હું લોખંડી મનોબળ ધરાવતી સ્ત્રી છું
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
રાજ્યની પ્રજાની સેવા કરવી એ જ મારું સુખ. જોકે રાજકારણમાં તો હું પછી આવી, એટલે રાજકારણી કરતા પહેલા હું શિક્ષક છું અને બાળકોને ભણાવતી વખતે વર્ગમાં મને જે સુખ મળતું એ સુખ પછી ક્યારેય નથી મળ્યું. ત્રીસ વર્ષ સુધી મેં શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે અને શિક્ષક હોવાનો આનંદ જ અનેરો છે મિત્રોસ... આટલા વર્ષોના અનુભવ બાદ મારો જીવ એ હદે શિક્ષક બની ગયો છે કે વિધાનસભા અને મુખ્યમંત્રી ઓફિસમાં હું ઘણી વખત ભૂલી જાઉં છું કે, હું હવે શિક્ષક નથી રહી અને ઘણી વખત સામેની બેઠેલી વ્યક્તિને વિદ્યાર્થી સમજીને એનો બરાબરનો ક્લાસ લઈ નાંખુ છું.
જીવનમાં તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?
આનંદનું તો એવું છે ને મિત્રોસ કે એ આપણી માનસિક અવસ્થા પર આધાર રાખે છે. મગજ શાંત હોય તો વિધાનસભામાં કે વિધાનસભાની બહાર કોંગ્રેસ મારા પર કે અનાર દીકરી પર ફાવે એવા આક્ષેપો મૂકે ત્યારેય આનંદ આવે અને ક્યારેક મગજ શાંત ન હોય તો મુખ્યમંત્રીની ગાદી પર બેઠી છું તોય કશુંક ખૂટતું હોય એવું લાગ્યા કરે. તમે સમજ્યાને હું શું કહેવા માગું છું? આનંદને બાહ્ય બાબત કરતા મગજ સાથે વધુ કનેક્શન છે.
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
રાજકારણના આટલા વર્ષોના અનુભવ બાદ હું એટલું જરૂર કહી શકું કે, સત્તા આપણા હાથમાં હોય તો આપણું સુખ ક્યારેય બીજા પર આધારિત નહીં હોય. બલ્કે બીજાનું સુખ આપણા પર આધારિત થઈ જાય છે.
એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
હું તો લોખંડી મનોબળ ધરાવતી સ્ત્રી છું, એટલે આમ કંઈ સામાન્ય બાબતોથી મારું મન વ્યથિત થાય નહીં. પરંતુ ક્યારેક કોઇ ઘટના પક્ષને હાની પહોંચાડે એવી હોય તો રાજકીય હીતોને ધ્યાનમાં રાખીને મારે બનાવટી વ્યથા અનુભવવી પડે ખરી. જોકે આવું તો દેશના તમામ પક્ષોના નેતાઓ કરે છે. હું કંઈ અપવાદ નથી.
આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
ના. એવું કંઈક થયું હોત તો એક સામાન્ય મહિલા, મુખ્યમંત્રીની પદવી સુધી પહોંચી શકી હોત ખરી? માન્યું કે, ક્યારેક જીવનમાં કેટલાક અણગમતા સંજોગો ઊભા થઈ જતાં હોય છે, જેમાંથી પસાર થતી વખતે આપણી પરીક્ષા થઈ જાય છે. પરંતુ એમાં ભાગી શું જવાનું? અને ભાઈ, પહેલાથી જ મારો તો સ્વભાવ એટલો કડક હતો કે, માણસો તો ઠીક કેટલીક કપરી પરિસ્થિતિઓ પણ મારી સામે આવતા ડરતી, એટલે મોટેભાગે તો એવી કોઇ પરિસ્થિતિનું નિર્માણ જ નથી થયું.
જીવનમાં ક્યારેય કપરોકાળ જોવાનો આવ્યો છે ખરો?
ભારત દેશમાં મહિલાઓએ ડગલે ને પગલે કપરોકાળ જોવાનો આવતો હોય છે, અને સ્ત્રીઓનો કપરોકાળ તો છેલ્લે સુધી ચાલું હોય છે. પરંતુ કોઈ એકાદ ઉદાહરણ આપવાનું હોય તો હું કહીશ કે, પાટીદાર આંદોલન વખતે મેં જીવનમાં સૌથી કપરાકાળનો સામનો કર્યો છે. એક તો મુખ્યમંત્રી તરીકે મને થોડા જ મહિના થયાં હતા ત્યાં આવડું મોટું આંદોલન હેન્ડલ કરવામાં મને ઘણી મુશ્કેલીઓ નડી. જોકે આ કેસમાં મુશ્કેલી કરતા મને શિક્ષક તરીકેનો મારો સ્વભાવ પણ વધુ નડ્યો હોય એવું મને લાગે છે, પણ જે હોય એ, પાટીદાર આંદોલન વખતે મારી ઉંઘ ઊડી ગઈ હતી.
કોઈ બાબતે તમને પીડા થાય તો તમારી પીડામાંથી બહાર આવવા તમે શું કરો?
એવા ટાઈમે હું યોગ કરું છું અથવા કિચનમાં જઈને સરસ મજાના થેપલા કે ઢેબરા કે બટેટાપૌઆ બનાવીને ઘરે આવેલાને ખવડાવું. મારો મૂળભૂત સ્વભાવ તો સ્ત્રીનો જ ને? એટલે રસોડામાં થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ કે કોઇકને જમાડીએ તો મનને ઘણી રાહત થાય અને મનમાં જે ચચરાટ થતો હોય એ પણ શમી જાય.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?
એ જ કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા જ રહે છે એનાથી ગભરાવું નહીં. બીજું હું એ પણ શીખી છું કે, જીવનમાં નસીબ નામની પણ કોઇ બાબત હોય છે, જે માણસને સ્ટાફરૂમની ખુરશી પરથી ઉંચકીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડી શકે છે. અલબત્ત, નસીબ ત્યારે જ જોર કરશે, જ્યારે તમે કશુંક કર્મ પણ કર્યું હોય. બાકી, માત્ર પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ સ્કૂલમાં ધ્વજવંદન કરતા શિક્ષકોનો ક્યરેય મેળ નહીં પડે. એના માટે કાશ્મીર સુધી લંબાવું પડે અને ત્યાં ધ્વજ ફરકાવવો પડે.
તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુખી માણસ કોણ?
એ બાબતે હું કંઈ કહેવાની નથી. તમને મીડિયાવાળાઓને વાતનું વતેસર કરતા બહું આવડે છું. હું કહીશ કે ફલાણી વ્યક્તિ સુખી અને ફલાણી વ્યક્તિ દુખી તો તમે એને બ્રેકિંગ કરી દેશો અને ડરામણા મ્યુઝિક સાથે કંઈક આવી જાહેરાત કરશો... 'જાણો આનંદીબેને કોને કહ્યા દુખી માણસ.....! જાણો અત્યારે....' એના કરતા ભાઈ આ સવાલનો જવાબ જવા જ દો, મારે આમેય દોઢ જ વર્ષ કાઢવાનું છે તો એ મને શાંતિથથી કાઢવા દો.
અમારા વાચકોને આનંદમાં રહેવા માટેની સલાહ કે ટિપ્સ આપજો?
કંઈ નહીં એટલું જ કહેવાનું કે, નાની-મોટી બાબતોને મન પર લેવી નહીં. અને આપણી મસ્તીમાં જીવતા રહેવાનું. મુસિબતો આવશે તો જ તમે ઘડાશો એટલે મુસિબતોનો સામનો કરો અને આનંદમાં જીવન પસાર કરો.
(કલ્પનાઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર