શું ન કરવું એ સમજાય તો શું કરવું એની ચિંતા નથી નડતી

15 May, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

હું છેલ્લા પચીસેક વર્ષથી ફોટોગ્રાફીના ફિલ્ડમાં છું. આ વર્ષોમાં મેં એક બાબત હંમેશાં ફીલ કરી છે કે, મારા હાથમાં જ્યારે પણ કૅમેરા હોય ત્યારે મને સુખની અનુભૂતી થતી હોય છે. મેં લગ્ન પ્રસંગો અને તહેવારો જેવા ખુશીના પ્રસંગોએ પણ ફોટોગ્રાફી કરી છે અને ભૂકંપ જેવી કરુણ ઘટનાઓ દરમિયાન પણ ફોટોગ્રાફી કરી છે. પરંતુ જ્યારે પણ મારા હાથમાં કૅમેરા રહ્યો છે, ત્યારે મારા અંતરને સંતોષ રહ્યો છે.

જીવનમાં તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?

હું લાઈફની એટલે કે લોકોના રોજિંદા જીવનની ફોટોગ્રાફી કરું છું. આ કારણે હું ઓફિસે જતાં કર્મચારીથી લઈને રસ્તે ચાલતા ભિક્ષુક અથવા બજારમાં ફરતા માણસોની જીવનશૈલી અને એમના હાવભાવને કૅમેરામાં કેદ કરતો હોઉં છું. એમની ફોટોગ્રાફી કરતી વખતે કે એમની સાથે ઈન્ટરેક્શન કરતી વખતે હું એમના સુખની અને દુખની એમ બંને ક્ષણોનો સાક્ષી બનતો હોઉં છું. ફોટોગ્રાફી કરતી વખતે આવી ક્ષણોને ઝીલતી વખતે તો મને આનંદ આવે જ છે, પણ જ્યારે મારા સબ્જેક્ટની દુખની ક્ષણોમાં કે એમની જરૂરિયાતના સમયે હું એમને કંઈક મદદ કરી શકું ત્યારે મને ખરેખર વધુ આનંદ આવે છે.

આનંદના સંદર્ભે હું બીજી એક વાત કરવા ઈચ્છું છે કે, લાઇફ ફોટોગ્રાફી કરતા ફોટોગ્રાફર્સ માટે આપણા મેળાઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. કારણ કે, ત્યાં વિવિધ વેશભૂષાઓ ધારણ કરેલા ગ્રામીણ ભારતના લોકો આવતા હોય છે. હવે સમય બદલાયો છે એટલે ગ્રામીણ ભારતના લોકોની જીવનશૈલી અને એમના પહેરવેશમાં પણ કાફી બદલાવ આવ્યો છે. આ કારણે કેટલાક ફોટોગ્રાફર્સ ફરિયાદ કરે છે કે, ‘યાર, હવે મેળાઓમાં ફોટોગ્રાફી કરવાની પહેલા જેવી મજા નથી આવતી.’ આવા સમયે મને ખૂબ આશ્ચર્ય થાય છે. કારણ કે એ ફોટોગ્રાફર્સે અત્યાર સુધી પેલા ગ્રામીણ ભારતના લોકોના પહેરવેશની જ ફોટોગ્રાફી કરી હતી. પણ એમના ઈમોશન્સ સાથે તેઓ ક્યારેય સંકળાયા જ નથી! આ બાબતે હું માનું છું કે, જ્યારે પણ આપણે ફોટોગ્રાફી કરીએ ત્યારે આપણા સબ્જેક્ટ સાથે તાદામ્ય કેળવવું જોઈએ. ભલેને પછી આપણો સબ્જેક્ટ નિર્જીવ કેમ ન હોય. આપણે પથ્થરની ફોટોગ્રાફી કરીએ તો એ પાષાણ સાથે પણ સંવાદ સાધવો જોઈએ, જેથી આપણે એની સુંદરતા અને એની અલૌકિકતાને ઝીલી શકીએ. મોટાભાગે હું મારા સબ્જેક્ટ સાથે આવું તાદાત્મ્ય કેળવવાનો પ્રયત્ન કરું છું અને આવું ઐક્ય પણ મને ઘણો આનંદ આપે છે.

આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?

ના, આપણું સુખ ક્યારેય બીજાઓ પર આધારિત નહીં હોઈ શકે. અને હું સ્પષ્ટપણે એવું માનું છું કે, આપણું સુખ અને દુખ બંને આપણા પોતાના પર જ આધાર રાખતા હોય છે.

એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?

મને એક બાબત હંમેશાં વ્યથિત કરતી રહી છે કે, આપણે લોકોને જે ખુશી કે આનંદ આપતા હોઈએ છીએ એ હંમેશાં એમનો ટેમ્પરરી આનંદ હોય છે. આપણે ક્યારેય કોઇને હંમેશ માટે અને સંપૂર્ણરીતે ખુશ કરી શકતા નથી. દાખલા તરીકે હું કોઇક ભિક્ષુકની ફોટોગ્રાફી કરતો હોઉં અને એના ફોટોગ્રાફ્સ લીધા એના બદલામાં હું એને થોડા પૈસા આપું તો એ એનું ટેમ્પરરી સુખ કહેવાય. પણ હું એને હંમેશંને માટે તો સુખી નહીં જ કરી શકુંને? જોકે આવું સામર્થ્ય આપણું કોઈનું જ નથી હોતું. છતાં આવી બાબતો મને વ્યથિત કરી જાય.

આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?

