આનંદ આત્માનો સ્વભાવ છે
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
આમ તો સુખ એ માનસિક સ્થિતિ છે અને સુખને મોટેભાગે સગવડ સાથે સંબંધ હોય છે. જોકે હું કલાકાર છું તો હું સંગીતને મારા સુખ તરીકે ઓળખાવી શકું. સંગીતનું ગાયન કે સર્જન કરતી હોઉં ત્યારે મારા મનને ઘણી શાંતિ મળતી હોય છે, અને મનની શાંતિને જ કદાચ સુખ કહેવાતું હશે!આ ઉપરાંત આપણને ચાહનારા લોકો ખુશ હોય તો એને પણ હું મારું સુખ ગણું છું.
તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?
મારા આનંદનો મુખ્ય સ્ત્રોત સંગીત છે. આ ઉપરાંત અન્યોને હું સુખી જોઉં તો કે હું કોઇને નાની સરખી પણ મદદ કરી શકું તો મને આનંદ થાય. જોકે આનંદ એ તો આત્માનો મૂળભૂત સ્વભાવ હોય છે. એટલે જો સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો આનંદ એ આપણી આંતરિક બાબત છે. આનંદ માટે ક્યારેય બાહ્ય આધારો રાખવું યોગ્ય નથી. પણ આપણે સંસારિક જીવન જીવીએ છીએ એટલે આપણી જાણ બહાર પણ આપણે બાહ્ય બાબતો પર આધાર રાખતા થઈ જઈએ છીએ.
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
આ સવાલનો જવાબ હા પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે. આમ તો આપણને આપણા સિવાય બીજું કોઇ સુખી કરી શકતું નથી. એ સંદર્ભમાં આપણે કહી શકીએ કે, આપણું સુખ અન્ય પર આધારિત હોતું નથી. પરંતુ જ્યારે આપણે બીજાના સુખે સુખી થતાં હોઈએ અથવા કોઇનું દુખ આપણને પીડા આપી જતું હોય તો એવા સમયે એમ કહી શકાય કે હા, આપણું સુખ બીજાઓ પર આધારિત હોય છે.
તમારા વ્યથિત થવાના કારણો કયા?
હું અત્યંત સંવેદનશીલ વ્યક્તિ છું એટલે મારાથી અન્યોની જરા સરખી પીડા પણ જોઈ શકાતી નથી. હું કોઇને પણ દુખી થતાં જોઉં તો હું વ્યથિત થઈ જાઉં છું.
આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
ના ક્યારેય નહીં. હું માણસોને ખૂબ પ્રેમ કરું છું અને મારાથી શક્ય હોય એટલો આનંદ હું વહેંચતી હોઉં છું. વળી, હું ક્યારેય કંટાળતી નથી અને ભાગેડુવૃત્તિ તો મારામાં છે જ નહીં. એટલે કંટાળીને ભાગી જવાનો કોઇ સવાલ જ નથી ઊભો થતો. આ તો ઠીક જે ગીતોના શબ્દો નિરાશાવાદી હોય એવા ગીતો પણ હું પસંદ નથી કરતી. હું અત્યંત આશાવાદી છું અને જ્યાં આશાને જરા સરખો અવકાશ ન હોય એ બાબતો મને પસંદ પડતી નથી.
જીવનમાં ક્યારેય કપરોકાળ જોવાનો આવ્યો છે ખરો?
કરિયરની દૃષ્ટિએ મેં થોડો અઘરો સમય જોયો છે, પણ એને કપરા સમય તરીકે ગણી શકાય નહીં! અને હું એ સંઘર્ષને કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઉં છું. કારણ કે, જીવનનો આવો તબક્કો આપણને ઘણુંબધું શીખવી જતો હોય છે અને આપણને ભવિષ્ય માટે સુસજ્જ કરી જતો હોય છે! જોકે ભગવાનને હું એવી જ પ્રાર્થના કરું કે, તમામના જીવન સંઘર્ષમુક્ત બને.
તમને કોઈ પણ બાબતે પીડા થાય તો તમારી પીડામાંથી બહાર આવવા માટે તમે શું કરો?
હું નાનપણથી ઘણી અધ્યાત્મિક છું અને ઈશ્વર મારી સમીપ હોય એવું મને સતત લાગ્યા કરે છે. આ કારણે મારી પીડાઓ ઝાઝી ટકી શકતી નથી. કોઇક વાતે હ્રદય પીડા અનુભવે તો થોડી જ ક્ષણોમાં એ ચચરાટ શમી જાય છે. આગળ કહ્યું એમ કોઇ બીજું પીડામાં હોય તો પણ હું પીડા અનુભવું છું, પણ મારી આવી પીડા ખંખેરવાનો મારી પાસે એક જ રસ્તો છે અને એ રસ્તો છે જે-તે વ્યક્તિને મારાથી બનતી મદદ કરવાનો! કોઇકની પીડામાં હું જરા સરખી પણ મદદરૂપ થઈ શકું તો મારી પીડા ઓછી થઈ જાય છે.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખવા મળ્યું?
આપણું જીવન આપણને ડગલે ને પગલે ઘણું બધુ શીખવતું હોય છે. પણ એક વાક્યમાં આ બાબતને સમજાવવી હોય તો હું એટલું કહી શકું કે, જીવનમાં સતત આનંદમાં રહેવું અને અન્યો સાથે પણ આનંદ વહેંચવો. આ ઉપરાંત હું એ શીખી છું કે, સંગીત ઘણા દુખોનો અકસીર ઈલાજ છે. તમે જરા સરખી પીડા અનુભવો અને સંગીતના શરણે જાઓ તો તમને કદાચ તમારી સમસ્યાનો ઉકેલ નહીં મળે પણ સંગીતને કારણે તમારા દિલને ટાઢક તો વળે જ છે.
તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કેવો હોય અને સૌથી દુખી માણસ કેવો હોય?
બીજાના દુખે દુખી થાય એ માણસ દુખમાં રહેતો હોવા છતાં હું એને સુખી માનું છું. અને જે માણસ બીજાના દુખમાં ખુશી અનુભવતો હોય એ માણસ મને દુનિયાનો સૌથી દુખી અને કમનસીબ માણસ લાગ્યો છે.
અમારા વાચકોને આનંદમાં રહેવાની કોઇ સલાહ આપશો?
આમ તો આત્માનો મૂળભૂત સ્વભાવ જ આનંદ છે. પણ તોય આપણે માણસ છીએ એટલે ઘણી વખત આનંદથી વેગળા થઈ જતાં હોઈએ છીએ. પણ જો માણસ સંગીતની નજીક રહે અને સારું સંગીત સાંભળતો રહે તો એને જીવન હંમેશાં હર્યુંભર્યું લાગતું હોય છે. એટલે ગાતા રહો અને આનંદથી જીવતા રહો.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર