મને નિયતિમાં ઘણો વિશ્વાસ છે
અજય સોની આપણી ભાષાના યુવાન વાર્તાકાર છે અને તેઓ ગુજરાતી ટૂંકી વાર્તાનું આશાસ્પદ નામ છે, જેમની અનેક વાર્તાઓ 'નવનીત સમર્પણ' કે 'અખંડ આનંદ' જેવા ગુજરાતી ભાષાના અનેક અગ્રગણ્ય સામયિકોમાં સમયાંતરે પ્રકાશિત થતી રહે છે. અહીં એમણે એમના અંગત સુખ-દુઃખની ગોઠડી માંડી છે. તો ચાલો આજે જાણીએ યુવાન વાર્તાકાર અજય સોનીની આનંદ-પીડાની લાગણીઓ વિશે..
તમારા માટે સુખની વ્યાખ્યા શું ?
આપણા સૌની ઇચ્છાઓ આમ તો સાપેક્ષ છે. એટલે દુખી થવું સ્વભાવિક છે. પરંતુ હું સુખ-દુ:ખ બંને એક મન:સ્થિતી ગણું છું. કોઇ એક બાબત એક વ્યક્તિ માટે સુખ આપનારી હોય, જ્યારે એ જ બાબત બીજા માણસ માટે દુ:ખદાયક હોય છે. એટલે હું સુખનું કોઇ ભૌમીતિક અસ્તિત્વ નથી સ્વીકારતો. આપણા મનમાં જે-તે સમયે ઉદભવતાં સારા ખ્યાલોને સુખ ગણી શકાય. સુખ એ સ્વકેન્દ્રી બાબત છે. વળી આ બધાની પાછળ આપણી અપેક્ષાઓ તો હોય જ છે.
જીવનમાં કઇ બાબતોમાંથી આનંદ મળે ?
આપણી આસપાસના એસિડીક વાસ્તવની નાગચૂડની પકડ જ્યારે ઢીલી અનુભવાય ત્યારે આનંદ મળે છે. પુસ્તકોના સાંનિધ્યમાં અને જાત સાથે ગાળેલા સમય દરમિયાન વિશેષ આનંદ મળે છે. હું આનંદને એક યૌગીક અવસ્થા માનું છું.
સુખ માટે આધારિતતા કેટલી યોગ્ય ?
ખરા અર્થમાં આપણે સૌ આપણી જાતની બીજા સાથેની સરખામણીથી જ દુ:ખી થઇએ છીએ. અને અંતે ઇચ્છાઓ સેવવા લાગીએ છીએ. જે દુ:ખનું કારણ છે. આપણું સુખ એ બીજા પર આધારિત શા માટે હોવું જોઇએ ? જ્યારે એવું હોય છે ત્યારે આપણે અજાણતાં જ આપણી જાતને દુ:ખ પહોંચાડવાનો હક બીજાને આપી દઇએ છીએ.
કઇ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય ?
આપણી નજીકનું સ્વજન જ્યારે સ્વાર્થ ખાતર વિશ્વાસ તોડે ત્યારે મન વ્યથિત થાય છે. અને જ્યારે કોઇના મનમાં ખોટી છાપ બંધાય ત્યારે. પણ એ ક્ષણિક જ હોય છે. મને માનવજાત પર અસીમ વિશ્વાસ છે. હું માનું છું કે દરેક વ્યક્તિ એની રીતે સાચી જ હોય છે. આપણે સૌ એક વિશાળ ચિત્રના અલગ અલગ ભાગને જોઇ રહ્યા છીએ.
આસપાસના માણસો કે સબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ક્યારેક ?
હા, ઘણી વાર થયું છે. થાય કે કોઇને કહ્યા વિના ચૂપચાપ કોઇ ટ્રેનમાં બેસી જાઉં. એ જ્યાં લઇ જાય ત્યાં ઉતરી જાઉં. પરંતુ પરિવારની હૂંફે જકડી રાખ્યો છે. નહીંતર આ વેપારી ક્યારનોય બાવો થઇ ગયો હોત...!
તમારા જીવનના કોઇ કપરા સમય વિશે વાત કરશો ?
જ્યારે આપણા બધા જ દાવ સમય સામે ઊંધા પડે એવો સમય ઘણીયેવાર આવ્યો છે. એવા સમયે પણ ભીતર એક આશાની જ્યોત દેખાતી રહી છે, એટલે જ એ સમય પસાર કરી જવાયો છે.
દુ:ખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા તમે શું કરો ?
દુ:ખ કે પીડા ભલે ગમે તેટલા લંબાય. મને હંમેશાં નિયતિ પર વિશ્વાસ છે. એટલે હું એ સમયને પસાર થતો જોઇ રહું છું. જેટલી પીડા આપણા ભાગે આવી હોય એ સહન કર્યા વિના છૂટકો જ નથી. પીડા કે દુ:ખ એ આપણે જીવીએ છીએ એની સાબિતી છે. ‘કોઇ પણ સ્થિતી કાયમ નથી’ એ સમજે મને હંમેશાં રાહત આપી છે.
અમારી સાથે એવી કોઇ ઘટના અથવા અનુભવ શેર કરશો, જેમાંથી મળેલો બોધ તમને જીવનમાં ખપમાં આવ્યો હોય ?
નાની ઉંમરે વેપાર અને કલા બંને ક્ષેત્રોમાં કાર્યરત છું. બંનેમાં એવા થોડા અનુભવો થયા છે જેના પરથી શીખ્યો છું કે આપણા નસીબમાં હોય છે એ કોઇ નથી લઇ જવાનું. ફક્ત યોગ્ય સમય આવવાની રાહ જોવી જોઇએ. વલખા મારવાનો કોઇ મતલબ નથી. સમય પર વિશ્વાસ હોવો જરૂરી છે.
તમારા મતે દુનિયામાં સૌથી સુખી કોણ અને દુ:ખી કોણ ?
જેને પેટ ભરવા સિવાય બીજી કોઇ ચિંતા નથી એને હું સૌથી સુખી ગણું છું. એને પણ વિશ્વાસ હોય છે કે જેણે જગાડ્યો છે એ ખાલી પેટે નહીં ઊંઘવા દે.
લોભ અને ઇર્ષ્યા જેના મનમાં છે એ વ્યક્તિ પોતાના ભાગનું પણ નથી ભોગવી શકતો. કેમ કે આ બે દુષણો ક્યારેય એને સુખી થવા નથી દેતા.
અમારા વાચકોને સુખી રહેવા માટે કોઇ સલાહ કે ટીપ્સ જેવું કંઇક આપશો ?
સુખી રહેવા માટે કે સફળ થવા માટે મારા મતે ક્યારેય કોઇની સલાહની જરૂર નથી હોતી. આ બધું તો હમણાંથી ચાલ્યું છે. એ પહેલા પણ માનવી સફળ થયો છે અને આનંદથી જીવ્યો છે. બસ, યોગ્ય સમજ કેળવવાની જરૂર છે. અને સમય પર વિશ્વાસ હોવો વિશેષ જરૂરી છે. બીજું એ કે કોઇથી વેર ન રાખનારો વ્યક્તિ લાંબુ અને સ્વસ્થ જીવે છે. એટલે માફ કરી દેવું એ સુખી રહેવાનો નુસખો છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર