મારી પીડાનો વિકલ્પ કવિતા છે

28 Aug, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC:

ધૈવત ત્રિવેદી ગુજરાતના જાણીતા પત્રકાર- લેખક છે. છેલ્લા એક દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે પ્રવૃત્ત ધૈવતભાઈ હાલમાંગુજરાત સમાચારમાં સિનિયર એડિટર છે. આજે અહીં એમણે એમના સુખ- દુઃખ વિશેની વાતો માંડી છે. તો ચાલો આજે જાણીએ ધૈવત ત્રિવેદીની આનંદ-પીડાની લાગણીઓ વિશે

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

આમ તો સુખ એ ઘણી આયામી બાબત છે. કારણ કે, જેને હું સુખ ગણતો હોઉં એ બીજા કોઈ માણસ માટે સુખ ન પણ હોય! પણ મારી દૃષ્ટિએ આત્મસંતોષ એ સુખની સૌથી પહેલી વ્યાખ્યા છે. કશું ખોટું કર્યાના અહેસાસ વિના મને જે કામ કરવામાં મજા આવે એ મારું સુખ છે.

જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?

સુખની જેમ જ આનંદ માટેની દરેક માણસની વિભાવના જુદી હોવાની. હું આનંદને બે વિભાગમાં વહેંચું છું. એક હોય ક્ષણિક આનંદ તો બીજો આનંદ ચિરકાલીન હોય છે. દાખલા તરીકે મને મોહનથાળ ઘણો ભાવે છે અને જ્યારે હું મોહનથાળનો ટુકડો મોંમા મૂકું ત્યારે મને ઘણો આનંદ થાય છે. પણ થોડા સમય પછી હું પાણી પીશ એટલે મારી જીભ પરનો મોહનથાળનો સ્વાદ લુપ્ત થઈ જશે…!

જોકે અંગત રીતે હું ચિરકાલીન આનંદને મહત્ત્વનો ગણું છું. આપણી હિન્દુ ફિલોસોફીમાં પણ આ પ્રકારના આનંદનો મહિમા કરાયો છે. પરંતુ મોટાભાગે એવું થતું હોય છે કે, આપણે ક્ષણિક આનંદની શોધ વધુ કરતા હોઈએ છીએ.

આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?

જી બિલકુલ હોઈ શકે. કારણ કે, આપણે સામાજિક પ્રાણી છીએ અને પરિવાર કે લાગણીના માધ્યમથી આપણે એકબીજા સાથે સંકળાયેલા હોઈએ છીએ. એટલે સ્વાભાવિક રીતે આપણું સુખ કે દુઃખ અન્યો પર આધારિત હોય છે. કોઈના વર્તનથી આપણે હર્ટ થઈ જઈએ એવું બને અથવા કોઈના સારા વર્તનથી આપણા સુખમાં વૃદ્ધિ થાય એવું પણ બને.

હા, પણ જો આપણે એમ કહેતા કે સ્વીકારતા હોઈએ કે આપણું સુખ કે દુઃખ કોઈના પર આધારિત નથી તો ત્યાં બે પ્રકારની ભૂમિકા શરૂ થતી હોય છે. પહેલી ભૂમિકાને આપણે સેલ્ફ સેન્ટ્રીક અથવા સ્વકેન્દ્રિય કહી શકીએ, જેમાં માણસનું વલણ સ્વાર્થી હોય. અને બીજી ભૂમિકા સાધુત્વની હોય છે. જોકે એ સાધુત્વને હું ભગવા પહેરવા કે સંસાર છોડવાના અર્થમાં નહીં, પણ વિરક્તિના અર્થમાં લઉં છું. માણસ માટે વિરક્તિ સુધી પહોંચવાની પ્રક્રિયા થોડી કપરી હોય છે.

એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?

અણગમતું કંઈ થાય કે હું મારી ક્ષમતા મુજબનું કામ નહીં કરી શક્યો હોઉં અથવા કોઈ મારી સાથે અણછાજતું વર્તન કરે ત્યારે હું વ્યથિત થાઉં છું.

આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?

ના ભાગી જવાનું મન તો ક્યારેય નથી થયું. મને એ વાતનો હંમેશાં ખ્યાલ રહેતો હોય છે કે, સામેની વ્યક્તિ હંમેશાં પોતાના ઘડતર કે વિચાર મુજબનું જ વર્તન કરતી હોય છે, પણ એના વર્તનની અસર ક્યારેય મારા પર થવી ન જોઈએ. હું જેવો છું કે, મારી માન્યતાઓ જે છે, એમાં હું અડિખમ રહેવો જોઈએ. મારા પ્રત્યે કોઈ દુર્ભાવ રાખે તો પણ હું એના પ્રત્યે દુર્ભાવ ન રાખું એવો મારો પ્રયત્ન હોય છે. હું મને જે ફીલ થાય એ પ્રમાણે જ વર્તવાનો પ્રયત્ન કરું છું. હા, પછી એમાં કદાચ એવું પણ બને કે, કોઈ વ્યક્તિ ઘણી સારી હોય અને મારા પ્રત્યે ઘણી લાગણી ધરાવતી હોય, પરંતુ મને એના પ્રત્યે લાગણી ન હોય.

જીવનમાં ક્યારેય કપરો સમય જોવાનો આવ્યો છે ખરો?

માણસે સામાન્ય રીતે જે પડકારોનો સામનો કરવો પડતો હોય, એવા જ પડકારો મેં સામનો કર્યો છે. મૂળભૂત રીતે હું એન્જિનિયર છું, પરંતુ નાનપણથી મને લેખક-પત્રકાર થવાની ઈચ્છા હતી. એટલે જ્યારે મેં એન્જિનિયર તરીકેનું કામ છોડી પત્રકાર થવાનું નક્કી કર્યું ત્યારે મારા મિત્રો- સ્વજનોને કન્વિન્સ કરવું અત્યંત કપરું કામ હતું. કારણ કે, તોતિંગ પગારની નોકરી છોડીને પાંખા પગારની નોકરી કરવાની હોય એટલે સ્વાભાવિક જ તમને થોડો ખચકાટ થાય. પરંતુ બીજી તરફ કંઈક ગમતું કરવા મળે છે એનો આનંદ પણ હતો.

પત્રકારત્વમાં આવ્યા પછી વળી, નવા પ્રકારના પડકારોનો સામનો કરવાનો આવ્યો, કારણ કે, મેં જે પ્રકારનું કામ કરવા ધાર્યું હતું એવું કામ મને મળતું ન હતું. હું ઘણા મોટા સપનાં લઈને પત્રકારત્વમાં આવ્યો હતો અને અહીં તો મારા ભાગે મૃત્યુનોંધ અને રેસિપી જેવું લખવાનું આવતું હતું! આ ઉપરાંત હું પત્રકારત્વમાં આવ્યો એ પહેલા મારા મનમાં પત્રકારોની ઈમેજ ઘણી ઊંચી હતી. પરંતુ મેં વાસ્તવિકતાની ભૂમિ પર પગ મૂક્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે, મારી આસપાસ એવા લોકો છે, જેઓ કંઈ વાંચતા કે વિચારતા તો નથી જ, પરંતુ એમની પાસે ભાષા સજ્જતા પણ નથી અને એમણે પત્રકારત્વમાં દોઢ-બે દાયકા કાઢી નાંખ્યા હતા!

આવી બાબતોને કારણે મને એક પ્રશ્ન સતાવવા લાગ્યો કે, મેં ખોટો નિર્ણય તો નથી લીધો ને? પરંતુ ફરી ટેક્નિલ ફિલ્ડમાં જવું મારા માટે મુશ્કેલ કામ હતું એટલે બોડાવ્યું છે તો મુંડાવ્યે જ છૂટકોના સિદ્ધાંતે હું અહીં ટકી રહ્યો. પત્રકારત્વમાં આવ્યા પછીના ત્રણેક વર્ષનો ગાળો મારા માટે ઘણો મુશ્કેલ સમય હતો, પણ પછી ગમતું લખવા મળ્યું અને ધારી સફળતા પણ મળી.

જો તમને પીડા થાય તો તમારી પીડામાંથી બહાર આવવા તમે શું કરો?

નાનપણથી મારી ખાસિયત રહી છે કે, હું મારી નકારાત્મક્તાને કવિતાના રૂપે બહાર લાવું છું. પત્રકાર તરીકે મારે તમામ પ્રકારનું લખવાનું આવ્યું છે, પરંતુ કવિતા એ મારી અત્યંત અંગત લાગણીને વાચા આપતું માધ્યમ છે. જોકે હું કવિતા બને એટલી ઓછી લખવાનો પ્રયત્ન કરું છું, કારણ કે મારી કવિતાઓ બહુ હકારાત્મક નથી હોતી.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

એ જ શીખ્યો છું કે, બને એટલા નિર્લેપ રહેવું અને સફળતા કે લોકપ્રિયતા એ બહુ ભ્રામક બાબતો છે. થોડી આડવાત કરું તો હું નાનો હતો ત્યારે આંખ બંધ કરું એટલે મને તાળીઓનો ગડગડાટ સંભળાતો. સાવ નાની ઉંમરે મને ઘણી પ્રસિદ્ધિ મળી છે કે, હું લોકોના ટોળાંથી ઘેરાયેલો છું એવું વિચારવાનું ખૂબ ગમતું. પણ હવે એ સમજ ઘણી વિકસિત થઈ છે કે, લોકપ્રિયતા એ અત્યંત ભ્રામક બાબત છે. જો લોકપ્રિયતા મળી જાય તો એનો આનંદ જરૂર લઈ લેવો, પરંતુ એનાથી અંજાઈને એને સર્વસ્વ માની લેવું નહીં.

તમારા તમે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?

સુખ ત્યાં જ મળે જ્યાં માણસને આત્મસંતોષ મળે. માણસ જે કરે છે એમાં એને કોઈ રંજ ન હોય અને પૂરી સભાનતા અને જવાબદારીથી એ એનું કાર્ય કરતો હોય તો એ માણસને સુખી કહી શકાય. અને જેમ દુર્યોધન ધર્મ શું છે એ જાણવા છતાં ધર્મનું આચરણ કરી શકતો નથી એ રીતે કેટલાક માણસો પોતાને માટે સારું કે યોગ્ય શું છે એની જાણકારી હોવા છતાં જીવનમાં યોગ્યની પસંદગી કરી શકતા નથી એ લોકો દુઃખી છે.

અમારા વાચકોને આનંદમાં રહેવાની સલાહ કે ટિપ્સ આપશો?

 

ગમતું કામ કરો અને એ કામ બીજાની પરવા કર્યા વિના કરો.

 

(મુલાકાતઃ અંકિત દેસાઈ) 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.