સર્વનું સુખ એ મારું સુખ
આ વખતે સુખ-દુઃખ માટે મહાત્મા ગાંધીનો ઈન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું અને કલ્પનામાં જ હું પહોંચી ગયો ગાંધીજી પાસે. ઈન્ટરવ્યૂ શરૂ થાય એ પહેલા બાપુએ કહ્યું કે, આપણે મારા રેટિંયા પાસે જઈએ. તમે સવાલો પૂછતા જજો અને હું રેટિંયો કાંતતો જઈશ એટલે સમય નહીં વેડફાય અને કંઈક ઉત્પાદન પણ કરી શકાય.
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
દક્ષિણ આફ્રિકામાં જ્યારે પ્રિટોરિયા જતા મૅરિત્સબર્ગ સ્ટેશને મને ટ્રેનમાંથી ઉતારી દેવાયેલો અને હાડ થીજાવી દેતી ઠંડીમાં જ્યારે મેં ઓવરકોટ વિના રાત વીતાવેલી ત્યારથી જ મારા સુખ અને દુઃખની સરહદો સ્વથી સર્વ સુધી વિસ્તરી હતી. એ રાત્રે જ મેં નક્કી કરી લીધેલું કે, પોતાના સુખ કે દુઃખ માટે ઝઝૂમતા રહીએ એ તો સ્વાર્થ કહેવાય. પણ સર્વના સુખ-દુઃખની ચિંતા કરીએ તો એને સેવા કહેવાય, જે સેવાના આચરણ દ્વારા સર્વનું હિત પણ કરી શકાય! સર્વનું જ્યારે હિત થાય ત્યારે સમાજનું પણ હિત થતું હોય છે અને સમાજ સુખી હોય તો દુનિયા આપોઆપ સુખી થવાની. આ આખી વાતને એક જ વાક્યમાં કહેવી હોય તો મારા સુખની વ્યાખ્યા એટલે, સર્વનું સુખ એ મારું સુખ!
તમને જીવનમાં આનંદ કઈ બાબતોમાંથી મળે?
બાળકો સાથે સમય પસાર કરવા મળે તો મને ખૂબ આનંદ થાય. (કાંતતી વખતે થોડું અટકીને રેટિંયા તરફ ઈશારો કર્યો.) આ ઉપરાંત રેટિંયો કાતતી વખતે કોઈક વિચારમાં મગ્ન થઈ જવાય ત્યારની સ્થિતિ પણ મને ઘણો આનંદ આપતી હોય છે. આ સ્થિતિ એવી છે, જેમાં શ્રમ કરીને ઉત્પાદન તો કરી જ શકાય છે, પરંતુ એની સાથોસાથ કોઈક સમસ્યા બાબતે ગહન વિચાર કરીને ઉકેલ પણ શોધી શકાય. રોજ સાંજે ફરવા નીકળું ત્યારે મને ખૂબ આનંદ થાય છે અને પ્રાર્થનાના આનંદની તો વાત જ શું કરવી?
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
(થોડું નીચું જોઈને) નરસૈયાના પેલા ભજનમાંથી તમે કંઈ નહીં શીખ્યાં? જરા ધ્યાનથી એ ભજન સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે, સુખ-દુઃખ માટે એક માણસની બીજા માણસ પરની આધારિતતાની જ એમાં વાત કરવામાં આવી છે. ભજનની પહેલી જ કડીમાં કહેવાયું છે કે, 'વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે...' તો જો બીજાની પીડાની ચિંતા કરતો હોય એ બીજાના સુખમાં રાજી ન થઈ શકે? અને હું તો અંગતપણે એવું માનું છું કે, જો જંગલના જીવો પણ એકબીજા પર આધાર રાખીને જીવતા હોય તો આપણને તો ઈશ્વરે વિશેષ કાર્યો માટે અહીં મોકલ્યાં છે. તો આપણે પરસ્પર સ્નેહ અને સંપથી નહીં જીવી શકીએ. સુખ કે દુઃખ માટે અન્યો પરનો આધાર નકારવો એ અત્યંત સ્વાર્થવૃત્તિ છે એવું હું માનું છું.
આસપાસના સંબંધો કે માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
(મહાદેવ દેસાઈ સામે આંગળી ચીંધીને) હા, ક્યારેક મહાદેવ કે બા મારા પ્રત્યે વધુ પ્રડતો સ્નેહ દર્શાવે ત્યારે મને એવું થાય કે, અહીંથી ભાગી જાઉં. (હા હા હા હા.. બાપુએ પોતાનું પેટન્ટ હાસ્ય વેર્યું)
જોકે મેં જે કહ્યું એ તમારા સવાલનો જવાબ નથી. આ સવાલ બાબતે હું કહીશ કે, હું જીવમાત્રને ખૂબ ચાહું છું અને બધાને એકસરખા ચાહું છું. દરેક જીવમાં વત્તેઓછે અંશે કોઇ નબળાઈ હોવાની અથવા કોઇક દુર્ગુણ હોવાનો. પરંતુ જો હું એનાથી કંટાળીને અળગો થઈ જાઉં તો એ મારો ઘોર અપરાધ કહેવાય. એને પલાયનવાદ કહેવાય. આવા સમયે મારે એ માણસની પાસે રહેવું અત્યંત આવશ્યક થઈ જાય અને એને એના દુર્ગુણો કે એની નબળાઈઓ ચીંધી એને સુધારવા માટે પ્રેરિત કરવું જરૂરી બની જાય. માણસ જ્યારે વિપત્તિઓથી કંટાળીને ભાગે છે ત્યારે ખરા અર્થમાં એ વિપત્તિઓથી નહીં, પણ પોતાની જાતથી ભાગતો હોય છે. જે માણસ પોતાની જાતનો સામનો નહીં કરી શકે એ જ વિપત્તિઓનો સામનો પણ નહીં કરી શકે.
તમારા જીવનના કપરા સમય વિશે વાત કરશો?
મારા જીવનની પરીક્ષાઓ અને એ પરીક્ષાઓ દરમિયાન મારા વલણ બાબતે મેં આત્મકથામાં વિસ્તૃતરૂપે લખ્યું જ છે. એ વાંચી જવી. અહીં એ વાતોનો ઉલ્લેખ કરીને સમય નથી બગાડવો. માત્ર એટલું કહીશ કે, જીવનમાં કપરો સમય આવે ત્યારે જાતમાં અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી. ભાંગી ન પડવું અને સમસ્યાનો ઉકેલ આણવો.
દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા તમે શું કરો?
માત્ર ઈશ્વરનું સ્મરણ કરું. રામ નામના જહાજમાં જે ચઢે એ પાર ઉતરે. દુનિયાની કોઈ પણ દવા કરતા રામનું નામ મને અકસીર લાગ્યું છે.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?
સત્યનો હંમેશાં વિજય થાય છે અને ઈશ્વર ક્યારેય માણસો સાથે આભડછેટ નથી રાખતો. આભડછેટ માણસોની પેદાશ છે. આ બાબત જીવનના અનેક અનુભવોમાંથી શીખ્યો છું.
તમારા માટે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?
જે માણસો બીજાનો વિચાર નથી કરતા અને સ્વાર્થવૃત્તિથી ભોગો ભોગવે છે એવા દિલ દરિદ્ર લોકો અનેક વૈભવો વચ્ચે પણ દુઃખી હોવાના. અને જે માણસને બે ટંકના રોટલાનાય ફાફા હોવા છતાં એના મનમાં બીજાનો વિચાર હશે તો ઈશ્વર એને કોઈ પણ સ્થિતિમાં માનસિક સુખની ભેટ ધરશે.
અમારા વાચકોને આનંદમાં રહેવા માટે કોઈ સલાહ કે ટિપ્સ આપશો?
હું એકથી વધુ વખત કહી ગયો છું કે, 'મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી, સત્ય અને અહિંસા અનાદિ કાળથી ચાલ્યા આવે છે.' જે માણસ સત્ય અને અહિંસાને વરેલો હશે એ માણસ સ્વાભાવિક રીતે ઈશ્વરની નજીક હોવાનો અને જે ઈશ્વરની નજીક હોય એ આનંદમાં તો હોવાનો જ ને?
(ઈન્ટરવ્યૂ પૂરો થયો ત્યાં સુધીમાં એમણે રેટિંયાનું કામ પતાવી દીધું હતું અને તેઓ ફરવા જવા માટે તૈયાર થઈ ગયા. હજુ તો હું સમાપન વિશે કંઈક કહું એટલામાં તેઓ ઊભા થઈ ગયા અને મહાદેવભાઈ તરફ જોઈ કહ્યું, 'ચાલો મહાદેવ, આજે તમે સાથે આવો, આશ્રમ બાબતે થોડી વાતો પણ કરી લઈએ....' એ માણસ તરફ જોઈને મને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે, આ માણસ આ ઉંમરે આટલી બધી પ્રવૃત્તિઓ કઈ રીતે કરે છે?
(કલ્પનાઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર