અંતરના અવાજને અનુસરો

28 Feb, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

કોઈ પણ કામ કરતી વખતે જો આપણને એ કામ કર્યાનો આનંદ થાય અને આપણા આત્માને કશુંક કર્યાનો સંતોષ મળે તો એને હું સુખ માનું છું.

જીવનમાં તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?

મને થિયેટર કરતી વખતે અનહદ આનંદ મળે છે. હું જ્યારે સ્ટેજ પર હોઉં છું ત્યારે થોડા કલાકો માટે હું કોઈ બીજા જ વિશ્વમાં પહોંચી જાઉં છું, જ્યાં માત્ર આનંદ અને આત્મસંતોષને અવકાશ હોય છે. હું મારા બિઝનેસમાં પણ વ્યસ્ત હોઉં છું, છતાં મેં નાટકો છોડ્યા નથી એનું કારણ જ એ કે, નાટકો કરતી વખતે મને જે સંતોષ મળે એવો સંતોષ ક્યાંયથી નથી મળતો.

આપણું સુખ બીજા પર આધારિત હોઈ શકે ખરું?

હા, ચોક્કસ જ. સુખની આધારિતતા નકારી શકાય નહીં. કારણ કે, આપણે આ દુનિયામાં એકલા રહેતા નથી. અબજો માણસની ભીડમાં પણ કેટલાક લોકો એવા હોય છે, જેમના માટે આપણને લાગણી હોય છે, જે લોકો સાથેના એટેચ્ડમેન્ટને કારણે એમના સુખે સુખી કે એમના દુખે દુખી થતાં હોઈએ છીએ. આપણું સ્વજન દુખમાં હોય તો આપણે પણ એના દુખને કારણે ડિસ્ટર્બ રહેતા હોઈએ છીએ અને આપણું કોઈ વાતમાં મન નથી લાગતું. જો કોઈનું દુખ પણ આપણને ખલેલ પહોંચાડી શકતું હોય, તો સ્વાભાવિક છે કે આપણા સુખ અને દુખ બંને બીજાઓ પર આધારિત હોવાના.

તમારું મન વ્યથિત થવાના કારણો કયા?

આપણે સામાજિક પ્રાણી તરીકે ઓળખાઈએ છીએ અને સમાજ સાથે આપણને સીધી નિસ્બત છે, એટલે સમાજમાં ક્યાંક કંઈક અયોગ્ય થતું હોય તો સ્વાભાવિક જ આપણા મનને ખલેલ પહોંચે. કોઈકને અન્યાય થતો નજરે ચઢે ત્યારે પણ મારું મન ઘણી પીડા અનુભવે છે. એક તરફ દેશના સૈનિકો આપણા માટે રોજ પોતાના જીવની કુરબાની આપી રહ્યા છે અને નાગરિક તરીકે આપણે સાવ ક્ષુલ્લક કે નાંખી દેવા જેવી બાબતોએ વિવાદો કરીએ કે આપણા આંતરિક મતભેદો પર છેક છેલ્લી પાયરી પર જઈને તડાફડી કરીએ છીએ, આવા સમયે મારું મન ખૂબ પીડા અનુભવે છે.

આસપાસના સંબંધો કે માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?

હા, એવી ઈચ્છા અનેક વાર થઈ છે. જીવનમાં ચાહ્યે-અચાહ્યે અનેક એવા પ્રસંગો બનતા હોય છે જેમાં આપણને અકળામણ અનુભવાતી હોય છે અને આપણને એવું લાગે કે, કોઈએ આપણને કેદ ફરમાવી છે. જોકે ભાગી જવાની ઈચ્છા થવા છતાં હું પરિસ્થિતિઓમાંથી ભાગી છૂટ્યો હોઉં એવું બન્યું નથી. કારણ કે પલાયનવાદ એ કોઈ પણ સમસ્યનો ઉકેલ નથી. હું પલાયનવાદી જરાય નથી.

તમારી પીડામાંથી બહાર આવવા શું કરો?

મને જો કોઈ વાતે પીડા અનુભવાય તો હું મ્યુઝિક સાંભળું છું. આવા સમયે હું કાનમાં હેડફોન્સ નાંખીને લાઉડ મ્યુઝિક સાંભળું છું અને તક મળે તો થોડા કલાકો માટે મારું એકાંત માણું છું. મન ડિસ્ટર્બ હોય તો એકાંત જેવો અકસીર ઉપાય બીજો કોઈ નથી.

જીવનમાં ક્યારેય કપરો કાળ જોવાનું બન્યું છે ખરું?

હા. કરિયરની બાબતે મેં ઘણી સ્ટ્રગલ કરી છે. જોકે ભગવાનની મહેરબાનીથી સંબંધોની બાબતે હું અત્યંત લકી રહ્યો છું એટલે સંબંધોને કારણે મારે જીવનમાં ક્યારેય ત્રાસ કે મુશ્કેલી અનુભવવી પડી નથી.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

લાઈફનો તો બીજો અર્થ જ લર્નિંગ છે. એટલે જીવનની રોજબરોજની ઘટનામાંથી આપણને જાતજાતનું શીખવા મળતું જ રહેતું હોય છે. જોકે હું એવું માનું છું કે, હજુ જીવનમાંથી ઘણું શીખવાનું બાકી છે એટલે મારે જીવન ભરપૂર જીવવું છે અને અવનવા અનુભવો માણવા છે.

તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કેવો હોય અને સૌથી દુખી માણસ કેવો હોય?

જે માણસ પોતાના પરિવારની નજીક હોય અને એને એના સ્વજનોનો પ્રેમ મળતો રહેતો હોય તો દુનિયાનો ઘણો સુખી માણસ છે. અને જે માણસ જીવનની તમામ બાબતોને નકારાત્મક વલણથી જોતો હોય તો એ ચોક્કસ જ દુનિયાનો સૌથી માણસ હોવાનો. જેનો દૃષ્ટિકોણ જ નબળો અને નકારાત્મક હોય એ બીજાને તો સુખી નહીં જ કરી શકે, પણ એ પોતાની જાતને પણ ક્યારેય સુખી નથી કરી શકતો.

અમારા વાચકોને આનંદમાં રહેવા માટે કોઈ સલાહ આપવાનું પસંદ કરશો?

હું એક જ સલાહ આપીશ કે, તમારી અંદરથી જે અવાજ આવતો હોય, એને હંમેશાં ફૉલો કરો. કારણ કે અંદરથી આવતો અવાજ આપણી આત્માનો અવાજ હોય છે અને આત્માને સીધો ઈશ્વર સાથે સંબંધ હોય છે. પોતાના અનુભવથી હું એવો દાવો કરી શકું છું કે, જ્યારે પણ આપણે અંતરના અવાજને અનુસરીએ છીએ ત્યારે આપણને અનહદ આનંદ મળે છે. એ અવાજને ફૉલો કરીને ઈનડિરેક્ટલી આપણે ઈશ્વરના અવાજને ફૉલો કરતા હોઈએ છીએ. તો આનંદ મળવો સ્વાભાવિક વાત છે.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.