હું લાઈફ ફોટોગ્રાફી કરું છું એટલે રોજ નીતનવા લોકો અને અલગ અલગ સ્વભાવના પરિચયમાં આવતો હોઉં છું. આ કારણે મને ક્યારેય કંટાળો નથી આવતો અને હું કંટાળતો જ નથી તો ભાગવાનો પ્રશ્ન જ ક્યાં આવે? અલબત્ત, જીવનમાં ક્યારેક એવી સ્થિતિ જરૂર ઉદભવતી હોય છે, જેમાં આપણી ધીરજની પરીક્ષા થતી હોય છે. પણ તોય હું ભાગી જવાની તરફેણમાં ક્યારેય નથી રહ્યો. આપણી સ્થિતિનો સામનો કરીને કંઈક હકારાત્મક કામ કરીએ તો આપોઆપ જ સ્થિતિ સુધરી જતી હોય છે, એના માટે પલાયનવાદી બનવાની જરૂર નથી હોતી.

જીવનમાં ક્યારેય કપરો સમય જોવાનો આવ્યો છે ખરો?

હા, કપરો સમય તો ઘણી રીતે જોવાનો આવ્યો છે. ફોટોગ્રાફી શરૂ કરેલી ત્યારે એમ નક્કી કરેલું કે, વેડિંગ ફોટોગ્રાફી તો નથી જ કરવી. આ કારણે છૂટાછવાયા જે અસાઈન્મેન્ટ્સ મળે એ કરવા પડતા, જેથી શરૂઆતમાં કેટલીક વખત આર્થિક પ્રશ્નોનો સામનો કરવો પડેલો.

વળી, વર્ષ 2011મા મારા પિતાજીનું અવસાન થયું અને આ સમયે હું ફોટોગ્રાફીના મારા કામમાં ખૂબ ઊંડો ઉતરી ગયો હતો. પિતાની ગેરહાજરીને કારણે ‘નવજીવન’ સંસ્થા તરફથી મને મેનેજિંગ ટ્રસ્ટી થવાનું સૂચન થયું. જીવનના એ તબ્બકે ફોટોગ્રાફીની સાથોસાથ બીજા કોઇ ક્ષેત્રમાં કામ કરવું મારા માટે અત્યંત મુશ્કેલ હતું. પણ ‘નવજીવન’ના વડીલો એવું કહેતા હતા કે, પિતાજીના ઘણા સપનાં હતા એ હવે મારે પૂરા કરવા જોઇએ અને સંસ્થાને મારી જરૂર છે ત્યારે મારે સંસ્થાની પડખે ઊભા રહેવું જોઈએ. આ સમયે કોઇ એક નિર્ણય લેવો મારા માટે અત્યંત કપરું કામ હતું, પણ પછી મેં એવું નક્કી કર્યું કે, ‘નવજીવન’ને કારણે હું મારું ફોટોગ્રાફીના કામને ક્યારેય અસર નહીં થવા દઉં અને એવું કોઇ પગલું પણ હું ક્યારેય નહીં ભરું, જેથી ‘નવજીવન’ને નુકસાન થાય. કંઈક આવા વિચાર સાથે મેં મારા બંને કામને સમય ફાળવવાનું શરૂ કર્યું અને બેએક વર્ષમાં હું બરાબર ગોઠવાઈ પણ ગયો. પણ ત્યારે મનમાં ઘણી ગડમથલ અનુભવેલી અને એ સમયને હું મારા કપરા સમય તરીકે ઓળખાવી શકું છું.

જો કોઇ બાબતે તમને પીડા થાય તો તમારી પીડામાંથી બહાર આવવા માટે તમે શું કરો?

હું ઈશ્વરમાં ખૂબ માનું છું. એમાંય ભગવાન શિવમાં મને ખૂબ શ્રદ્ધા છે. એટલે જો હું દુખી હોઉં તો ઈશ્વરની નજીક પહોંચવાનો પ્રયત્ન કરું છું. આ માટે હું ક્યારેક બનારસ કે વૃંદાવન-મથુરા જેવા શહેરોમાં પહોંચીને કોઇ પણ અધ્યાત્મિક પ્રવૃત્તિની ફોટોગ્રાફી પણ કરું. આ શહેરોના વાઈબ્રેશન્સ જ એવા છે કે, તમે દુખી હો અથવા ક્યાંક ગૂંચવાયેલા હો તોય તમને આપોઆપ કોઇ રસ્તો જડી જાય છે અને તમે પીડામાંથી ઉગરી જાઓ છો.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

જીવનમાં મારે શું નહીં કરવું એ જ અત્યાર સુધીના જીવનમાંથી હું શીખ્યો છું. મારા જીવનની ફિલોસોફી એ છે કે, આપણે શું નહીં કરવું એની આપણને ખબર પડી જાય તો આપણે શું કરવું એનો આપણે ઝાઝો વિચાર કરવો પડતો નથી.

તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુખી માણસ કોણ?

જે માણસ નિજાનંદમાં રાચતો હોય એ માણસ મારા મતે દુનિયાનો સૌથી માણસ હશે. અને દુખી માણસોની કોઇ ચોક્કસ લાક્ષણિકતા હું સમજાવી શકતો નથી. એનું કારણ એ જ કે, આપણે દુખી થવાના અનેક કારણો શોધી નાંખ્યા છે એટલે કોઇ એક કારણ હોય તો એને કહી શકાય ને?

અમારા વાચકને આનંદમાં રહેવા માટેની કોઇ સલાહ કે ટિપ્સ આપશો?

આ બાબતે હું એટલું જ કહીશ કે, અપણા નિજાનંદમાં રહેવું અને આપણને જે ગમે એ જ કરવું.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.