બીજાનું સુખ નથી જોઈ શકતો એ માણસ દુખી
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
હું માનું છું કે, કોઈ પણ કવિ સુખ સુધી પહોંચવા માટે જ કવિતાઓ લખતો હોય છે. આ ઉપરાંત હું એમ માનું છું કે, આપણો અંતરાત્મા જ્યારે મલકાય છે ત્યારે આપણને સુખ મળતું હોય છે.
તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?
માણસને એની ગમતી બાબતોમાંથી આનંદ મળતો હોય છે અને દરેક માણસના ગમા અણગમા અલગ હોય છે એટલે દરેકના આનંદના સ્ત્રોત પણ અલગ હોવાના. મારા આનંદની વાત કરું તો મને ત્રણ બાબતો અત્યંત ગમે છે, જેમાંથી મને ખૂબ આનંદ મળે છે. એમાંની પહેલી બાબત એટલે કવિતા, બીજી બાબત એટલે કવિતા અને ત્રીજી બાબત પણ કવિતા જ! અને ત્યાર પછી અન્ય ભૌતિક બાબતો આવે છે, જે મને આનંદ આપે છે.
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
જો આપણે ઉંડાણમાં આ બાબતને સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે, આપણું સુખ કોઇ ને કોઇ રીતે અન્યો પર જ આધારિત હોય છે. અને માણસો જ નહીં, આપણું સુખ નિર્જીવ વસ્તુઓ પર પણ આધારિત હોય છે. આપણે ઘણી વાર નિજાનંદની વાતો કરતા હોઈએ છીએ, પણ આપણો નિજાનંદ પણ અન્ય કોઇક બાબત પર તો આધાર રાખતો જ હોય છે. બહુ રેર એવું બનતું હોય છે કે, આપણો નિજાનંદ કોઇ પણ બાબત પર આધાર નહીં રાખતો હોય. બાકી, મોટેભાગે આપણે પરાવલંબી જ છીએ.
એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
આપણે માણસ છીએ એટલે આપણી આસપાસમાં જે કંઈ ઘટે એની આપણા પર અસર થતી જ હોય છે. હું પણ જ્યારે આસપાસમાં કંઈક ખોટું કે અયોગ્ય થતું જોઉં ત્યારે વ્યથિત થઈ જાઉં છું. સામાન્ય રીતે માણસ સુખી હોય ત્યારે એ એના સુખનો જ આનંદ માણતો હોય છે. પરંતુ મારી બાબતે એવું બને છે કે, મને સુખ મળ્યું હોય છતાં જો મારી આસપાસના લોકોને દુખમાં જોઉં તો મારા સુખની અસરકારકતા ઘટી જાય છે અને હું મારા સુખનો આનંદ માણી શકતો નથી. ઘણી વાર બીજાના દુખની સામે મને મારું સુખ વામણું લાગ્યું છે અને સુખ હોવા છતાં હું ખિન્ન રહ્યો છું.
આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
હું મોટેભાગે આ રીતે જ ભાગતો હોઉં છું. જોકે એવું પણ નથી કે ભાગીને હું ક્યાંક દૂરના સ્થળે પહોંચી જાઉં કે હિલ સ્ટેશન પર જઈને બ્રેક લઈ લઉં. હું લોકોની વચ્ચે રહીને પણ લોકોથી જોજનો દૂર રહી શકું છું. જોકે આને મારી પલાયનવૃત્તિ કહી શકાય નહીં. આ પ્રકારે ભાગી જઈને હું માત્ર માનસિક શાંતિ મેળવવાની જ મથામણ કરું છું, એમાં અન્ય કોઈ સમીકરણો નથી હોતા. કે એવું પણ નથી કે હું જવાબદારીઓમાંથી છટકી જાઉં છું, પણ કોઇક કાચી કે તણાવભરી ક્ષણે હું મારું પ્રિય એકાંત શોધતો હોઉં છું, જેમાં મારું મન શાંત રહે છે.
જીવનમાં ક્યારેય કપરોકાળ જોયો છે ખરો?
મોટેભાગે તો જીવનમાં કપરો સમય જ જોયો છે. કારણ કે, આગળ કહ્યું એમ અન્યને દુખી જોઉં તોય પીડા અનુભવાય છે એટલે કપરા સમયની કડી મારા સુખમાં પણ યથાવત રહે છે.
જો તમે દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા શું કરો?
કવિતા મારા સુખની સાથી પણ રહી છે અને મને પીડામાંથી પણ કવિતા જ ઉગારતી હોય છે. એટલે જ્યારે પણ પીડા અનુભવું ત્યારે હું કવિતા પાસે જવાનું પસંદ કરતો હોઉં છું. આ ઉપરાંત મને ફિલ્મોનો પણ ઘણો શોખ છે એટલે ઘણી વાર હું ફિલ્મોને સહારે પણ જતો હોઉં છું.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?
અત્યાર સુધીના જીવનમાંથી એ જ શીખ્યો કે, હજુ તો ઘણું બધુ શીખવાનું બાકી છે. પણ જીવનમાં કવિતાની હાજરીએ સંતોષની બહુ મોટી ભેટ આપી છે, જે સંતોષને કારણે ઘણા સંતાપથી દૂર રહી શકાયું છે.
તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કેવો હોય અને સૌથી દુખી માણસ કેવો હોય?
આમ તો આપણે ત્યાં સંતોષી અને વાંછના વિનાના માણસને સુખી કહેવામાં આવે છે. પરંતુ જિંદગીએ જિંદગીએ સુખ બદલાતું રહેતું હોય છે, એટલે સુખી માણસની ચોક્કસ વ્યાખ્યા કરવાનું કામ અશક્ય લાગે છે. હા, દુખી માણસ માટે એટલું જરૂર કહી શકાય કે, જે માણસ બીજાનું સુખ નથી જોઈ શકતો એ માણસ દુનિયાનો સૌથી દુખી માણસ હોવાનો.
અમારા વાચકોને આનંદમાં રહેવા માટેની કોઈ સલાહ કે, ટિપ્સ આપવાનું પસંદ કરશો?
માણસે પોતાની ગમતી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેવું જોઈએ અને બીજાના સુખમાં સુખી રહેવું જોઈએ.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર