કોઈના પર આક્ષેપ કરું ત્યારે મારી પીડા ઓછી થાય
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
મારા માટે બીજાને પરેશાન કરવા એ જ સુખ. રાજકારણમાં તો હું હમણાં આવ્યો છું પરંતુ જ્યારે આંદોલનકારી તરીકે પણ ઓળખાતો ત્યારે મેં ઘણાં કૌભાંડો બહાર કાઢીને અંબાણી કે અદાણી જેવા અનેક લોકોને પરેશાન કર્યા છે. જો કે, હું પરેશાન કરું ત્યારે દરવખતે એવું નથી બનતું કે સામેનો માણસ પરેશાન થાય જ. મોટેભાગે મારો પ્રયત્ન નિષ્ફળ જ જતો હોય છે. તો ય હું લોકોને પરેશાન કરતો રહું છું.
જીવનમાં તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?
મારો સૌથી પહેલો અને પ્રિય આનંદ છે મીડિયામાં ઝળકતા રહેવું. અખબાર હોય કે ન્યૂઝ ચેનલની ખબર હોય કે પછી વૉટ્સ એપ-ફેસબુકના કોઈ જૉક્સ હોય. જો એમાં મારો ઉલ્લેખ હોય અથવા મને મહત્ત્વ અપાયું હોય ત્યારે હું ખૂબ આનંદ પામું છું. આ ઉપરાંત કેટલાક આનંદ એવા છે જે સમયાંતરે બદલાતા રહે છે. એક સમયે મને આંદોલન કરવામાં આનંદ આવતો તો હવે સત્તા મને આનંદ આપે છે. મારા માટે મારો આનંદ મહત્વનો રહે છે, આંદોલન કે સત્તાની સફળતા-નિષ્ફળતા નહીં.
આપણું સુખ કોઈના ઉપર આધારિત હોઈ શકે ખરું?
હા, હોઈ શકે. જો કે મારી સાફ છબિને કારણે હું એવું માનું છું કે મારું સુખ કોઈના પર આધારિત નથી. પરંતુ જો કોઈ ભ્રષ્ટ હોય તો એનું સુખ મારા પર સો ટકા આધાર રાખે છે. એટલે જ શિલા દીક્ષિત હોય કે અજય માકન હોય. એ બધાનું સુખ આજકાલ મારા પર આધારિત છે.
એવી કઈ ઘટના ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
નરેન્દ્ર મોદીના પ્રચારને કારણે કોઈક રાજ્યમાં બીજેપીની જીત થાય ત્યારે હું જરૂર દુઃખી થાઉં છું. સૌથી વધુ દુઃખી હું ત્યારે જ થયેલો જ્યારે લોકસભામાં ભાજપને અધધધ કહી શકાય એવી બહુમતી મળેલી. એ જ દિવસે મારો ભ્રમ કંઈક અંશે ભાંગેલો કે હું મારી જાતને જે કદનો નેતા માનું છું એ કદનો નેતા મને લોકો નથી માનતા.
આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
માણસો મને ભગાડે એ વાતમાં તો કોઈ માલ નથી. પણ હા, ઉધરસ અને કફ મને દર શિયાળે આમથી તેમ જરૂર દોડાવે છે. એકવાર તો હું ઉધરસથી એટલો કંટાળેલો કે દિલ્હીથી છેક બેંગ્લુરુ સુધી ભાગી ગયેલો. રહી વાત લોકોની તો આ સવાલ તમારે ઉલટાવી દેવો પડે આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને હું નહીં પરંતુ મારાથી કંટાળીને આસપાસના માણસો ભાગી જવાનું પસંદ કરે છે.
તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?
વારાણસીમાં નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી હારેલો. એ દિવસ મારા માટે થોડો કપરો હતો. આ ઉપરાંત એક-બે વાર કેન્દ્રની સરકારે મારા અધિકારીઓ પર દરોડા પાડેલા ત્યારે થોડી કપરી પરિસ્થિતિ સર્જાયેલી. બાકી લોકપાલ આંદોલન વખતે શારીરિક રીતે મેં થોડીક યાતના વેઠેલી પરંતુ એની પાછળ એક નેતા તરીકે ઊભરી આવવાનો માનો અંગત સ્વાર્થ પણ હતો, જેમાં મને ઘણી સફળતા પણ મળેલી. એટલે એ યાતનાને કે આંદોલનના એ સમયને હું મારા જીવનના કપરા કાળ તરીકે નથી જોતો. એ તો મારા જીવનમાં કંઈક અંશે મેં પોતે જ ઊભી કરેલી તક હતી.
દુઃખી થાવ તો તમારી પીડામાંથી બહાર આવવા શું કરો?
જો હું દુઃખી થાઉં તો હું સૌથી પહેલા ટ્વિટર પર લોગ-ઈન કરું છું. અને ભાજપ તેમજ નરેન્દ્ર મોદી પર મનફાવે એવા આક્ષેપો કરું છું. આક્ષેપોમાં તથ્ય હોય કે ન હોય અને એની તપાસ થાય કે ન થાય પરંતુ જ્યારે જ્યારે હું ભાજપ પર આક્ષેપ કરું છું ત્યારે મેં અનુભવ્યું છે કે મારી પીડાનો ચચરાટ થોડો ઓછો થયો છે. કોઈકના પર આક્ષેપ કરવા એ મને હંમેશાં રામબાણ ઈલાજ જેવા લાગ્યા છે.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યા?
એ જ કે ઘણી વાર હવામાં ગોળીબાર કરીને પણ મુખ્યમંત્રી બની શકાય છે.
તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ? અને દુઃખી માણસ કોણ?
આ પ્રશ્ન કંઈક એમ હોવો જોઈએ કે, તમારા મતે દુનિયાનો સૌથી ભ્રષ્ટ માણસ કોણ અને સૌથી સ્વચ્છ માણસ કોણ. જો કે આવું કંઈક હોત તો મારા માટે મુશ્કેલી એ સર્જાત કે હું એક સાથે કેટલા લોકોના નામ ગણાવું. જેમ કમળાવાળાને પીળું દેખાય એમ મને તો દરેક માણસ ભ્રષ્ટ જણાય. અરે છેક પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવ જેવા મારા સાથીઓ સુદ્ધાં મને ભ્રષ્ટ જણાયેલા. ખેર તમારા સવાલનો જવાબ પણ આપવો રહ્યો. મારા મતે દિલ્હી સિવાયના રાજ્યોમાં રહેતા લોકો દુઃખી અને દિલ્હીની પ્રજા સૌથી સુખી. એનું કારણ માત્ર એ જ કે હું દિલ્હીનો મુખ્યમંત્રી બન્યો પછી ત્યાં નથી તો ભ્રષ્ટાચાર થયો કે નથી અહીં મોંઘવારી વધી. અહીં માત્ર દેવલાલી જોવા મળી રહી છે.
અમારા વાચકોને સુખી રહેવા માટે કોઈ સલાહ કે ટિપ્સ આપવાનું પસંદ કરશો?
આ સવાલો ગુજરાતી ભાષામાં છે એટલે એક વાત તો નક્કી કે આ ઈન્ટરવ્યૂ ગુજરાતના લોકો વાંચવાના છે. તો ગુજરાતના લોકોને સુખી થવા માટે એક જ ટિપ આપીશ કે આવતી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક વાર જીતાડો અને આવનારા પાંચ વર્ષો સુધી સુખી થઈ જાઓ. આનાથી વિશેષ સલાહ તો કઈ હોઈ શકે?
(કલ્પના : અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર