ફૂલમાંથી ગજરો બનાવવાની કળા એટલે સુખ
નીલમ દોશી આપણી ભાષાના જાણીતા સર્જક છે. જીવન અને હકારાત્મકતા એમના લેખનનું મુખ્ય પાસું છે. અહીં એમણે એમના સુખ- દુઃખની ગાથા માંડી છે તો ચાલો આજે માણીએ નીલમ દોશીની આનંદ પીડાની લાગણીઓ વિશે.
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
સુખ એ મોટે ભાગે મનની અવસ્થા સાથે સંકળાયેલી અનુભૂતિ છે. સુખ એટલે આપણી પોતાની પાસે જે ફૂલો છે એમાંથી ગજરો બનાવવાની કળા... આમાં સુખ માટેની બે શરત છે. એક તો આપણી પોતાની પાસે જે ફૂલો હોય તે જ વાપરવાની વાત અને બીજું એ જ ફૂલમાંથી ગજરો બનાવવાની કળા.
જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?
જ્યારે કોઇને કોઇ પણ પ્રકારે વત્તે ઓછે અંશે મદદરૂપ બની શકું, કોઇને કશું આપી શકું ત્યારે જે આનંદની અનુભૂતિ થાય છે. એ બીજી કોઇ પણ વાતમાંથી મળતા આનંદ કરતા વધારે તીવ્ર અનુભૂતિ બની રહે છે.
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
હકીકતે દુખનું મૂળ જ આધારિતતા છે. દા. ત. આપણી પાસે બાઈક હોય અને આપણે એનાથી ખુશ હોઇએ. પણ જો આપણા પાડોશી પાસે કાર આવી તો આપણી બાઈકનો આનંદ ઝૂંટવાઇ જાય છે. આપણું સુખ અદૃશ્ય થઇ જાય છે. કેમ કે આપણા સુખનો આધાર સામાકાંઠાના સુખ પર રહેલો છે. જે બિલકુલ યોગ્ય નથી, નથી અને નથી જ.
આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યારેક ભાગી જવાનું મન થયું છે ખરું?
કદી નહીં, કેમકે પૂરી પ્રામાણિકતાથી કહું તો મને જિંદગીમાં માણસો હંમેશાં મજાના મળ્યા છે. આ જીવનમાં તો હંમેશાં દરેક પાસેથી કોઇ ને કોઇ સ્વરૂપમાં કશુંક મળ્યું જ છે. હું અનેક વાર કહેતી હોઉ છું કે કર્મના સિદ્ધાંતમાં જો માનતા હોઇએ તો મેં અથવા તો ગયા જન્મમાં બધાને આપ્યું હશે કે પછી આવતા જન્મમાં બધાને આપવાનું થશે. જે હોય તે ખબર નથી. પણ સંબંધો અને માણસોની રીતે હું મારી જાતને ખરેખર નસીબદાર માનું છું. જીવન મને હંમેશાં સુંદર લાગ્યું છે.
એવી ઘટના કે બાબતોથી તમારું મન વ્યથિત થાય?
ધર્મ, ઇશ્વરને નામે જ્યારે કશુંક ખોટું થતું દેખાય ત્યારે મન ખરેખર વ્યથિત થાય છે. અને કમનસીબે આજે ધર્મ પૂરેપૂરો પ્રોફેશનલ બની ગયો હોય એવું લાગે છે.
જીવનમાં ક્યારેય કપરો સમય જોવાનો આવ્યો છે ખરો?
જીવનનો કપરો સમય એક જ વાર આવ્યો છે, જ્યારે આઠ વરસનો પુત્ર જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યો હતો. ડૉકટરોએ આશા છોડી દીધી હતી અને આખું કુટુંબ દીકરાને છેલ્લી વિદાય આપવા આવી ગયું હતું... એ સમય આજે પણ આંખો ભીની કરી દે છે. ( એ પુત્ર આજે યુ.એસ.માં કાર્ડિયોલોજીસ્ટ છે. ડૉકટરો એને મીરેકલ તરીકે ગણાવે છે. હું પણ એને ઇશ્વરની કૃપા જ માનું છું)
દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા શું કરો?
એવી કોઇ ક્ષણ આવે ત્યારે વાંચન, પુસ્તકો જ હંમેશાં મારો સહારો બન્યા છે. પુસ્તકો, વાંચન સિવાય હું મારું જીવન કલ્પી શકતી નથી. પુસ્તકોએ મને ખૂબ આપ્યું છે અને આજે પણ આપતા રહ્યા છે.
અત્યાર સુધીના જીવનમાંથી તમે શું શીખ્યાં?
આપણે સમયની સાથે હંમેશાં બદલાતા રહેવું જોઇએ. દરેક સંદર્ભમાં!
તમારા મતે દુનિયામાં સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?
જેને જીવનમાં એકાદ વ્યક્તિનો પણ સાચો પ્રેમ, સ્નેહ મળ્યો છે એ મારી દૃષ્ટિએ સુખી માણસ છે. અને જેને પ્રેમ, સ્નેહ નથી મળ્યો એ માણસ દુઃખી... કેમકે માણસમાત્રની મૂળભૂત ઝંખના પ્રેમ, ચપટીભર લાગણી અને હૂંફ મેળવવાની હોય છે એમ હું માનું છું.
અમારા વાચકોને કોઈ સલાહ કે ટિપ્સ આપવાનું પસંદ કરશો?
સલાહ આપવા જેટલી મારી પાત્રતા ક્યાં? છતાં કહેવાનું જ હો તો ફકત એટલું જ કે...
લેવા કરતા આપવાનો આનંદ અનન્ય છે. એ અનુભવનો લહાવો ચૂકશો નહીં
જીવનમાં રોજ રોજ કંઇ મોટા સુખ આવતા નથી. જે રીતે લગ્ન જેવા મોટા અવસર કંઇ રોજ રોજ ન આવે એમ રોજ કોઇ મોટી વાત ન બની શકે. પરંતુ નાની નાની ઘટનાઓ તો રોજ બનતી રહે છે. જો એમાંથી નાના, નાના સુખ શોધીને જીવનને રળિયામણું બનાવતા આવડી જાય તો સુખ કદી ગેરહાજર ન રહે. કુદરતને માણવા માટે કંઇ પૈસાની જરૂર નથી પડતી. જો ફૂલ, વૃક્ષો, ઝરણાં, નદી, સમુદ્ર જંગલ, પર્વત, સૂર્યોદય, સૂર્યાસ્ત... માણતા આવડી જાય તો જીવન સમૃદ્ધ બની રહે.
કવિ નીતિન વડગામાના શબ્દોમાં કહું તો...
સુખની ચાવી તને ય સાંપડશે,
એક અમથો નકાર છોડી દે...
અને એ માટે હું વાચકોને એક પુસ્તક વાંચવાની ભલામણ ખાસ કરીશ.
એલીનોર પોર્ટરની બુક 'પોલીએના', જેનો ગુજરાતી અનુવાદ પણ પ્રાપ્ય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર