દંભના માહોલમાં હું ટકી શકતી નથી

18 Sep, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

હિમાલી વ્યાસ-નાયક જાણીતા ગાયિકા છે, જેમણે ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત હિન્દી મ્યુઝિકમાં ઉત્તમ કામ કર્યું છે. એમના અનેક આલબમ્સ માણવા છે, જે યુટ્યુબ પર ઉપ્લબ્ધ છે. અહીં એમણે એમના સુખ-દુખની વાતો માંડી છે તો ચાલો આજે જાણીએ હિમાલી વ્યાસ-નાયકની આનંદ પીડાની લાગણીઓ વિશે...

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

આમ તો સુખની ઘણી વ્યખ્યાઓ છે અને માણસે માણસે સુખની વ્યાખ્યા બદલાતી પણ રહેતી હોય છે. અને સુખ જેવા વિષય પર અત્યાર સુધીમાં ઘણું બધું લખાઈ-કહેવાઈ પણ ચૂક્યું છે, પરંતુ હું અંગતપણે એવું માનું છું કે, સુખ એ એવી અનુભૂતિ છે, જેને વ્યાખ્યામાં બાંધી શકાય નહીં. આપણે ત્યાં સામાન્ય રીતે એવું કહેવાય છે કે, સુખ એ ક્ષણિક બાબત છે. પરંતુ હું માનું છું કે, જ્યાં સુધી સુખનો સંબંધ ભૌતિકતા સાથે હશે ત્યાં સુધી જ સુખ ક્ષણિક છે. જ્યારે એ સુખ સમષ્ટિના આનંદ કે સુખ સુધી વિસ્તરે ત્યારે એ ક્ષણિક નથી રહેતું અને આપણે પ્રત્યેક પળમાંથી સુખ પામવાને કાબેલ બનીએ છીએ.

જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?

નાનપણથી નાનીનાની બાબતોમાંથી મને સુખ કે આનંદ શોધી લેવાની આવડત અને આદત બંને છે. નાની હતી ત્યારે પતંગિયાને ઉડતા જોઉં ત્યારે મને ખૂબ આનંદ થઈ આવતો. તો હવે મારા શૉ દરમિયાન એક પરફોર્મર તરીકે હું ગાતી હોઉં અને પાંચ-દસ હજાર માણસોને મારા સંગીતનો આનંદ માણતા જોઉં ત્યારે મને ઘણો આનંદ થાય છે. આ ઉપરાંત મારો રિયાઝ પણ મને ખૂબ આનંદ આપે છે. ગમતા કલાકારોનું સંગીત સાંભળું ત્યારે મને આનંદ થાય છે અને મને વાંચવાનો ઘણો શોખ છે એટલે જ્યારે કોઈક સરસ મજાનું પુસ્તક વાંચતી હોઉં ત્યારેય મને આનંદની અનુભૂતિ થયાં કરે.

આપણું સુખ કોઈના પર આધાર હોઈ શકે ખરું?

આ સવાલનો હું હા માં પણ જવાબ આપીશ અને ના માં પણ. કારણ કે, આપણને કોઈક વ્યક્તિ અથવા વસ્તુ પસંદ હોય તો એને પામવાની બાબતે તો આપણું સુખ અન્ય વ્યક્તિ કે વસ્તુ પર આધારિત ખરું જ, પરંતુ આપણે જેને ચાહીએ છીએ એ વ્યક્તિ હંમેશાં ખુશ રહે એમાં પણ આપણું સુખ રહેલું રહેલું હોય છે. એટલે એ દૃષ્ટિએ આપણું સુખ અન્ય બાબત પર આધારિત છે એવું કહી શકાય.

આ ઉપરાંત સુખ બાહ્ય આધાર વિનાનું પણ હોઈ જ શકે. બહુ સાધારણ વાત કરું તો દિવસમાં માત્ર દસ મિનિટ માટે પણ તાનપૂરો ચાલું કરીને હું ઓમકાર કરું તો એમાં પણ મને ઘણું સુખ મળતું હોય છે. એમાં મારે મારી જાત ઉપરાંત અન્ય કોઈ બાહ્ય બાબત પર આધાર રાખવાનો નથી હોતો. પરંતુ જ્યારે હું ઓમકાર કરું છું ત્યારે પરમ સુખની અનુભૂતિ કરું છું. આ તો મારી અંગત વાત કરી, પરંતુ આ ઉપરાંત એવી અનેક બાબતો છે, જે બાબતોમાં આપણા સુખનો અન્યો પરનો આધાર નામશેષ થઈ જાય છે.

એવી કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?

માણસને પીડાતો જોઉં અથવા એ વિશે સાંભળું ત્યારે મારું મન અત્યંત વ્યથિત થાય. ઉદાહરણ તરીકે કોઈક આતંકવાદી ઘટના અથવા કુદરતી આફતની ઘટના ઘટે ત્યારે અનેક નિર્દોષો વગર કારણે જીવ ગુમાવતા હોય છે અથવા એમણે યાતનાઓ ભોગવવી પડતી હોય છે. આવે સમયે મને અત્યંત વ્યથા થાય. આ ઉપરાંત આપણને કોઈના પર વિશ્વાસ હોય અને આપણી સાથે વિશ્વાસઘાત થાય ત્યારે સ્વાભાવિક રીતે મારું મન વ્યથિત થાય. કોઈને અન્યાય થતો જોઉં ત્યારેય હું ઘણી વ્યથિત થઈ જાઉં.

આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?

હા. કેટલાક સામાજિક પ્રસંગોએ મારે અનિવાર્યપણે હાજર રહેવું પડે અને ત્યારે હું આસપાસના લોકોને મોઢે કેટલીક વાતો સાંભળું ત્યારે મને એમ થાય કે, હું અહીંથી બહાર નીકળું તો સારું! કારણ કે, ત્યાં કેટલીક બાબતોનો પ્રચાર જરૂર થતો હોય છે, પરંતુ એ વાતોનો આચાર થતો નથી. આવી જગ્યાઓએ હંમેશાં દંભનું વાતાવરણ ઊભું થતું હોય છે અને જ્યાં દંભને જરા સરખો પણ અવકાશ હોય ત્યાં હું ટકી શકતી નથી.

જીવનમાં ક્યારેય કપરો સમય જોવાનો આવ્યો છે ખરો?

પર્સનલી કે પ્રોફેશનલી નાનીમોટી સ્ટ્રગલ્સનો મારે પણ સામનો કરવો જ પડ્યો છે. લગ્ન કરીને મેં શહેર બદલ્યું અને મુંબઈ સ્થાયી થઈ ત્યારે કરિયરની દૃષ્ટિએ મેં ઘણા માનસિક સંઘર્ષનો સામનો કર્યો છે. ત્યારે મારા મનમાં એક સાથે અનેક પ્રશ્નો ઉદભવતા કે મારે હવે કઈ દિશામાં આગળ વધવું? અને મારી ઓળખ કઈ રીતે ઊભી કરવી? જોકે એ સમય દરમિયાન મારા સાસરાપક્ષે અને મારા પોતાના ઘરના લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો અને મને પ્રોત્સાહિત કરી. આ ઉપરાંત પાછલા વર્ષોમાં મારે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ઈશ્વરની કૃપાથી અન્યોના પડકારોની સામે મને મારાં પડકારો હંમેશાં નાના લાગ્યા છે.

જો તમે દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા તમે કયા પ્રકારના પગલાં લો?

મન થોડું વ્યાકુળ હોય અથવા એને કંઈક ખલેલ પહોંચી હોય તો મારે માટે સૌથી અસરકારક બાબત છે શેરિંગ. એટલે કે, સ્વજનો કે મિત્રો સાથે મનની વાતો શેર કરવું! આ ઉપરાંત મ્યુઝિક તો ખરું જ. આ બંને બાબતો મારું મન હળવું કરી દે છે અને હું ફરી માનસિક સ્વસ્થતા મેળવી લઉં છું. કેટલીક વખત ક્યાંક ચાલવા નીકળી જાઉં છું અને એ રીતે પણ મનને શાંત કરું છું.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

અત્યાર સુધીના જીવનમાંથી હું બે વાતો જરૂર શીખી છું કે, ક્યારેય, કોઈ પણ સંજોગોથી હારવું નહીં. મને પેલી કહેવત એકદમ યોગ્ય લાગે છે, આ સમય પણ વીતી જશે! આ સંદર્ભે હું એ શીખી છું કે, જેમ દુઃખમાં આપણે એમ વિચારીએ કે, આ સમય પણ વીતી જશે, એ જ રીતે સુખની બાબતે પણ આ જ નિયમ લાગું પડે છે. સુખને સ્થાયી સમજીને છકી જવું એ અયોગ્ય બાબત છે. જેમ દુઃખ વીતી જાય એમ સુખની ક્ષણો પણ વીતી જતી હોય છે!

હું એ શીખી છું કે, આપણી સામે આવેલા પડકારોનો પૂરી જવાબદારી અને હિંમતથી સામનો કરવો. હું પહેલા નાનીમોટી બાબતોમાં ખૂબ ડરી જતી, પરંતુ સમય અને અનુભવોએ મને શીખવ્યું કે, ડરવાને બદલે આપણે જે-તે સ્થિતિનો સામનો કરવાનું શરૂ કરીએ ત્યારથી જ આપણી જીતની શરૂઆત થઈ જતી હોય છે. અને બીજી વાત એ કે, આપણી અંદરની માનવતા હંમેશાં પ્રજ્વલિત રાખો.

તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કેવો હોય અને સૌથી દુઃખી માણસ કેવો હોય?

જે માણસ પોતાની તમામ અવસ્થામાં સમતોલ રહે અને એ અવસ્થાને માણે એ માણસ સુખી હોવાનો. અને જે પોતાની અવસ્થામાં સમતોલ રહી શકતો નથી એ માણસ દુઃખી હોવાનો. આ ઉપરાંત જે માણસ ભૌતિકતામાં સુખ શોધતો હોય એ માણસ દુઃખી હોવાનો અને જે ભૌતિકતામાં નહીં આસપાસના માણસો અથવા પ્રકૃતિમાં સુખ શોધવાનો પ્રયત્ન કરતો હશે એ માણસ સુખી હોવાનો.

અમારા વાચકોને આનંદમાં રહેવા માટેની કોઈ સલાહ કે ટિપ્સ આપવાનું પસંદ કરશો?

માણસે ખૂબ હસવું જોઈએ અને સંગીતને માણવું જોઈએ. સંગીત અને હાસ્ય માણસને હળવા કરવામાં ઘણું મહત્ત્વનું પ્રદાન કરતા હોય છે.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.