સત્તા એ જ મારું સુખ
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
આમ તો સત્તા એ જ મારું સુખ છે. પણ ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક છે ત્યારે હાલમાં થોડા મહિના મારું સુખ ઉત્તરપ્રદેશના લોકોની આસપાસ ફરશે. હવે હું એવું વાતાવરણ ઊભું કરી નાંખીશ કે, આ જગતમાં માત્ર ને માત્ર ઉત્તરપ્રદેશના લોકો સાથે જ મારી બધી લાગણીઓ જોડાયેલી છે અને મારો જન્મ જ ઉત્તરપ્રદેશના ઉદ્ધાર માટે થયો છે! વળી, આવતા વર્ષે ગુજરાતમાં પણ ચૂંટણીઓ હશે, જોકે ગુજરાતમાં ભાજપને સત્તા મેળવવામાં ઝાઝો વાંધો આવે એવું નથી એટલે વચ્ચે થોડો સમય ગુજરાતની આસપાસ પણ મારું સુખ ફરતું રહેશે. જોકે સુખની એ માત્રા અંશતઃ રહેશે.
જીવનમાં તમને કઈ કઈ બાબતોમાંથી આનંદ મળે?
હમમમ... આ કંઈક મજાનો સવાલ છે. આજ સુધી મને કોઇએ આવો સવાલ નથી પૂછ્યો કે, મને આનંદ શેમાંથી મળે છે? ચાલો આજે તક મળી જ છે તો એનો જવાબ પણ આપી દઉં. મને સૌથી વધુ આનંદ ભાષણો કરવાથી મળતો હોય છે. ભાષણો કરવાનું મને એટલું બધુ ગમે છે કે, હું ટાઢ-તાપ કશું નથી જોતો, ઘણી વખત તો ભાષણો માટેનું હોમવર્ક પણ નથી કરતો. કારણ કે, હોમવર્ક વિના ભાષણો કરવાની જે મજા છે એવી મજા હોમવર્ક સાથેના ભાષણોમાં નથી આવતી.
... એટલે? કંઈ સમજાયું નહીં...
જુઓ એક સાદું ઉદાહરણ આપું. સામાન્ય રીતે નેતાઓ જે વિસ્તારમાં ભાષણો કરવા જવાના હોય એ વિસ્તારની એમને બ્રિફ આપી દેવાતી હોય છે. જેમ કે, એ વિસ્તારની ખાસિયતો શું છે કે, ત્યાંના લોકોની સમસ્યા શું છે, વગેરે... હવે આ બધામાં શું થાય છે કે, ભાષણ કરતી વખતે તમારી બધી વાતો એ બ્રિફની આસપાસ જ ફરતી રહેતી હોય છે. અને આમ થવાને કારણે તમારા ભાષાણની એક સીમા બંધાઈ જતી હોય છે. અંગત રીતે હું સીમાઓનો વિરોધી છું. મારા જેવા માણસને હદમાં રહેવું પરવડે નહીં! એટલે હું બ્રિફિંગ લેતો જ નથી અને હોમવર્ક કરતો જ નથી. વળી, હોમવર્ક કર્યા વિના ભાષણ કરીએ ત્યારે સર્જનાત્મકતા પણ ઘણી ખીલતી હોય છે અને જરાતરા પણ સર્જનાત્મકતા ખીલે ત્યારે હું ફીરકીનો બધો માંજો છોડી દઉં છું. બિહારનું 1.25 લાખ કરોડનું પેકેજ કે કેન્દ્રમાં સત્તા મેળવ્યાના સો દિવસમાં દેશના દરેક નાગરિકના બેન્ક અકાઉન્ટમાં પંદર લાખ રૂપિયા જમા કરાવવા જેવી વાતો મારી આ જ સર્જનાત્મકતાનું ફળ છે.
આપણું સુખ કોઇના પર આધારિત હોઈ શકે ખરું?
આ સવાલનો જવાબ હા માં પણ છે અને ના માં પણ છે. મારું પોતાનું સુખ સ્વાભાવિક જ કોઇના પર આધારિત નથી. પણ સવા અબજની વસતીનું સુખ મારા પર આધારિત છે એવું હું માનું છું.
હેંએએએએ...? એટલે?
અરે ભાઈ, એટલે એમ જ કે હું તો રહ્યો નેતા માણસ. મારે વળી સંસાર શું ને સુખ શું? હું તો એકલવીર માણસ છું. જીવનમાં મેં જે કંઈ મેળવ્યું છે એ મેં પોતે મેળવ્યું છે. તો પછી મારું સુખ બીજાઓ પર આધારિત કઈ રીતે હોઈ શકે? એ જ રીતે હું આ દેશનો વડાપ્રધાન છું તો દેશ ચલાવવાનું કામ અત્યારે મારા હાથમાં છે. જો હું કોઇક ખોટો નિર્ણય લઉં તો દેશ પર એની અસર તો થવાની જ ને? એટલે એ અર્થમાં હું કહું છું કે, દેશના લોકોનું સુખ મારા પર આધારિત છે! સમજ્યાં કંઈ?
કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
હમમમમ... (થોડું વિચારીને...) રાજ્યો તો ઠીક પણ તાલુકા અને નગર પંચાયતોની ચૂંટણીઓ વખતે પણ હું દેશના મહત્ત્વના કામો કોરાણે મૂકીને એમાં અંગત ધ્યાન આપતો હોઉં છું. મને ચૂંટણી પ્રચારોમાં ખૂબ રસ છે અને આવા સમયે હું મને અતિપ્રિય એવા વિદેશ પ્રવાસો રદ્દ કરીને હું ચૂંટણી પ્રચારોમાં પણ જોડાતો હોઉં છું. આટલી બધી મહેનત કર્યા બાદ કે, આટલું બધું જતું કર્યા બાદ પણ જો અમે ચૂંટણી હારી જઈએ ત્યારે મન વ્યથા અનુભવે છે ખરું.
આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
શરૂઆતમાં એવું થતું ખરું. યુવાનીમાં મારા હિમાલયના પ્રવાસો કદાચ એ કારણે જ શક્ય બન્યાં છે. પરંતુ છેલ્લા દોઢ દાયકાથી એવું બનતું નથી. હવે હું મારી આસપાસ એવા માણસોને રહેવા જ નથી દેતો કે, એમનાથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થાય. એવી સ્થિતિ પેદા જ શું કામ કરવી? અને ધારોકે એવી કોઈ સ્થિતિ પેદા થાય તો એ માણસ જ મારાથી કંટાળીને દૂર ભાગી જતો હોય છે. હું જ એને એવી જોગવાઈ કરી આપું છું, જેથી એને પણ રાહત અને મને પણ રાહત!
તમારા જીવનના કપરા સમય વિશે વાત કરશો?
એના માટે એક અલગ ઈન્ટરવ્યૂ નહીં રાખી શકાય? કારણ કે જીવનમાં એક વાર કપરો સમય જોયો તો વાત ઠીક છે. મેં તો ડગલે ને પગલે કપરો સમય જોયો છે. તો એ બધી વાતો થોડા શબ્દોમાં કહી દઉં તો મારા કપરા સમયને ઠેસ નહીં પહોંચે? જોકે આ માટે મારી પાસે એક આઈડિયા છે. મારા જીવનના કપરા કાળ વિશે ઉપરછલ્લી વાતો જાણવી હોય તો યુટ્યુબ પર જાઓ અને 2014ની ચૂંટણી દરમિયાન મેં મારા વિશે કરેલી વાતો સાંભળો અથવા માર્ક ઝુકરબર્ગ સાથેના વાર્તાલાપમાં પણ મેં મારા કપરા સમય વિશેની વાતો સુંદર શૈલીમાં રજૂ કરી છે. એ વાતો પણ સાંભળી શકો.
જો તમે દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા તમે શું કરો?
જો હું દુખી થાઉં તો પીડામાંથી બહાર આવવા માટેનું સૌથી હાથવગું સાધન છે વિદેશ પ્રવાસો. મોટાભાગે હું વિદેશ પ્રવાસોએ નીકળી જાઉં છું અને ત્યાંના ભારતીય સમાજને સંબોધીને સ્ટિરિયો ટાઈપ બ્રેક કરું છું. તો ઘણી વખત હું કોઇક નવી યોજનાની જાહેરાત કરી દઉં છું, જેથી માધ્યમોમાં હું કંઈક અલગ રીતે ઝળકું અને એ બાબતો મને ઘણો આનંદ આપી જતી હોય છે.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?
નાનો હતો ત્યારે હીરા બા બે કહેવત વારંવાર બોલતા. એક કહેવત હતી કે, 'બોલે તેના બોર વેચાય' અને બીજી કહેવત હતી 'ન બોલવામાં નવગુણ.' વિરોધાભાસી કહી શકાય એવી આ કહેવત મને હંમેશાં પડકારજનક લાગી છે. મને હંમેશાં એવું લાગતું રહ્યું છે કે, મારે આ બે કહેવતમાંથી કોઇ પણ એક કહેવતને પસંદ કરવાની છે અને એ મુજબ મારા જીવનને નક્કી કરવાનું છે. શરૂઆતમાં મેં ન બોલવામાં નવગુણ' વાળી કહેવત અનુસરી જોઈ, પણ પછી એમાં બહુ મજા નહીં આવી. એટલે મેં 'બોલે તેના બોર વેચાય...' મુજબ જીવવાનું શરૂ કર્યું. આ કહેવત મારા માટે ખરેખર કારગત નીવડી અને આજે તમે જોઈ શકો છો કે, હું ક્યાં નો ક્યાં પહોંચી ગયો.
આ સવાલનો જવાબ ટૂંકમાં આપું તો એટલું કહી શકાય કે, અત્યાર સુધીના જીવનમાંથી હું એટલું જ શીખ્યો છું કે, બોલે એના બોર વેચાય જ છે. હા, કહેવતમાં એ સ્પષ્ટતા ક્યાંય નથી થઈ કે, સાચું બોલવું કે ખોટું બોલવું? અને આમેય મારે તો બોર વેચવા સાથે મતલબ હતી એટલે મેં માત્ર બોલવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. સાચું કે ખોટું બોલવા પર નહીં!
તમારા મતે દુનિયામાં સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુખી માણસ કોણ?
દુનિયાનો સૌથી સુખી માણસ તો હું જ છું અને એ બાબતે મને કોઇ શંકા પણ નથી. અને દુખી માણસ એ જ હોવાનો જે, મને સુખી ગણતો નથી!
અમારા વાચકોને આનંદમાં રહેવા માટેની કોઇ સલાહ આપશો?
સલાહ તો એક જ આપવી કે, 2014ની સામાન્ય ચૂંટણીઓમાં મતદાન કર્યા પછી તમને કોઇ પસ્તાવો થતો હોય અને એ બાબતને લઈને તમને કોઇ દુખ હોય તો આમેય હવે 2019 સુધી તમારો કોઇ છૂટકો નથી. હવે ખાંડણિયામાં માથું મૂકી જ દીધું છે તો હવે દસ્તાથી ગભરાઓ નહીં અને બીજી બધી બાબતોમાં મગજ બગાડ્યા વિના આનંદમાં રહો. ખુશ રહો. એકનું એક દુખ લઈને ક્યાં સુધી બેઠા રહેશો?
(કલ્પનાઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર