અનેક ઘટનાઓનો સરવાળો એટલે જીવન

10 Jul, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

સર્જકોએ પણ એમના જીવનમાં સુખ કે દુખ જેવી બાબતોનો સામનો કરવો પડતો હોય છે. આવી બાબતોમાંથી કોઈ બાકાત રહી શકતું નથી. હું મારા સુખની વ્યાખ્યા કરું તો જે સ્થિતિમાં દુખ નહીં હોય એ સ્થિતિને હું સુખ તરીકે માણું છું.

જીવનમાં તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?

મારી રુચિ સાહિત્ય અને કવિતામાં છે એટલે સાહિત્યએ તો મને ઘણો આનંદ આપ્યો છે. હું જાણતો હોઉં છતાં ક્યારેય પ્રકટ ન થતો હોય એવો કોઈક શબ્દ સાવ અચાનક પ્રકટે ત્યારે મને જે આનંદ થાય છે એ અવર્ણનિય હોય છે.

આપણું સુખ કોઇના પર આધારિત હોઈ શકે ખરું?

આમ જોવા જઈએ તો આપણા તમામનું અસ્તિત્વ આપણી જાત સાથેના કમિટમેન્ટ અને કનેક્શનનું પ્રતીક છે. જોકે આપણે સ્વતંત્ર હોવા છતાં હોવા વારંવાર અન્યને જોવાની, અન્યને જાણવાની કે અન્યને પામવાની મથામણમાં જોતરાઈ જતાં હોઈએ છીએ. સામેના માણસને સુખી જોઈને સ્વાભાવિક રીતે આપણે સુખી થતાં હોઈએ છીએ કે એ કોઇક પીડામાં હોય તો એની વેદના આપણનેય કોઇ રીતે અનુભવાતી હોય છે. મારી વાત કરું તો હું પણ બીજાના સુખ-દુખને મારા સુખ-દુખમાં પરિવર્તિત થતાં અનુભવું છું એટલે સુખના આધારને નકારી શકાય નહીં.

એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?

જ્યારે જ્યારે માણસને સત્યથી વેગળો થતો જોઉં છું ત્યારે હું એમાં સીધી રીતે શામેલ હોઉં કે ન હોઉં પણ હું વ્યથા અનુભવું છું. નાની સરખી ખોટી વાતને પણ સમાજમાં પ્રોત્સાહન મળતું જોયું છે ત્યારે હું વ્યથિત થયો જ છું.

આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યારેય ભાગી જવાનું મન થયું છે ખરું?

ના એવું તો ક્યારેય નથી થયું. મને હંમેશાં એવું લાગ્યું છે કે, આ જગતમાં રહીને જ માણસે એનું જીવન વીતાવવાનું હોય અને પોતાના અસ્તિત્વને માણવાનું હોય. જગતથી ભાગીને ક્યારેય કોઈ સુખી નથી થયું.

જીવનમાં ક્યારેય કપરા સમયનો સામનો કરવો પડ્યો છે ખરો?

ના આમ તો એવો સમય ક્યારેય જોવાનો આવ્યો નથી. બાળપણમાં થોડા કૌટુંબિક પ્રશ્નો હતા અને થોડી આર્થિક મુશ્કેલીઓ પણ હતી, પરંતુ જ્યારથી સમજણો થયો અને વિચારતો થયો ત્યારથી કોઇ પણ બાહ્ય બાબતથી વિચલિત કે વ્યથિત થતો નથી. એ કારણે ઘણી વખત બાહ્ય રીતે કંઈક મુશ્કેલી હોવા છતાં આંતરિક સમૃદ્ધિના બળે મને મોટેભાગે કપરો સમય અનુભવાયો નથી.

જો તમે દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા માટે શું કરો?

આમ જોઈએ તો દરેક માણસ નાનીનાની ઘટનાઓમાં પીડા અનુભવતો હોય છે અને સાવ સહજ રીતે એ પીડામાંથી બહાર આવવાના રસ્તા પણ શોધી લેતો હોય છે. હું જ્યારે વ્યથિત થયો છું ત્યારે સંગીત કે અન્ય કલાઓ મારા માટે મોટો સહારો બની છે અને એના આધારે જ મને આગળનો માર્ગ પણ જડ્યો છે.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

જીવનમાંથી હું એ શીખ્યો કે, જીવન એ એક લહાવો છે અને એ અનેક નાનીમોટી ઘટનાઓનો સરવાળો છે, જેનું આપણે બારીકાઈથી નિરીક્ષણ કરતા રહેવું પડે છે. એના તાર્કિકપણામાંથી બહાર આવીએ છીએ ત્યારે આપણે દુખ નોતરતા હોઈએ છીએ.

તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કેવો હોય અને સૌથી દુખી માણસ કેવો હોય?

જે માણસ પોતાને જાણે છે અને પોતાની જાત સાથે તાલમેલ મેળવે છે એ માણસ સુખી છે અને જે માણસ પોતાને જાણ્યા વિના બીજાને અનુસરવામાં પડે છે ત્યારે એ હંમેશાં દુખી થાય છે.

અમારા વાચકોને આનંદમાં રહેવાની સલાહ કે ટિપ્સ આપશો ખરા?

કોઇને સલાહ આપવા જેટલું હું વિચારી શકતો નથી અને સલાહ આપવા માટે હું લાયક પણ નથી એવું હું માનું છું, પણ મિત્રભાવે એવું જરૂર કહી શકાય કે, દરેક માણસે પોતાની પરિસ્થિતિ અને પોતે જેના પર આધાર કે મદાર રાખી શકે એવું એક આગવું વિશ્વ ઓળખી લેવું જોઈએ અને એને ઓળખીને અનુસરીએ તો એ આપણા સુખનો સૌથી મોટો રસ્તો છે.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.