મારો કેમેરા એ જ મારું સુખ

27 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

મારા માટે મારું સુખ એટલે મારો કેમેરા! સિનેમા પ્રત્યે મને નાનપણથી ખૂબ લગાવ અને ફિલ્મો પ્રત્યેના આકર્ષણને કારણે જ મેં એકવીસ વર્ષની ઉંમરથી કેમેરા સાથે કામ કરવાનું શરૂ કરી દીધેલું. ત્યારથી લઈને આજ સુધીમાં મેં એક વાત નોટીસ કરી છે કે, હું જ્યારે કેમેરાની આસપાસ હોઉં અને ફિલ્મો કે ટેલિવિઝન સિરિયલના ડિરેક્શનના મારા કામમાં હું ગળાડૂબ હોઉં છું ત્યારે હું અત્યંત ખુશ હોઉં છું. એ સમયે મારી તમામ પીડાઓ, મારી અંદરનો બધો ચચરાટ ક્યાંક વરાળ થઈને ઊડી જાય છે અને હું કોઈ અલૌકિક આનંદનો અનુભવ કરું છું.

લાખોની ગાડીઓ હોય કે કરોડોના બંગલા હોય કે, કે પછી આપણને એન્ટરટેઈન કરતા હજારોના ગેજેટ્સ હોય, સુખની બાબતે એ બધુ મારા માટે બીજા, ત્રીજા કે ચોથા ક્રમે આવે છે. સૌથી પહેલા તો મારો કેમેરા જ આવે અને આ કારણે જ મને એવી ઈચ્છા છે કે, મારો જીવ જતો હોય ત્યારે પણ હું કોઈ સેટ અથવા લોકેશન પર કેમેરા સાથે ડિરેક્શન કરતો હોઉં અને ત્યારે મારો જીવ જાય.

જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?

ફિલ્મો જોવાનું મને ખૂબ ગમે છે એટલે ફિલ્મ જોતી વખતે તો મને સ્વાભાવિક જ આનંદ થાય. પરંતુ એથીય વધુ આનંદ ત્યારે આવે જ્યારે મારી સાથે કોઈ ફિલ્મ જોવા નહીં આવ્યું હોય અને હું એકલો જ કોઈ ફિલ્મ માણતો હોઉં! આ ઉપરાંત મારી બંને દીકરીઓ સાથે કે પત્ની આરતી સાથે રાત્રે આંટો મારવા જવામાં કે એમની સાથે આઈસક્રિમ ખાવામાં અને પાન ખાવામાં મને ખૂબ આનંદ આવે. મને પાર્ટીઝનો ખૂબ શોખ છે એટલે કોઈની પાસે પાર્ટીઓ લેવામાં કે કોઈને પાર્ટી આપવામાં પણ મને ખૂબ આનંદ આવે! આ ઉપરાંત કોઈને નાની-મોટી મદદ કરવામાં પણ ઘણો આનંદ આવે. આમ, મારો આનંદ બહુ ખર્ચાળ નથી, મારો આનંદ મારા સ્વજનો અને પ્રિયજનોની આસપાસ જ વીંટળાયેલો છે.

આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?

આપણું સુખ બીજાઓ પર ચોક્કસ જ આધારિત હોઈ શકે. આ બાબતને સમજાવવા થોડી ફિલોસોફિકલ વાત કરું. આપણા અસ્તિત્વમાં બે તત્ત્વો અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક તત્ત્વ એટલે આપણો આતમ કે આત્મા કે જીવ અને બીજું તત્ત્વ એટલે આપણું શરીર. સૌથી પહેલા તો આ બંને તત્ત્વો જ એકબીજા પર ખૂબ આધાર રાખતી હોય છે. અને જ્યાં સુધી આ બંને તત્ત્વ એકબીજા સાથે જોડાયેલા રહે છે ત્યાં સુધી આપણું સુખ અને દુખ બંને કોઈ માનવ, પ્રાણી, પ્રકૃતિ કે પદાર્થ પર આધાર રાખે છે.

જોકે એક વાત એ પણ નોંધવી રહી કે, શરીરના સુખ કરતા આપણી આત્માનું સુખ બાહ્ય પદાર્થો પર થોડો ઓછો આધાર રાખતું હોય છે. આપણો આતમ આપણા કામના આનંદમાં કે સ્વજનોના સહવાસમાં રાજી રહી શકે છે, પરંતુ આપણા શરીરને જ ક્યારેક મર્સિડિઝની જરૂર પડતી હોય છે, તો ક્યારેક એને એસીની જરૂર પડે કે બીજાના સ્પર્શની જરૂર પડે! બાહ્ય બાબતો પરના શરીરના સુખને આપણે સંપૂર્ણપણે કાબૂમાં લઈ શકીએ નહીં એ વાત પણ એટલી જ સાચી છે. પરંતુ સુખ મેળવતા રહેવાની શરીરની વાસનાઓને આપણે નિયંત્રિત જરૂર કરી શકીએ છીએ.

તમારા વ્યથિત થવાના કારણો કયા?

મારામાં એક વિશિષ્ટ લક્ષણ છે અને એ લક્ષણ એ કે, મને સામેના માણસની ખરાબ મનસા વિશે તરત ખ્યાલ આવી જાય છે. કોઈના વર્તનથી મને એમ ખ્યાલ આવે કે, આ માણસ અસત્ય બોલી રહ્યો છે કે, એનો આશય શુદ્ધ નથી કે એ દંભ આચરી રહ્યો છે તો હું અત્યંત વ્યથિત થઈ જાઉં છું.

મને રાજકારણ રમતા રહેતા કે પાસાં ફેંકતા રહેતા લોકો બહુ ગમતા નથી. હું સાવ ગણતરી વિનાનો માણસ છું એટલે સામે પક્ષે પણ હું ગણતરીની અપેક્ષા રાખતો નથી. ચાલો, એક વાર હું એ પણ ચલાવી લઉં કે, ‘ભાઈ આ ગણતરીવાળો માણસ છે અને એ બધી વાતમાં નફા-નુકસાનની ગણતરી માંડે છે.’ કારણ કે, દરેકનો એક સ્વભાવ હોય છે. એ સ્વભાવ બદલવાનું આપણું ગજુંય કેટલું? પરંતુ મને વ્યથા ત્યારે થાય છે કે, આવા માણસો હંમેશાં એવા ભ્રમમાં રાચતા હોય છે કે, સામેના માણસને અમારી ગંદી રમત વિશે કોઈ ખ્યાલ નથી. અને આવા વિચાર સાથે જ તેઓ બીજાને પીડા આપતા રહે છે.

કોઈ માણસમાં સારપ હોય તો, ટેલેન્ટની બાબતે હું હંમેશાં ઓગણીસ વીસ કરી લઉં છું. પરંતુ કોઈ સો ટકા બ્રિલિયન્ટ માણસને પાસાં ફેંકવાની આદત હોય કે તેમને ગણતરીપૂર્વક સંબંધ સાચવવાની આદત હોય તો હું એવા માણસોને પાંચ મિનિટ માટે પણ ચલાવી લેતો નથી.

આ ઉપરાંત મને સૌથી વધારે વ્યથા ત્યારે થાય છે, જ્યારે કોઈ માણસ એના કામ પ્રત્યે નિષ્ઠા નથી દાખવતો અને પોતાના ભાગે આવેલા કામને નાનું કે કંટાળાજનક સમજીને એના વિશેના રોદણાં રડતો હોય. આવા માણસોની મને દયા પણ આવે છે અને એમને જોઈને હું વ્યથિત પણ થઈ જાઉં છું. ત્યારે મને એમ થઈ આવે કે, આ માણસ જો એના કામને જ નહીં ચાહતો હોય તો એ અહીં જન્મ્યો જ છે શું કામ?

આસપાસના સંબંધો અને માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?

અરે, બહુ જ વાર. જ્યારે પણ મારી આસપાસ અપેક્ષાનું વર્ચસ્વ વધવા માંડે છે ત્યારે મને અત્યંત ગૂંગળામણ થઈ આવે અને પછી મને એમ થઈ જાય કે, હું આ સ્થિતિમાંથી, આ વર્તુળમાંથી ખસી જાઉં તો સારું. મિત્રો તરફથી પણ જ્યારે મારી પાસે નાહકની અપેક્ષાઓ રખાઈ છે, ત્યારે હું મિત્રોની જાણ બહાર એમનાથી દૂર થઈ જતો હોઉં છું. કારણ કે, વધુ પડતી અપેક્ષા આપણને આપણા લક્ષ્યની ડાઈવર્ટ કરે છે અને એ અપેક્ષાઓને કારણે જ આપણે આપણા કામને એન્જોય કરી શકતા નથી.

જીવનમાં ક્યારેય કપરો સમય જોવાનો આવ્યો છે ખરો?

એકવીસ વર્ષની ઉંમરે હું દિગ્દર્શક બની ગયેલો અને એક ચોક્કસ વર્તુળમાં દાખલ થઈ ગયેલો એટલે કામની બાબતે મારે ક્યારેય સંઘર્ષ વેઠવાનો નથી આવ્યો. પરંતુ સામાજિક દૃષ્ટિએ મારે ખૂબ વેઠવું પડ્યું છે. એ કારણે મારે આઠેક વર્ષ સુધી માનસિક રીતે પણ ઘણું વેઠવું પડ્યું છે અને હું આર્થિક રીતે પણ ઘણો ઘસાયો છું. એ જ સમયમાં મેં પોલીસ પણ જોઈ અને વકીલો સાથે કોર્ટ પણ જોઈ.

જોકે મને આરતીનો સાથ સાંપડ્યા પછી કે, મારા જીવનમાં મારી બે દીકરીઓના પ્રવેશ પછી મારા ભાગે જરાય પીડાવાનું આવ્યું નથી. એટલે જો બીત ગઈ વો બાત ગઈના સિદ્ધાંતે હું એ સમય માટે કોઈને કસુરવાર નથી ઠેરવતો કે કોઈ ફરિયાદો કરીને મારા નસીબને કોસતો પણ નથી. મારે એક વાત સ્વીકારવી રહી કે, ઝંઝાવાતના એ સમયમાં હું માત્રને માત્ર મારા કામને કારણે ટકી રહ્યો છું અને ભયંકર ચક્રવાત કહી શકાય એવા સમયમાં મેં દૂરદર્શન પર ‘વાનરસેના’ કે ‘મારે પણ એક ઘર હોય’ જેવી શ્રેષ્ઠતમ સિરિયલ્સ ડિરેક્ટ કરી છે.

તમે જો દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા માટે શું કરો?

આપણી પીડાના બે નિમિત્ત હોય છે. ક્યાં તો આપણને કોઈ માણસ પીડા પહોંચાડતો હોય અથવા આપણને કોઈ સંજોગોને કારણે પીડા થતી હોય છે. મને જો માણસને કારણે પીડા થઈ હોય તો હું કોઈ પણ ભોગે એ માણસની સામે જઈને ઊભો રહી જાઉં અને ગૂંચના છેડાં સુધી પહોંચીને ગૂંચને ઉકેલી દઉં. પણ જો સંજોગોને કારણે મને પીડા થઈ હોય અને સંજોગોને તાત્કાલિક બદલી શકતા નહીં હોય તો હું ખૂલ્લા આકાશની નીચે જઈને આકાશને નિહાળું છું. કારણ કે, મને આકાશમાં અને આકાશની અસીમતામાં ખૂબ શ્રદ્ધા છે. આવું કરવાથી બળતા જીવને થોડી ઘણી રાહત જરૂર મળે છે. જોકે આને મારી પલાયનતા નહીં કહી શકાય. કારણ કે આવું કર્યા બાદ જ મને પીડાની સામે લડવાનું જોમ મળે છે અને હું એની સામે સામી છાતીએ લડું છું.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

જીવનમાં હું એટલું જરૂર સમજ્યો છું અને મને એ બાબતનું અત્યંત અચરજ પણ થયું છે કે, આતમ અને શરીરના સાયુજ્યથી રચાયેલું આપણું અસ્તિત્વ અત્યંત અદભુત બાબત છે. એટલે આપણા જન્મને કે આપણા હોવાપણાને ક્યારેય એળે જવા દેવું નહીં. કોઈ પણ ભોગે એને જીવી નાંખવાનું છે અને પ્રત્યેક ક્ષણે આપણા અસ્તિત્વનો મહાઉત્સવ ઉજવવો જોઈએ એવું હું શીખ્યો છું.

તમારા માટે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુખી માણસ કોણ?

જે પોતાના અસ્તિત્વને, પોતાને મળેલી જિંદગીને કે પોતના કામને ભાંડતો હોય એ મારા માટે દુનિયાનો સૌથી માણસ છે. અને એનાથી ઉંધુ જે માણસ પોતાના જીવન, પોતાની જાત, પોતાની આવડત કે પોતાના સંબંધો પ્રત્યે અત્યંત પેશનેટ હોય એ માણસ મારા મતે સૌથી સુખી માણસ.

અમારા વાચકોને આનંદમાં રહેવા માટેની સલાહ આપશો?

તમને જે ગમે છે એ કરવામાં ક્યારેય ગિલ્ટ અનુભવવી નહીં અને જીવનમાં કોઈ એક ક્રિએટીવ શોખ રાખશો તો જીવન ખરેખર અત્યંત જીવવા લાયક લાગશે.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.