મારો દેશ એ જ મારું સુખ

25 Sep, 2016
12:00 AM

PC: topyaps.com

આપણા દેશના સૈનિકો આપણે માટે બારેમાસ ખડેપગ સેવા બજાવતા હોય છે ત્યારે એમના સુખ દુઃખ કેવા હશે? કેવી હશે એમની આનંદ-પીડાની લાગણીઓ? એ બધુ જાણવાનું આપણને સ્વાભાવિક જ મન થાય. જોકે હાલને તબક્કે કોઈ સૈનિકને રૂબરૂ મળીને એમની મુલાકાત લઈ શકાય એમ નથી, પરંતુ એક સૈનિકની આ કાલ્પનિક મુલાકાત પણ વાસ્તવિકતાની લગોલગ છે. જે વાંચવાનું વાચકોને જરૂર પસંદ પડશે.તમારા માટે સુખની વ્યાખ્યા શું?

દરેક માણસનું સુખ એ એની અત્યંત અંગત બાબત છે એમ કહીએ તો ચાલે. અને બીજા માણસોની જેમ મારું પણ અંગત સુખ હોવાનું. પરંતુ લશ્કરમાં જોડાયા અને આટલા વર્ષની સર્વિસ કર્યા બાદ હવે હું એવું કહી શકું કે, મારા સુખની વ્યાખ્યા હવે માત્ર મારા પૂરતી સીમિત રહી નથી. મારું સુખ હવે સમગ્ર દેશના લોકોના જીવન, એમની રક્ષા અને એમની સમૃદ્ધિ સુધી વિસ્તર્યું પાછલા અનેક વર્ષોથી મેં મારી કમ્ફર્ટ કે મારી સુવિધા વિશે નથી વિચાર્યું. કેટલાક લોકો નેશન ફર્સ્ટ એમ કહેતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નેશન ફર્સ્ટના વિધાનને હું અત્યંત ગર્વભેર જીવું છું. મારા સુખ સંદર્ભે આ આખી વાતનો સાર કાઢીએ તો હું એમ કહી શકું કે, 'મારો દેશ એ જ મારું સુખ.' જય હિંદ

જીવનમાં તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?

જો મારું સુખ મારો દેશ હોઈ શકે મારો આનંદ પણ મારા દેશ સાથે જ સંકળાયેલો હોવાનો. દેશ જ્યારે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી, રમત-ગમત, શિક્ષણ કે મહિલા સુરક્ષા ક્ષેત્રે કશુંક ઈનોવેટીવ કે નક્કર કાર્ય થાય ત્યારે મને ખૂબ આનંદ થાય. હજુ થોડા દિવસો પહેલા જ આપણા વડાપ્રધાને દિવ્યાંગોને લઈને જે કાર્યક્રમ કર્યો અને દિવ્યાંગોનું કામ અને જીવન સરળ થાય એ દિશામાં જે કાર્ય કર્યું એ જાણીને મને ખૂબ આનંદ થયો. આખરે આપણા દેશમાં શારીરિક-માનસિક રીતે મજબૂત લોકો જ નહીં, પરંતુ જેમને કુદરતે કંઈક ખામી આપી છે એવા લોકો પણ પોતાની ખામીઓને જ પોતાની ઢાલ બનાવીને આગળ વધશે, જેમની પ્રગતિમાં આખો દેશ એમની સાથે જોડાયો છે. આનાથી વધુ આનંદની વાત શું હોઈ શકે?

સુખ માટે આધારિતતા કેટલી યોગ્ય? આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?

માનવ જીવનની દૃષ્ટિએ જોઈએ તો આપણે કદાચ એમ કહી શકીએ કે, આપણું સુખ અથવા દુઃખ અન્યો પર આધારિત હોઈ શકે છે. પરંતુ સૈન્યમાં અમને કડક ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, જે દરમિયાન અમે સૌથી મોટી બાબત એ શીખતા હોઈએ છીએ, આપણો બધો આધાર આપણી જાત પર જ રહેલો હોય છે. ટ્રેનિંગ બાદ અમે ટાગોરનું પેલું ગીત બખૂબી જીવતા હોઈએ છીએઃ 'જોદી તોર ડાક શુને કેઊ ના આશે તોબે ઍકલા ચાલો રે...' અમે બધા આમ ભલે સમૂહમાં જીવતા કે કામ કરતા હોઈશું, પરંતુ સુક્ષ્મ રીતે અમે બધા એકલપંડે જ અમારું કામ અને જવાબદારીઓ નિભાવતા હોઈએ છીએ. આખરે દેશની સેવા કરવાની એમાં કોઈના પર આધાર શું રાખવાનો? અમે એક બીજા પર તો ઠીક, દેશની સરકારો પર પણ આધાર નથી રાખતા. કારણ કે, કેટલીક વાર આધારો ઘોર નિરાશાનું પરિણામ બનતા હોય છે.

કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?

જ્યારે જ્યારે દેશ પર વિદેશી શક્તિઓના હમલા થયાં છે ત્યારે મારું મન વ્યથિત થયું છે. હજુ ગયા રવિવારે જ ઘટેલી ઉરીની ઘટના ખૂબ વ્યથિત કરી ગઈ. જોકે એવું નથી કે જ્યારે આતંકવાદી ઘટનાઓ ઘટે ત્યારે જ મન વ્યથિત થાય. એક તરફ અમે દેશની રક્ષા કાજે અમારા ઘરબાર અને તમામ સુખ-સગવડોનો ત્યાગ કરીને વિષમ પરિસ્થિતિઓમાં જીવીએ છીએ એનું કારણ માત્ર એક જ કે દેશને સમૃદ્ધ કરો. બીજી તરફ દેશની અંદર જ જ્યારે અંગત સ્વાર્થને કારણે રાજકારણમાં કાવાદાવા થતાં જોઈએ, ભ્રષ્ટાચાર અને હળાહળ અનીતિઓનું સામ્રાજ્ય ચારેકોર જોઈએ ત્યારે એમ થાય કે, અમે કોની રક્ષા કે કોની પ્રગતિ માટે મથામણ કરીએ છીએ? જેમને લોકો ચૂંટીને મોકલે છે એમને તો દેશની કોઈ ચિંતા જ નથી. જુઓ ભાઈ, લાકડામાં જ્યારે ઉઘઈ પડેને ત્યારે લાકડાને ગમે એટલું પોલિશ્ડ રાખીએ એનાથી ઝાઝો ફરક નથી પડતો. કારણ કે, લાકડું જ્યારે અંદરથી ખવાઈને વહેર થઈ જાય ત્યારે એના બાહ્ય આવરણનું કોઇ અસ્તિત્વ જ નથી રહેતું! તો પછી સરહદ પર અમારા રહેવાનો અર્થ શું? સરહદની અંદર જેમની જે જવાબદારી છે એ પણ બખૂબી નિભાવવી જોઈએ. દેશ તો જ પ્રગતિ કરી શકશે.

આસપાસના સંબંધો કે માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?

અરે ભાઈ, શું આવો સવાલ પૂછો છો? અમારું કામ ભાગી જવાનું છે કે ભગાવવાનું? ભાગી જવું શબ્દ સાથે જ અમારે કોઈ નિસ્બત નથી. અમારા જીવનમાં આવા કોઇ સવાલને સ્થાન જ નથી.

તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?

આ સવાલ પણ ખોટી રીતે પૂછાયો છે એવું મને લાગે છે. આ સવાલને એમ નહીં પૂછાય કે, 'તમારા જીવનના કોઇ કપરા સમય વિશે વાત કરશો?' આ સવાલ એમ પૂછાય કે, 'તમારા કપરા જીવન વિશે વાત કરશો?' કારણ કે, અમારે કંઈ જીવનમાં એક, બે કે ત્રણ વખત કપરા સમયનો સામનો કરવાનો નથી હોતો. અમારે તો સતત કપરું જીવન જીવવાનું હોય છે. જોકે આ બાબતે અમારે કોઇ ફરિયાદ નથી, કારણ કે આવું જીવન અમે પોતે સ્વીકારેલું હોય છે અને બધી બાબતોનો વિચાર કરીને સ્વીકારેલું હોય છે. તો પછી એમાં ફરિયાદ શેની હોવાની? વળી, અમે આમ જીવીએ છીએ અને રોજબરોજના જીવનમાં આવી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ એવી વાતો કરીને આપબડાઈ પણ નથી કરવી. આવું જીવન એ અમારી ફરજ છે અને ફરજ અમારા માટે સૌથી પહેલા આવે છે.

જો તમે કોઇ વાતે દુઃખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા શું કરો?

મને મારા સુખમાં મારો દેશ જ સાંભરે છે અને દુઃખમાં પણ દેશની ચિંતા હોય છે. આખરે હું મારા અંગત સુખ-દુઃખથી ઉપર આવી ચૂક્યો છું. મારી દુઃખ કે પીડા પણ દેશલક્ષી જ હોવાની. ક્યારેક ક્યાંક હમલો થાય કે દુશ્મનોની અવળચંડાઈ ફાટીને ધુમાડે જતી જોઉં ત્યારે મને પીડા જરૂર અનુભવાય, પણ સરહદીય વિસ્તારો પર જીવતા લોકોની ખુમારી અને એમના બાળકોના ચહેરા પર સદા અકબંધ રહેતા સ્મિતને જોઈને મારી પીડા દૂર થઈ જાય છે. એમના સ્મિત કંઈ આપણી સમસ્યાઓના ઉકેલ નથી હોતા, પરંતુ એ સ્મિતમાં કંઈ દૈવી શક્તિઓ હોય છે, જે વિના કોઈ કારણ મારી પીડા દૂર કરી દે છે!

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

અહીં અમે જીવનની નિષ્ઠુરતાનો રોજ સામનો કરતા હોઈએ છતાં અને અમે જ શું કામ? વિષયમ વાતાવરણમાં જીવતા સરહદીય વિસ્તારોના તમામ લોકો એ નિષ્ઠુરતાનો સામનો કરતા હોય છે. પરંતુ એ બધું હોવા છતાં અમે અને એ બધા ટકેલા રહીએ છીએ. એનું કારણ એ જ કે, જીવન આપણા આંતરિક બળ પર આધાર રાખતું હોય છે, બાહ્ય મુશ્કેલીઓ સાથે જીવનને કોઈ નિસ્બત હોતી નથી.

તમારા મતે દુનિયામાં સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?

જે લોકો પોતાના નાના-નાના ફાયદાને ધ્યાનમાં રાખીને કે પોતાનો કક્કો સાચો પાડવા માટે મોટી આબાદી માટે નુકશાન પહોંચાડતા હોય એ સૌથી દુઃખી અને આતંકવાદ, મૂડીવાદ કે અન્ય કોઇ પણ સત્તાના દાબમાં કચડાયેલા છે, છતાં એમના ચહેરાનું સ્મિત છીનવાયું નથી કે નથી જેમણે જીવનથી હાર નથી માની એ લોકો મારા મતે સુખી છે.

અમારા વાચકોને આનંદમાં રહેવાની કોઈ સલાહ કે ટિપ્સ આપશો?

કોઈ ટિપ્સ નથી આપવી. માત્ર એટલું જ કહેવું છે કે, પોતાના આનંદ કે સુખને ખાતર ક્યાંક દેશ દાવ પર ન લાગી જાય એનું ધ્યાન રાખજો. હંમેશાં એવા જ કાર્યો કરવા જેથી વિશ્વમાં દેશની ઇજ્જત વધે અને સર્વત્ર ભારત માતાની જયજયકાર થઈ જાય

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.