સરદાર પટેલનો એક કાલ્પનિક ઈન્ટરવ્યુ

01 Nov, 2015
12:00 AM

mamta ashok

PC:

તમારા માટે સુખ એટલે શું?

પોતાના અંગત સુખની પરવા તો મેં નાનપણથી જ નથી. શાળામાં ભણતો ત્યારથી જ મારા માટે બીજાનું સુખ એ મારું સુખ અને બીજાની પીડા એ મારી પોતીકી પીડા રહી છે. તો વકીલાત કરતો હતો એ સમયે કે પાછળથી આઝાદીની લડત હોય કે, રાજકારણ હોય, સામાન્યજનની સમસ્યાઓ અને એમની પીડાઓ જ મારી અગ્રિમતા રહી છે. આજે હું સદેહે ભલે હયાત નહીં હોઉં પરંતુ આજેય દેશની શાંતિ અને દેશની પ્રગતિ એ જ મારું સુખ.

તમને કઈ કઈ બાબતોમાંથી આનંદ મળે?

બાપુના માર્ગે આઝાદીની લડતમાં જોડાયો પછી મારા આનંદના સ્ત્રોત બદલાયા છે. પહેલા હું બ્રિટીશ લાઈફ સ્ટાઈલથી ઘણો પ્રભાવિત હતો, ગાંધીજીના સંપર્કમાં આવ્યા પહેલા હું અંગ્રેજોની જેમ જ જીવતો, એ એટિકેટ્સ મને ઘણો આનંદ આપતા. પરંતુ દેશના સામાન્યજનની કફોડી પરિસ્થિતિથી જોયાં બાદ અને એવા લાખો લોકોના સંપર્કમાં આવ્યાં બાદ હવે સાદગી મને આનંદ આપે છે. બીજી બાબત એ કે, બાપુનો હું આંધળો સમર્થક નથી અને એવુંય નથી કે, હું બાપુના તમામ વિચારો સાથે સહેમત છું. પરંતુ તોય એ ફકીર માટે મને એટલું બધું માન છે કે, મને એમનો પડ્યો બોલ ઝીલવાનું ગમે છે. આ વાતને ટૂંકમાં કહું તો, ગાંધીજીની આજ્ઞા ઝીલવાનું મને ગમે છે અને એ બાબત મને આનંદ પ્રદાન કરે છે. આ ઉપરાંત સામાન્ય લોકોની વચ્ચે રહીને એમના સામાજિક, શૈક્ષણિક ઉત્થાન માટે પ્રયત્નશીલ રહેવું કે એમને એમના હકો અપાવવા માટે જે-તે સત્તાના શિંગડાંમાં શિંગડું ભેરવવું પણ મને ગમે છે.

સુખ માટે આધારિતા કેટલી યોગ્ય? આપણું સુખ બીજાઓ પર આધારિત હોઈ શકે ખરું?

આ ઈન્ટરવ્યુ પહેલા મેં પણ હોમર્વકના ભાગરૂપે 'khabarchhe.com'ના આર્કાઈવ્ઝમાં જઈને 'મારું સુખ દુખ' વિભાગના જૂના ઈન્ટરવ્યુઝ-લેખો જોયેલા. એમાં આ સવાલના જવાબમાં અન્ય લોકોએ રૂપાળા જવાબો આપ્યા છે. એમાંના મોટાભાગના લોકોએ એમ કહ્યું છે કે, સુખ એ આતંરિક બાબત છે અને એ ક્યારેય બીજા પર આધારિત નહીં હોઈ શકે. આઝાદી પછી જન્મેલા એ લોકોના આવા જવાબ ખોટાં પણ નથી. કારણ કે, જેમ સ્વરાજ આવ્યું એમ સ્વાવલંબન પણ આવ્યું અને દેશના લોકો સામાજિક આર્થિક રીતે પણ ઘણા સદ્ધર થયાં. આ કારણે લોકોની જીવન શૈલી ઘણી બદલાઈ, દેશના ભાગલા થયાં બાદ દેશના સંયુક્ત પરિવારોના પણ ભાગલા થવાં માંડ્યાં અને ગામડાઓનું શહેરીકરણ થવા માંડ્યું. એટલે આજના તમારા 'કોસ્મોપોલિટન કલ્ચર'નો માણસ એમ જરૂર કહી શકે કે, મારું સુખ બીજા પર આધારિત નથી.

પરંતુ અમારા સમયની એટલે કે, આઝાદી પહેલાના કાળની વાત જુદી હતી. ત્યારે દેશ અંગ્રેજોનો ગુલામ હતો અને બહુ નાના ભદ્ર વર્ગને બાદ કરતા ભારતીય ઉપખંડનો ઘણો મોટો વર્ગ ગુલામી, ત્રાસ, ભૂખમરો અને ગરીબી જેવી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. સર્વત્ર દુખ અને પીડાનો માહોલ વ્યાપેલો હોય ત્યારે પેલો ભદ્ર, સુખી વર્ગ પણ કઈ રીતે આનંદમાં જીવી શકે? ત્યારનો સમય અને સંસ્કાર જ એવા હતા, કે માણસ સુખની બાબતે એકલપેટો નહોતો. અન્યોનું દારિદ્રય અને અન્યોના અભાવોથી નિસ્પૃહ રહી શકાતું નહીં. એમની પીડાઓ પણ પોતીકી જ લાગતી. એટલે હું માનું છું કે, જો આપણું દુખ બીજાઓ પર આધારિત હોય શકે તો આપણું સુખ બીજાઓ પર આધારિત હોવાનું જ. અમે સહિયારું જીવન જીવવામાં માનનારા લોકો હતા એટલે અમારા સુખ-દુખ પણ સહિયારા અને એકબીજા પર આધારિત હતા.

એવી કઈ બાબતો છે, જેના કારણે તમારું મન વ્યથિત થાય?

દોસ્ત, હાલના સંદર્ભમાં તો આ સવાલ જ તું નહીં પૂછે તો સારું. કારણ કે એવી કોઈ એક બાબત હોય તો કહું. અહીં તો એવી બાબતોની વણઝાર છે, જેમને કારણે હું સતત વ્યગ્ર-વ્યથિત થતો રહ્યો છું. બીજી બધી વાત કોરાણે મૂકીને માત્ર બાવલાંની જ વાત કરીએ. ભલા, આટલા બધા ખર્ચે, આટલું મોટું બાવલું તે કંઈ ઊભું કરાતું હશે? મારું જીવન તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે, મેં નાહકના વેડફાટને હંમેશાં અવગણ્યો છે અને આજીવન સાદગીની પૂજા કરી છે. અને અહીં આ બધા મારું બાવલું ઊભું કરવામાં કરોડોનો ધૂમાડો કરી રહ્યા છે. આ તે કંઈ ઓછી પીડાદાયી ઘટના છે? મારા તોતિંગ બાવલાંને એ લોકો વિકાસ સાથે જોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આ બાબત પ્રવાસન માટે પણ ઘણી ઉપયોગી નીવડશે. પણ આની પાછળના રાજકારણને હું પિછાણું છું. અને રહી વાત પ્રવાસનની તો હાલના સત્તાધીશોને હું એટલું જ કહીશ કે, બાકી બધી ફાંકા ફોજદારી બાજુએ મૂકીને સૌથી પહેલા તો દેશનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ બનાવો, જેથી વિદેશી પ્રવાસીઓને પણ અહીં આવવાનું મન થાય. તેઓ અહીં આવવા જ તૈયાર નહીં હોય તો પ્રવાસન માટેના તમારા આયોજનો શા કામના? અને ભાઈ, પહેલા શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં વસતા કે ગામડામાં ભૂખે મરતા ગરીબોના શરીરને પોષણ મળે એવું કંઈ ગોઠવોને... આ બાવલા ઊભા કરવાનો શો અર્થ? ક્યારેય ગરીબી મુક્ત ભારત કે ઝૂંપડપટ્ટી મુક્ત ભારતનો પ્રકલ્પ લીધો છે કોઈ સરકારે?

...અને પાટીદાર આંદોલન વિશે.....?

આ પ્રશ્નનો હું જવાબ નહીં આપું તો નહીં ચાલે? આ બાબતે મને અંદરથી એટલો બધો હચમચાવી કાઢ્યો છે કે, ન પૂછો વાત! મારો જન્મ ભલે પાટીદાર કોમમાં થયો હોય, પરંતુ બધા એ ભૂલી રહ્યા છે કે, હું ધર્મ કે કોમથી ઉપર ઉઠેલો માણસ છું. હું આખા રાષ્ટ્રની ચિંતા કરવાવાળો માણસ છું કોઈ એક જાતિ પુરતો મર્યાદિત નથી. પણ આ મારા બેટાઓ તો મારું નામ વટાવી ખાઈ જઈ રહ્યા છે. 'જય સરદાર, જય પાટીદાર' અને 'જય સરદાર, ગઈ સરકાર'. આ તે કંઈ રીત છે? આંદોલન કેટલું વાજબી છે કે કેટલું વાજબી નથી એની ચર્ચા મારે કરવી જ નથી. લોકતંત્રમાં ઉધઈની જેમ ચોટી ગયેલી સરકારની શાન ઠેકાણે લાવવા માટે આંદોલનો તો થવા જ જોઈએ, પણ હું તોડફોડની તરફેણમાં નથી. અરે જ્યારે અંગ્રેજોની સરકાર હતી ત્યારે પણ અમે તો કોઈ તોડફોડ નહીં કરેલી. તો આ તો સ્વરાજ છે, આપણે જ ચૂંટેલી સરકાર છે. ત્યારે આવી આગચંપીની ઘટના આપણને શોભે ખરી? અને મારા બેટાઓ તોડફોડ કરતી વખતે 'જય સરદાર જય સરદાર' કરે છે!

હું જીવતો હોત તો માનહાનીનો દાવો કર્યો હોત આ બધા પર. મારા કોઈપણ આંદોલનો દરમિયાન મેં તોડફોડ કરી હોય, આગચંપી કરી હોય કે કોઈને ઉશ્કેર્યા હોય એવું એક પણ ઉદાહરણ જોવા મળ્યું છે ખરું? તો આ બધી ઉશ્કેરણીમાં મારું નામ શું કામ વટાવી ખવાય છે? વાત કરો છો યાર...

વાત નીકળી છે તો હું પોલીસની વાત પણ કરી લઉં... આંદોલનવાળાની વાત પણ સાચી હોઈ શકે છે કે, 25 ઓગસ્ટની રેલી બાદ પોલીસે એમના પર અત્યાચાર ગુજાર્યો. સત્તાને અને અત્યાચારને આજકાલથી નહીં પરંતુ ઔરંગઝેબના સમયથી કે એથી પણ પહેલાથી ઘણો ઘરોબો છે. અમારા આંદોલનો વખતે પણ અમારા પર અંગ્રેજ પોલીસે કંઈ એક અત્યાચાર નહોતો ગુજાર્યો. પરંતુ એ અત્યાચારનો પ્રતિકાર તમે કઈ રીતે કરો છો એ બાબત અત્યંત મહત્ત્વની થઈ પડે છે. આવામાં જો તમે હિંસાના માર્ગે ગયા તો વિધ્વંસ થાય અને દેશનું ધનોતપનોત નીકળી જાય. આ બાબતે મારે આનાથી વધુ કંઈ કહેવું નથી. મારું નામ વટાવી ખાનારાઓએ ફરી એકવાર મારું જીવન વાંચી જવું જોઈએ અને બધાએ યાદ રાખવું જોઈએ કે, હું કોઈ એક કોમ કે ધર્મનો સરદાર નહોતો હું સંપૂર્ણ ભારતનો સરદાર હતો. એટલે જાત-પાતની જેલમાં મને નહીં પૂરો તો સારું.

આસપાસના સંબંધો કે માણસોથી કંટાળીને ભાગી જવાનું મન થયું છે ક્યારેક?

'ભાગી જવું' જેવા શબ્દો અને વલ્લભભાઈ પટેલને હાડવેર છે. મારા અંગત સંબંધોની વાત અહીં અસ્થાને છે. પણ જાહેર સંબંધોમાં પણ જ્યારે જ્યારે કોઈ વિવાદ કે ઘર્ષણ થયાં છે ત્યારે મેં જે-તે વિકટ પરિસ્થિતિ સામે બાથ ભીડી છે. યાદ રહે, 'મેં પરિસ્થિતિ સામે બાથ ભીડી છે વ્યક્તિ સામે નહીં!' (આટલું બોલતા મુક્ત મને હસી પડે છે અને કહે છે કે, 'આજકાલના પત્રકારોનો ભરોસો નહીં. તમને તલનો તાડ કરતા અને અર્થનો અનર્થ કરતા બહુ આવડે છે!)

(સરદાર) હા, તો આપણે ક્યાં હતા?

(અંકિત ) જી... તમે સંબંધોમાં સર્જાતી વિકટ પરિસ્થિતિઓની કંઈક વાત કરતા હતા...

હા, એટલે જાહેર જીવનમાં મને જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે કોઈ બાબતે ખટપટ થઈ જાય તો હું એ પરિસ્થિતિનો યોગ્ય ઉકેલ શોધું અને એમાંથી અમને બંનેને યોગ્ય પડે એવો રસ્તો કાઢું છું. કેટલીય વાર તો એવું પણ બન્યું છે કે, મારું નુકસાન થતું હોય તો પણ મેં સામે વાળાની જીદ માન્ય રાખી છે. કોઈને આ રીતે ખુશ કરવા એ પણ મારા આનંદનો જ વિષય છે! (મર્માળું હાસ્ય)

તમારા જીવનના કોઈ કપરાકાળ વિશે વાત કરશો?

(નીચું જોઈને કંઈક વિચાર કરીને...) દેશનો કપરોકાળ ચાલતો હોય એટલે એ મારો કપરોકાળ કહેવાય. અને આઝાદી પહેલા અને આઝાદી પછી આવા કપરાકાળ તો અનેક વખત આવતા જ રહ્યા છે. દેશમાં આંતરિક અશાંતિ અને હિંસક આંદોલનો થતાં રહેતા હોય એને પણ હું તો કઠણાઈ જ ગણું.

દુખી થાઓ ત્યારે તમારી પીડામાંથી બહાર નીકળવા માટે તમે શું કરો?

કોઈ વાતે સરદાર દુખી થાય તો એ સરદાર નહીં. હું દુખી થઈ જવા કરતા ઝઝૂમી લેવામાં વધુ માનું છું. છતાં કોઈ વાતે વ્યગ્રતા અનુભવાય તો હું ગાંધીજી સાથેની અમારી મુલાકાતો યાદ કરું છું. કોઈક વાતે મન ખિન્ન હોય તો બાપુ હમણા હોત તો આ પરિસ્થિતિ સામે એમણે કઈ રીતે બાથ ભીડી હોત એ વિશે હું વિચાર કરું છું. અથવા આશ્રમમાં જે ભજનો ગવાતા એ ભજનોનું રટણ કરીને મનને શાંત કરું છું.

તમારા માટે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુખી માણસ કોણ?

જે પરિશ્રમ નથી કરતો એ દુખી અને જે પરિશ્રમ કરે છે એ સુખી. જે નિર્મોહી નથી એ દુખી અને જે નિર્મોહી છે એ સુખી અને જે બીજાનો વિચાર નથી કરતો અને પોતાનામાં જ અલમસ્ત રહે છે એ દુખી અને જે બીજાની જરા સરખી પણ પરવા કરે છે એ સુખી.

સુખી રહેવા કે આનંદમાં રહેવા માટેની અમારા વાચકોને કોઈ સલાહ આપશો?

કામમાં ડૂબેલો કોઈ પણ માણસ નિર્વિવાદપણે સુખી હોવાનો. હા, પણ દરેક માણસે એટલું ધ્યાન રાખવું કે, પોતાનું કામ દેશને શા ખપમાં આવે છે? પોતાના કે અન્યના ખપમાં નહીં આવતું હોય એવું એકેય કામ ક્યારેય કરવું નહીં.

(અંકિત દેસાઈની કલ્પના)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.