મને અન્યાય કરનારને હું માફ નથી કરી શકતી
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
મારું સુખ મારા કામમાં સમાયેલું છે. કારણ કે, મને કામ કરતી વખતે ઘણી મજા આવે છે અને મજા આવે આવતી હોય ત્યારે એકંદરે તો આપણે સુખી જ થતાં હોઈએ છીએ. આ ઉપરાંત મને મારા જીવનસાથી સાથે ઘરે ટાઈમ સ્પેન્ડ કરવા મળે એમાં પણ ઘણી મજા આવે. આ બંને બાબતમાં પણ જો પ્રાયોરિટી નક્કી કરવી હોય તો હું કૃષ્ણકાંત સાથે સમય પસાર કરવાનું પહેલા પસંદ કરું અને પછી કામની મજા માણું!
તમને જીવનમાં આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?
હું જ્યારે પણ મારું ગમતું કરતી હોઉં ત્યારે મારા અંતરમાં આનંદની છોળો ઉડતી રહેતી હોય છે. મને ગીતો સાંભળવાનો અને ફિલ્મો જોવાનો ખૂબ શોખ છે. આ ઉપરાંત વાંચતી વખતે પણ મને અલૌકિક આનંદ મળે છે.
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
મારા કિસ્સામાં ઘણા અંશે મારું સુખ બીજા પર આધારિત છે ખરું. હું હંમેશાં મારું જ વિચારી શકતી નથી અને પોતાની વ્યક્તિ વિના જીવી પણ શકતી નથી. એટલે નેચરલી મારી સાથે જોડાયેલા લોકોના સુખ અને દુખ બંને સાથે હું પણ જોડાયેલી હોઉં છું.
આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
હા, કોઈક વાર આ બધુ છોડીને ક્યાંક ભાગી જવાનું મન જરૂર થાય છે. હું જાણતી હોઉ કે ખોટું થઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિ મને છેતરી રહી છે. ત્યારે ખોટું થતાં અટકાવવા માટે હું પ્રયત્નો પણ કરું અને મારા પ્રયત્નો છતાં ત્યાં મારું કંઈ ચાલે નહીં કે મારું કોઈ સાંભળે નહીં તો એવા સમયે ત્યાંથી હું મારી જાતને અળગી કરી દઉં છું. અને આવી સ્થિતિમાં મને વૈરાગ પણ એવો આવે કે, મને એમ થાય કે આ બધુ મૂકીને મારે સંન્યાસ લઈ લેવો છે. જોકે આવી સ્થિતિ બહુ રેર કેસમાં આવે છે.
જીવનમાં ક્યારેય કપરોકાળ જોવાનો આવ્યો છે ખરો?
ખૂબ જ. જીવનમાં બધી જ રીતે કપરોકાળ જોવાનો આવ્યો છે. પણ એ બધામાં મને સૌથી કપરો સમય મારી જૉબ ગયેલી એ વખતનો લાગેલો. હું ભણતી હતી અને સમજણી થયેલી ત્યારથી જૉબ પર લાગી ગયેલી અને જિંદગીના સોળ વર્ષો મેં મારી એ નોકરીને આપી દીધેલા. એ વખતે વધુ દુખ થવાનું કારણ એ હતું કે વિના કોઈ કારણ કે મારા કોઈ વાંક વિના મારી પાસેથી નોકરી છીનવી લેવાયેલી. સાવ નજીવા અને પાયા વિનાના કારણને લીધે ગયેલી નોકરી અને એ પછીનો થોડો સમય મારા જીવનનો સૌથી કપરો સમય હતો. એ દિવસોમાં મેં મારી જાતને કઈ રીતે સંભાળેલી એ હું જ જાણું છું.
આ ઉપરાંત સંબંધોની વાત કરું તો આપણા સ્વજનો આપણી સાથે આપણી ફ્રેમમાં ફિટ ન થતું હોય એવું વર્તન કરે ત્યારે એ સ્થિતિનો સામનો કરવાનું મારા માટે અત્યંત ટફ થઈ જાય છે. આવા સમયે મને ખૂબ જ રડવું આવે છે. વળી, મારો ચહેરો ખૂબ જ વાચાળ છે એટલે જ્યારે પણ હું મૂડમાં નહીં હોઉં ત્યારે મારી સાથે જીવતા લોકો મને પકડી પાડે કે, ‘આજે તમે મજામાં નથી?’
જો તમે દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા માટે તમે શું કરો?
જો હું દુખી થાઉં તો મારી પીડામાંથી બહાર આવવા માટે મને ખૂબ જ સમય લાગે છે. લોકો વ્યથિત થાય ત્યારે તેઓ એમના કામમાં એમનો જીવ પરોવે છે, પરંતુ કામમાં ડૂબી જઈને હું મારી વ્યથા ખંખેરી શકતી નથી. હું અપસેટ થાઉં ત્યારે સંગીત અને વાંચન પણ મને એમાંથી બહાર લાવી શકતા નથી. હા, જોકે એવું પણ નથી કે મારી પીડામાંથી બહાર આવવા માટે મારી પાસે કોઈ જ રસ્તો નથી. આ માટે મારી પાસે પણ એક રામબાણ ઈલાજ છે અને એ છે મારા જીવનસાથીની સાથે રહેવું! કૃષ્ણકાંત સાથે વધુમાં વધુ સમય પસાર કરીને મારી મૂંઝવણો અને મનની વાત શેર કરવાનું મને ગમે છે. એટલે આવા સમયે હું મારું મન હલકું કરી શકું છું અને તબક્કાવાર એમાંથી બહાર આવું છું.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?
પત્રકારત્વની મારી કારકિર્દી દરમિયાન હું ખૂબ ફરી છું, ઘણા લોકોને મળી છું અને એ લોકોની આંખો વાંચી છે. ઘણાં ચહેરા જોયાં છે અને ઘણાં મહોરા પણ જોયાં છે. પરંતુ બધી વાતને જનરલાઈઝ કરીને એક વાક્યમાં જવાબ આપીએ તો એટલું કહી શકાય કે, પરસ્પરનો પ્રેમ, લાગણી અને સહાનુભૂતિ જ આ દુનિયાના મુખ્ય ચાલકબળ છે અને આ ત્રણ બાબતો જ આપણા સૌનું સત્ય અને આપણું પોતીકું બળ પણ છે.
તમારા વ્યથિત થવાનાં કારણો કયાં?
મારા પોતાના લોકો મને દુખી કરે ત્યારે હું ખૂબ જ દુખી થાઉં છું અને કોઈ કારણ વિના મારે અન્યાયનો સામનો કરવો પડે અથવા કોઈ માણસ કારણ વિના મને હર્ટ કરવાનો પ્રયત્ન કરે ત્યારે મને બહુ લાગી આવે.
તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુખી માણસ કોણ?
દરેક માણસ જીવન પ્રત્યેની એની શ્રદ્ધા અને એના દૃષ્ટિકોણના હિસાબે જ સુખી કે દુખી થતો હોય છે. પણ જે માણસ સંવેદનાથી દૂર હોય એ માણસ દુખી હોય અને જે માણસ લાગણીથી તરબતર હોય એ સુખી હોય.
અમારા વાચકો ને આનંદમાં રહેવા માટેની કોઈ સલાહ કે ટિપ્સ આપશો?
હું સલાહ આપું એ પહેલા એક સ્પષ્ટતા કરી દઉં કે, આ સલાહનું આચરણ હું કરી શકતી નથી. પણ કોઈએ આપણી સાથે ખરાબ વર્તન કર્યું હોય અને કોઈએ આપણું દિલ દુભવ્યું હોય તો એમને આપણે માફ કરી દેવા જોઈએ. આવું કરવાથી સામેવાળાને એની ભૂલનું ભાન થશે કે નહીં એની ખબર નથી, પરંતુ તમારા દિલને જરૂર ટાઢક વળશે.
કેટલાક લોકોએ મને ખૂબ જ દુખી કરી છે અને હું એવા લોકોને ક્યારેય માફ કરી શકતી નથી. મને એ પણ ખબર છે કે, હું જરા સરખી પહેલ કરીશ તો અમારી વચ્ચે જે અંતર છે એ પળવારમાં દૂર થઈ જશે, અમારી વચ્ચે ફરી સ્નેહનો સેતુ રચાશે અને અમારો સંબંધ ફરી જીવતો થશે. પરંતુ હું આમ કરી શકતી નથી. આ વાત કરું છું ત્યારે મારી આંખ ભીની છે કારણ કે, મારા કે સામેવાળાના સ્વભાવને કારણે ઘણા લોકો સાથેના મારા સંબંધમાં દૂરી આવી ગઈ છે, પરંતુ હું કોઈને માફ નથી કરી શકતી. એ મારું સત્ય છે.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર