હું અત્યંત આશાવાદી છું
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
હું કોઈ એક ચોક્કસ સ્થિતિને સુખ માનતો નથી. આસપાસનો સંપૂર્ણ માહોલ સુખદ હોય એને હું સુખ માનું છું અને હું હંમેશાં આસપાસનું વાતાવરણ સુખદ કઈ રીતે થઈ શકે એની મથામણમાં હોઉં છું.
જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?
આનંદને હું બે રીતે માણું છું. હું વ્યક્તિગત રીતે આનંદ માણું છું અને સામૂહિક રીતે પણ આનંદ માણતો હોઉં છું. માણસને પોતાની લાગણીઓ હોય, એના પોતાના વિચારો હોય અને એના પોતાનાં કોઈક સપનાં પણ હોય. એટલે અંગત રીતે હું કશુંક હાંસલ કરું એનો મને આનંદ થાય જ પણ સમાજમાં કંઈક સારું અને સાચું બનતું હોય ત્યારે પણ હું ઘણો આનંદિત થઈ જાઉં છું. હું એવું માનું છું કે, આ જીવન મારા એકલાનું નથી. આજે હું જે સમાજમાં શ્વાસ લઈ રહ્યો છું કે, હું જે કંઈ પણ છું એમાં ઘણા બધા લોકોનો ફાળો છે. આપણો આ સમાજ અનેક સંબંધોના જોડાણથી ઘડાયેલો છે. એટલે હું વ્યક્તિગત રીતે પણ મારો આનંદ માણું છું અને સમાજની ગતિ-પ્રગતિનો સહિયારો આનંદ પણ માણું છું.
આપણું સુખ બીજાઓ પર આધારિત હોઈ શકે ખરું?
હા ચોક્કસ જ. સુખ વિશે આપણે ક્યારેય એમ નહીં કહી શકીએ કે, ‘આ મારું સુખ છે.’ આપણે જ્યારે પણ કંઈ સુખ પામીએ છીએ ત્યારે એમાં ઘણા બધા લોકોની ભાગીદારી હોય છે. પછી એમાં ઘર કે કુટુંબના સભ્યોની ભાગીદારી તો હોય જ, પણ સમાજની પણ એમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ ભાગીદારી હોય જ છે. હા, આપણો આનંદ કદાચ વ્યક્તિગત હોઈ શકે ખરો કારણ કે આનંદ એ વ્યક્તિની આંતરિક બાબત છે પરંતુ જ્યાં સુધી સુખની વાત છે ત્યાં સુધી આપણું સુખ બીજાઓ પર આધારિત હોય જ છે.
એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
મારા પોતાના હિત કે મારા કુટુંબના અને સમાજના હિતની કોઈક બાબત ન બને ત્યારે હું ઘણો વ્યથિત થાઉં. આ ઉપરાંત કોઈક માણસ અણધાર્યું આપણા દૂર ચાલી જાય કે કાયમ માટે આપણાથી દૂર ચાલી જાય ત્યારે પણ મારું મન વ્યથિત થાય.
આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
ના. એવું તો ક્યારેય નથી થયું. હું એ બાબતે સુપેરે વાકેફ છું કે, આપણા જીવનમાં આપણે અનેક પ્રકારના માણસો અને અનેક પ્રકારની સ્થિતિઓનો સાથે અને સામે કામ પાર કરવાનું છે. એટલે જીવનના કેટલાક તબક્કે થોડાઘણા ચઢાવ-ઉતાર આવતા રહે છે અને સુખ અને દુઃખ જેવી બાબતો સમયાંતરે આવતી રહે છે પરંતુ એવા સમયે સ્થિતિમાંથી ભાગી છૂટવાનો વિચાર ક્યારેય નથી આવ્યો. વળી, ભાગીને માણસ જઈ પણ ક્યાં શકે? આખરે એણે આવવાનું તો પોતાની પાસે જ ને?
જીવનમાં ક્યારેય કપરો સમય જોવાનું બન્યું છે ખરું?
અરે, જીવનમાં જાતજાતની રીતે કપરો સમય જોવાનો આવ્યો છે. મેં અમદાવાદની પોલીસ કસ્ટડીમાં પણ રાત ગુજારી છે તો સાબરમતી જેલ, ભાવનગરની જેલ અને દેશની સૌથી મોટી તિહાર જેલમાં પણ કારાવાસ ભોગવ્યો છે. વળી, કેટલાક પ્રસંગોએ પોલીસનો માર ખાધો હોય એ વધારાનો! જોકે, એ સમયે એવું લાગતું કે આ સમય જીવનનો ઘણો કપરો સમય છે પરંતુ હવે પાછું વળીને જોઉં છું તો એવું નથી લાગતું.
જો તમે દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા માટે ક્યા પ્રકારના પ્રયત્નો કરો?
પીડાની બાબતે હું એમ માનું છું કે સમય એ કોઈ પણ પીડાનો અકસીર ઇલાજ છે. આપણને કોઈ વાતે ભયંકર પીડા થઈ હોય અને આપણને એમ લાગતું હોય કે, આમાંથી બહાર નીકળી શકાય એમ નથી તો પણ જેમજેમ સમય પસાર થતો જાય અને વાતાવરણ બદલાતું જાય, એમ આપણી એ પીડાની અસર ઓછી થતી જાય છે અને આપણે રોજિંદી જિંદગીમાં પરોવાવા માંડીએ છીએ.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?
આપણા જીવનમાં સારી-નરસી ઘટનાઓ બનતી જ રહેતી હોય છે પરંતુ આપણે વૈચારિક રીતે મજબૂત હોઈએ અને કોઈ પણ સ્થિતિમાં આપણા ધ્યેયને વળગી રહીએ તો બીજી બધી વસ્તુઓ આપણને ગૌણ લાગતી હોય છે. ક્યારેક ન ગમતા માણસો પાસે સત્તા આવી જતી હોય કે નહીં ગમતા માણસ સાથે કામ કરવાની નોબત આવતી હોય કે વૈચારિક રીતે સાવ વિરુદ્ધ છેડાના માણસો સાથે પાલો પડે ત્યારે બની શકે કે આપણને નકારાત્મકતા ઘેરી વળે. પણ જીવનમાં જો આ બધી વસ્તુઓથી હારી જઈએ તો કશું જ નહીં થઈ શકે. એટલે આ બધા વચ્ચે રહીને પણ આશાવાદી રહેતાં હું શીખી ગયો છું.
તમારા મતે દુનિયાનો સુખી માણસ કેવો હોય અને સૌથી દુઃખી માણસ કેવો હોય?
દુનિયાનો કોઈ પણ માણસ સંપૂર્ણ સુખી તો હોઈ જ ન શકે. જે માણસ સંપૂર્ણ સુખી થઈ જાય એના માટે જીવનમાં બીજું કંઈ બચતું નથી. આદિમાનવ હતા ત્યારથી આજ સુધીમાં આપણે ઘણી પ્રગતિ કરી પણ આજે પણ આપણે સંપૂર્ણ સુખી થઈ શક્યા નથી. એનું કારણ છે માણસની સ્વાર્થવૃત્તિ અને બીજાનું શોષણ કરવાની ભાવના.
આ ઉપરાંત આજના સમયમાં માણસ કરતા રૂપિયાનું મુલ્ય વધારે થઈ ગયું છે. માણસે સર્જેલા રૂપિયાની કિંમત માણસ કરતા વધી જાય ત્યારે માણસ જાત સંપૂર્ણ સુખી થઈ જ ન શકે. જ્યારે સત્તા કે પૈસા કરતાં માણસની કિંમત વધી જશે ત્યારે સમગ્ર માનવજાત અમસ્તી જ સુખી થઈ જશે.
જે માણસ જીવનમાં આશાવાદી નથી અને આખા જીવનને હકારાત્મક લેતો નથી એ માણસ ઘણો દુઃખી હોવાનો. વળી, જે માણસ સ્વાર્થી હોય છે એ પણ દુઃખી હોવાનો, કારણ કે તમે સ્વાર્થી હો ત્યારે તમે સુખ તો બીજા સાથે નથી જ વહેંચી શકતા પરંતુ તમે તમારું દુઃખ પણ બીજા સાથે વહેંચી શકતા નથી.
અમારા વાચકોને આનંદમાં રહેવાની કોઈ સલાહ કે ટિપ્સ આપશો?
તમે સંકુચિત ન રહો અને આસપાસમાં જે કંઈ સારું છે અને જે કંઈ વૈવિધ્યસભર છે એને માણો. આપણી પાસે જોવા, સાંભળવા અને વાંચવાનાં અનેક માધ્યમો ઉપલબ્ધ છે એને માણો. આ બધી બાબતો આપણને ખૂબ આનંદ આપતી હોય છે.
( મુલાકાતઃ અંકિત દેસાઈ )
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર