પ્રેમના બદલામાં પ્રેમ જ મળે
મારાં સુખ-દુઃખ અને સર્વસ્વ મારાં જીવન ધ્યેય, જે સમુદાયો માટે હું ઝઝૂમી રહી છું એ સમુદાયો સાથે સંકળાયેલા છે. એટલે જ સુખ-દુઃખની વાત થાય ત્યારે વિચરતા સમુદાયની જ વાત આવે. એમનાં હરખ-શોક મારા પોતીકાં જ! જેમના માટે મારું અસ્તિત્વ છે એમને આશ્રય મળે, સ્વમાનભેર આજીવિકા રળવાનું સાધન મળે, સ્વતંત્ર ભારતનાં નાગરિક તરીકેનાં અધિકાર મળે, એમનાં બાળકોને યોગ્ય શિક્ષણ મળે, એમને માનવી તરીકેના સમાન અધિકાર-સન્માન મળે એ માટે હું સતત પ્રયત્નશીલ હોઉં છું. એવામાં અમારા પ્રયાસો થકી કોઈક ડફેરને રોજગારી મળે, એ સરસ આવક રળે, એનો ઉમળકો વ્યક્ત કરે ત્યારે એ ઉમળકામાં અનુભવાતા ભાવ, સાર્થકતા મારા હૃદયને સ્પર્શી જાય અને મારા દિવસની પળેપળ પ્રસન્નતામાં વીતે.
મારા વ્યક્તિગત જીવનમાં મેં મારા માટે ભૌતિક સુખ કરતાં આંતરિક સુખને હંમેશાં અગત્યનું માન્યું છે. ભૌતિક સુખો કદાચ જીવનમાં વધુ સગવડ આપે. પણ એ આપણા જીવનને પરવશ બનાવી મૂકે, જેનાથી વાસ્તવમાં આનંદને બદલે આપણી પરાવલંબિતા વધે. વધારેલી જરૂરિયાતો એવી એષણા છે, જેનો ક્યારેય અંત ન હોઈ શકે.
ભૌતિક અને આંતરિક સુખનું ઉદાહરણ આપતો એક કિસ્સો કહું તો મેં જ્યારે વિચરતા સમુદાયો માટે કામ શરૂ કર્યું ત્યારે શરૂઆતનાં સમયગાળામાં સમુદાયના લગભગ સાતસો બાળકોને જુદી જુદી આશ્રમશાળા અને સરકારી હોસ્ટેલમાં પ્રવેશ અપાવેલો. આમ કરવા પાછળ મારા બે ધ્યેય હતા. પ્રથમ બાળકો જ્ઞાન મેળવતા હતા અને બીજું પોતાના પરિવારમાં, વસાહતોમાં ભૂખે મરતા બાળકોને બે ટંકનો ખોરાક મળી રહેતો હતો.
બાળકો શાળાએ જતાં થયા પછી દર રવિવારે હું ઘરેથી થોડો નાસ્તો લઈ એમને મળવા જતી. એક હોસ્ટેલમાં ડફેર સમુદાયનાં અઢાર બાળકોને મેં પ્રવેશ અપાવ્યો હતો. એ બાળકોના ચહેરા પર એમની વસાહતમાં જે પ્રસન્નતા જોવા મળતી હતી તે અહીં હોસ્ટેલમાં અદૃશ્ય હતી. આની પાછળનું કારણ જાણવાનો મેં પ્રયાસ કર્યો, ત્યારે સમજાયું કે આ બાળકો ડફેરોનાં બાળકો હોવાથી એમની સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે, જોકે તત્કાળ મેં ત્યાંના શિક્ષકો સાથે આ અંગે ચર્ચા કરવાનું મુલતવી રાખ્યું, કારણ એ કે, શિક્ષકો સાથે આ વિશે ચર્ચા અર્થહીન હતી.
પરંતુ મેં બાળકોને સમજાવ્યા, તેઓને કહ્યું કે, ‘શરૂ શરૂમાં એવું થાય. આપણે સ્વચ્છ રહીએ, તો આપણને કોઈ હેરાન નહીં કરે.’ એ દિવસે અનિચ્છાએ ત્યાંથી બહાર નીકળી ત્યારે ઈસ્માઈલ નામનો બાળક નિઃશબ્દ મારી ઓઢણીનો છેડો પકડી મારી પાછળ આવવા લાગ્યો. ઊભા રહી મેં એને ઉંચકી લીધો, પછી બેસીને ખોળામાં લીધો - ‘શું થાય છે બેટા અહીં? તું અહીં ગોઠવાવાનો પ્રયાસ તો કર.’ ત્યારે એનો જવાબ હતો. ‘બહેન મને અહીં સુખ નથી.’ એનાં જવાબથી હું અસ્વસ્થ થઈ ગઈ, સમૂળગી હચમચી ઊઠી. જે બાળક ક્યારેય પાકા મકાનમાં રહ્યું નથી. એને એક ટંકનો સરખો રોટલો પણ મળ્યો નથી, એ બાળક અહીં સરસ મજાનાં રૂમમાં રહેતો હતો. એને પહેરવા સરસ વસ્ત્રો હતા. બે ટંક પેટ ભરીને જમવા મળતું હતું. પરંતુ એ બાળક ત્યાં સુખી ન હતું! કારણ ત્યાં એ અંદરથી પ્રસન્ન ન હતો. ત્યાં એને પ્રેમની અનુભૂતિ ન હતી. એની પોતીકી હૂંફનો સદંતર અભાવ હતો. હું માનું છું કે, એ બાળકની સુખની વ્યાખ્યા આપણા સૌની સુખની વ્યાખ્યા છે.
હવે સુખના આધાર વિશે જોઈએ, સુખનો આધાર બે રીતે વિચારી શકાય. ભૌતિક દૃષ્ટિએ મારું સુખ ભૌતિક સાધનો પર લેશમાત્ર નિર્ભર નથી. પરંતુ વિચરતા સમુદાયનો વિચાર કરું તો એ લોકો દુઃખી હોય અથવા સમાજ કે પોલીસ એમની ઉપર ફિટકાર વરસાવે, એમની અવગણના કરે ત્યારે હું પણ તેમના દુઃખમાં સહભાગી હોઉં છું. એમના જેટલી જ દુઃખી હોઉં છું. અને જ્યારે એ લોકોને મતદાર કાર્ડ મળે, રેશનકાર્ડ મળે, રહેવા માટે નાનો જમીનનો ટુકડો મળે, કે એમને વ્યવસાય કરવા જગ્યા મળે ત્યારે એમની પ્રસન્નતાનો ધબકાર મને મારી રગોમાં વહેતો અનુભવાય છે, એમની પ્રસન્નતા મારી પ્રસન્નતા માટે કારણ બની રહે છે. એમનું સુખ મારું સુખ બની રહે છે.
સુખની જેમ એમનાં દુઃખ, વેદના, પીડા પણ મારા બની રહે છે. કોઈક ડફેરનાં ડંગામા પોલીસ ત્રાટકે, અકારણ એમની મારઝૂડ કરે. ડંગા સળગાવી મૂકે ત્યારે એ સમાચાર મને અનહદ વેદના આપે છે, વ્યથિત કરી મૂકે છે. સમાજમાં વંચિત અને તરછોડાયેલા સમુદાયો પ્રત્યે સમાજનાં સંપન્ન અને શિક્ષિત વર્ગનો વ્યવહાર સાવ ભિન્ન જોવા મળે ત્યારે આ વાત મને અત્યંત પીડે છે.
જ્યારે પણ મને પીડા થાય છે ત્યારે મારી કપરી ક્ષણોમાંથી બહાર આવવામાં કેટલાક કારણો નિમિત્ત બને છે. આવા સમયે મારો બહોળો, પથરાયેલો પરિવાર એટલે કે વિચરતી જાતિનાં અત્યંત પ્રેમાળ લોકો ઢૂંકડા હોય છે. આવા સમયે એમની વસાહતમાં પહોંચી જઈ એમની સાથે વધુમાં વધુ સમય પસાર કરું તો એ પીડા અદૃશ્ય થઈ જાય છે.
આસપાસનાં લોકો, સંબંધોથી ત્રાસીને મને ક્યારેય નાસી છૂટવાનું મન થતું નથી. આ વિશ્વ સર્જનહારનું ઉત્કૃષ્ટ બેનમૂન સર્જન છે. આપણી ચોફેર અસીમ સૌંદર્ય વેરાયેલું હોય ત્યારે અહીંથી દૂર જવાનું મન ક્યાંથી થાય? પરંતુ ક્યારેક એવું બને કે કોઈક કામ કરતી વખતે ક્યારેક રોષ જાગે, ત્રસ્ત થઈ જવાય, પણ એ પરિસ્થિતિમાં પણ નાસી છૂટવાનો તો વિચાર સુદ્ધાં ક્યારેય આવ્યો નથી.
જીવનની અત્યંત કપરી ક્ષણો વિશે વિચારું ત્યારે થાય છે કે, વિચરતી જાતિનાં લોકો સાથેનાં કામનો આરંભ કરેલો એ તબક્કો મારા માટે અત્યંત કપરો હતો. એ જ સમયગાળામાં મારા લગ્ન પણ થયા એટલે એક તરફ મારા પરિવારની પ્રસન્નતા હતી અને બીજી તરફ ગુજરાતમાં ગામેગામ રઝળીને વિચરતી જાતિનાં પ્રશ્નો સમજવાનો એ સમયગાળો આમ જોતાં મને અત્યંત મુશ્કેલ લાગતો હતો.
કારણ કે, વિચરતી જાતિઓ સાથે કામની શરૂઆત અત્યંત મુશ્કેલ બાબત હતી. યુગોથી ઘડાયેલા એમના સંસ્કાર, આગવી જીવન શૈલી, કહેવાતા સભ્ય સમાજથી જોજનો દૂર રહેવાની આદતને કારણે, એમનાં રીતિ-રિવાજમાં ક્યાંક આપણને પેસવા ન દે. આરંભે ક્યારેક એવું બને કે દિવસનાં આઠથી દસ કલાક સુધી એમનાં પડાવમાં રાહ જોતી બેસી રહેતી. આમ છતાં મને એમનાં વિશેની રજમાત્ર માહિતી ન મળે. પરિવાર અને કાર્યક્ષેત્ર વચ્ચે સમતુલા જાળવવાનાં પ્રયાસની એ ક્ષણેક્ષણ સંઘર્ષપૂર્ણ હતી. ક્યારેક થતું હું ક્યારે મારા લક્ષ્ય સુધી પહોંચીશ? પણ નિરાશ થયા વગર ધીરજપૂર્વક મારા ધ્યેયને વળગી રહી અને ધીમેધીમે એમાં આગળ વધતી રહી.
જીવને એક વાત ચોક્કસ શીખવી છે કે, જીવનમાં જો આપણે પ્રેમ વહેંચીએ તો એના બદલામાં આપણને પ્રેમ મળશે જ. મારા સ્વાનુભવની જ વાત છે, ક્રૂર, ખૂંખાર ગણાતા ડફેર લોકો વચ્ચે કામ કરતાં અનુભવેલી વાતઃ
મારી દીકરીનો જન્મ થયો. ગુજરાતમાં ઠેર ઠેર વસતા વિચરતા - વિમુક્ત જાતિનાં લોકોની સહજ અપેક્ષા હતી કે અમદાવાદ આવી મારી અને દીકરીની ખબર કાઢી શકાય. પણ ક્યાં ક્યાંથી અમદાવાદ આવતાં ભાડું, અન્ય ખર્ચ થાય. એટલે મેં બધાંયને ના કહી. મારી વાત સાંભળી એમને દુઃખ થયું. સહુના મોઢે એક જ વાત હતી. ‘બેન અમે તમારા પરિવારનાં સભ્યો નથી? દીકરીને વહાલ કરવાનું અમને ય મન ન થાય?’
એ તો સમયે દીકરીને ન મળી શકાયું. પરંતુ એની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી થઈ ત્યારે જેમણે જીવનમાં કેક શબ્દ સાંભળ્યો ન હતો, કેક જોઈ ન હતી એ સમુદાયના લોકો કેક લઈને આવ્યા. એમનાં ગજાનુંસાર ભેટો લઈને આવ્યા. ત્યારે હૈયું ભરાઈ આવ્યું. મારી પાસે શબ્દો ન હતા. આટલો પ્રેમાળ, વિશાળ પરિવાર પામ્યાનું સુખ તો હતું જ, પરંતુ સમાજ એમની શાથી અવગણના કરે એ પ્રશ્ન પણ દિવસો સુધી મનમાંથી ખસતો ન હતો.
છેલ્લે પૃથ્વી પર સહુથી વધુ સુખી કોણ અને દુઃખી કોણ? એવી વાત આવે છે ત્યારે કહીશ કે, સમષ્ટિ સહુને માટે છે એવું વિચારનારો માણસ ચોક્કસ વિશ્વનો સહુથી સુખી માણસ હોવાનો અને સંકુચિતપણે સ્વાર્થી બની કોઈને ય કશુંય પામવા ન દેવાની વૃત્તિવાળા માણસ જેટલો દુઃખી કોઈ નહીં હોય.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર