સુખ અને દુઃખ વચ્ચે ઝાઝો ભેદ નથી
તમારા માટે સુખની વ્યાખ્યા શું છે?
સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે... સુખની વ્યાખ્યા કરવાની ન હોય ને દુ:ખને વખોડવાનું ન હોય - સંસાર તો એક નદી છે ને સુખ ને દુ:ખ તેના બે કિનારા છે... ચલતે હુએ જીવન કી રફતારમેં એક લય હૈ... બસ સવાલ છે આ લયને અકબંધ રાખવાનો, સુખ ને દુઃખના બેવડા સૂરોમાંથી એક હાર્મનિક સિમ્ફની સર્જવાનો. દુઃખ ન હોય તો સુખનો અહેસાસ પણ ન થાય... સુખને કોઈ પણ વ્યાખ્યામાં બાંધવાની પેરવી કરીશ તો હું મારી ખળખળ વહેતી ગતિમય નદીને ખાબોચિયું બનાવી દઈશ.
હું માનું છું તેમ તાત્વિક રીતે તડકી છાંયડીની કોઈ પણ બાયનરી ન હોય અને ધારો કે હોય તો સુખ દુઃખની એવી બાયનરીને આંબવા માટે નરસિંહભગત મારી મદદે આવે છે અને હું ધારું છું કે, એવી સ્થિતી પર પહોંચી શક્યો છું કે ત્યાં સુખ દુઃખ વચ્ચેનો બહુ ભેદ રહ્યો નથી કે એ ભેદ બહુ પીડાત્મક નથી રહ્યો.
જીવનના તખ્તા પર ખેલાતા કોઈ મહાનાટકના નિરીક્ષક રહેવાના સુખ કે આનંદની અવસ્થા પામવાની પ્રક્રિયામાં આવી બધી વ્યાખ્યાઓ ઓગળી જાય છે. અને તેમાં મારા અંગત જીવનની વાતો કે એક જમાનામાં મારા કુટુંબની જાહોજલાલી હતી ને હવે નથી કે છે, કે મારી ને મારા કુટુંબની, મારા સંતાનોની સિદ્ધિઓ ને નામનાની દેખીતી રીતે સુખની લાગણી ઉપજાવનારી વાતો કે એવી બીજી વાતો પણ ક્ષુલ્લક બની જાય છે. દરેકના જીવનમાં સમય એનું કામ કરતો રહે છે પણ તેના પછી શું? આપણે બધાં આમ તો અખિલ બ્રહ્માંડમાં નાનકડાં મૉલેક્યૂલ્સ છીએ. થિન્કિંગ્સ મૉલેક્યૂલ્સ, એટલે જ આપણે આપણાં વિચારોના અણુ-પરમાણું અહીં-તહીં વેરતાં રહીએ છીએ.
એકાદ દાયકા પહેલાં મેં એક ડૅનિશ કલાકાર સાથે ખૂબ રસપ્રદ એવા વીડિયો ઈન્સ્ટલેશન પર કામ કર્યું હતું, જેનું ટાઈટલ હતું 'હૅપિનેશ એન્ડ મિઝરી' (સુખ અને દુઃખ) - તેમાં બે પાત્રો વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે. ઉપરછલ્લી રીતે સરળ લાગે તેવો વાર્તાલાપ, પણ તેઓ વચ્ચે ક્યાંક ડેનિશ ફિલસૂફ કિર્કેગાર્ડને પણ સંદર્ભે છે. કલાકાર લાર્સ મૅથિશનૂકૃત આ વિડિયો ઈન્સ્ટલેશનને ડેનમાર્કના ઑર્હૂસ શહેરની એક ગૅલેરીમાં ખુલ્લું મૂકાયું ત્યારે હું પણ હાજર હતો.
સોરેન કિર્કેગાર્ડ દુનિયાના પ્રથમ અસ્તિત્વવાદી ફિલસૂફ ગણાય છે. તેઓ નૈતિકતા, સત્ય અને શ્રદ્ધા વિશે પાયાના સવાલો ઉઠાવે છે. આપણા જીવાતા જીવનમાં આ પ્રશ્નો આપણને માનસિક રીતે વ્યથિત કરતા રહે છે, સુખ ને દુઃખની સ્થૂળતાને વધારે ને વધારે સૂક્ષ્મ બનાવતા. મને આ સૂક્ષ્મતાની ક્રિયા-પ્રક્રિયા ને પ્રતિક્રિયાનું નિરીક્ષણ કરવામાં વધારે રસ છે. બાકી અસ્તિત્વના સવાલો દરેક મનુષ્ય સહિત એકેએક પ્રાણીને સ્પર્શે છે. સતાવે છે, ઉંમર વધતાની સાથે શરીર જીર્ણ થતું જાય છે અને શારીરિક વાઈટાલિટી પણ ઓછી થતી જાય છે. સ્મરણશક્તિ ઘસાતી જાય છે, એ પ્રક્રિયાના તમે નિરીક્ષક રહીને જીવવાનો આનંદ લઈ શકો છો. હું તો સમસ્ત બ્રહ્માંડનું એક ટપકું માત્ર છું. ફક્ત સુખની જ વ્યાખ્યા કરવા જતા કદાચ હું સ્વકેન્દ્રિય થઈ જઈશ - મારા વિશે કે મારા કુટુંબ વિશે કે મારી સફળતાઓ વિશે વાતો કરતો રહીશ. પણ એ બધું હું માનું છું તેમ હંગામી છે. ક્ષણિક છે. સ્થૂળ છે. આપણે માનીએ છીએ તેટલું ભૌતિક પણ નથી. ગત એક દાયકાથી હું મારા સિનેમાના સંબંધી એક નવા સિદ્ધાંત 'સિનેમા ઑવ પ્રયોગ'ને વિકસાવવામાં પ્રવૃત્ત છું. જીવનના બાકી અસ્તિત્વના કોયડાઓનો કોથળો પીઠ પર ઉંચકીને ચાલતો રહું છું. ભમતો રહું છું દેશ વિદેશમાં. મારું જીવન સરળ બનાવવા માટે ને જીવનની ઝંઝાવાતોમાં એક સાચા અને સૌથી નજીકના કૉમ્રેડ તરીકે હું મારી જીવનસાથી કુંતલનો અત્યંત ઋણી છું, પાંત્રીસ વર્ષે વિધવા બનેલી મારી માએ મને મારા ભાંડરુઓને ઉછેર્યા ને મોટા કર્યા, મારા દાદા-દાદીની કૃપાનો પૂરતો પાડ માનવા માટે હું ઘણો પામર છું. પણ એમનું વંદનપૂર્વકનું સુખદુઃખ મિશ્રિત સ્મરણ તો કરું જ છું. બાકી આર્થિક સવાલો તો સતાવતા રહે છે ને રહેશે, પણ એક જૈન તરીકે અપ્રહિગ્રહનો વિચાર પણ મારો કૉમ્રેડ રહ્યો છે.
અહીં 1961માં બનેલી એ ફ્રેન્ચ દસ્તાવેજી ફિલ્મ 'કૉનિકલ્સ ઑવ સમર' યાદ આવે છે. ફિલ્મના દિગ્દર્શકો હતા ઝા રૂશ અને સમાજશાસ્ત્રી એડગર મોરાં. ઝા રૂશ માનવવિજ્ઞાની (આન્થ્રોપોલોજિસ્ટ) પણ હતા. પૅરિસમાં હું ઝા રૂશના ઘરે પણ જોઈ આવ્યો હતો અને 1994માં મુંબઈ ઈન્ટરનેશનલ ડૉક્યૂમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ વખતે માર્સલિન લૉરીડૉન-ઈવન્સ સાથે મેં કામ પણ કર્યું હતું. ખેર, યુરોપમાં એ ગાળામાં ઉપભોક્તાવાદ કે કન્ઝ્યૂમરીઝમની શરૂઆત હતી. મધ્યમવર્ગીય દેખાદેખીએ લોકોને દુઃખી (કે સુખી) કરી મૂક્યા હતા. કશુંક હોવાની, ધારણ કરવાની લાલસા માનવમનને ઘેરી વળી હતી. ફિલ્મમાં માર્સલિન લૉરીડૉન-ઈવન્સ પૅરિસની સડકો પર સૌને પૂછતી રહે છે શું તમે સુખી છો? આવા સવાલથી ઘણાં લોકો મૂંઝાઈ ગયા હતા, ઘણાં લોકો પાસે સરળ ને રેડિમેઈડ જવાબ હતો, ઘણાં લોકો વિચારમાં પડીને માનસિક રીતે પડી ભાંગ્યા હતા કેટલાક તો ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા હતા.
આ રડવા પરથી હજી એક બીજો પ્રસંગ યાદ આવે છે. ત્રણેક વર્ષ પહેલાં ન્યૂયૉર્કની કૉલંબિયા યુનિવર્સિટીના ફિલ્મ સ્ટડિઝ ડિપાર્ટમેન્ટે મને મારી પોતાની થિયરી 'સિનેમા ઑવ પ્રયોગ' પર વિદ્યાર્થીઓ સાથે લેક્ચર માટે બોલાવ્યો હતો. વાતવાતમાં મેં વિદ્યાર્થીઓને એક મજાકીયો સવાલ પૂછ્યો હતો - જગતનું સૌથી વિશિષ્ટ પ્રવાહી કે લિક્વિડ કયું તો લગભગ વિદ્યાર્થીઓનો જવાબ હતો પાણી કે જળ. આ વિદ્યાર્થીઓ દુનિયાના લગભગ બધા જ ખંડોમાંથી હતા. એકાદ બે ભારતીય પણ હતા. તેમાં એક વિદ્યાર્થિની અપવાદ રૂપે હતી. આફ્રિકાની આ શ્યામ, વાંકળીયા વાળ વાળી સુંદર છોકરીએ જવાબ આપતાં કહ્યું 'આંસુ'. બધા તેને જોતા રહ્યા હતા. ક્ષણભર માટે વર્ગમાં સોપો પડી ગયેલો. કદાચ આ છોકરીએ કે તેના માતા-પિતાએ આફ્રિકાની ગરીબાઈ ને શોષણ જોયા હશે.
વૅલ, આંસુ હર્ષના પણ હોય. આ આંસુ શરીરના કયા ભાગમાં પેદા થઈને આંખોમાં પ્રગટતા હશે? આપણું આ શરીર યંત્ર પણ ગજબનું છે અને તેમાં પણ પક્ષીના માળા જેવું મન વિચારોનાં બચ્ચાં પેદા કર્યા કરે. આપણે તો રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યા રે. પણ શરીરની વાત નીકળી છે તો પહેલું સુખ તે જાતે નર્યા. અહીં સુખનું સત્ય કેટલું સરળ થઈ જાય છે.
સુખ (અને દુઃખ)ની આપણી આ વાતમાં કન્સેપ્ચ્યૂઅલ સ્તર પર કોઈ બાયનરીં નહીં, અહીં શારીરિક વ્યાધિને કે સ્થૂળ સંઘર્ષોને હું સંદર્ભમાં નથી લેતો, એ હંગામી છે, એ તમારા જીવન દર્શન કે વર્લ્ડ વ્યૂને ઘડનારા તત્ત્વો હોઈ શકે પણ આંશિક સ્તરે. મૂળ વાત છે અંતરની અને આ અંતરનો માપ છે સમ. કબર તરફ જવાની આપણી વણથંભ્યે ચાલતી પ્રક્રિયા. આપણા દેહ અને સ્મશાન વચ્ચેનું ઓછું થતું જતું અંતર જીવનના ભેદો વચ્ચેનું અંતર ઘટાડતું જાય છે - આ સતત ચાલતી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાનો સૂ્ત્રધાર છે સમય. મહાકાલ, જેને જોતા રહેવાનો પણ એક આનંદ છે, સ્થાયી ભાવનો આનંદ. તમારા ઘસાતા જતા શરીર અને સ્મશાનભૂમિ કે કબ્રસ્તાન, ક્રિમૅટોરિયમ ને સિમેટરી અને મહાકાલ દ્વારા તમારી વૅર એન્ડ ટૅર થતી બૉડી વચ્ચેનું અંતર તો આમ સીધી લીટી જેવું છે, લિનિયર છે. પણ આ સીધી લીટીને હું ત્રિકોણાત્મક રીતે જોઉં છું. ટાઈમ એટલે સમય, સ્પેસ એટલે આકાશ અને પ્લેસ એટલે સ્થળ. અહીં બે વસ્તુ, શરીર અને સ્થળ કોંક્રિટ કે સ્થૂળ છે - શરીર અને સ્મશાન કે કબ્રસ્તાન, ટાઈમ અને સ્પેસનું એબ્સ્ટ્રૅક્શનનું માપ આપણું શરીર કાઢે છે - માથાના વાળને સફેદ બનાવીને. શરીરની ચામડીને કરચલીવાળી બનાવીને. મોઢાને બોખા બનાવીને, આંખમાં મોતિયા લાવીને... આ બધું વિચારતા સંસાર અસાર લાગે, દુઃખમય લાગે, કદાચ દિક્ષા લેવાનું મન થાય અને છતાં ચંચળ મન સુખદુઃખની બાયનરીમાં સપડાવવાનું પસંદ કરે છે.
અંકિત, અહીં તને નવાઈ લાગશે કે નરસિંહ ભગતની સાથે કાર્લ માર્ક્સના ભૌતિકવાદે ડાયાલેક્ટિકલ મટિરિયાલિઝમે પણ જીવનને, સુખદુઃખની, સ્વર્ગ-નરકની બાયનરીને સમજવામાં મદદ કરી છે. અધ્યાત્મને પામવા માટે. ભૌતિકતાને આપણે સમજ્યા નથી, હું સામ્યવાદી કે ભારતીય માર્ક્સવાદી પક્ષનો સભ્ય રહી ચૂક્યો છું. અને આજે વિશ્વ પાસે બધા સમીકરણો કે ઈક્વેશન્સ ખતમ થઈ ગયેલા લાગે છે ત્યારે મેં એક નવા સમીકરણ વિશે વિચાર્યું છે અને તેને હું પાંચ એમ (5M)ની થિયરી કહું છું - મહાવીર, મોહમ્મદ, મોઝેસ, માર્ક્સ અને મહાત્મા - આ ચારેના સરવાળામાંથી કોઈક સુખની શોધમાં વલખા મારતા સંસારને કોઈક નવું સમીકરણ લાધશે. મહાત્મા એટલે મહાત્મા ગાંધી.
હવે તમને ખ્યાલ આવ્યો હશે કે મારો વિષાદ વ્યક્તિગત હોવા છતાં વૈશ્વિક થઈ જાય છે. તું પચ્ચીસનો હોય કે હું પાંસઠનો - બહુ ફરક નથી પડતો. વિષાદ કે સૉરો વિના સર્જન શક્ય નથી. બાહ્ય રીતે શૃંગારમય દેખાતા ભગવાન શ્રી કૃષ્ણને હું મહાન કે દૈવી વિષાદમૂર્તિ તરીકે જોઉં છું. એકલાઅટૂલા હતા, તેમનું મૃત્યુ પણ કેટલું એકલુંઅટૂલું હતું. આવો બૃહદ વિષાદ મને સતત ઘેરી વળતો હોય છે, મારા અંગત, વ્યક્તિગત, કૌટુંબિક ને સામાજિક વિશ્વમાં રહીને પણ. અહીં સુખ કે દુઃખની વ્યાખ્યાનો વિચાર પણ નથી કનડતો. સુખ ને દુઃખ તો જીવવાના હોય, બેઉ માણવાના હોય, એ બંનેની કોઈ અનેરી ઑલકૅમી છે, એ બંનેનું કોઈ રહસ્યમય રસાયણ છે.
અહીં મને બીજો એક પ્રસંગ યાદ આવે છે અને તે છે મણિ કૌલની ફિલ્મ 'સિદ્ધેશ્વરી' વિશેનો. ફિલ્મ જોયા પછી મેં મણિ કૌલને કહ્યું હતું, 'આપ કી ફિલ્મ મેં મુઝે દુઃખ કે પ્રકાર દિખાઈ દેતે હૈ, યા તો મૈં આપ કી ફિલ્મ દેખતે વક્ત દુઃખ કે ઉન પ્રકારો કો મહેસૂસ કરતા હૂં.' મારી વાત સાંભળીને મણિ કૌલ વિચારમાં પડી ગયા હતા. પણ જે રીતે ફિલ્મમાં તેમણે બાળકી સિદ્ધેશ્વરીને મધ્યમવર્ગીય માહોલમાં સંઘર્ષ કરતી બતાવી હતી. રસોડામાં વાસણો ઘસતી વખતે તેમને ધ્વનિઓમાંથી એ સંગીત પામતી હતી, શીખતી હતી, તેના દુઃખનો ભાવ મને તરત જ સ્પર્શી ગયો હતો, ઊંડેથી. મણિ કૌલ તેને ખૂબ શાંત અને ટેમ્પોરલ બનાવે છે. બોલકો નહીં. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં જેમ રાગના પ્રકારો (દા.ત. માલકૌંસ) હોય છે તેમ મને દુઃખના પ્રકારોની અનુભૂતિ થઈ હતી. મારી આ વાતનો ઉલ્લેખ ઉદ્દયન વાજપેયી લિખિત પુસ્તક અભેદ આકાશમાં આવે છે. કદાચ સુખના પણ પ્રકારો હોય. સુખ દુઃખની રમત રહસ્યમય છે, આપણે ધારીએ છીએ તેવી સ્થૂળ ને ક્ષણિક નથી... કદાચ આકાશની જેમ સુખ ને દુઃખ પણ અભેદ છે. અનક્લોવન કે અનડિવાઈડેડ છે. નો બાયનરીઝ...
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર