સંસારમાં સુખ કરતાં દુઃખ વધારે છે...

04 Sep, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

છેલ્લા અઢી દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત દીપક સોલિયાએ ગુજરાતના ખ્યાતનામ અખબારો -મેગેઝિન્સમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. ગુજરાતી વાચકોમાં એમની કૉલમ 'ક્લાસિક' અત્યંત લોકપ્રિય છે. અહીં એમણે એમની આનંદ-પીડાની વાત માંડી છે તો ચાલો આજે જાણીએ શું છે દીપક સોલિયાનું સુખ-દુઃખ...

 

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

મનનો રાજીપો એટલે સુખ. ભાવતો આઇસ્ક્રીમ ખાવાથી મન થોડી વાર રાજી રહે, એ છે સુખ. જેમ દુઃખ એ મનની નેગેટિવ પ્રતિક્રિયા છે, એમ સુખ એ મનની પોઝિટિવ પ્રતિક્રિયા છે. સુખ-દુઃખનો ખેલ મનમાં સતત ચાલ્યા કરે. ભલે ચાલે.

સુખ માટે આધારીતતા કેટલી યોગ્ય? અથવા આપણું સુખ બીજા પર આધારિત હોવું જોઈએ ખરું?

સુખનો મામલો બેઝિકલી ગમા-અણગમાનો મામલો છે. આ ગમા-અણગમા આમ તો આપણા પોતાના જ હોય છે, પરંતુ એ આપણા હાથમાં નથી હોતા. મને કારેલા નહીં ભાવે અને આઈસક્રીમ ભાવશે એ હું જાતે નક્કી નથી કરતો. મને એક માણસ સાથે વધુ ફાવશે અને બીજા માણસ સાથે ઓછું ફાવશે એ હું જાતે નક્કી નથી કરતો. એ બધું મારી પ્રકૃતિ પર, મારા માનસિક-શારીરિક-હાર્દિક બાંધા પર આધારિત છે. મતલબ કે બીજા લોકો કે બાહ્ય ચીજો પરની આધારિતતા તો પછી આવે છે, પહેલી વાત તો એ છે કે મારા પોતાના જ બંધારણ પર સુખનો કે દુઃખનો આધાર રહેલો છે. જે મને ગમે છે એ બધું મને સુખ આપે છે અને જે નથી ગમતું એ મને દુઃખ આપે છે. આવી આધારિતતા તો રહેવાની જ.

કઈ બાબતો કે ઘટના ઘટે ત્યારે મન વ્યથિત થાય?

આવી હજારો બાબતો છે. અસહ્ય ગરમી પડી રહી હોય, ભયંકર જોરથી સ્પીકર પર મ્યૂઝિક વાગી રહ્યું હોય, કોઈ માણસ જડતાપૂર્વક પોતાના અભિપ્રાયો મારા પર થોપવા મથે... આવી અસંખ્ય બાબતોથી મનનો મૂડ બગડે. ટૂંકમાં, મારા અણગમાને છંછેડે એવી તમામ બાબતોથી મન આકુળવ્યાકુળ થાય.

આસપાસના માણસો અથવા સંબંધોથી કંટાળીને ક્યાંક ભાગી જવાનું મન થયું છે ક્યારેક?

રોજ થાય, અનેક વાર થાય. હું ન ગમતી સ્થિતિમાં મૂકાઉં ત્યારે મન છટપટાય અને પેલી ફિલ્મના ટાઈટલ -ભાગ મિલ્ખા ભાગ- ની જેમ મારા મનમાં પણ રેકોર્ડ વાગવા લાગેઃ ભાગ દીપક ભાગ.

આમાં એવું છે કે મનની મુખ્ય બે જ ગતિ હોય છેઃ દુઃખથી દૂર અને સુખની તરફ. અહીં સવાલ એ છે કે ક્યારે દુઃખથી દૂર ભાગવાને બદલે દુઃખની સામે અડીખમ ઊભા રહેવું અને ક્યારે સુખ તરફ દોડવાને બદલે સંયમી બનીને સ્થિર રહેવું. સાદા દાખલા વડે વાત કરું તો નોકરી-ધંધા-ઘરસંસારની જફા છોડીને બાવા બની જવાની ઇચ્છા ઘણા પુરુષોને ક્યારેક ક્યારેક થતી હોય છે, પરંતુ એવું ન ચાલે. જવાબદારી બી કોઈ ચીજ છે. એ જ રીતે, રસ્તે જતી કોઈ સ્ત્રી બહુ સુંદર લાગે ત્યારે દિલ તો કહેશે, ચાલ, એની પાછળ પાછળ જઈએ. પણ એમ કંઈ મન ફાવે તેનો પીછો ન કરી શકાય. એ સારું પણ ન લાગે અને એમાં કાયદાના ભંગ બદલ જેલમાં જવાની નોબત પણ આવે. આ બધું સમજવા માટે સામાન્ય બુદ્ધિ જોઈએ, જે આમ તો કુદરતે આપણને મોટે ભાગે આપેલી જ હોય છે, પરંતુ એનો વપરાશ કરવાનું ઝટ સૂઝતું નથી, કારણ કે તમન્નાઓ આપણા પર હાવી થઈ જાય છે. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ વિશે સામાન્ય બુદ્ધિના આદેશ આવતાં જ રહે છે, પણ સુખની પાછળ અને દુઃખથી દૂર જવાની આપણી તીવ્ર તમન્નાઓ આપણને બહેકાવી દે છે. એક શેર સાંભળેલોઃ

તમન્નાઓં કે બહલાવે મેં અક્સર આ હી જાતે હૈ

કભી હમ ચોટ ખાતે હૈ, કભી હમ મુસ્કુરાતે હૈ.

તમન્નાઓથી બહેકી જવાના આવા કિસ્સા મારા જીવનમાં પણ સતત ઘટતા રહે છે. અંદરથી અવાજ આવે કે ખાવામાં, સૂવામાં, કસરતમાં ધ્યાન આપ. પણ હંમેશાં શિસ્તબદ્ધ નથી રહી શકાતું, કારણ કે સુખ તરફ અને દુઃખથી દૂર જવાની તમન્નાઓ પ્રબળ હોય છે. તો, ક્યારેક એ તમન્નાઓ જીતે છે, ક્યારેક સામાન્ય બુદ્ધિ જીતે છે. કભી હમ ચોટ ખાતે હૈ, કભી હમ મુસ્કુરાતે હૈ. ચાલ્યા કરે...

તમારા જીવનના કોઈ કપરા સમય વિશે વાત કરશો?

હું સમજી શકું છું કે તમે મારા અંગત જીવનની કોઈ નાટ્યાત્મક ઘટના વિશે પૂછી રહ્યા છો, પરંતુ હું 51નો થયો, છતાં હજુ સુધી મેં માતા-પિતાની છત નથી ગુમાવી, ગરીબીનો શાપ મેં નથી વેઠ્યો, આપઘાતનું મન થાય એવા મોહભંગનો કિસ્સો મારા જીવનમાં નથી બન્યો. આવામાં, જીવનના કપરા કાળ વિશે હું તમને કંઈક કહું તો તમને તો ઠીક, મને ખુદને લાગે કે લે, આમાં વળી શી મોટી વાત છે? જેમ કે, એક કહેવાતા -અસલમાં આનંદદાયક- કપરા કાળની વાત કરું તો, 1991મા હું દવાકંપની રેનબેક્સીની માર્કેટિંગની નોકરી કરતો હતો અને એમાં મહિને છએક હજાર મળતા હતા. મેં એ નોકરી છોડીને પત્રકારત્વમાં જોડાવાનું નક્કી કર્યું તો કંપનીએ મને રોકવા માટે પ્રમોશન સાથે દસેક હજારના પગારની ઓફર કરી. છતાં, હું માર્કેટિંગની એ નોકરી છોડીને હોંશેહોંશે પત્રકારત્વની -સમકાલીનની- નોકરીમાં, મહિને 2900ના પગારે જોડાયો. આમ તો અગાઉ છ હજારના પગારમાંથી પણ અડધા પૈસા બચતા એટલે મને ખાતરી હતી કે 2900માંથી ગાડું ગબડી રહેશે. છતાં, શરૂશરૂમાં વીટીથી નરીમાન પોઈન્ટ ચાલીને જતો. પછી જોયું કે પૈસા તો બચે છે. એટલે બે મહિના પછી બસમાં જવાનું શરૂ કર્યું. તોય પૈસા મહિનાના અંતે વધી પડ્યા. એટલે શેરિંગવાળી ટેક્સી ચાલુ કરી. એટલામાં, પત્રકારત્વમાં પહેલા જ વર્ષે, તંત્રી હસમુખ ગાંધીની કૃપાથી, પગાર વધીને પાંચેક હજાર નજીક પહોંચ્યો. એટલે લોકલ ટ્રેનનો ફર્સ્ટ ક્લાસનો પાસ કઢાવ્યો. આ આખા ગાળામાં મારી મોજને ઊની આંચ નહોતી આવી. ઉલટાનું, આર્થિક સગવડ છતાં, હું બસ-ટેક્સીનો વૈભવ છોડીને છેલ્લે ફરી વીટીથી નરીમાન પોઈન્ટ ચાલીને જતો થયેલો, કારણ કે ચાલીને જવામાં મને મોજ પડતી હતી. ટૂંકમાં, હું આનંદી કાગડો છું, મારી જરૂરિયાતો નાનપણથી જ સાવ ઓછી રહી છે અને નસીબે મને ઘણી યારી આપી છે. આ બધાના સરવાળે, જીવનમાં જેને ખરેખર કપરો કહી શકાય એવો કાળ આવ્યો જ નથી. હું જો એડિટર હોઉં અને મારો રિપોર્ટર મને દીપકના કપરા કાળવાળી આ સ્ટોરી સંભળાવે તો હું એને કહું, ‘આમાં સ્ટોરી ક્યાં છે? ધેર ઇઝ નો સ્ટોરી.’

જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?

સુખ અને આનંદને જુદાં રાખીએ. પ્રેક્ટિકલી તો આનંદનો અર્થ પણ સુખ જેવો જ થતો હોય છે, પરંતુ આ મામલે હું કડક ભેદભાવ જાળવું છું. સુખ એટલે મનનો રાજીપો, જ્યારે આનંદ એટલે મનની ગેરહાજરી. સુખ એ કોઈ વસ્તુ કે સ્થિતિ કે ક્રિયાને અપાયેલી પ્રતિક્રિયા છે, જ્યારે આનંદ એટલે મનની નિષ્ક્રિયતા, મનનું મૌન. સુખ માટે એક સ્ટિમ્યુલસ, એક કારણ જોઈએ, જ્યારે આનંદ તો હું કશું કર્યા વિના ખુરશી પર બેઠાં બેઠાં પણ અનુભવી શકું. બસ, મન મૂંગું થવું જોઈએ, મારું સમગ્ર અસ્તિત્વ વર્તમાનની પળમાં ઓતપ્રોત થવું જોઈએ. આવો આનંદ સપનાં વિનાની ઊંડી ઊંઘમાં પણ મળે, જ્યાં આનંદ અનુભવનારની એટલે કે વ્યક્તિની એટલે કે ‘હું’ની હાજરી નથી હોતી. આનંદ એટલે હોવાની, અસ્તિત્વની ખુશી. આનંદ વિના જીવન અટકી પડે.

દુઃખી થાઓ ત્યારે પીડામાંથી બહાર આવવા તમે શું કરો?

દીપકની વાટ લાગે ત્યારે દીપકને જોઉં, દીપકની છટપટાહટને જોઉં, તમન્નાઓ અને સામાન્ય બુદ્ધિ વચ્ચેની કુસ્તી જોઉં. જીવનનો મામલો બેઝિકલી રિંગમાં ચાલી રહેલી કુસ્તી જેવો કે રંગમંચ પર ચાલી રહેલા નાટક જેવો છે. એમાં પ્રેક્ષક અસલી હું છે, જ્યારે કુસ્તીબાજો કે અભિનેતાઓ નકલી હું છે. એ અનેક હોય છે. દીપક અનેક છે. એ પુત્ર-પતિ-ભાઈ-મિત્ર વગેરે અનેક ભૂમિકામાં હોય છે. એ દિવસમાં સો વાર બદલાતો રહે. એ ઘડીકમાં ખુશ તો ઘડીકમાં ઉદાસ પણ હોઈ શકે. દુઃખની કોઈ સ્થિતિ આવી પડે ત્યારે દીપક રઘવાયો થાય, ‘ભાગ દીપક ભાગ’ કહીને છટકવા મથે... તો, તમારા સ્પષ્ટ સવાલનો સ્પષ્ટ જવાબ આપું તો, દુઃખની સ્થિતિમાં દીપક વિરુદ્ધ દીપક વિરુદ્ધ દીપકની ધમાચકડી જોઉં. અંદરખાને પેલો માંયલો જાણતો જ હોય છે કે આ બધો ઘડી, બે ઘડીનો ખેલ છે. થોડી વાર પછી દૃશ્ય આપોઆપ બદલાવાનું જ છે.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

એ જ કે જીવનમાં કરવા જેવું સૌથી મહત્ત્વનું કામ અસલી હુંને એટલે કે સાક્ષીને ઓળખવાનું છે. આપણી અંદરની અસલી ‘આઈટેમ’ નામ અને રૂપ વગરની હોવાથી અને માનસિક રીતે નથી ઓળખી-સમજી શકાતી. એને ફક્ત અનુભવી શકાય છે. એને અનુભવવી એ જ એકમાત્ર અસલી પુરુષાર્થ છે. આપણે લોકો જેને ‘પ્રારબ્ધ વિરુદ્ધ પુરુષાર્થ’નો વિવાદ કહીએ છીએ એને પશ્ચિમવાળા ‘ડેસ્ટિની વર્સીસ ફ્રી વિલ’નો મામલો ગણાવે છે, એમાં મૂળ સવાલ એ જ છે કે તમે શું કરી શકો? હું શું કરી શકું? આ સવાલનો સાચો જવાબ તો એક જ છેઃ કશું નહીં. આપણે જેવા હોઈશું, એવી જ રીતે વર્તીશું. આપણે પ્રકૃતિ દ્વારા સંચાલિત એવું શરીર-મનનું એક વિશિષ્ટ યંત્ર છીએ. આમાં ઝાઝી ખાંડ ખાવા જેવી પણ નથી અને બહુ ગિલ્ટ અનુભવવા જેવું પણ નથી.

આગળના સવાલના જવાબમાં મેં કહ્યું તેમ, આપણા ગમા-અણગમા જેમ આપણા હાથની વાત નથી, એમ આપણી ક્ષમતાઓ અને નબળાઈઓ પણ આપણા હાથની વાત નથી. આપણે કેટલા પુરુષાર્થી હોઈશું એ પણ પ્રારબ્ધનો મામલો છે. કોઈ બહુ મહેનતુ હોય, કોઈ બહુ આળસુ હોય. ઠીક છે. હોય તો હોય. એમાં ઝાઝું કશું ન થઈ શકે. તો શું પુરુષાર્થ જેવું, ફ્રી વિલ જેવું કશું છે જ નહીં? ના, છે, પુરુષાર્થનું, મહેનતનું, ફ્રી વિલનું, મુક્ત ઇચ્છાશક્તિનું માહાત્મ્ય છે જ. જીવનમાં આનંદિત રહેવું હોય-સુખી નહીં, આનંદિત રહેવું હોય- તો મનની ગુલામીમાંથી છૂટીને ‘સ્વરાજ’ મેળવવાનો પુરુષાર્થ કરવો જ રહ્યો. આ છે અસલી સ્વરાજ. ગાંધીએ હિંદ સ્વરાજમાં છેલ્લે સ્વરાજની વ્યાખ્યા આવી કરી છેઃ ‘સ્વરાજ તે આપણા મનનું રાજ્ય છે.’ એમણે તો ખેર, હિંદના સ્વરાજની વાત કહેલી, પરંતુ હું મનુષ્યના સ્વરાજની વાત કરું છું. માણસનું સાચું સ્વરાજ એ છે કે એ મનની ગુલામીમાંથી છૂટે. માણસને અસલી બોસ કોણ છે એની ખબર હોવી જોઈએ. અસલમાં બોસ શરીર પણ નથી અને મન પણ નથી. જીવ... જીવ છે અસલ બોસ. આ જાણવાનો પુરુષાર્થ કરવો એ જ મનુષ્યજીવનનો સાર છે, મક્સદ છે, મોકો છે. આ  જ સાચા સુખની એટલે કે આનંદની ચાવી છે.

તમારા મતે દુનિયામાં સૌથી સુખી અને સૌથી દુઃખી કોણ?

કઈ વ્યક્તિ સૌથી સુખી કે દુઃખી છે એ માપી શકાય નહીં. હા, એક વ્યક્તિ જીવનમાં સૌથી વધુ સુખી કે દુઃખી ક્યારે હોય છે એ નક્કી કરી શકાય. પરંતુ એવી બધી માથાકૂટ શા માટે પડવું? જીવનમાં સુખ છે ને દુઃખ છે ને આ બધાં સુખ ને દુઃખ આવે છે ને જાય છે. એને બહુ ભાવ આપવા જેવો નથી. એને જેટલો વધુ ભાવ આપીશું એટલા આપણે મનના, સુખ-દુઃખના વધુ લાચાર ગુલામ બનીશું.

અમારા વાચકોને સુખી રહેવા માટે કોઈ સલાહ કે ટીપ્સ જેવું કંઈક આપશો?

શેરબજાર હોય કે જીવન, ટિપ્સને અનુસરનારા મોટે ભાગે ટીપાઈ જતાં હોય છે. અબલત્ત, ટિપ્સથી ટિપ્સી (મદહોશ) થવાની એક મજા પણ હોય છે. મેં સુખ વિશેની એક ચાઈનીઝ (કે જેપનીઝ, ભૂલી ગયો) ટિપ વાંચેલી કે એક દિવસ સુખી થવું હોય તો સરસ ભોજન લેવું, એક અઠવાડિયું સુખી થવું હોય તો લગ્ન કરવા અને આખી જિંદગી સુખી થવું હોય તો બગીચો બનાવવો. ફાઈન, ટિપનું હાર્દ બરાબર છે કે બાગ ઉછેરીએ તો આખી જિંદગી સુખ મળે, પણ લગ્ન કરીને માણસ એક જ અઠવાડિયું સુખી થાય? કમ ઓન, કંઈક વાજબી વાત તો કરો. નક્કી આ ટિપ કોઈ એવી વ્યક્તિએ આપી હશે જે પોતાની પત્ની (કે પતિ)થી કંટાળેલી હશે. ટૂંકમાં, ટિપ્સનો મામલો લોચાવાળો છે.

એટલે હું સુખ ક્યાંથી શોધવું એની સીધેસીધી ટિપ તો નહીં આપું, પણ સુખ-દુઃખના સમીકરણ વિશે એક પાયાની વાત કહેવા માગું છું. મૂળ મામલો મને એવો લાગ્યો છે કે આ સંસારમાં સુખ કરતાં દુઃખ વધારે છે. બીજી તરફ, આપણી અંદર આનંદનું જોર વધારે છે. આ આનંદના જોરે જ આપણે કપરો જીવનજંગ ખેલી શકીએ છીએ. બીજી રીતે કહું તો, જીવ આનંદમૂર્તિ છે અને જગત સંઘર્ષનું મેદાન છે. આપણે પેદા થઈએ ત્યારથી સંઘર્ષ અને હિંસા ચાલુ થઈ જાય છે. જીવતા રહેવા માટે આપણું શરીર રોજેરોજ આપણી અંદર કરોડો-અબજો જીવાણુઓનો નાશ કરે છે. ટકી રહેવા માટે આપણે બીજાનો નાશ કરવો પડે છે. નોકરી મેળવવા માટે આપણે સ્પર્ધક અરજદારોને હરાવવા પડે છે. આપણાં બાળકને સારી કોલેજમાં એડમિશન અપાવીએ છીએ ત્યારે અન્યના સંતાનની સીટ છિનવીએ છીએ. ટૂંકમાં, જીવન આખું એક સંઘર્ષ છે. તમે સવારે છાપું ખોલો કે તરત દુઃખ, સામાજિક અન્યાય, ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, કોમવાદ, યુદ્ધો, પૂર, ધરતીકંપ... દુનિયાભરની ખરાબીઓ તમારી નજરે ચઢશે. તમને થાય કે આ બધામાં હું કશુંક કરું... ફાઈન, કરો. તમને જે સમસ્યા સૌથી વધુ સ્પર્શે એને દૂર કરવા યથાશક્તિ મથો, પણ એટલું યાદ રાખો કે તમે બધેબધી સમસ્યા દૂર નથી કરી શકવાના. ઇવન તમે કોઈ એક જ સમસ્યાને પકડશો તો પણ તમારા જીવનકાળમાં એ સમસ્યાને જગતમાંથી દૂર નથી કરી શકવાના. આ થઈ સંસારની વાત. રહી વાત અંગત જીવનની. અંગત જીવનમાં પણ આપણે જાતને બદલવા માટે, સુધારવા માટે ઘણું મથતાં હોઈએ છીએ. ઠીક છે, મથવું, જરૂર મથવું, યથાશક્તિ મથવું. બધા ધર્મોમાં ચાર-પાંચ મુખ્ય વ્રતો હોય છે, જેમ કે ખોટું ન બોલવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, હિંસાથી દૂર રહેવું, વગેરે. આ વ્રતોનું પાલન કરવાની શક્ય તેટલી કોશિશ કરવી, કારણ કે આ બધાના પાલનથી જીવનમાં સુખ-શાંતિ જળવાય છે, ઊંઘ સારી આવે છે. પેલું એક વિધાન છે ને કે સ્વચ્છ અંતરાત્માથી સારું બીજું કોઈ ઓશિકું નથી.

તો, જે કંઈ યોગ્ય છે, નૈતિક છે, સાત્વિક છે, ન્યાયી છે એ માટે મથવું. આ દિશામાં થાય એટલું કામ કરવું, મોજથી કરવું. પણ પરિણામની ગણતરીઓ કરવામાંથી બચવું. ગીતામાં પણ એ જ કહ્યું છે કે મિત્ર, ફળની ફિકર ન કર. મારી મહેનતથી જગતમાં કે અંગત જીવનમાં કેટલો સુધારો થયો, કેટલું ફળ મળ્યું, હું કેટલું આગળ વધ્યો એ બધું માપ્યા કરવાનો કોઈ મતલબ નથી. જીવનમાં આગળ વધીને છેવટે મોત સુધી જ પહોંચવાનું છે. ત્યાં સુધી ખેલવાનું છે. તો, મોજથી ખેલીએ. રસ્તામાં જે સુખ-દુઃખ આવે એને શાંતિથી જોઈએ. આવી સમજ વિકસે તો સુખ-દુઃખનો ખેલ વધુ સારી રીતે ખેલી શકાય, માણી શકાય.

આવી સમજ વિના પણ બેડો પાર થઈ શકે, પરંતુ આવી સમજ સાથે બેડો વધુ કમ્ફર્ટેબલી પાર થઈ શકે.

શું કહો છો? 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.