો નથી. અલબત્ત હાલને તબક્કે ભૌતિક બાબતોની દૃષ્ટિએ હું ઘણો સુખી છું પરંતુ આવતી કાલને સિક્યોર કરવા માટે હું ક્યારેય ઈન્વેસ્ટમેન્ટ કે અન્ય આયોજનો નહીં કરતો નથી. આ પાછળ મારું લોજિક એવું છે કે મારા ભવિષ્યની ચિંતા જો હું જ કરીશ તો ઉપરવાળો શું કરશે? મારા માટે તો મારા વર્તમાનમાં જીવવું મહત્ત્વનું છે અને વર્તમાનને માણવો એ જ મારી પ્રાયોરીટી છે.

હું મારા સુખની બાબતે ઘણો સ્વાર્થી છું. હું કોઈ પણ બાબતમાંથી મારો આનંદ શોધી જ લઉં છું. આનંદ ક્યાંથી અથવા કઈ રીતે મેળવવો એ બાબત આપણા પર અધાર રાખે છે. હું ભણતો ત્યારે જ્યારે મારા મિત્રને મળવા જતો ત્યારે હું એસટી બસમાં વડોદરા સુધી ઊભો ઊભો જતો. મને તો ત્યારે પણ ઘણો આનંદ આવતો અને હવે હું મારી કારમાં કે ફ્લાઈટમાં ફરું છું ત્યારે પણ મને પહેલા જેટલો જ આનંદ મળે છે. આ ઉપરાંત મને વાંચવાનો ભરપૂર શોખ છે એટલે પુસ્તકો મને ઘણો આનંદ આપે. મને જો કોઈ પુસ્તક, એક છલોછલ ભરેલો કૉફીનો મગ અને મારું એકાંત મળી જાય તો મારા આનંદનો પાર ન રહે. વળી, છેલ્લા પાંચેક વર્ષોથી મને એક નવો ચસ્કો લાગ્યો છે અને એ છે મારા વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનો અને એમની સાથે રહેવાનો. હું વિદ્યાર્થીઓને ફોટોગ્રાફી અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન ભણાવું છું. વિદ્યાર્થીઓ સાથે રહીને, એમના નાના-નાના પ્રશ્નો સાથે ડીલ કરીને હું પણ રોજ કંઈકને કંઈક શીખતો રહું છું. કોલેજમાં મારો લેક્ચર હોય કે નહીં હોય પરંતુ હું ત્યાં રોજ એક આંટો મારી જ આવું. કારણ કે એમનો સહવાસ મને ગમે છે. મારે ત્યાં સત્તરથી વીસ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ આવે અને એ બધા સાથે હું એટલો બધો ઓતપ્રોત થઈ જાઉં છું કે, કોઈક વાર તો હું ભૂલી જાઉં છું કે, હું અહીં ફેકલ્ટી છું, વિદ્યાર્થી નથી!

અન્યો પર આપણા સુખના આધારની વાત આવે ત્યારે હું કહીશ કે બીજી કોઈ વ્યક્તિ ક્યારેય આપણું સુખ નક્કી નહીં કરી શકે. અને હું તો નાનપણથી રિઝર્વડ પ્રકારનો માણસ છું. મને ઘણા લોકોની વચ્ચે રહેવાનું બહુ ગમે નહીં. ઘણા લોકો ભેગા થાય તો હું મૂંઝવણમાં મૂકાઈ જાઉં. એટલે મારું સુખ તો અન્યો પણ આધારિત નથી જ નથી. મારા સુખ માટે હું એકલો જ જવાબદાર છું.

મારી વ્યથા કે પીડાની વાત કરું તો, જ્યારે કોઈકને મદદ કરવાની મારી ઈચ્છા હોવા છતાં જો હું તેને મદદ નહીં કરી શકું તો હું બહુ દુખી થઈ જાઉં. મારો દીકરો તથાગત મૂળે મ્યુઝિકનો માણસ છે એને ભણવાનું ક્યારેય ગમ્યું જ નથી. એ સખત મૂડી અને અલગારી સ્વભાવનો માણસ છે અને એને જ્યારે હું ઈકોનોમિક્સ કે સાયકોલોજીના થોથાં લઈને બેસેલો જોઉં ત્યારે મને ભારે દુખ થઈ આવે કે, 'આ માણસ આ પળોજણમાંથી ક્યારે બહાર નીકળશે?' પરંતુ ત્યારે મારી પાસે માત્ર જીવ બાળીને બેસી રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. કારણ કે, હું તો એની જગ્યાએ જઈને પરીક્ષા આપી શકવાનો ન હતો ને? એ જ રીતે મારા વિદ્યાર્થીઓના કેટલાક નાના-નાના પ્રશ્નો જોઈને પણ હું વ્યથિત થાઉં. અલબત્ત, મને એ ખબર હોય છે કે, મારા વિદ્યાર્થીઓના આ પ્રશ્નો આસાનીથી સોલ્વ થઈ જશે પરંતુ તોય હું એમને દુખી થતાં નહીં જોઈ શકું.

હું નિયમિત રીતે એકલો ઘરડાઘરમાં જતો હોઉં છું ત્યારે હું બહુ વ્યથિત થાઉં. કોઈનાય માતા-પિતાએ અહીંયા આ રીતે કેમ રહેવું પડે છે? જેમણે આપણને જિંદગી આપી એ લોકો એમના પાછલા વર્ષોમાં આપણી હૂંફના પણ હકદાર નથી? આ પીડાને કારણે જ હું મારા માતા-પિતાને એક ક્ષણ માટે પણ દુખી જોઈ શકતો નથી. મને મારા માતા-પિતા સાથે વૈચારિક મતભેદ જરૂર હશે પરંતુ હું એમને દુખી તો નહીં જ થવા દઉં. ત્યારે મને થાય કે, મારા કરતા સદ્ધર અને બધી રીતે પહોંચી શકે એવા લોકોના માતા-પિતાએ કેમ આવું ભોગવવું પડે?

આ તો થઈ મારી પીડાન વાત. પણ હું પીડા કે ઉદાસી જેવી બાબતોને લાંબાં સમય સુધી મારી ઉપર સવાર થવા દેતો નથી. હું જ્યારે પણ એવી કોઈ લાગણી અનુભવુ તો હું મોટાભાગે એકલા રહેવાનું અને વાંચવાનું વધુ પસંદ કરું છું. અશ્વિની ભટ્ટ મારા પ્રિય લેખક છે અને આવી પળોમાં હું એમની નવલકથાઓ વાંચવાનું વધુ પસંદ કરું. આ ઉપરાંત હું તારક મહેતાના પુસ્તકો પણ વાચું. આવી ક્ષણોમાં મને ચંદ્રકાન્ત બક્ષીની નવલકથાઓ પણ વાંચવાનું બહુ ગમે કારણ કે, બક્ષીની વાર્તાઓમાં કથા કરતા મહત્ત્વનો હોય છે એમનો બહેલાવ. વાર્તામાં બક્ષી જે ફિલોસોફીનું ગૂંથણ કરે એ વાતો મને મારી પીડામાંથી બહાર આવવામાં ઘણી મદદ કરે. ઓશોના શબ્દો પણ મને આવી ક્ષણોમાં ઘણા ખપમાં આવે.

આસપાસના સંબંધોથી ભાગી છૂટવાની વાત આવે છે ત્યારે હું એમ કહીશ કે, મને સંબંધોથી ભાગી છૂટવાનું મન ક્યારે નથી થયું. પરંતુ બીજું સત્ય એ પણ છે કે, હું ટોળાનો માણસ નથી. મેં મારી ડૅન બનાવી છે, જ્યાં હું મારી એકલતાને બહુ સારી રીતે માણી શકું છું. મારા સ્ટુડિયોમાં હું કામ કરતો હોઉં ત્યારે પણ હું ભાગ્યે જ કોઈને મળતો હોઉં છું. મને મારી જ કંપની માણવાનું વધુ ગમે છે. આ ઉપરાંત સંબંધોથી ભાગી છૂટવાનું મન મને એટલે પણ નથી થતું કે, હું દરેક સંબંધમાં ચોક્કસ અંતર રાખુ છું. મેં અનેક લોકોને જોયા છે, જેઓ કળણમાં ખૂંપેલા હોય એમ સંબંધોમાં ખૂંપી જાય છે અને પછી એમને ગૂંગળામણ થવા માંડે. યુ નો? એક્ચ્યુઅલી, આવા સમયે મને મારા કેમેરાનો એક ભૌતિક સિદ્ધાંત બહુ કામ લાગે છેઃ 'સબ્જેક્ટથી અમુક ડિસ્ટન્સ જાળવો તો જ એ ફોકસ થઈ શકે. નહીંતર ઈમેજ બ્લર થઈ જાય!' બિલકુલ આ જ સિદ્ધાંત સંબંધોની બાબતે પણ લાગુ પડે છે, સંબંધોમાં જો તમે અમુક અંતર જાળવો તો જ એ તમને મીઠો લાગે અને તો જ તમે એની મજા પણ માણી શકો.

જીવનમાં કપરા સમયનો તો મેં ઘણી વાર સામનો કર્યો છે અને હું એમાંથી ઘણું શીખ્યો પણ છું. પરંતુ મારા સ્વભાવની એક સારી બાબત એ છે કે હું ઘટના ભૂલી જાઉં છું અને બોધ મને યાદ રહી જાય છે. એટલે કપરાકાળના કિસ્સા મારે પણ યાદ કરવા હોય તો થોડો સમય મગજ ઘસવું પડે!

દુનિયાના સૌથી સુખી અને દુખી માણસની વાત કરું તો મારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ એ છે, જે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના જીવતો હોય. આ ઉપરાંત છેલ્લા દસ વર્ષના મારા અનુભવ પરથી કહું તો, જે માણસ તમામ પ્રકારની પરિસ્થિતિનો પૂર્ણ સ્વીકાર કરીને જીવતો હોય એ માણસ પણ ઘણો સુખી હોય છે. જ્યાં સ્વીકાર હોય ત્યાં હાર નથી હોતી. અને આગળની જ બે બાબતોને અવળી કરીએ તો જે માણસ અઢળક અપેક્ષાઓ સાથે જીવતો હોય અથવા તે પરિસ્થિતિનો સ્વીકાર નથી કરી શકતો એ માણસ દુનિયાનો સૌથી દુખી માણસ છે.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.