આનંદમાં રહેવું એ મારી ફરજ છે
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
રોજ સવારે ઊઠું ત્યારે મને લખવા માટેનો વિષય મળી જાય તો મને ઘણું સુખ મળે. આ ઉપરાંત રોજ સવારે છાપામાં મારું નામ વાંચુ ત્યારે પણ મારા સુખનો સાગર છલકાય. છેલ્લા કેટલાય દાયકાથી હું આ સુખ ભોગવી રહ્યો છું. હું જન્મજાત પત્રકાર છું અને પત્રકારત્વ સિવાય મારું બીજું કોઈ સુખ હોઈ જ નહીં શકે. પહેલા તો ચાર-ચાર મૅગેઝિનમાં મારા લેખ છપાતા પણ હવે માત્ર બે જ અખબારોમાં મારા લેખો છપાય છે. પણ એનાથી કંઈ હું નાસિપાસ નહીં થાઉં. લખવું એ મારું કર્મ છે અને કોઈ પણ ભોગે મારે મારું કર્મ કરવું જ રહ્યું. અત્યાર સુધીમાં મારી કૉલમોમાં એક પણ વાર બ્રેક પડ્યો નથી અને મારા લખેલા લેખોમાંથી ભાગ્યે જ કંઈ કપાય છે. તો એક પત્રકાર માટે આનાથી વધારે સુખ શું હોય?
તમને જીવનમાં આનંદ કઈ બાબતોમાંથી મળે?
એક તો મેં તમને આગળ કહ્યું એમ મારા લેખો નિયમિત છપાય એમાંથી મને વધુ આનંદ મળે. આ ઉપરાંત મને વર્ષો સુધી સવારે જૂના ગીતો સાંભળવાનો શોખ હતો. એ ગીતો સાંભળવાથી પણ મને અદમ્ય આનંદ મળતો. એ ગીતો સાંભળવાનો મને હજુ પણ શોખ છે. પણ થયું છે શું કે, મારું જૂનું કેસેટ પ્લેયર બગડી ગયું છે અને નવી ટેક્નોલોજી મને ફાવતી નથી. એટલે છેલ્લા કેટલાક વર્ષો સુધી મારું ગીતો સાંભળવાનું સદંતર બંધ થઈ ગયું છે. જો કોઈ મને એ જૂની ઢભનું કેસેટ પ્લેયર અને સાયગલ, પંકજ મલિક અને અન્ય જૂના ફિલ્મી ગીતોની કેસેટ લાવી આપે તો એ બહું મોટી સેવાનું કામ થશે. અને હા, આ કોઈ મફતિયા માગણી નથી. હું એ માણસને એનો પૂરો ખર્ચો આપીશ.
આપણા જીવનમાં સુખની આધારિતતા કેટલી યોગ્ય? આપણું સુખ અન્યો પર આધારિત હોવું જોઈએ ખરું?
મોટે ભાગે એટલે કે ૯૯% લોકો પોતાના સુખ માટે અન્યો પર આધાર રાખે છે. પણ અન્યો પર આધાર રાખવાની વાત કે એમના પરની અપેક્ષા પાછળથી ઠગારી નીવડે છે અને પછી માણસના ભાગે દુખી થવાનું જ આવે છે. એના કરતા હું તો એમ કહીશ કે, સુખની બાબતે આપણે સંપૂર્ણ સ્વાવલંબી થઈ જવું જોઈએ. આપણને સુખી કરવાનો અધિકાર બીજા કોઈને શું કામ આપવો? કોઈ શું કામ નક્કી કરે કે આપણે સુખી રહેવું કે નહીં?
કઈ ઘટના કે બાબતને કારણે તમારું મન વ્યથિત થાય?
(થોડું વિચારીને…) આજનું તમામ રાજકારણ વ્યથા ઉપજાવનારું છે. દેશભરમાં ઘટતી એકેએક રાજકીય ઘટના આપણને નિરાશ કરે છે. સૌથી પહેલી વાત તો એ જ કે આપણને ખોટા વડાપ્રધાન મળ્યાં છે. આંકડા તો એમ કહે છે કે, દેશના માત્ર ૩૧% મતદારોએ જ નરેન્દ્ર મોદીને ચૂંટ્યા છે. પણ આપણું એ કમનસીબ છે કે, આપણને આવા વડાપ્રધાન મળ્યાં છે.
…તો કોણ હોવું જોઈએ આપણા દેશના આપણા વડાપ્રધાન?
આપણા દેશમાં ક્યાં લોકશાહી હતી? આપણી આ લોકશાહી તો બહારથી આયાત કરાયેલી છે. આપણા દેશમાં તો રાજાશાહી હતી. એટલે ક્યાં તો આપણા દેશમાં રાજાશાહી આવવી જોઈએ અથવા દેશના ચાર વિભાગ પાડીને દરેક વિભાગમાં ચાર કમિશ્નર ચૂંટવા જોઈએ. વી ડોન્ટ વોન્ટ ડેમોક્રેસી, વી વોન્ટ લિમિટેડ ‘રાજાશાહી.’
તો પછી એમાં તો લોકોના અવાજને કોઈ અવકાશ જ ન રહે…
તે આમેય આપણે ત્યાં ક્યાં સામાન્ય લોકોનો અવાજ સાંભળવામાં આવે છે? લોકતાંત્રિક પદ્ધતિ જોઈતી જ નથી. (સહેજ ઉકળીને ઉંચા અવાજે….) આમ પણ આપણે ક્યાં લોકતાંત્રિક છીએ? લોકો અબજો રૂપિયાનો ધૂમાડો કરીને ચૂંટાઈ આવે એ કંઈ લોકતાંત્રિક પદ્ધતિ છે? આપણા વડાપ્રધાન જ તાંત્રિક છે.
તમને ક્યારેય આસપાસના માણસોથી કંટાળીને ભાગી જવાનું મન થયું છે ખરું?
નહીં નહીં, ક્યારેય નહીં. એ તો બાયલાપણું કહેવાય. આઈ એમ અ ફાઈટર. આઈ એમ ફાઈટિંગ વિથ માય હેલ્થ એન્ડ આઈ એમ ફાઈટિંગ વિથ ધ હૉલ પોલિટિકલ સિસ્ટમ.
તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?
(હાહાહા….) મારું આખુ જીવન કપરા સમયમાં વીત્યું છે. મારા જીવન પર તો એક આખી આત્મકથા લખાય, પરંતુ આત્મકથા લખવા જેટલો સમય મારી પાસે નથી. હું નાનો હતો ત્યારે મારા બાપા મારી બાને લાકડીએ લાકડીએ ફટકારતા. મેં એ દારુણ દૃશ્યો જોયા છે. એક તરફ મારા પિતાને સમ ખાવા પૂરતી આવક ન હતી અને એવામાં એમણે સાત છોકરા પેદા કરી નાંખ્યા. તો બીજી તરફ એમણે મારા કાકા પાસે પૈસા ઉધાર લીધા હતા, જેને કારણે મારે મારા કાકાની ગુલાની ભોગવવી પડી. હું કાકાને ત્યાં રહીને કામ કરતો ત્યારે ક્યારેક જમતો હોઉં તો મારી કાકી મને ટોણાં મારે કે, ‘જો તારા બાપનો કાગળ આવ્યો છે, પૈસા માગે છે એ.’ આવું સાંભળીને હું જમતો જમતો ઉઠી જતો. એટલે જીવનના શરૂઆતના સમયમાં મેં ઘણું વેઠ્યું છે. હા, જોકે હું જ્યારથી પત્રકાર થયો ત્યાર પછી હું સુખી થયો છું. ગુજરાતના સેંકડો નાના-મોટા છાપા અને મેગેઝિનમાં મારા લેખો છપાયા છે અને મારી એ સાહ્યબી જોઈને અનેક લેખકોને ઈર્ષા પણ થઈ છે.
જો તમે દુખી થાઓ કે તમને પીડાની અનુભૂતિ થાય તો એમાંથી બહાર આવવા માટે તમે શું કરો?
ઓ ભાઈઈઈઈ…..! તમે શું વાત કરો છો? કાન્તિ ભટ્ટને દુખી થવું પોષાય જ નહીં. મારે તો આનંદમાં જ રહેવું પડે. હંમેશાં આનંદમાં રહેવું એ મારી ફરજ છે.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર