સુખ અને દુખથી મહેકતાં હું તમે ને આપણે
મધ્યમવર્ગની તાણનો અનુભવ મેં કર્યો છે પરંતુ ગરીબીનું દુખ ખાસ અનુભવ્યું નથી. સ્વભાવે હું બહુ સાહસિક નથી તેથી મોટા આર્થિક નુકસાનનું દુખ અનુભવ્યું નથી. જો કે મારું સુખ પૈસા-સંપત્તિ કે સમૃદ્ધિમાં નથી એવી મને બહુ પહેલાથી ખબર હતી.
નાનપણથી મને ભદ્દી મજાકનો કે અન્ય બાળકો તરફથી અપાતાં ત્રાસનો ડર હતો. કોઈ મને ચીડવશે, હેરાન કરશે, બધા મારા પર હસશે એવી ફીઅર ઓફ રિજેક્શન બાળપણમાં મારા સ્વભાવનો મુખ્ય અંશ હતો. એ ડરમાંથી બહાર આવવાનો એક માર્ગ મારા મને અજાણપણે જ ગ્રહણ કરી લીધો. મને ખ્યાલ આવ્યો કે મને સિદ્ધિ મળવાથી, ઈનામો મળવાથી, મારી પ્રસંશા થવાથી મને ચીડવનારા બાળકો ધીમેધીમે ઠંડા પડે છે. જાણ્યે અજાણ્યે એ મોહનો હું ભોગ બનતો ગયો.
કોઈપણ નવી પરિસ્થિતિમાં મારો સ્વીકાર એ મારું સુખ અને અસ્વીકાર એ મારું દુખ. જીવનના બે દાયકા આ પરિસ્થિતિ રહી. હજુ પણ હું આ સુખ-દુખથી સંપૂર્ણ મૂક્ત થયો નથી. મારાં સુખ અને દુખ વિશે વિચારતાં પહેલો સવાલ એવો થાય કે નવજાત શિશુ તરીકે હું સુખ કે દુખની સમજ લઈ જન્મ્યો હતો ખરો? જન્મની પીડા એ મારી પહેલી પીડા. પણ એ તો માત્ર પીડા. માનસિક રીતે સુખ-દુખનો સભાન વિચાર હું બહુ મોડેથી કરતો થયો. જીવનની શરૂઆતમાં તો ટાઢ-તાપ, ભૂખ-તરસ, ઊંઘ-ઉત્સર્જન જેવી શારીરિક અનુકૂળતા અને પ્રતિકૂળતાની અનુભૂતિ એ જ મારાં સુખ-દુખ. કદાચ ભવિષ્યમાં અનુકૂળ અનુભવની પુનરાવૃત્તિ તેમજ પ્રતિકૂળ અનુભવથી બચાવની પદ્ધતિઓ આત્મસાત કરવાથી મારાં માનસિક વલણો ઘડાવાની શરૂઆત થઈ હશે. આમ, ધીમેધીમે બળવત્તર ગમા-અણગમા બાંધતા જવાનો માણસમાત્રનો સ્વભાવ મારો પણ સ્વભાવ બન્યો.
કંઇ મહત્ત્વનું રસપ્રદ કાર્ય હોય તો મને રોમાંચ થાય અને આવી પડેલું કામ બિનમહત્ત્વનું હોય તો કંટાળો આવે. આમ રોમાંચ અને કંટાળો પણ મારાં સુખ અને દુખ બન્યાં. બે દાયકા આમ રહ્યું હવે રોમાંચ પણ ઓછો થયો છે અને કંટાળો પણ. અત્યારે હું મારાં જીવનભરનાં સુખ અને દુખને ખોતરું તો કંઈ કેટલા પડ નીચે પડ નીકળતાં દેખાય છે.
- વાસ્તવિક પીડા કે રોમાંચ, એનો સાહજિક અર્થઘટન વિનાનો નર્યો અનુભવ
- સુખ કે દુખની વ્યક્તિગત માનસિક અનુભૂતિ
- એના વિશે વિચારમંથન
- એની સ્મૃતિ
- મૂડ પર એની પ્રલંબ અસર
- સુખ-દુખના અનુક્રમે મોહ કે ભયથી મેં વ્યક્તિગત રીતે વિકસાવેલી પ્રયુક્તિઓ
- પરિવેશ અને પરિસ્થિતિમાંથી સાંપડેલા પ્રતિભાવ
- એ પ્રતિભાવ અનુસાર મારા વલણોનું પુનર્ગઠન(reshaping)
- મારા વિશે સમાજે બાંધેલી છાપ, મેં પોતાના વિશે અને સમાજ વિશે બાંધેલી છાપ, પરસ્પરની એ છાપની ઉભય પક્ષના વર્તન, ઘટનાઓ અને અનુભવો પર અસર
આ બધી પ્રક્રિયાઓએ તાણાં અને વાણાંની જેમ મારાં જીવનનો પટ વણ્યો. મારાં સુખ અને દુખ એના પર ભાતની જેમ ઉપસી આવ્યાં.
મારાં સુખ-દુખના કારણો બાહ્ય કેટલાં અને આંતરિક કેટલાં તે છૂટું પાડવું અસંભવ છે. બાહ્ય નિમિત્ત વગરનું મારું કોઈ સુખ-દુખ હતું નહીં. તે જ રીતે આંતરિક વલણોની અસર વગરનું પણ મારું કોઈ સુખ-દુખ નહોતું. બાહ્ય કારણો તો દેખીતા હતાં, પણ આંતરિક વલણોને સમજતાં જરા વાર લાગી.
આ પ્રક્રિયાના તાણાંવાણાંનો વિકાસ જીવાતા જીવનમાં થયો હોવાથી નિરીક્ષણ, સમજણ અને સંતુલનથી અમુક અંશે ઈચ્છિત દિશામાં થોડો સુધારો અચૂક લાવી શક્યો. પણ માણસ સર્વજ્ઞ કે સર્વાંગસંપૂર્ણ થઈ ન શકે. એનાં નિરીક્ષણ, સમજણ અને સંતુલન પણ કોઈક રીતે અપૂર્ણ જ રહેવાનાં. ધારણાઓ, માન્યતાઓ અને તારણો બાંધ્યા વગર કોઈ રહી શકતું નથી. કેટલીક વાર એક ભ્રમ બીજા સત્યથી તૂટે છે તો કેટલીકવાર એક ભ્રમ બીજા ભ્રમથી તૂટે છે. સમ્યક્ દૃષ્ટિ અને સમ્યક્ વ્યવહાર એક સુંદર આદર્શ છે, પરંતુ distortion એક અનિવાર્ય વાસ્તવિકતા છે. આ વિષયના સંદર્ભે મને અમૃત ઘાયલનું મુક્તક યાદ આવે છે.
વલણ હું એક સરખું રાખું છું આશા નિરાશામાં,
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કંઈ નથી, હારું છું બહુધા પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં.
શાયર સાથે સંમત થયા પછી એટલું ઉમેરું કે સદા એકસરખું વલણ રાખવું પણ શક્ય નથી અને કાયમ હતાશાથી બચવું પણ શક્ય નથી. આવું બરાબર સમજી લીધા પછી એ દિશામાં થોડો પ્રયાસ કરી શકાય. મેં પણ કર્યો. જીવનના તમાશામાં ભાગ લેવો અનિવાર્ય છે. હું કેટલો ભાગ લેવા માગું છું અને મારે કેટલો ભાગ લેવો પડે છે, એ બેની વચ્ચેની કોઈ સ્થિતિમાં મારું જીવન પસાર થઈ રહ્યું છે. મારા જીવનનું શિલ્પ ઘડવાની છૂટ છે મને, પણ ક્યાંક ભૂલથી હું એમ સમજી બેસું કે હું સુખનું શિલ્પ ઘડી રહ્યો છું તો એ મારી અધૂરી સમજણ છે.
કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે
સુખને આકાર છે, દુ:ખ નિરાકાર છે.
વિચાર તો એમ આવે છે, ‘સુખ-દુખ આવે જાય’ કહીને, પરસેવાથી મહેકતા માનવી પર શુષ્ક વેદાંતી ઉપદેશનું પરફ્યૂમ શું છાંટવું? પેશેખિદમત છે એક ગઝલના થોડા શેર…
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે,
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે.
મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે,
આનંદ ઉચ્ચ લાગે પીડા ગજાની લાગે.
બાળકની આખી દુનિયા બસ એકલાની લાગે,
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે.
પોણા છ ફૂટની કાયા નહીંતર તો નાની લાગે,
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે.
ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું,
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે.
વાસ્તવિક સુખ-દુખનો સામનો કરવા માટે ફિલોસોફી કે ચિંતનની જરૂર નથી. જીવનની લીલામાં તલ્લીન થઈને જીવતાં માણસો બહુ વાંચતાં-વિચારતાં નથી. એ જરૂરી પણ નથી. એમને તો જીવનમાં રસ લેવા માટેનાં સાધનો અને કારણો જોઈએ. એમનાં મોટાભાગનાં દુ:ખ નક્કર અને મોટાભાગનાં સુખ પ્રયત્નસાધ્ય હોય છે. ફિલોસોફિકલી ઊભા કરેલા દુખ ફિલોસોફિકલી જ સોલ્વ કરવા પડે.
સુખ અને દુ:ખથી મહેકતાં હું તમે ને આપણે,
ચીખતાં થોડું ચહેકતાં હું તમે ને આપણે.
સ્થિર ડગ ભરવા જતાં જાણી કરી કે ભૂલથી,
ડોલતાં-ડગતાં-બહેકતાં હું તમે ને આપણે.
દુખની સમસ્યાનું જો કોઈ સમાધાન હોય તો આ ચાર પંક્તિઓમાં નહીં પરંતુ એના રદીફમાં છે. ‘હું તમે ને આપણે’ શબ્દમાં જરાતરા સમાધાન છુપાયેલું છે. કેવી રીતે? ગાલિબનો શેર સાંભળો.
ઈશરતે કતરા હૈ દરિયામેં ફના હો જાના
દર્દકા હદ સે ગુઝરના હૈ દવા હો જાના
દરિયામાં ભળી જવું એમાં જ ટીપાંની સાર્થકતા છે. દર્દ વિશે જ્યારે આપણે જાતની હદની બહાર નીકળી વિચારીએ, જ્યારે આપણને ખ્યાલ આવે કે આ દુખી સ્થિતિ કેવળ મારી સ્થિતિ નથી, હું તમે ને આપણે બધાં જ એનો શિકાર છીએ. સાવ સંકુચિતતાને ત્યજી થોડી વિશાળતા ધારણ કરીએ તો સુખ-દુખ થોડાં સહ્ય લાગવા માંડે છે.
સમભાવ, સહાનુભૂતિ કે કરૂણાનું પણ આગવું દુખ છે. જગતમાં રોજ કેટલા માણસો ભૂખ્યા સૂતાં હશે એની કલ્પના મને મારા ડાઈનિંગ ટેબલ પર જમવા ન દે. ફૂટપાથ પર સૂતેલા માણસનો વિચાર મને મારા બેડ પર સૂવા ન દે, તો તકલીફ થાય. જીવી જવા માટે એટેચમેન્ટ અને ડિટેચમેન્ટની વચ્ચેની કઈ સ્થિતિ ધારણ કરવી એનીય આગવી પીડા હોય છે. અત્યારે જીવનમાં આ સિવાય કોઈ પીડા નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર