જીવનમાં મેં ક્યારેય કપરોકાળ નથી જોયો

26 Jun, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

મારા માટે સુખ એટલે ફરતા રહેવું. કારણ કે, દશ જનપથના ઘરમાં મને ખૂબ જ ગૂંગળામણ થતી હોય છે, જેને કારણે હું સતત બહાર નીકળવાના બહાના શોધતો ફરતો હોઉં છું. ક્યારેક હું ચૂંટણી ટાણે પ્રચારને બહાને ઘરથી બહાર નીકળું છું તો કોંગ્રેસ ચૂંટણી હારી જાય તો મનોમંથન કરવાને બહાને બે-ત્રણ મહિના વિદેશ નીકળી જાઉં છું. વિદેશ જઈને હું કશું જ મનોમંથન નથી કરતો એ વાત અલગ છે પણ એ બહાને મને દિલ્હીના વાતાવરણથી બ્રેક જરૂર મળી જાય છે. દિલ્હીનું વાતાવરણ એટલું બધું ડહોળાયેલું છે કે, બાળમાનસ પર એની ઘેરી અસરો થાય છે, જેને પગલે જ હું દિલ્હી સાથે હાઈડ એન્ડ સીક રમતો હોઉં છું.

જીવનમાં તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?

મારું હંમેશાંથી એક સપનું રહ્યું છે કે, હું પણ વિશ્વના અનેક પ્રભાવશાળી નેતાઓની જેમ હજારોની મેદની સામે ધાણીફૂટ ભાષણો કરું. આ માટે હું ખૂબ પ્રયત્નો કરતો રહું છું અને તમને જાણી આશ્ચર્ય પણ થશે કે, મને સ્ટેજ ફીઅર જરા સરખો પણ નથી. હું પૂરા આત્મવિશ્વાસ સાથે મંચ ઉપર ઊભો રહું છું, પણ સાલું કોણ જાણે ક્યાં કાચું કપાય છે કે, હું બોલવાનું શરૂ કરું ત્યારે દરવખતે હું જાપાનની જગ્યાએ ચીન પહોંચી જાઉં છું. મારે બોલવું કંઈક ઔર હોય છે અને મારાથી કશુંક બીજું બોલાઈ જાય છે. હા, જોકે હવે મેં ભાષણોની બાબતે ઘણો સુધારો કર્યો છે એટલે આજકાલ મને ભાષણો કરવામાં ઘણો આનંદ આવે છે. મને સાયકલિંગનો પણ ઘણો શોખ છે, મારા દોસ્તો સાથે સાયકલ પર બહાર નીકળવાનો ઘણો આનંદ આવતો હતો, જોકે હવે મારા બધા દોસ્તો મોટા થઈ ગયા છે એટલે તેઓ પોતપોતાના બિઝનેસમાં આગળ વધી ગયા છે, એટલે મારે એકલાએ જ સાયકલિંગ કરવું પડે છે. આ ઉપરાંત મને સપનાં જોવામાં ખૂબ આનંદ આવે છે. વાસ્તવિકતા વિશે હું પણ માહિતગાર છું એટલે ઘણી વાર હું સપનાં જોઈને જ સંતોષ માની લેતો હોઉં છું કે, હું ભારત દેશનો વડાપ્રધાન બની ગયો છું અને મોદી અંકલની જેમ વિદેશમાં પર્યટન કરી રહ્યો છું!

આપણું સુખ બીજા પર આધારિત હોઈ શકે ખરું?

જુઓ ભાઈ મારા માટે 'આપણું' શબ્દની વ્યાખ્યા ઘણી સીમિત છે. આમ, હું ભલે રાજકારણમાં હોઉં અને દેશભરના ગરીબોને એમ કહેતો ફરતો હોઉં કે, તમારું દર્દ મારું પોતાનું દર્દ છે અને તમારી ગરીબી મારી પોતાની ગરીબી છે. પણ, વાસ્તવમાં એવું કશું હોતું નથી. આ તો તમે છો એટલે દોસ્તીના ભાવે કહું છું કે, મને કે મમ્માને ગરીબોની એટલી બધી ચિંતા હોત તો અમે ઝેડ પ્લસ સુરક્ષા સાથે હેલિકોપ્ટર કે જેટમાં બેસીને કેમ ગરીબો પાસે જઈએ છીએ? તમે સમજી ગયા ને કે, એ બધા ગતકડાં ચૂંટણીલક્ષી હોય છે? પણ સામાન્ય દિવસમાં મારા માટે 'આપણે' કે 'આપણું'ની વ્યાખ્યામાં મમ્મા, દીદી અને જીજુ જ આવે છે. બાકી કોઇ સાથે મારે નહાવા નિચોવવાનો સંબંધ નથી. મને જેમની સાથે લેવાદેવા છે એ ત્રણ લોકોની તો મને ખબર નથી, બની શકે કે, એ ત્રણનું સુખ મારા પર આધારિત ન પણ હોય. પરંતુ મારું સુખ એમના પર સો ટકા આધારિત છે. મારા એન્ટરટેઈનમેન્ટ માટે આ ત્રણેય વ્યક્તિઓ એમનાથી બનતું બધું જ કરે છે. એ લોકો જો મારી કેર ન કરે તો કોણ જાણે હું ક્યાં ફેંકાઈ ગયો હોત! વળી, મારું દુખ પણ એમની સાથે જ જોડાયેલું છે. જીજુ પર ઘણી વાર ભ્રષ્ટાચારના આરોપો થતાં રહ્યા છે. વિપક્ષ એટલે કે, હાલનો સત્તાપક્ષ જ્યારે પણ જીજુ પર ભ્રષ્ટાચારના આક્ષેપ મૂકે છે ત્યારે હું ખૂબ જ ડરી જાઉં છું મને એમ થાય કે, ક્યાંક આ આક્ષેપો વડાપ્રધાન બનવાના મારા સપનામાં રોડાં નહીં ફેંકે! એટલે આ રીતે તો મારું દુખ પણ આ ત્રણ લોકો સાથે જ જોડાયેલું છે.

એવી કઈ ઘટના બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?

કોંગ્રેસ પક્ષ મોટાભાગે સત્તામાં જ રહ્યો છે એટલે જ્યારે પણ કોંગ્રેસ પાસે સત્તા ન હોય ત્યારે મન વ્યથિત થાય એ સ્વાભાવિક છે. પણ એથી વધુ વ્યથા મને ત્યારે થાય છે, જ્યારે હું સર્વસ્વ દાવ પર લગાવીને ચૂંટણી પ્રચારમાં કૂદી પડું છું ત્યારે જો માત્ર મારા કારણે અમે ચૂંટણી હારી જઈએ! યાર, મને ખબર છે કે હું આ બધામાં નિપુણ નથી અને મારા વિરોધીઓ મારા કરતા ઘણા હોશિયાર છે, પણ તોય મહેનતના કંઈક ફળ મળવા જોઈને? આ તો યાર હું જ્યાં ગયો ત્યાં કોંગ્રેસની હાર થઈ. આ તો સારું કે, કોંગ્રેસના નેતાઓની ગાંધી પરિવારની લાજવાબ છે એટલે તેઓ કંઈ બોલતા નથી. બાકી, કોઇ બીજો પક્ષ હોત તો નેતાગીરીને નામે મેં અપાવેલી હારો બાદ મને ક્યારનોય હાંકી કઢાયો હોત. પણ એમણે એવું કશુંય નહીં કર્યું અને તેમણે હજુ પણ મને કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે બરકરાર રાખ્યો છે, બલ્કે આ જ કોંગીનેતાઓ હવે મમ્માને સ્થાને મને બેસાવાની હિમાયત કરી રહ્યા છે.

તમારા જીવનના કપરાકાળ વિશે વાત કરશો?

જુઓ દોસ્ત, પૈસેટકે હું એટલો બધો સમૃદ્ધ છુંને કે, આર્થિક રીતે મારે ક્યારેય કપરોકાળ જોવાનો નથી આવ્યો. આ ઉપરાંત સત્તામાં ન રહેવા છતાંય અમારી પાસે એટલી બધી સત્તા છે ને કે, કોઇ ચાહે લાખ પ્રયત્ન કરી લે, પણ અમારો વાળ પણ વાંકો ન થઈ શકે. એટલે કાયદાકીય રીતે પણ મારે કપરોકાળ જોવાનો આવ્યો નથી. પણ મને ત્યારે હંમેશાં કપરો લાગે છે, જ્યારે સોશિયલ મીડિયામાં મારા નામે પપ્પુ સિરીઝના જોક્સ શરૂ થાય કે મારા નામે મેમે વાયરલ થાય! યાર, છેલ્લા કેટલાય વર્ષોથી મેં પોગો જોવાનું બંધ કર્યું છે અને હવે તો મને પોગોના કાર્ટૂન્સ પસંદ પણ નથી પડતા તો લોકો કેમ મારા વિશે ગમે એવા જોક્સ વાયરલ કરે છે? ફેસબુક, ટ્વિટર કે અન્ય કોઇ પણ સોશિયલ નેટર્વકિંગ સાઈટ્સ પર હું મારા વિશેની મજાક વાંચુ છું ત્યારે મને કપરાકાળ જેવું લાગે છે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે, હે ગોડ આ ટાઈમ પર જલદી પસાર કર.

દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા શું કરો?

આગળ કહ્યું એમ જ હું યોગ-સાધના કે મનોમંથનને બહાને વિદેશપ્રવાસે નીકળી જાઉં અને ત્યાં જઈને અન્જોય કરું. આથી વિશેષ મારી પાસે કોઇ રસ્તો નથી.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

સાચો જવાબ આપું કે ખોટો?

સાચો આપવાનો હોયને...

ફિલોસોફિકલ જવાબ આપું કે, સીધું ને સટ કહું?

સીધું ને સટ...

તો સાંભળો મારો જવાબ... અત્યાર સુધીના હું જીવનમાંથી ખરેખર કશું નથી શીખ્યો...

તમારા મતે દુનિયામાં સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુખી માણસ કોણ?

અમારા હાથમાં સત્તા ન હોવા છતાંય હું સત્તા જેવા જ દબદબામાં જીવું છું એટલે મારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ હું જ છું. અને જેના પિતા કે દાદી વડાપ્રધાન હોય અને મમ્મા પણ ભારતના રાજકારણમાં કિંગ મેકરની ભૂમિકામાં રહ્યા હોય છતાંય એમના ફરજંદમાં એટલે કે, મારામાં લીડરશીપની જરા સરખી આવડત નહીં હોય તો દુનિયામાં મારાથી વધુ દુખી કોણ હોવાનો?

અમારા વાચકોને આનંદમાં રહેવાની કોઇ સલાહ આપશો?

કોંગ્રેસને મત આપો અને અમને ફરી સત્તામાં લાવો. તમે આનંદમાં રહો કે ન રહો પણ અમે જરૂર ગેલમાં આવી જઈશું. આનાથી સારી કોઇ સલાહ હોઈ શકે ખરી?

(કલ્પનાઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.