સ્વને ઓળખો અને સ્વને પામો

20 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

સુખને જો વ્યાખ્યામાં બાંધવામાં આવે તો એને સુખ કહી શકાય નહીં. એટલે હું સુખને કોઈ ચોક્કસ વ્યાખ્યામાં નહીં બાંધુ, પરંતુ જો સુખની લિટમસ ટેસ્ટ કરવામાં આવે તો એમ કહી શકાય કે, ‘જો આપણું મન શાંત અવસ્થામાં હોય તો એ સુખ અને અનેક વૈભવ વચ્ચે પણ મનને સતત અજંપો હોય તો એ અસુખ!’ મારે હિસાબે સુખ બાહ્ય બાબતો પર આધાર નથી રાખતું, પરંતુ સુખ એ એક આંતરિક અનુભૂતિ છે. બાકી, તમે પૈસાદાર છો તો જ તમે સુખી છો કે તમારી પાસે અમુક ચોક્કસ પ્રકારની કાર હોય તો જ તમે સુખી કહેવાઓ એવા ભૌતિક સુખની વ્યાખ્યા હું સ્વીકારતી નથી.

તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?

તમને ખ્યાલ હશે કે આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. એ જ રીતે આપણે જેને આનંદ કહીએ છીએ એના માટે અંગ્રેજીમાં પણ કોઈ ચોક્કસ શબ્દ નથી. જોકે આનંદની બાબતે હું એમ માનું છું કે, આપણો આનંદ આપણી અંદર રહેલા સત્ત્વ પર આધાર રાખે છે. માણસની અંદર જેટલી સારાઈ હોઈ, એટલો એ માણસ વધુ આનંદમાં રહી શકે. એવું કંઈ જરૂરી નથી કે, તમારા પગારમાં વધારો થાય કે તમને કોઈક ઈનામ મળે તો જ તમે આનંદ અનુભવી શકો. તમારામાં સત્ત્વ હોય તો બની શકે કે કોઈક છોડ પર ફૂલ ખીલ્યું હોય તોય તમને આનંદ મળે કે તમે કોઈક સારું પુસ્તક વાંચ્યું હોય કે કોઈક ગમતું ગીત સાંભળ્યું હોય તોય તમે આનંદ અનુભવો. હું સામાન્ય રીતે આવી બાબતોમાંથી જ આનંદ મેળવતી હોઉં છું.

બીજું એ કે, આનંદને સુખ અને દુખ સાથે કોઈ લેવાદેવા નથી. જીવનમાં તમે કોઈક મુશ્કેલીઓમાં હો અથવા તમારો  સમય ખરાબ ચાલતો હોય તો પણ એમ બને કે, એ પરિસ્થિતિમાં તમને કોઈક વિચાર આવે અને તમને આનંદ અનુભવાય. એટલે જેમ ‘સત-અસત’ની પાર પરમસત છે એમ સુખ દુખની પાર પરમઆનંદ રહેલો છે એવું કહીએ તોય ખોટું નથી.

આપણું સુખ કોઈના પર આધાર રાખી શકે ખરું?

હા, ચોક્કસ જ. જોકે આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું, પરંતુ આપણો આનંદ ક્યારેય કોઈના પર આધારિત ન હોઈ શકે. આજકાલ હું બુદ્ધિઝમ પર ખૂબ વાંચુ છું અને એ વિચારોથી હું ઘણી પ્રભાવિત પણ છું. એમાં પણ આ જ વાત છે કે, આપણા બ્રહ્માંડમાં જડ અને ચેતન સહિતની તમામ બાબતો એકબીજા સાથે ઈન્ટરકનેક્ટેડ છે. અને સામાન્ય જીવનથી આપણે થોડા ઉંચા ઊઠીને સમગ્ર સ્થિતિને થોડી ગહનતાથી જોઈશું અને વિહંગાવલોકન કરીશું તો આપણે પણ આસાનીથી આ બાબતને અનુભવી શકીશું કે, આપણે સૌ એકબીજા સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છીએ જ. આમ, સમગ્ર અસ્તિત્વના એક ભાગરૂપે આપણે આપણી જાતને આ બ્રહ્માંડથી અલગ કરી શકીએ નહીં. જો કોઈ વ્યક્તિ સમગ્રતાનો વિચાર કર્યા વિના માત્ર સ્વ સુધી જ સીમિત રહેતી હોય તો મને આવું વલણ છીછરાઈ લાગે છે. કારણ કે કોઈ માણસ એવું કરે તો એનો અર્થ એ થાય કે એ સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વને નકારે છે.  

હું મારું જ ઉદાહરણ આપું તો હાલમાં તમે મારો આ ઈન્ટરવ્યુ કરી રહ્યા છો તો અત્યારે હું આનંદ અનુભવુ છું. એ જ રીતે ક્યાંક બાળકોને રમતા જોઉં કે કોઈકને સુખી થતાં જોઉં તોય હું ખુશ થઈ જાઉં. એ જ રીતે કોઈક પર અત્યાચાર થયાંના સમાચારો વાંચુ તો એ સ્થિતિમાં હું પોતે પણ ખુશ રહી શકું નહીં. આખરે વાત તો પેલા ઈન્ટરકનેક્શનની જ આવી ને? એટલે સમગ્રતાના સંદર્ભમાં આપણું સુખ તો બીજા પર આધારિત હોવાનું જ, પણ આપણું દુખ પણ બીજા પર આધારિત હોય છે એવું હું માનું છું.

તમારા વ્યથિત થવાના કારણો કયા?

તમે પત્રકાર છો એટલે તમને આ વાત થોડી કડવી લાગી શકે, પરંતુ હું રોજ સવારે સાડાનવ સુધી અખબારને કે ટેલિવિઝનને અડકતી સુદ્ધાં નથી. એનું કારણ એ જ કે, સમાચારના કોઈ પણ માધ્યમમાં નકારાત્મક સમાચારોનો એટલો બધો મારો છે કે ન પૂછો વાત. હું તો એને ધોધવો કહું છું, જ્યાં ટેલિવિઝન ઓન કરીએ એટલે થોડી જ મિનિટોમાં આપણા પર નકારાત્મક સમાચારોનો ધોધ વરસી પડતો હોય છે. એટલે હું સવારના સમયે એ બધુ ટાળું છું. અરે, હું તો ત્યાં સુધી કહીશ કે, જો હું દિવસમાં વધુ સમાચારો વાંચુ કે ન્યૂઝ ચેનલ્સ જોઉં તો હું ચોક્કસ જ ડિપ્રેશનની પેશન્ટ બની જાઉં! આ ઉપરાંત જ્યારે કોઈક જગ્યાએ સાચું અને સારું હારી જાય ત્યારે પણ હું ઘણી વ્યથિત થાઉં.

આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થાય ખરું?

ના. ભાગી જવાનું મન ક્યારેય નથી થયું, કારણ કે ભાગીને આખરે જવાનાય ક્યાં? વળી, ભાગી જવું એ તો પલાયનવાદ કહેવાય અને આવી કાયરવૃત્તિ મને તો નહીં જ પાલવે. પણ માનસિક સંઘર્ષના સમયે હું એક કામ જરૂર કરું કે, હું જે-તે સ્થિતિથી મારી જાતને થોડી અળગી કરી દઉં અને એ સ્થિતિ વિશે શાંત ચિત્તે થોડો વિચાર કરું અને ફરી એ સ્થિતિનો સામનો કરીને મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરું.

જીવનમાં ક્યારેય કપરો કાળ જોવાનું બન્યું છે ખરું?

શારીરિક, માનસિક કે આર્થિક એમ ત્રણેય રીતે મેં જીવનમાં કપરા સમયનો સામનો કર્યો છે. મારી બંને ડિલિવરી અત્યંત કપરી અને પીડાભરી રહી હતી. પહેલી ડિલિવરી દરમિયાન એક તબક્કે તો હું રીતસર જીવન અને મરણ વચ્ચે ઝૂલી હતી અને ઈશ્વરને ત્યાં એકવાર દરવાજો પણ ખટખટાવી આવી હતી. આમ, એ રીતે શારીરિક પીડા ઘણી ભોગવી છે.

તો આર્થિક રીતે પહેલેથી જ અમારી સ્થિતિ બહુ સારી કહી શકાય એવી ન હતી. વળી, પરણીને સાસરે આવેલી ત્યારે પણ એવી જ આર્થિક સ્થિતિ હતી. એટલે આર્થિક દૃષ્ટિએ પણ અમે થોડો સંઘર્ષ કર્યો છે. અલબત્ત, ઈશ્વરની કૃપાથી એવી સ્થિતિ ક્યારેય નથી આવી કે, સાંજે શું ખાઈશું કે કાલે બપોરનું ખાવાનું મળશે કે નહીં એનો વિચાર કરવો પડ્યો નથી! પરંતુ જેને આપણે લક્ઝરી કહીએ એવી લક્ઝરીથી અમે લાંબો સમય વંચિત રહ્યા છીએ.

જોકે એવા સમયમાં પણ ઓછપ કોને કહેવાય એની અમને ખબર નથી પડી, કારણ કે ભાઈ અને બા (ગુણવંત શાહ અને અવંતિકા શાહ)એ અમારું ઘડતર અત્યંત સાદગી અને ઓછી ભૌતિકતા વચ્ચે કર્યું હતું એટલે ભૌતિકતાનો અભાવ અમને ક્યારેય કનડ્યો નથી. આપણું સુખ પૈસા પર આધારિત નથી હોતું એવી કેળવણી અમે ઘણી નાની ઉંમરે શીખી ગયેલા એટલે પૈસાના અભાવે અમે પીડાયા હોઈએ એવું ક્યારેય નથી બન્યું.

અને માનસિક રીતે જોવા જઈએ તો કરિયર ક્લોક અને બાયોલોજીકલ ક્લોક વચ્ચે સંતુલન સાધતી વખતે મેં ઘણો માનસિક સંઘર્ષ વેઠેલો. આપણી સોસાયટી મુજબ એક સ્ત્રી એની કરિયર શરૂ કરે છે એના થોડા સમયમાં જ એના લગ્ન થઈ જાય છે. એટલે નવી કરિયરની સાથે એણે ધરખમ બાયોલોજીકલ ફેરફારોનો પણ સામનો કરવો પડે. આ બધાની સાથે નવા ઘરમાં જઈને નવી જીવન પદ્ધતિમાં સેટ થવાનું એ વધારાનું! એટલે જીવનના એ તબક્કામાં મેં થોડો માનસિક શ્રમ જરૂર વેઠેલો. પરંતુ હવે સમજાય છે કે આવા સમયનું પણ એક લર્નિંગ હોય અને આજે હું જ્યાં પણ પહોંચી શકી છું કે મારામાં જે કંઈ પરિપક્વતા આવી છે એની પાછળ એ સંઘર્ષોનો જ સિંહફાળો છે.

તમે જો દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા શું કરો?

પીડાના સમયે હું સૌથી પહેલા તો જીવનના સારા દિવસોને યાદ કરું. ઉદાહરણ આપું તો કોઈક બાબતે મને મારા હસબન્ડ સાથે મતભેદ થયો હોય અને એ બાબતે જો હું ડિસ્ટર્બ થાઉં તો એવા સમયે હું એવા દિવસોને યાદ કરું, જે દિવસોમાં અમે બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કર્યો હોય! આ ઉપરાંત હું પોઝિટિવ રીડિંગ અને પોઝિટિવ મ્યુઝિકના સહારે પણ જાઉં. પણ પીડાની સ્થિતિમાં મારો સૌથી અકસીર ઈલાજ એટલે મારો ક્લાસ! હું કોઈ વાતે ગમે એટલી ઉકળેલી હોઉં કે ડિસ્ટર્બ હોઉં, પણ જો હું મારા ક્લાસમાં વિદ્યાર્થી સામે ગઈ અને મારો ક્લાસ શરૂ થયો તો અત્યંત નાટ્યાત્મક રીતે મારા ગુસ્સા કે મારી પીડાને ઓગળી જતી મેં જોઈ છે.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

જીવનમાંથી હું એટલું શીખી છું કે, લાઈફ ઈઝ મલ્ટી ફેસેટેડ. જીવન અનેક પાસાંઓની એક સંરચના છે અને એ તમામ પાસાં આપણા ભાગે જીવવાના આવવાના છે. એટલે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાંથી પલાયન કરવું નહીં. અને બીજું એ શીખી કે ક્યારેય કોઈને જજ નહીં કરવા અને એટલું જરૂર સમજી લેવું કે, આસપાસ જે કંઈ ચાલે છે એ એની મેળે જ ચાલે છે, આપણા ભરોસે કશું જ નથી ચાલતું!

તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુખી કોણ?

આ સવાલનો જવાબ જો એક જ શબ્દમાં આપવાનો હોય તો એનો એક જ જવાબ છે ‘યુક્તઃ’, એટલે જે માણસ પોતાના માંહ્યલા સાથે જોડાયેલો છે એ માણસ સૌથી સુખી માણસ છે અને જે પોતાની જાત સાથે નથી જોડાયેલો એ સો ટકા સૌથી દુખી માણસ હોવાનો.

અમારા વાચકોને આનંદમાં રહેવા માટેની કોઈ ટિપ્સ કે સલાહ આપશો?

આ માટે એટલું જ કહીશ કે, પહેલા સ્વને ઓળખો અને પછી સ્વને પામો. એટલે કે, આપણને ખરેખર શું ગમે છે અને આપણે જીવનમાં શું કરવું છે એ વિશે જાણો અને પછી એને અચિવ કરવાની દિશામાં યોગ્ય પગલાં લો. મેં મારા અનેક વિદ્યાર્થીઓને જોયાં છે, જેમનો અવાજ ખરેખર સારો હોય અને એમને સંગીતની જાણકારી પણ હોય છે, છતાં તેઓ સંગીતના ક્ષેત્રમાં નહીં જઈને એમબીએ કરવા આવી ગયા હોય. આવા તો બીજા પણ અનેક ઉદાહરણો છે, જેમાં માણસો પોતાનું ગમતું નથી કરતા હોતા. પરંતુ આમ કરવું ઠીક નથી.

આપણે ઘણી વખતની બીજા આપણા વિશે શું વિચારે છે કે તેઓ આપણને કયા દૃષ્ટિકોણથી જુએ છે એ વિશે વધારે ચિંતિત હોઈએ છીએ. આ કારણે આપણે આપણી જાતને ઓળખવા છતાં અને આપણામાં રહેલી શક્યતાઓને પિછાણતા હોવા છતાં આપણે બીજાને જે જોઈએ છે એ કરીએ છીએ અને આ રીતે આપણા આનંદને પાછળ હડસેલીએ છીએ. બીજા ક્ષેત્રમાં જઈને કે કંઈક બીજું કામ કરીને આપણે સફળ જરૂર થઈ શકીશું પરંતુ જીવનનો જે મૂળભૂત આનંદ છે એ ક્યારેય નહીં પામી શકીએ. અને એ અધૂરપ આપણને આજીવન પીડતી રહેશે.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.