આંખ સામેની ક્ષણ એટલે જીવન
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
સુખ સંસ્કૃત શબ્દ છે અને એના અર્થમાં સુ એટલે સારું અને ખ એટલે અવકાશ, એટલે જ્યાં તમને સારું લાગે કે નિરાંત અનુભવાય એ અવસ્થા એટલે સુખ. એ વ્યાખ્યા સાથે હું સંપૂર્ણ સહમત છું. જ્યાં કોઈ જાતનું ટેન્શન ન હોય અને મળેલી ક્ષણને માણી શકાય એ સ્થિતિ એટલે મારું સુખ.
જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?
દિવસ દરમિયાન આપણે કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે એ કામમાં કશુંક રચનાત્મક કરી શકાય તો મને ઘણો આનંદ થાય. કવિતા ખૂદ રચનાત્મક્તાનું પ્રતીક છે એટલે કવિતા લખાય ત્યારે તો આનંદ મળે જ, પરંતુ ઓફિસના કોઈ કામમાં કંઈક રચનાત્મક થાય અથવા ઘરે બાળક સાથે રમતી વખતે કોઈક નવી રમત શોધી કાઢીએ ત્યારે અનેરો આનંદ થાય છે.
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
અધ્યાત્મિક દૃષ્ટિએ મંથન કરીએ તો આપણે એવું કહી શકીએ કે, આપણું સુખ કે દુખ કોઈના પર આધારિત હોઈ શકે નહીં. પણ સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે, આપણે સંસારિક માનવીઓ છીએ અને સંસારિક દૃષ્ટિએ આપણે સૌ એકબીજા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા છીએ. એટલે ઓછાવત્તા પ્રમાણમાં પણ આપણું સુખ બીજા પર આધારિત હોય જ છે.
એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
મારા વ્યક્તિગત સંબંધોમાં જો મને દંભનો અનુભવ થાય તો હું વ્યથિત થાઉં છું. દંભ મને પસંદ નથી અને અંગતરીતે હું એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારી આસપાસ મને દંભનો જરા સરખો પણ અનુભવ થાય તો વિચલિત થઈ જાઉં છું.
આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
આપણા મનની અવસ્થાઓ અનેક હોય છે એટલે ક્યારેક 'યે દુનિયા અગર મીલ ભી જાયે તો ક્યા હૈ...'નો ભાવ આવી જાય. જોકે એ બધુ ટેમ્પરરી હોય છે. આપણે હંમેશાં ઉન્માદ અને અવસાદની વચ્ચે ઝોલા ખાતા રહેતા હોઈએ છીએ, એટલે આ બંને અવસ્થાઓમાં આપણને જાતજાતના વિચારો આવી જાય, પરંતુ વિચારીએ એ બધું જ આપણે કરતા નથી હોતા.
જીવનમાં ક્યારેય કપરોકાળ જોવામાં આવ્યો છે ખરો?
આર્થિક પાસાઓની બાબતે વાત કરીએ તો હું એ બાબતે મારી જાતને લકી માનું છું કે, મારે એ પ્રકારનો કપરોકાળ જોવાનો આવ્યો નથી. વડોદરાના મધ્યમવર્ગીય મરાઠી પરિવારમાં મારો જન્મ થયો, યોગ્ય ભણતર પણ મળ્યું અને નોકરી પણ સારી મળી. બાકી, જીવનમાં આપણે સતત સારી-નરસી પરિસ્થિતિઓનો સામનો કરતા હોઈએ છીએ, ક્યારેક કોઇ ખરાબ સ્થિતિમાં તણાવ પણ મહેસૂસ કરીએ. પણ આવી અસ્વસ્થા કાયમી હોતી નથી.
કોઈ બાબતે તમને પીડા થાય તો તમારી પીડામાંથી બહાર આવવા તમે શું કરો?
મારો પોતાનો એવો અનુભવ રહ્યો છે કે, પીડા કે અવસાદને સમયે કશુંક ચોક્કસ પગલું ભરીને હું પીડામાંથી બહાર આવી જ જાઉં એવું બનતું નથી. મેં અનુભવ્યું છે કે, વિષય બદલી નાખવાથી મનની અવસ્થા ઝડપથી બદલાઇ જતી નથી. આવા સમયે મારો બધો મદાર સમય પર હોય છે. સમયના વહેણમાં ભલભલું વહી જાય છે તો એની સામે આપણી પીડાઓની શું વિસાત? એટલે મારી વ્યથાના સમયમાં હું મોટેભાગે શાંત રહેવાનો પ્રયત્ન કરું છું અને સમયને એનું કામ કરવા દઉં છું.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?
આપણી આંખ સામે જે ક્ષણ છે એ જ જીવન છે. આપણે સવારે ઉઠીએ ત્યારથી આપણને આપણી દિનચર્યા વિશે ખ્યાલ હોય છે, પણ એ બધુ આપણે કરી શકીશું જ કે કેમ એ નક્કી નથી હોતું. આપણો ભૂતકાળ કે આપણો ભવિષ્યકાળ માત્ર આપણા સ્મરણમાં હોય છે, બાકી જે સાચું જીવન છે એ વર્તમાનમાં જ હોય છે. મોટેભાગે એમ બનતું હોય છે કે, વીતેલી ક્ષણો કે આવનારી ક્ષણો આપણી આંખ સામેની ક્ષણો પર હાવી થઈ જતી હોય છે, જેને કારણે જીવનરૂપે મળેલી એ ક્ષણોને આપણે જીવવાનું ચૂકી જઈએ છીએ. અત્યાર સુધીના જીવનમાંથી હું આ જ વાત શીખ્યો છું અને સતત એના માટે પ્રયત્ન કરતો રહ્યો છું કે, મારી આંખ સામેની ક્ષણ પર મારા ભૂતકાળ કે ભવિષ્યનું વજન નહીં વર્તાય અને વર્તમાનરૂપે મળેલી એ ક્ષણને પૂરા રસથી માણી શકું. જોકે દર વખતે હું એમાં સફળ પણ નથી થતો, પણ હંમેશાં મારો પ્રયત્ન તો આવો જ રહે છે.
તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કેવો હોય અને સૌથી દુખી માણસ કેવો હોય?
જીવનમાં કોઈ પણ અવસ્થા હંમેશાં ટકતી નથી એવું જે સમજતો હોય એ માણસને સુખી કહી શકાય. આવી સમજણ જેમ વધતી જાય એમ સુખની માત્રા પણ વધતી જતી હોય છે અને ઘણી નાહકની સ્થિતિ એમને ચલિત કરી શકતી નથી. અને જે માણસ આવું સમજી શકતો નથી એ માણસ દુખી હોવાનો.
અમારા વાચકોને આનંદમાં રહેવાની કોઇ સલાહ કે ટિપ્સ આપવાનું પસંદ કરશો?
કોઈનેય સલાહ આપવાનું કામ મારું નથી, પણ એટલું જરૂર કહી શકાય કે, જ્યાં છો અને જે કરી રહ્યા છો એને માણો અને એ સમયે તમારો ભૂતકાળ કે ભવિષ્ય કોઈ પ્રકારનું વજન નહીં ઊભું એની તકેદારી રાખો. આવું કરવાથી રચનાત્મક્તાનો પણ આનંદ મળશે.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર