બીજાના દુઃખે દુઃખી થવું એટલે સુખ
તમારા માટે સુખની વ્યાખ્યા શું?
હું સંગીતનો માણસ છું એટલે મારું સુખ પણ સંગીતની આસપાસ જ હોવાનું. આમ તો સંગીત જ મારું સુખ છે એમ કહી શકાય. પણ લોકો પણ સંગીત સાંભળે, સંગીતને એપ્રિસિયેટ કરે અને સંગીતને જીવનમાં ઉતારે તો લોકોને પણ સુખ મળશે અને તમારા સંગીતથી લોકોને આનંદ મળતો હોય, કે તેઓ સુખી થતાં હોય તો એનાથી મોટું સુખ કયું હોઈ શકે?
તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?
મારો આનંદ બીજાના આનંદ સાથે સંકળાયેલો છે. મને એકલા એકલા આનંદમાં રહેવાનું પસંદ નથી. એટલે હું બીજાને પણ આનંદ કરાવતો રહું છું અને મારા પ્રયત્નોથી બીજું કોઈ આનંદિત થાય એટલે હું પણ આનંદમાં રહું.
આપણું સુખ બીજા પર આધારિત હોઈ શકે ખરું?
આપણું સુખ ઈશ્વર સિવાય બીજા કોઈના પર પણ આધાર રાખતું નથી.
તમારા વ્યથિત થવાનાં કારણો કયાં?
સામાન્ય રીતે હું દુઃખી કે વ્યથિત થતો નથી. બહુ જૂજ કિસ્સા હશે કે, જેમાં હું વ્યથિત થયો હોઉં બાકી તો હું હરહંમેશ આનંદમાં જ રહું છું એટલે મારા દુઃખી થવાનાં ચોક્કસ કારણો વિશે હું ખરેખર કશું કહી શકતો નથી.
આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે ખરું?
ના ક્યારેય નહીં. મેં આગળ કહ્યું ને કે મારા તો આનંદ અને સુખ જ અન્ય લોકોની આસપાસ વિંટળાયેલા છે. એનો અર્થ જ એ થાય છે કે, મને માણસોની સોબત ગમે છે એટલે સાથેના માણસો કે સંબંધોથી ભાગી છૂટવાનું મન મને ક્યારેય નથી થયું.
જીવનમાં ક્યારેય કપરો કાળ જોવાનો આવ્યો છે ખરો?
ના બહુ ઓછો. શરૂઆતમાં થોડી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડેલો. જોકે, એને પણ હું કપરા કાળ તરીકે નથી ગણતો.
જો તમે દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા માટે તમે શું કરો?
દુઃખી થવાનું કે પીડાઓને ખંખેરવાનું બહુ ઓછું બને છે. કારણ કે, હું પોતે જ લોકોને ખૂબ આનંદ કરાવતો હોઉં છું. પણ ધારોકે એવું કંઈક થાય તો હું સંગીત પાસે જાઉં અને ગાવાનું શરૂ કરી દઉં.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?
મારા જીવનનો એક જ સિદ્ધાંત છે કે, કોઈના પણ કામમાં કામ લાગવું અને કોઇની વિકટ પરિસ્થિતિમાં કોઈનો ભાર હળવો કરવો. આ જ હું શીખ્યો છું અને જીવનભર આ સિદ્ધાંતને જ અનુસરવાનો મેં પ્રયત્ન કર્યો છે.
તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુઃખી માણસ કોણ?
જે માણસને બીજાની પીડા કે એની પરેશાનીઓ સ્પર્શતી નથી એ માણસ ચોક્કસ દુનિયાનો સૌથી દુઃખી માણસ હોવાનો અને જે માણસને પ્રકૃતિના બધા જીવો પ્રત્યે પ્રેમ હોય અને બધા જીવોની પીડા સમજી શકતો હોય એ માણસ બીજાના દુખે દુખી થતો હોવા છતાં સુખી છે!
અમારા વાચકોને આનંદમાં રહેવા માટેની કોઈ સલાહ આપશો?
એક જ સલાહ આપીશ કે, જીવનમાં હંમેશાં સારું-સારું વાંચો અને સારું સારું સાંભળો, જેનાથી તમારું હૃદય અને મન બંને આનંદિત રહેશે.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર