સુખ અને દુખ તો ભાડૂત કહેવાય, એ તો આવે અને જાય
સુખ અને દુખ વચ્ચે પાતળી ભેદ રેખા છે. આજે ગરીબ માણસ વધુ ગરીબ બની રહ્યો છે. અમીર માણસ વધુ અમીર બની રહ્યો છે. બીજાની તકલીફોમાં સહભાગી બનવાને બદલે લોકો એકબીજાથી દૂર ભાગી રહ્યા છે.પાડોશી સાથે સારો વ્યાવહાર કરવાની કોઈને દરકાર નથી. કોઈ રસ્તામાં પડી ગયું હોય તો તેનો હાથ ઝાલવા લોકો આગળ આવશે નહી. કોઈ વિકલાંગ કે મહિલાને રેલવેના ડબ્બામાં બેસવાની જગ્યા આપવાની તસ્દી નહીં લેવા જેવી લાગણી શૂન્યતા આજના માનવીને ગ્રસી જઈ રહી છે.
ઈસ્લામમાં જણાવ્યા અનુસાર, મનુષ્યો પોતાના કુકર્મો માટે સ્વયં જવાબદાર છે. કારણ કે કર્મ કરવા કે ન કરવાનો નિર્ણય ઈશ્વર એમને જાતે જ લેવા દે છે. એમના કુકર્મો વિશે ઈશ્વરને પહેલેથી જ ખબર હોય છે. ઈસ્લામમાં આગળ કહેવાયું છે કે જમણા હાથથી કોઈને કંઈ આપો તો ડાબા હાથને ખબર પડવી જોઈએ નહીં. જે કાર્ય કરવાથી દિલને સુકુન મળે તે કરવાથી આનંદ મળે છે. જો કોઈ વખત કરવા જેવું કામ નહીં થયું હોય તો દિલમાં કશું અધુરૂં રહી ગયું હોવાની વેદના થાય છે. પછી બાકી રહેલા કાર્યને પૂર્ણ કરો તો પરમ સંતોષ મળે છે, રૂહાની આનંદ મળે છે.
દયા અને કરૂણામાં તફાવત છે. તમે શિયાળાની રાત્રે તમારી કારમાં બેસીને જતા હો અને ફૂટપાથ પર કોઈ ગરીબ કડકડતી ઠંડીમાં ધ્રૂજતો હોય અને ગાડીમાં બેઠાં બેઠાં તમે વિચાર કરો કે પેલો ગરીબ ઠંડીમાં કેવો ધ્રૂજે છે? તો એ દયા છે. પરંતુ દયા જ્યારે ક્રિયાનું રૂપ ધારણ કરે અને તમે ગાડી ઊભી રાખીને તમારી શાલ એ ગરીબને ઓઢાડી દો ત્યારે દયા કરૂણા બની જાય છે. ત્યારે દિલ એમ કહે કે આ લાચારને મદદ કરવી જોઈએ અને મદદ કરો તો એના થકી મળતું સુકુન ખરો આનંદ છે. બાકી દુનિયામાં મિથ્યા તત્વો તો ઘણા છે. આધારને "ઝરીયો" કહેવાય છે. માનવી પરસ્પરના આધાર પર ટકેલો છે પણ એક માત્ર આધાર એ તો અલ્લાહનો હોય છે. અલ્લાહની મરજી વગર કશું પણ નથી. આપણે પોતે જ આપણા સુખને પામી શકીએ છીએ.
મારા લગ્ન થયા એ પળ પરમ આનંદ હતી. કારણ કે એ દિવસે હું મારી એકલતાને નષ્ટ કરી શક્યો હતો. માણસના એકલવાયાપણાને દૂર કરનારી ઘટના એ લગ્ન છે. લગ્ન કરતાં બીજું કોઈ પણ બંધન માણસની એકલતાને દૂર કરી આનંદ આપી શકે એમ નથી.
હું માનું છું કે, કર્મથી ભાગ્ય, ભાગ્યથી કર્મ અને કર્મથી સુખ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ભાગ્યને બદલવા ત્રણ વસ્તુ જરૂરી હોય છે આસ્થા, વિશ્વાસ અને ઈચ્છાશક્તિ. કિસ્મતને બદલવું તે આપણા વિચારોને બદલવા સમાન છે માણસને જે કંઈ પ્રાપ્ત થાય છે તેના માટે તે પોતે જ જવાબદાર હોય છે. જીવનમાં પ્રાપ્ત દરેક વસ્તુ તેની પોતાની જ કમાણી છે. આપણે મોટાભાગે વ્યક્તિગત અસફળતાઓને ભાગ્યના માથે નાખીએ છીએ. માણસ સાથે કંઈ પણ થાય તો તેનો એક જ જવાબ હોય છે, 'મારી તો કિસ્મત જ ફૂટેલી છે.' આપણે પોતાના કર્મોથી જ ભાગ્યને બનાવીએ કે બગાડીએ છીએ. ભાગ્ય ક્યારેય એક જેવું નથી હોતું. આપણે આજીવન સુખની પાછળ દોડીએ છીએ, પણ સુખની પાછળ ભાગવા કરતાં મહત્ત્વનું એ છે કે સુખને તમારી પાછળ ભાગવા દો, જીવનમાં આવો અભિગમ કેળવીશું તો દુ:ખ આપોઆપ ભાગી જશે.
બીજાની તકલીફ જોઈને દિલ હરકતમાં ન આવે તે વાત મને ખૂબ દુ:ખી કરી જાય છે. સુખ અને દુઃખ વિશેના આપણા ખ્યાલો કેવા પલટાઓ લેતા હોય છે, પરિસ્થિતિ તેમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. માનવીનું મન કેવું અકળ હોય છે, એ સમજવા માટે મુલ્લા નસરુદ્દીનની વાર્તા સમજવી પડે. આ વાર્તા પરથી મને એ બોધ મળ્યો છે કે, સુખની વ્યાખ્યા માત્ર માણસ પર નિર્ભર છે. આ વ્યાખ્યા દરેક માણસે જુદી હોવાની જ.
એક વાર મુલ્લા નસરુદ્દીને એક માણસને રસ્તાની બાજુમાં નિરાશ થઈને બેઠેલો જોયો. મુલ્લા તેની પાસે ગયા અને પૂછપરછ કરી. પેલા માણસે ગંભીર ચહેરે મુલ્લા સામે જોયું અને કહ્યું, ‘ભાઈ, આ જીવન માત્ર એક બોજો છે. મારી પાસે પૂરતા પૈસા છે, પરંતુ જીવનમાં મને ક્યાંય સુખ દેખાતું નથી. કોઈ વાતમાં મને રસ પડતો નથી. પ્રવાસે નીકળ્યો છું, એટલા માટે કે, કદાચ મને રસ પડે. પરંતુ હજુ સુધી મને રસ પડે એવું કશું દેખાતું નથી.’ પ્રવાસીની વાત સાંભળ્યા બાદ કશું જ બોલ્યા વિના મુલ્લા નસરુદ્દીને તે પ્રવાસીની બાજુમાં પડેલો તેનો થેલો ઉપાડીને દોડવા માંડ્યું. રસ્તો તેમનો જાણીતો હતો એટલે સસલા જેવી ઝડપે દોડીને મુલ્લા થોડી વારમાં તો ક્યાંના ક્યાં નીકળી ગયા. ખૂબ દૂર જઈને રસ્તાના એક વળાંક પાસે મુલ્લા અટક્યા. પેલો થેલો રસ્તા ઉપર મૂક્યો અને પોતે બાજુમાં કોઈક આડશ પાછળ સંતાઈ ગયા.
થોડી વાર પછી પેલો પ્રવાસી દોડતો પાછળ આવી પહોંચ્યો. સસલા પાછળ દોડતા કૂતરાની જેમ એ દોડતો હતો. થાકી ગયો હતો. હાંફતો હતો. પણ દૂરથી રસ્તા પર પડેલો પોતાનો થેલો જોતાં જ તે આનંદથી ઊછળી પડ્યો. ચિચિયારીઓ કરવા લાગ્યો અને થેલા પાસે પહોંચવા માટે વધારે ઝડપથી દોડવા લાગ્યો. આડાશ પાછળ છુપાઈ રહેલા મુલ્લાના હોઠ પર સ્મિત આવી ગયું, હવે એને સુખ દેખાયું! આ નાનકડી કથા માનવીના મનની ઘણી અટપટી અને ઊંડી વાતો રજૂ કરે છે.
એટલે જ હું માનું છું કે, સુખ અને દુખ આપણા પોતાના માનસિક વલણ ઉપર આધારિત હોય છે કે એમાંથી જ જન્મે છે. એટલું જ નહીં, કોઈક વસ્તુનું હોવું અને ન હોવું એ આપણા સુખ અને દુઃખની બાબતમાં બહુ મોટો ભાગ ભજવે છે. અરે, આપણું માનસિક વલણ સુદ્ધાં ફેરવી નાખે છે. જે વસ્તુ આપણી પાસે હોય છે – જે સુખ આપણને પ્રાપ્ત હોય છે – તેનો અભાવ જ્યાં સુધી ઊભો નથી થતો ત્યાં સુધી તેની કિંમત આપણને સમજાતી નથી. પ્રવાસી પાસે ઘણા પૈસા હતા, પણ એમાં એને કોઈ સુખ દેખાતું નહોતું. પરંતુ મુલ્લા જેવા એનો થેલો લઈને ભાગ્યા કે તરત જ એને તેની કિંમતની ખબર પડી. પોતે પ્રવાસમાં હતો, એકલો હતો, પરદેશમાં હતો. થેલામાં રહેલી મૂડી જ તેનો એકમાત્ર આધાર હતો. એવી સ્થિતિમાં તરત જ એ કશો લાંબો વિચાર કર્યા વિના થેલો પાછો મેળવવા માટે મુલ્લાની પાછળ દોડ્યો. એટલે જ મેં આગળ કહ્યું કે, જ્યારે આપણી પાસેના સુખ કે સમૃદ્ધિનો અભાવ ઊભો થાય છે ત્યારે જ તેની ખબર પડે છે.
દુઃખ અને પીડા આપણા સૌના જીવનમાં હોય છે. નાનો કે મોટો, ગરીબ કે ધનવાન, ભાગ્યે જ કોઈ માનવી એવો હશે જેણે દુઃખ કે પીડાનો અનુભવ કર્યો ન હોય. અચાનક કંઈક વાગી બેસે કે શરીરમાં ગરબડ થઈ જાય, કોઈક કષ્ટદાયક બીમારી આવી પડે, મિત્ર કે સ્વજનનું મૃત્યુ થાય, ત્યારે જે પીડા થાય તે આપણે ભોગવવી જ પડે છે. એ વખતે આપણે સુખી હોવાનો દેખાવ કરી શકતા નથી અને પ્રબળ ઈચ્છાશક્તિ હોય તોપણ દુઃખને દબાવી શકતા નથી. કોઈએ સાચું કહ્યું છે કે, જગતમાં કોઈ તત્વજ્ઞાની એવો નથી થયો જેને દાઢનો દુખાવો થયો હોય છતાં કણસ્યો ન હોય. પરંતુ આવા દુઃખોની વાત જુદી છે. એની સામે આપણે સૌ લાચાર હોઈએ છીએ, લાઈલાજ હોઈએ છીએ. જેનો કોઈ ઈલાજ ન હોય તેને સહન કરી લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો. બહુ બહુ તો એવા સમયે આપણે કણસી લઈએ છીએ, રડી લઈએ છીએ, ક્યારેક નિરાશ થઈ જઈએ છીએ.
પરંતુ આપણાં બધાં જ દુઃખો કાંઈ આવાં નથી હોતાં. બધાં જ દુઃખો લાઈલાજ નથી હોતાં. બલકે, કેટલાંક દુઃખો તો ખરેખર દુઃખો જ નથી હોતાં. એમની કોઈ નક્કર હસ્તી જ નથી હોતી. એ તો માત્ર આપણા માનસિક વલણમાંથી અને પરિસ્થિતિમાંથી જ જન્મ્યાં હોય છે અને આવાં દુઃખોની સંખ્યા આપણાં નક્કર દુઃખો કરતાં અનેકગણી વધારે હોય છે. દુ:ખી થવાની વાત ત્યારે આવે કે જ્યારે તમે અલ્લાહની આપેલી નેઅમતોનો અનાદર કરી ભ્રામક સુખ પામવા નિરર્થક પ્રયાસો કરો.
અંતે એટલું જ કહેવાનું છે કે પોતાની વર્તમાન દશાને જો સ્વીકારી લેવામાં આવે તો પરિવર્તનના બધા રસ્તાઓ બંધ થઈ જશે. ભાગ્ય કે કિસ્મત એ વસ્તુ છે જેનાથી તમારા જ પાછલા કર્મોના આધારે તમારા હાથોમાં કંઈક રાખી દેવામાં આવે. હવે આગળ બધુ તમારી ઉપર આધારિત છે કે તમે પાછલી કમાણીને ઘટાડો કે વધારો અને પોતાના કર્મોથી બદલો કે પછી હાથ પર હાથ રાખી બેસી રહો અને રોદણાં રોતા રહો કે મારા ભાગમાં બીજા કરતા ઓછું કે ખરાબ આવ્યું. આમ જોવા જઈએ તો સુખ-દુખ એ બીજું કંઈ નથી પણ, માત્ર પુરુષાર્થની બચવાનું એક બહાનું છે, જે પોતાના મન દ્વારા જ વિચારી લેવામાં આવે છે. જો સ્થિતિ સારી ન હોય કે દુઃખદાયક હોય તો તેની પ્રત્યે સ્વીકારનો ભાવ ન હોવો જોઈએ. જો આ દુઃખદ પરિસ્થિતિઓની સાથે જ તમે આસાનીથી ગુજારો કરી શકો છો તો તેને બદલવાની સંભાવનાઓ એટલી જ ઓછી રહેશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર