હિંમત અને હકારાત્મક્તા એટલે જીવન
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
મારા કામમાં મને જો સંતોષ અને આનંદ મળે તો એ જ મારું સુખ.
જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?
આગળ કહ્યું એ જ ફરી કહીશ કે, મને મારા કામમાંથી ઘણો આનંદ મળે છે. કૅમેરાની સામે કે મંચ પર દર્શકોની સામે ઊભા રહેવામાં મને જે આનંદ મળે છે, એનાથી વધુ આનંદ મને ક્યારેય નથી મળતો.
આપણું સુખ કોઇના પર આધારિત હોઈ શકે ખરું?
માણસ જો એકલો રહેતો હોય તો એ એવું કહી શકે કે, મારું સુખ કોઇના પર આધારિત નથી. પરંતુ જ્યારે આપણે સમૂહમાં રહેતા હોઈએ ત્યારે આપણે એમ નહીં કહી શકીએ કે, આપણું સુખ કોઇના પર આધારિત નથી. કારણ કે, કામથી લઈને, પ્રેમ કે જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુ સુધી આપણે બીજી વ્યક્તિ પર આધાર રાખવો પડતો હોય છે. એટલે સુખનો આધાર અવગણી શકાય નહીં અને આવા આધાર જ ક્યાંક ને ક્યાંક આપણા સુખ-દુખના કારણ બનતા હોય છે.
એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
સ્વજનો, મિત્રો કે સ્નેહીઓ માટે હું કંઈક કરું અથવા એમની કોઇક મદદ માટે જાત ઘસી નાંખુ ત્યારે જે-તે સ્વજન મારો આભાર માનવાની વાત તો ઠીક, પણ મેં કશું કર્યું જ ન હોય એવું બિહેવ કરે ત્યારે મને એમ થઈ આવે કે, 'યાર આ કંઈ રિએક્ટ કેમ નથી કરતો?' અલબત્ત હું ક્યારેય ઉપકાર કરવાની ભાવનાથી કોઇને મદદ નથી કરતો, પણ માણસ તરીકે આપણને સામેના માણસના પ્રતિભાવની અપેક્ષા તો હોય જ, અને સામેનો માણસ એમાં પણ પાછો પડે ત્યારે મારું મન વ્યથિત થઈ જાય. આ માનવ સહજ સ્વભાવ છે અને હું પણ એમાંથી બાકાત રહી શકતો નથી. જોકે મારી એ વ્યથા ક્ષણિક હોય છે, એવી નાની-નાની બાબતો લઈને હું બેસી રહેતો નથી.
આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
હું શોર્ટ ટેમ્પર છું એટલે ક્યારેક કોઇ બાબતે હું સહમત નહીં હોય અથવા કોઇક વ્યક્તિ સાથે મારે કોઇક વાતે ચડભડ થઈ જાય તો તરત પગ પછાડીને ઊભો થઈ જાઉં છું અને અડધા કલાકના ઘૂંઘવાટ પછી ફરી હું મારી જાતને સમજાવું છું કે, હવે શાંત થા અને કશુંક અર્થપૂર્ણ કર. જીવનમાં આવી સ્થિતિ અત્યંત ક્ષણિક હોય છે એટલે સ્થિતિમાંથી ભાગી છૂટવાનું કે આસપાસના લોકોને પાછળ મૂકીને આગળ વધી જવાનું મને નહીં પરવડે. આવો પલાયનવાદ મને નહીં પાલવે.
જીવનમાં ક્યારેય કપરોકાળ જોવાનો આવ્યો છે ખરો?
હા, ચોક્કસ જ. જીવનમાં કપરો સમય તો કોને જોવાનો નહીં આવતો હોય? મારી વાત કરું તો એક સમયે હું એક ટેલિવિઝન ચેનલ પર એક સાથે ત્રણ ટેલિવિઝન સિરિયલ કરતો અને ચારેક ટેલિવિઝન સિરિયલમાં હું ડબિંગ કરતો. આ કારણે હું નાટકો પણ નહોતો કરી શકતો અને હું અત્યંત વ્યસ્ત રહેતો. એ વખતે મારી પાસે ખરેખર સમય નહોતો બચતો. પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે, એક જ અઠવાડિયામાં મારી ત્રણેય સિરિયલ ઑફએર થઈ ગઈ અને થોડા જ સમયમાં મારું ડબિંગનું કામ પણ બંધ થઈ ગયું. એક સમયે મને દિવસમાં ઘડીનો સમય નહોતો મળતો અને જિંદગીએ અચાનક એવી કરવટ બદલી કે હું અચાનક નવરો થઈ ગયો. જિંદગી મને કશુંક શીખવવા માગતી હતી કે શું એ કોણ જાણે? પણ ત્યારબાદ લગાતાર નવ મહિના સુધી મારી પાસે કોઇ જ કામ નહોતું અને મુંબઈ જેવા શહેરમાં ટકી રહેવા માટે મારે મારી મોટાભાગની બચત ખર્ચી દેવી પડેલી. એ સમયે મારી પત્ની બાહ્ય અને આંતરિક એમ બંને રીતે મારો સહારો બની રહેલી, નહીંતર એવા સમયમાં ભલભલો પુરુષ ભાંગી પડે, પણ મારી પત્નીના પ્રોત્સાહનને કારણે હું ટકી ગયો અને મને ફરી બેઠા થવાની તાકાત મળી.
જો તમે દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા માટે તમે શું કરો?
આવા સમયે મારું બહાર નીકળવાનું ઓછું થઈ જાય અને હું લોકોને મળવાનું ટાળી દઉં. મને લાગે છે મારું એકાંત જ મને મારી પીડામાંથી બહાર લઈ આવે છે.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યા?
જીવનમાંથી હું એટલું જરૂર શીખ્યો છું કે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં હકારાત્મક્તા જાળવી રાખવાની અને કોઇ પણ ભોગે હિંમત નહીં તૂટવા દેવાની. હિંમત અને હકારાત્મક્તા જ માણસના જીવનનું મુખ્ય ચાલકબળ બની રહે છે અને એ આપણને જીવતા રાખે છે.
તમારા મતે દુનિયામાં સૌથી સુખી માણસ કેવો હોય અને દુખી માણસ કેવો હોય?
જે માણસને પરિવારનું સુખ હોય એ માણસ ભૌતિક અભાવો વચ્ચે પણ સુખી હશે અને જેને પરિવારનું સુખ નહીં હોય એ કરોડોની જાહોજલાલી સાથે પણ કોઇને પ્રેમ નહીં કરી શકતો હોય કે, કોઇની આગળ પેટછૂટી વાત નહીં કરી શકતો હોય તો એની અમીરી શુ કામની? એ દુખી જ હોવાનો.
અમારા વાચકોને આનંદમાં રહેવાની કોઇ સલાહ અથવા ટિપ્સ આપવાનું પસંદ કરશો?
હું એટલું જ કહીશ કે, જીવનમાં ક્યારેય હિંમત નહીં ગુમાવવાની અને હકારાત્મક્તા જાળવી રાખવાની.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર