અન્યો આપણને સુખ આપી શકે, આનંદ નહીં

16 Oct, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

પ્રજ્ઞા વશી આપણી ભાષાના જાણીતા કવયિત્રી છે, જેમણે આપણને ઉત્તમ કહી શકાય એવી ગઝલો, ગીતો અને કાવ્યો આપ્યાં છે. આ ઉપરાંત એમની અનેક રચનાને સંગીતબદ્ધ કરવામાં આવી છે, જેને સાંભળવી એક લહાવો થઈ પડે છે. અહીં એમણે એમના સુખ અને દુઃખ વિશેની વાતો માંડી છે, તો ચાલો આજે જાણીએ પ્રજ્ઞા વશીની આનંદ-પીડાની લાગણીઓ વિશે...

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

જ્યારે જે પરિસ્થિતિમાં અનુકૂળતા સધાય અને શાંતિ પ્રાપ્ત થાય તે સાચુ સુખ. સુખ બાહ્ય છે જ્યારે આનંદ આંતરિક અવસ્થા છે.

જીવનમાં કઈ બાબતોમાંથી આનંદ મળે?

દરેકનો આનંદ સાક્ષેપ હોય છે. બાળકને રમકડું મળે તો આનંદ, મારો આનંદ કંઈક નવું સર્જન થાય અને એ કૃતિ મને જે આનંદ આપે તે ખરો આનંદ. તેમજ પરિવારની ક્ષેમકુશળતા એ જ આનંદ.

સુખ માટે આધારીતતા કેટલી યોગ્ય? અથવા આપણું સુખ બીજા પર આધારીત હોવું જોઈએ.

અન્ય તમને સુખ આપી શકે આનંદ નહીં. આપણું સુખ બીજા પર આધારીત હોય તો એ લાંબુ ટકતું નથી.

કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય?

કોઈ દગો કરે કે હર્ટ કરે તો મન વ્યથિત થાય છે. પોતાનાં વચન ઉપર કાયમ ન રહેતા માણસો દુઃખી કરી જાય છે.

આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ક્યારેય?

હું કંટાળું તો સારાં પુસ્તકોનું શરણ લઉં છું, અથવા નવી કૃતિનું સર્જન કરવા તરફ જાઉં છું.

તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?

મારી દીકરીઓને મૂકીને નોકરી કરવાં જતી હતી એ મારો કપરો સમય હતો. ભણતરની સાથે નોકરી અને બાળઉછેર અને કુટુંબની જવાબદારી કદાચ આ વેદના મારી જેમ દરેક સ્ત્રીને સ્પર્શે છે.

દુઃખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા તમે શું કરો?

એટલો સમય સમાજસેવાના કાર્યો, વાંચન-લેખન અને વક્તવ્યો આપવાનું વધારી દઉં છું, જેથી પીડા આપોઆપ દૂર જતી રહે છે.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યા?

સ્ત્રીઓએ સ્વમાનભેર જીવતા શીખવું જોઈએ અને પોતાની સ્પેસ ઉભી કરવી જરૂરી છે, પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની પાતળી ભેદરેખાનો ખ્યાલ રાખીને.

તમારા મતે દુનિયામાં સૌથી સુખી કોણ અને દુઃખી કોણ?

પોતાની જાતને વફાદાર રહી જીવનાર સુખી અને ભૌતિક સુખને સાચુ સુખ ગણનારાં અને હવાતિયાં મારનારાં દુઃખી.

અમારા વાચકોને સુખી રહેવા માટે કોઈ સલાહ કે ટિપ્સ જેવું કંઈક આપશો?

નાની-નાની વાતો ઉપર ધ્યાન ન આપતાં આપણે આપણાં નક્કી કરેલ ધ્યેય તરફ જ આગળ વધવું. કંઈક બનશું તો જ નફરત કરનારાં પણ પ્રેમથી તમારી તરફ દોસ્તીનો હાથ લંબાવશે. સુખ-આનંદ અને પ્રેમ તમારી અંદર જ છે. પહેલાં આપણે આપણી અંદર પ્રયાણ કરીએ તો આનંદ આપણી મુઠ્ઠીમાં છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.