સત્તા સત્ય જગત મિથ્યા
દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી ભારતના રાજકારણનું મહત્ત્વનું નામ છે. આયર્ન લેડી તરીકે ઓળખાતા આ મહિલા વડાપ્રધાન તરીકે જેટલા વખણાયા છે એટલા જ વગોવાયા પણ છે, કારણ કે એમની સાથે દેશની કટોકટીનો ઈતિહાસ જોડાયેલો છે. આ એક કાલ્પનિક મુલાકાત છે, જેમાં એમની આનંદ-પીડાની લાગણીઓ જાણવાનો પ્રયત્ન કરાયો છે.
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
જુઓ ભાઈ, નહેરુની પુત્રી તરીકે અને પછી ગાંધી પરિવારના સભ્ય તરીકે મેં હંમેશાં સુખ જ ભોગવ્યું છે. જીવનમાં મેં આર્થિક કે ભૌતિક સુખ તો મેળવ્યું જ છે, પરંતુ સત્તાનું સુખ પણ હું ભોગવતી રહી છું. પહેલા ડેડી વર્ષો સુધી સત્તાનું કેન્દ્ર રહ્યાં તો કેટલાક સમય પછી હું પોતે જ સેન્ટર ઑફ પાવર બની ગઈ. ખૈર, એ બધી વાતો ગણાવવા બેસીસ તો બે-ત્રણ પુસ્તકો લખાય એટલી વાતો બહાર આવશે, પરંતુ તમારા પ્રશ્નનો જવાબ આપું તો ભૌતિક સુખ કે રાજસત્તા માણતી વખતે હું એમાં એટલી ગળાડૂબ હતી કે, મને મારા પર્સનલ સુખ વિશે કોઈ અલાયદી વ્યાખ્યા કરવાનો મોકો જ નહીં મળ્યો. મેં માત્ર સુખ ભોગવ્યું જ છે, ક્યારેય એની વ્યાખ્યાની પળોજણમાં નથી પડી.
જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?
સત્તા પર હોવા જેવી આનંદદાયક ઘટના મારા માટે બીજી કોઈ નથી. દેશભરના લોકોની નજર આપણા પર હોય અને સર્વત્ર બસ, આપણી જ વાતો થતી હોય તો કોને ન ગમે? આનંદ તો થાય જ ને? સત્તાનો તો મને એટલો આનંદ થાય કે, મારા ગયા પછી રાજીવરત્ન કે વર્ષો બાદ ઈનડિરેક્ટલી વહુ સોનિયા પણ ભારતની વડાપ્રધાન બનેલી ત્યારે હું બહુ ખુશ થયેલી.
આપણું સુખ કોઈના પર આધારિત હોઈ શકે ખરું?
આઈ ડોન્ટ નો હા! કારણ કે, પર્સનલી મારું સુખ કોઈના પર આધારિત નથી હોતું. હું કોઇના માટે દુઃખનું કારણ બની હોઈશ ખરી, પરંતુ મારા સુખ-દુઃખના કમાન્ડ મેં બીજા કોઇને સોંપ્યો નથી અને ક્યારેય કોઈને સોંપીશ પણ નહીં.
કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
ઈમરજન્સી પહેલા અલહાબાદ હાઈકોર્ટના જજ જગમોહનલાલ સિન્હાએ જ્યારે મારી વિરુદ્ધમાં ચુકાદો સંભળાવેલો અને વડાપ્રધાન તરીકે મને ગેરલાયક ઠેરવેલી ત્યારે મારું મન ઘણું વ્યથિત થયેલું. સાલું, પહેલી વખત કોઇ મને એવું ફીલ કરાવી ગયેલું કે હું કંઈ સ્પેશિલ નથી, દેશના કાયદા મને પણ એટલા જ લાગું પડે છે, જેટલા કોઇ સામાન્ય માણસને લાગું પડતા હોય! એ સમયે મારો ઈગો હર્ટ થયેલો ખરો! આ ઉપરાંત સંજયનું ઓચિંતુ અવસાન મને ખૂબ વ્યથિત કરી ગયેલું. આવી એકલ-દોકલ ઘટનાઓ ઉપરાંત જીવનમાં હું ક્યારેય વ્યથિત થઈ નથી. હા, ઉપર પહોંચ્યા પછી આજકાલ રાહુલને જોઈને થોડી વ્યથા જરૂર થઈ રહી છે કે, આ છોકરો અભિષેક બચ્ચનને પણ ટપી જાય એવો છે. જોકે મને એ વાતનું આશ્વાસન છે કે, ભોળો તો ભોળો, પણ આ દેશની પ્રજા એને પણ એક દિવસ વડાપ્રધાન જરૂર બનાવશે.
આસપાસના માણસો કે સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
મારા સ્વભાવ અને વલણ પરથી તમને શું લાગે છે? (મારા સવાલનો જવાબ આપવાની જગ્યાએ ત્રાસી નજર કરીને એમણે મને સવાલ પૂછી કાઢ્યો!)
અઅઅ.... (એમને જવાબ આપવા હું શબ્દો ફંફોસી રહ્યો હતો. હું કંઈ બોલું એ પહેલા એમણે જ શરૂ કર્યું...)
ભાગવું શબ્દ મને પસંદ નથી. તમારો જ ગુજરાતી ભાષાનો શબ્દકોશ કહે છે કે, ભાગવું એટલે નાસી છૂટવું! તમને એવું કેમ લાગ્યું કે, ઈન્દિરા ગાંધી ક્યાંક નાસી છૂટે? નાસી છૂટવા કરતા લોકોને નસાડવાની મારી હૉબી વિશે તો ખ્યાલ છે ને તમને? આ તમારા આજના વડાપ્રધાનથી લઈને મોરારજી દેસાઈ કે ભારતીય રાજકારણનું કોઈ પણ મોટું માથું લઈ લ્યો, જેમણે પણ મને સાથ નથી આપ્યો એ બધાને મેં નસાડ્યા છે. મારા ત્રાસને કારણે લોકોએ વેશ કાઢવા પડેલા અને તમે કહો છો હું કોઈથી કંટાળીને ભાગી છૂટું?
ઠીક છે જવાદો, બીજો સવાલ પૂછો...
તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો? (ડઘાયેલી હાલતમાં મેં એમને આ સવાલ કર્યો...)
ઈમરજન્સી પછીની મારી હાર એ મારા જીવનનો સૌથી કપરો સમય હતો, જોકે વર્ષ 1980મા મેં એ બધુ ભરપાઈ કરી દીધેલું!
કોઈ વાતે દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા તમે શું કરો?
એકદમ સિમ્પલ વાત છે આ તો. જો હું કોઇ વાતે દુઃખી થાઉં તો હું ઈમરન્સી લાદી દઉં! અલહાબાદ હાઈકોર્ટમાં મારી વિરુદ્ધ ચુકાદો આવેલો ત્યારે હું ખૂબ દુઃખી થયેલી. આખી રાત ઉંઘી નહોતી શકી અને આ પીડામાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરી રહી હતી. સમહાઉ સંજયે મને કટોકટીનો આઈડિયા આપ્યો અને એની સાથે સહમત થઈને મેં કટોકટી લાદી દીધી, અને મારી જગ્યાએ મેં બીજા લોકોને પીડાનો ભોગ બનાવ્યા.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?
જીવનમાં સત્તાનું મહત્ત્વ છે. સત્તા સત્ય જગત મિથ્યા એટલું જ હું જીવનમાંથી શીખી છું.
તમારા મતે દુનિયામાં સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?
દુનિયાના સંદર્ભમાં નથી ખબર, પરંતુ ભારતના સંદર્ભમાં કહુ તો ગાંધી પરિવાર દેશમાં સૌથી સુખી અને બાકી બધા દુઃખી. સત્તાનું સુખ હોય કે ન હોય, પરંતુ અમે સુખ તો ભોગવીએ જ છીએ. મારા જમાઈ માટે જે લોકો એલફેલ વાતો કરી રહ્યા હતા, એ જ લોકો આજે સત્તામાં છે. જમાઈરાજાને જેલ સુધી તો ઠીક એમને પોલીસ સ્ટેશન સુધી પણ કોઈ લઈ જઈ શક્યું છે? એનાથી મોટું સુખ શું હોઈ શકે?
અમારા વાચકોને આનંદમાં રહેવા માટે કોઇ સલાહ કે ટિપ્સ આપશો?
ગોળગોળ વાતો કરવા કરતા અત્યંત નિખાલસતાથી કહી દઉં છું કે, કોંગ્રેસનો હાથ ઝાલો અને સુખી થઈ જાઓ. આ દેશમાં કોંગ્રેસ સિવાય તમને કોઈ સુખ અપાવી શકવાનું નથી.
(કલ્પનાઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર