અરીસા તોડી હળવા થઈએ

01 May, 2016
12:00 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

વર્તમાન ક્ષણનો સહજ સ્વીકાર કરીને આગળ વધતા રહેવું એ મારી સુખની વ્યાખ્યા છે.

તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?

ગમતી વ્યક્તિ સાથે ઉત્તમ સમય પસાર કરવામાં અને પુસ્તકોના સહવાસમાં જીવવામાં મને અત્યંત આનંદ મળે છે.

આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?

આપણું સુખ બીજાઓ પર આધારિત હોઈ શકે ખરું, પણ સુખ આપણા પોતાના પર આધારિત હોય એને જ વધુ યોગ્ય સ્થિતિ ગણી શકાય. કારણ કે, જે ક્ષણે આપણે બીજા પર આપણા સુખનો આધાર રાખીએ છીએ એ ક્ષણથી જ કદાચ આપણા દુઃખી થવાના ચાન્સ વધી જતાં હોય છે.

તમારા વ્યથિત થવાનાં કારણો કયાં?

ઘણી વખત આપણે કોઇની સાથે વાત કરવાની ઇચ્છા ધરાવતા હોઇએ અને કોઇક કારણસર એ વ્યક્તિ સાથે વાત નહીં કરી શકીએ કે એ વ્યક્તિ આપણી સાથે વાત નહીં કરી શકે ત્યારે વ્યથિત થઈ જવાય છે.

આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યારેક ભાગી જવાનું મન થયું છે ખરું?

ના એવું તો ક્યારેય નથી બન્યું. એનું કારણ એ કે, મારો અભિગમ હંમેશાં મારી જાત સાથે રહેવાનો હોય છે. એટલે જીવનમાં ક્યારેય વિપરિત કે મુશ્કેલ સ્થિતિ સર્જાય ત્યારે હું મારી પોતાની જાત સાથે વધુમાં વધુ સમય ગાળું છું. એટલે એવા સમયે હું સ્થિતિમાંથી કે સંબંધમાંથી પલાયન કરવાથી બચી જાઉં છું.

જીવનમાં ક્યારેય કપરોકાળ જોવાનો આવ્યો છે ખરો?

બધાના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે એટલે બધાની જેમ જીવનમાં મેં પણ કપરો કાળ જોયો છે. દરેક માણસે આવા સમયમાંથી પસાર થવું જ પડતું હોય છે, પણ મહત્ત્વનું એ છે કે, માણસ એના કપરા સમયને જુએ છે કયા દૃષ્ટિકોણથી અને એમાંથી એ હેમખેમ બહાર કઈ રીતે આવે છે.

જો તમે દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા માટે શું કરો?

મારા માટે શ્રેષ્ઠ દિલાસો એ વાચન છે અને એથીય મહત્ત્વની વાત છે ઈશ્વરમાંની મારી શ્રદ્ધા! આ બે બાબતોએ મને હરહંમેશ મદદ કરી છે અને હું મારી પીડાઓને ખંખેરીને આગળ વધી શકી છું.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

એટલું જ શીખી છું કે, આપણું બળ, આપણી હૂંફ કે જીવનમાં ટકી રહેવા માટે આપણને જે કોઈ તત્ત્વોની જરૂર પડતી હોય એ તત્ત્વો આપણે આપણી જાત પાસેથી મેળવી શકીએ છીએ. આ બધી બાબતો માટે આપણે કોઇના પર આધારિત રહીએ ત્યારે હંમેશાં નિરાશા મળે છે.

તમારા મતે દુનિયાનો સૌથી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?

આ વિશે મેં પહેલાં જ કહ્યું છે કે, જે માણસ વર્તમાનમાં જીવે છે અને પોતાની જાત સાથે જીવે છે એ માણસ દુનિયાનો સૌથી સુખી માણસ છે અને દુઃખી માણસ એ છે કે, પોતાની પાસે જે છે એને માણવા કરતાં એની પાસે જે નથી એને પામવા માટે ખોટાં વલખાં મારતો હોય એ માણસ દુઃખી ખરેખર ઘણો દુઃખી છે.

અમારા વાચકોને આનંદમાં રહેવા માટેની કોઇ ટિપ્સ કે સલાહ જેવું કંઈક આપશો?

આ માટે હું મારી જ એક ગઝલનો શેર કહીશ

એક જણની સામે સાચા થઈ જુઓ
બસ, અરીસા તોડી હળવા થઈ જુઓ.

મહોરાં ફગાવીને આપણે આપણી જાત સાથે જીવવાનું શરૂ કરીશું એટલે આપણે આપોઆપ સુખી થઈ જઈશું.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.