સંગાથે સુખ શોધીએ
મારા માટે સુખ એટલે માત્રને માત્ર સંગાથ. ગમતાનો સંગાથ મળે એટલે હું અચૂક સુખ અનુભવું. એમની હાજરી કે વિચાર માત્રથી મને સુખની લાગણી થઈ આવે. આપણા જીવનમાં આનંદ નામનું તત્ત્વ સતત રેલાતું-છલકાતું જ રહેતું હોય છે. એમાંથી આપણે આપણો આનંદ શોધી લેવાનો હોય. મારો આનંદ પણ હું શોધી જ લેતો હોઉં છું. પણ આનંદ મારી માનસિક સ્થિતિ પર ઘણો આધાર રાખતો હોય છે. મારો જે પ્રકારનો મૂડ હોય એ રીતે હું જેતે વિષય, વસ્તુ કે વાતાવરણમાંથી આનંદ મેળવતો હોઉં છું. જોકે મજાની ઢળતી સાંજ હોય અને સાગરનો કાંઠો હોય તો એ માહોલ મારા અંતરને અત્યંત આનંદ આપે છે.
હું મારા સુખની આધારિતતાની બાબતે અત્યંત સ્પષ્ટ છું. આપણું સુખ ચોક્કસ જ બીજા પર આધાર રાખતું હોય છે. પછી એ આધારિતતા વ્યક્તિ પર પણ હોઈ શકે અને કોઈ વસ્તુ કે વાતાવરણ પર પણ આધારિત હોઈ શકે. માણસ પોતે એકલો ક્યારેય સુખી ન થઈ શકે. અને જ્યારે સુખ શબ્દ જ બે અક્ષરોનો બનેલો છે. તો માણસ એકલો રહીને કે બીજા પર આધાર રાખ્યાં વિના સુખી જ કઈ રીતે થઈ શકે?
આપણે સમુહમાં જીવતા જીવો છીએ અને એકસાથે અનેક લોકો-સંબંધો સાથે સંકળાયેલા હોઈએ છીએ. એટલે ક્યારેક કોઈ માણસ મારી અપેક્ષા બહારનું વર્તન કે વ્યવહાર કરે તો ચોક્કસ જ હું વ્યથિત થાઉં. પણ એનો મતલબ એ પણ નથી કે, મારી આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને મને ભાગી છૂટવાનું મન થાય. હું મારા સગપણ કે મારા સંબંધોને ભરપૂર માણું છું અને હંમેશાં એમાં છલોછલ જીવું છું. મને મારા સંબંધ કે સગપણનો ક્યારેય થાક નથી લાગતો.
મારા જીવનના કપરા સમયની વાત કરું તો જીવનમાં કપરો સમય તો અનેક વખત આવ્યો છે, પરંતુ હું અભ્યાસ કરતો હતો ત્યારે મારી માતાનું અવસાન થવું એ મારા માટે ઘણી આઘાતજનક બાબત હતી. એક તો મેં માતાને ઘણી વહેલી ગુમાવી હતી અને બીજી તરફ મારા ઘરમાં મારી મા જ કમાનારી હતી. એટલે જીવનના એ તબક્કામાં ડગલે ને પગલે કપરી પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવતો. આ ઉપરાંત પણ જીવનમાં અનેક વખતે કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું બન્યું છે.
હું જ્યારે કોઈ બાબતે પીડા કે દુખ અનુભવું ત્યારે મારા એ પોતીકા દુખમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરવા એ મારી પ્રાથમિકતા બની જાય છે. એટલે પીડામાંથી બહાર આવવા માટે હું શક્ય હોય એ તમામ પ્રયત્ન કરું છું. જોકે એવી સ્થિતિમાં મોટેભાગે તો મારી કવિતા મને પૂરતો સહયોગ આપતી જ હોય છે. કવિતાનો સાથ મળવાને કારણે મને કોઈ પણ બાબતનું વળગણ લાંબો સમય રહેતું નથી. પછી એ દુખ હોય કે સુખ હોય!
આપણા જીવનમાં ઘટતી પ્રત્યેક ઘટના નવી હોય છે, એટલે દર વખતે આપણને એ ઘટનામાંથી કંઈક નવું જ શીખવા મળે છે. આપણે જેમ જેમ વિવિધ અનુભવોમાંથી પસાર થતાં જઈએ એમ નવી નવી શીખ આપણા ભાથામાં ઉમેરાતી જાય. જીવનમાં પ્રત્યેક વખતે ઘટના નવી હોવાને કારણે કે અનુભવ નવો હોવાને કારણે એમાંથી મળેલી શીખ દ્વારા ભવિષ્યમાં પણ હું આ રીતે જ વર્તીશ એવો સંકલ્પ કરી શકાતો નથી.
દુનિયાના સૌથી સુખી અને સૌથી દુખી માણસનો પ્રશ્ન આવે છે ત્યારે પહેલા તો હું એમ કહીશ કે, કોણ સુખી છે કે કોણ દુખી છે એ બાબતનો નિર્ણય કરનારો હું કોણ? પણ હું એટલું જરૂર કહીશ કે, દુનિયામાં જે સાવ એકલો છે અથવા એની સાથે એનું વહેંચવા માટે કોઈ ન હોય તો એનાથી દુખી કોઈ ન હોઈ શકે. અને એ જ રીતે જે માણસ એકલો નથી એ માણસ ચોક્કસ સુખી હોવાનો! અંતે ‘khabarchhe.com’ ના વાચકોને સુખી રહેવા માટેની સલાહરૂપે મારી જ એક પંક્તિનો ઉલ્લેખ કરીશ કે, ‘સંગાથે સુખ શોધીએ…’ દરેક માણસને એક ગમતો સંગાથ મળે અને એ સંગાથને સાચવી રાખવાની કે એનું ગૌરવ કરવાની સમજણ મળે તો આપણું સુખ સાવ હાથવગુ છે.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર