વિષાદ મારો સ્વભાવ છે
અમુત ગંગર આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ સમીક્ષક છે, જેઓ ભારત ઉપરાંત વિદેશના વિવિધ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જ્યુરી તરીકેની જવાબદારી પણ નિભાવે છે. અહીં એમણે એમના સુખ-દુઃખની ગોઠડી માંડી છે, જેમાંથી પસાર થતાં આપણને ખ્યાલ આવશે કે એમણે સ્થૂળથી પર સુક્ષ્મ સ્તરે જીવનને જાણ્યું અને અનુભવ્યું છે. એમના જવાબોનું ઉંડાણ ભાવકના હ્રદયને સ્પર્શે એવું છે. તો ચાલો આજે માણીએ અમૃત ગંગરની આનંદ-પીડાની લાગણીઓ વિશે. આ અગાઉ આપણે આ મુલાકાતનો પહેલો ભાગ પ્રકાશિત કર્યો હતો, અહીં વાંચો બીજો ભાગ...
જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?
મારા હિસાબે જીવન એ એક રાગ છે અને રાગનો એક દીર્ઘ આલાપ પણ હોય છે. એ આલાપમાં વિષાદનો સૂર પણ ઘણો મહત્ત્વનો હોય છે. મારે માટે તો એ વિષાદનો આનંદ પણ અનેરો છે. વિનસેન્ટ વાન ગોગનું ઈ.સ.1882માં સર્જાયેલું એક ‘સોરો’ (sorrow) નામનું ચિત્ર છે, એ ‘સોરો’ એટલે વિષાદ અને વિષાદ દુઃખનો જ એક ભાગ છે. મારે માટે વિષાદ પણ નિજાનંદ છે. ખલિલ જિબ્રાને કહ્યું છે કે, 'તમે જ્યારે વિષાદની લાગણી અનુભવતા હો ત્યારે ફરી તમારા અંતરમાં ડોકિયું કરજો. તમને જણાશે કે, જે સત્ય માટે રૂદન કરતા હતા એ તો તમારા આનંદની ક્ષણ હતી.' રુમી પણ કહી ગયા છે કે, 'sorrow prepares you for joy.'
આ ઉપરાંત મા અંબાની સ્તુતિમાં એક પંક્તિ આવે છે કે, 'મામ્ પાહી ઓ ભગવતી ભવ દુઃખ કાપો'. તમને ખ્યાલ આવશે કે, આ પંક્તિમાં પણ દુઃખ કાપવાની વાત છે. અહીં દુઃખને દૂર કરવાની વાત નથી. મારા માટે આ બધી બાબતો અત્યંત મહત્ત્વની છે. દુઃખ વિના માણસના જીવનનું અસ્તિત્વ શક્ય જ નથી. એટલે દુઃખ ક્યારેય કોઇનું દૂર નથી કરી શકાતું, પરંતુ દુઃખ ઓછું જરૂર કરી શકાય છે.
આપણે ત્યાં જલસો શબ્દ ઘણો પ્રચલિત છે. મિત્રો કે સ્વજનો સાથે ચોપાટી પર ભેળપૂરી ખાધી અથવા કોઇ ફિલ્મ જોઈ એટલે કેટલાક લોકો કહેશે, 'આહા જલસો પડી ગયો...' જલસો એટલે પણ આનંદ જ, પણ હું આનંદની એવી વ્યાખ્યાઓ નહીં કરું. એ બધી બાબતો ઉપરછલ્લી અને સ્થૂળ છે. મને સૂક્ષ્મતામાં રસ છે. વળી, અંગત રીતે મને જલસો કે આનંદ મેળવવા કરતા એ આનંદ મેળવવાની પ્રક્રિયામાં વધુ રસ પડ્યો છે અને એ પ્રક્રિયા ઘણી મજેદાર લાગી છે.
આપણું સુખ કોઇના પર આધારિત હોઈ શકે ખરું?
સ્થૂળ સ્તરે હું એવું કહી શકું કે, આપણું સુખ અન્ય પર આધારિત હોય છે. જોકે આ સુખને હું વ્યવહારિક સુખ ગણું છું. મને મારી વૃદ્ધાવસ્થામાં મારા સંતાનો સારી રીતે રાખે એટલે હું સુખી થઈ ગયો કે ફલણા માણસનો મારી સાથે વ્યવહાર સારો છે એટલે હું સુખી થઈ ગયો એવું કહું તો એ મારું વ્યવહારિક સુખ કહેવાય. આ બાબતે એમ કહી શકાય કે, વ્યવહારિક સુખમાં આપણું સુખ કોઇના પર આધારિત હોઈ શકે.
પણ મારે એ વ્યવહારિક સુખને આંબી જવું હોય તો શું કરવું? એ આંબી જવા માટે મારે સુખની આધારિતતા ફગાવી દેવી પડે. એ માટે મારી માનસિક પૂર્વતૈયારી હોવી અત્યંત જરૂરી છે. મારે એ બાબતે પહેલાથી જ સ્પષ્ટ રહેવું પડે કે, આપણે જેને સુખનો આધાર કહીએ છીએ એ બધી ભ્રાંતિ છે. મજાની વાત એ છે કે, એ ભ્રાંતિમાં પણ અનેક લોકો પોતાનું જીવન કાઢી નાખતા હોય છે! લોકો એવી અપેક્ષા રાખીને બેઠાં હોય કે, એક દિવસ અમારો દીકરો જાત્રાએ લઈ જશે અથવા અમારો પણ એક દિવસ આવશે કે એવું બધું… અને એમ ને એમ ભ્રાંતિમાં એમનું જીવન પૂરું થઈ જાય છે. આવી ભ્રાંતિને આપણે અપેક્ષાકૃત સુખ પણ કહી શકીએ.
એક રીતે જોવા જઈએ તો અપેક્ષાકૃત સુખ અને વ્યવહારિક સુખમાં ઘણી સમાનતાઓ જોવા મળશે. પરંતુ હું એ બાબતે અત્યંત સ્પષ્ટ છું કે, મારું સુખ કોઈના પર આધાર નથી રાખતું. નિજાનંદ માટે મારો આધાર કોઇના પર નથી. આપણે કોઇના પર આધારિત હોઈએ એનો અર્થ એ થાય કે, આપણને કોઈનો ટેકો છે. પણ જો ટેકો ખસી જાય તો? આપણને પછડાટ પણ મળે ને? આવે સમયે આપણું સુખ પાંગળું નહીં થઈ જાય?
એટલે એ પાંગળાપણામાંથી મારે બહાર નીકળવું હોય તો મારે મારા સુખની શોધ જાતે કરવી પડશે. જે સુખ જાતે શોધાયું હોય એ સુખની અનુભૂતિ વ્યવહારિક સુખ કરતા પણ ઘણી વધારે ઊંચાઈ ધરાવે છે. કારણ કે, વ્યવહારિક સુખમાં તમે અપેક્ષાઓ રાખતા હો છો અને અપેક્ષાઓ કંઈ હંમેશાં પૂરી થતી નથી. અને અપેક્ષાઓ પૂરી નહીં થાય એટલે સ્વાભાવિક જ તમે દુઃખી થવાના! આ બાબતમાં આપણે હજુ થોડા ઊંડા ઉતરીશું તો આપણને ખ્યાલ આવશે કે, અપેક્ષાકૃત સુખ કે વ્યવહારિક સુખ એ શાશ્વત નથી, એ ક્ષણિક કે હંગામી છે. પણ મને શાશ્વતમાં રસ છે એટલે મારું સુખ મારી જાત સિવાય અન્ય કોઇ પર પણ આધારિત હોઈ શકે નહીં.
એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?
વ્યથિતતાની વાત એ સ્વભાવની વાત છે. આગળ કહ્યું એમ મારો સ્વભાવ હંમેશાં વિષાદમાં રહ્યા કરે છે. જોકે મારો વિષાદ અત્યંત પ્રોડક્ટિવ છે. અહીં હું એટલું સ્પષ્ટ કરી લઉં કે, મારા વિષાદના કારણો અંગત નથી. અંગત બાબતે વિષાદ થાય તો પણ એ અત્યંત ક્ષણિક હોય. પણ મારું મન સતત વિષાદગ્રસ્ત રહેવાના કારણો કંઈક જુદા છે, જેને ઈતિહાસ સાથે કે માનવકુળના ભૂતકાળ સાથે સંબંધ છે. વિયેટનામના માયલાઈ ગામમાં અમેરિકા દ્વારા થયેલા બોંબમારામાં દરમિયાન બાળકોની કત્લેઆમથી લઈને તપ કરતા મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકવામાં આવેલા જેવી ઘટનાઓ મને પીડા આપ્યા કરે છે. યુગો પહેલા યાદવાસ્થળી દરમિયાન વૃક્ષની નીચે બેઠેલા કૃષ્ણના પગમાં કોઈએ તીર મારેલું ત્યારે તેઓ કેટલા એકાકી હશે? કે સીતાને જ્યારે અગ્નિસ્નાન કરાવાયેલું ત્યારે સીતાએ જે ચીસો પાડેલી એ હજુ મને સંભળાયા કરે છે અને એ ચીસો, એ પીડા, એ એકાકીપણું મને સતત વ્યથિત રાખ્યા કરે છે. જોકે એ વિષાદનો પણ આગવો આનંદ છે કારણ કે, અનુભૂતિના સ્તર પરની ઘણી બાબતો મને સ્પર્શે છે.
આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ખરું?
આને હું ભાગેડુવૃત્તિ કહું છું. પરંતુ ભાગેડુવૃત્તિ એ કંટાળાનો ઉપાય કે ઈલાજ નથી. આસપાસના માણસો જ શું કામ? હું મારી જાતથી પણ ત્રાહિમામ્ પોકારી શકું અથવા એનાથી કંટાળી શકું, પરંતુ એ બધાથી કંટાળીને ભાગી જવું મને યોગ્ય નથી લાગતું. સેંકડોની ભીડની વચ્ચે એકલા બેસીને મારું એકાંત અનુભવવાનું મને ખૂબ ગમે છે. મારા શહેર મુંબઈ ઉપરાંત હું ભારતના કોઈ પણ શહેરમાં હોઉં કે વિદેશમાં ક્યાંક હોઉં, મને જ્યારે ટાઈમ મળે ત્યારે અથવા કોઈક વાર વિશેષ ટાઈમ કાઢીને હું એ શહેરના રેલવે સ્ટેશન પર પહોંચી જાઉં અને હજારોની મેદનીના ઘોંઘાટની વચ્ચે કલાકો સુધી મૌન બેસીને મારું એકાંત માણું! જેમ ઘોંઘાટની વચ્ચે રહીને હું મારું એકાંત શોધવાનો પ્રયત્ન કરું એ જ રીતે હું લોકોની વચ્ચે રહીને કે સમસ્યાની વચ્ચે રહીને કોઈ ઉપાય કાઢું, પરંતુ હું ભાગી તો નહીં જ જાઉં.
જીવનમાં ક્યારેય કપરોકાળ જોવાનો આવ્યો છે ખરો?
તમારા આ સવાલમાં હું ‘કાળ’ને કૂંચી શબ્દ એટલે કે કી વર્ડ તરીકે ગણું છું, એટલે જવાબ પણ એ સંદર્ભનો જ આપીશ. યુ સી, કાળનો પણ એક સ્વભાવ હોય છે. એ સરળ હોય કે કપરો હોય, આબાદીનો હોય કે બરબાદીનો હોય અથવા અન્ય કોઇ પ્રકારનો હોય… અને આ એક સતત ચાલતી અને સતત બદલાતી રહેતી પ્રક્રિયા છે. પરંતુ સમયનું કપરાપણું ઓળખવું કઈ રીતે? કારણ કે, કોના માટે શું કપરું છે એ કઈ રીતે નક્કી કરી શકાય? કોઈ અબજોપતિના જીવનમાં પણ કપરો સમય આવે અને સાવ રંક માણસ હોય એના જીવનમાં પણ કપરો સમય આવે. એક સમયે મને બે ટંકની રોટલી પણ નહોતી મળતી અથવા એક સમયે મારી પાસે નોકરી ન હતી, એ તો સ્થૂળ વાત કહેવાય. બધાના જ જીવનમાં આવો કપરો સમય આવતો હોય છે. પણ આપણે તો સુક્ષ્મતાને સમજવાની છે.
વળી, જીવનના કપરાપણાને આપણે કઈ રીતે અને કયા સંદર્ભમાં સમજીએ એ પણ અત્યંત મહત્ત્વની વાત છે. આપણા અંગત પ્રશ્નો તો હોવાના જ પણ એની સાથોસાથ આપણી આસપાસ પણ કશુંક એવું બની રહ્યું છે, જે પરોક્ષ રીતે આપણા જીવન પર અસર કરી રહ્યું છે. તો આપણા અંગત કારણોસર કપરોકાળ ચાલતો હોય કે ન ચાલતો હોય, તોય સુક્ષ્મ રીતે આપણે કપરા સમયનો સામનો કરતા જ હોઈએ છીએ. જોકે એ કપરાપણાને સમજવા કે એનો અહેસાસ કરવા માટે માણસનું અત્યંત જાગ્રત હોવું અને સંવેદનશીલ હોવું અત્યંત મહત્ત્વનું બની જાય છે.
તમે દુઃખી થાઓ તો તમારી પીડામાંથી બહાર નીકળવા માટે કયા પ્રકારના પ્રયત્ન કરો?
મેં આગળ કહ્યું એમ જેમ હું મારા માતા-પિતાનું સંતાન છું એમ હું ઈતિહાસનું પણ સંતાન છું, જેને કારણે જ ઈતિહાસમાં બનેલી ઘટનાઓ પણ મને ખલેલ પહોંચાડી શકે છે, મને દુઃખી કરી શકે છે. અને દુઃખી થવાની આ પ્રક્રિયા અવિરત છે. પરંતુ એમાંથી બહાર નીકળાવાનો પ્રયાસ તો શું મને ક્યારેય એ બાબતનો વિચાર સુદ્ધાં નથી આવ્યો. કારણ કે, મારી જે પીડા છે એ પીડા મારા અસ્તિત્વનો જ ભાગ છે. પીડામાંથી બહાર આવીને હું કરીશ શું? બહાર આવીશ તો મારી પીડા ઓછી થઈ જશે? અંદર કે બહાર રહેવાની વાત મારે માટે ક્ષુલ્લક બની જાય છે. હું તો કહીશ કે, તમારી એ પીડાને ઓળખો અને ઊર્જામાં રૂપાંતરિત કરો અને એમાંથી કશુંક સર્જન કરો.
અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યા?
જીવનમાંથી એ સત્યનું ભાન કરતા શીખ્યો છું કે, અત્યાર સુધીના જીવનમાંથી હું કશું શીખ્યો નથી. તમારા જે સવાલો છે એના ઉત્તર તરીકે હું એ પ્રશ્નોના પેટાપ્રશ્નો જ ઊભા કરી રહ્યો છું. અથવા અલ્પવિરામોમાં જ હું જવાબો આપી રહ્યો છું. પૂર્ણવિરામ તો મારા મૃત્યુ દરમિયાન પણ નહીં હોય કારણ કે, મારા મૃત્યુ પછી પણ આ સવાલો તો એમના એમ જ રહેવાના છે.
તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કેવો હોય અને સૌથી દુઃખી માણસ કેવો હોય?
આ ચુકાદો આપવા માટે સૌથી પહેલા તો મારે સુખ અને દુઃખના મૂળ સુધી પહોંચવું પડે. કારણ કે, આ સવાલ પૂછીને તમે મને ચુકાદો આપવા માટે ઈજન આપ્યું એમ કહેવાય. પરંતુ જ્યારે હું જ સુખ- દુઃખના મૂળ શોધી રહ્યો છું ત્યારે હું એ બાબતનો ચુકાદો કઈ રીતે આપી શકું? દુનિયામાં આવો માણસ સુખી છે કે તેવો માણસ દુઃખી છે એવી ગુસ્તાખી હું કરી જ કઈ રીતે શકું? હા, પ્રાથમિક ધોરણે એવું કહી શકું કે, શરીરે નર્યો માણસ જરૂર સુખી હોવાનો. બાકી, આ સિવાય હું કોઈ ચુકાદો નહીં આપી શકું. અંકિત, વળી તાત્વિક રીતે તમારો સવાલ દેખાદેખીની ભાવના ઉપજાવનારો છે. એ જોખમી છે.
અમારા વાચકોને આનંદમાં રહેવાની કોઈ સલાહ અથવા ટિપ્સ આપશો?
હું એટલું જ કહીશ કે સત્યનો પીછો કરતા રહો અને જાતે નર્યા રહો.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર