કામ તબિયતથી કરવું, પણ જાતને હળવાશથી લેવી

03 Apr, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

આપણે અનેક રીતે સુખ અનુભવતા હોઈએ છીએ, જેને કારણે આપણે સુખની વ્યાખ્યાઓ પણ અનેક રીતે કરતા હોઈએ છીએ. આમ જ્યારે સુખની એકથી વધારે વ્યાખ્યાઓ અસ્તિત્વ ધરાવતી હોય ત્યારે એમ બને કે, હું જેટલી પણ વ્યાખ્યાઓ આપું એમાં કેટલીક રહી જાય. પરંતુ બહુ જ ટૂંકમાં કહું તો, સારા મિત્રોની સોબતમાં બેઠા હોઈએ ત્યારે મને પરમ સુખનો અનુભવ થાય. આ ઉપરાંત આપણને કોઈક કામ કરવાની ઈચ્છા હોય અને એ કામ આપણે જે રીતે કરવા ઈચ્છા હોઈએ એ રીતે કરી શકાતું હોય તો મને સુખનો અનુભવ થાય. આ ઉપરાંત પણ સુખની વ્યાખ્યાઓ કરવી હોય તો ઘણી કરી શકાય, પરંતુ મારા સંદર્ભમાં આ બે વાતોમાં ઘણું આવી જાય છે.

જીવનમાં તમને આનંદ કઈ બાબતોમાંથી મળે?

સામાન્ય રીતે આનંદ અને સુખને અલગ તારવવામાં આવે છે. પરંતુ મારા કિસ્સામાં આનંદ અને સુખ વચ્ચે કોઈ ભેદરેખા નથી હોતી. કારણ કે, આપણને જે બાબતોમાંથી આનંદ મળતો હોય એમાંથી જ આપણને સુખ મળતું હોય છે. આનંદ એ સુખની થોડી લાઉડ કહી શકાય એવી અભિવ્યક્તિ છે, પણ અલ્ટિમેટલી આનંદ એ સુખનું કારક હોય છે. એટલે વિશાળ ફલક પર આ બંને બાબતોને જોઈએ તો આનંદ અને સુખ એક જ બાબત બની જતી હોય છે.

હવે મારા આનંદના કારણોની વાત કરીએ તો આગળ કહ્યું એમ મિત્રોની સોબત અને ગમતું કામ તો ખરું જ, પરંતુ મારા પરમ આનંદનો સ્ત્રોત છે મને ગમતા ગીતો! મારા ગમતા ગીતો જ્યારે હું સાંભળતો હોઉં ત્યારે મને ખરેખર ખૂબ મજા પડે.

આપણું સુખ કોઈના પર આધાર રાખી શકે ખરું?

આ પ્રશ્નના સંદર્ભમાં આપણે બે પ્રકાર પાડી શકીએ. કેટલાક પ્રકારના સુખ એવા હોય છે, જે આપણે પોતે જ પામવાના હોય છે અને એના માટે આપણે કોઈના પર આધાર રાખવાનો નથી હોતો. તો ઘણા બધા સુખ એવા હોય છે, જેના માટે બીજાના પર ફરજિયાત આધાર રાખવો પડતો હોય છે.

એક ઉર્દૂ શેર હતો જે હમણાં મને યાદ નથી આવતો પરંતુ એનો સાર એવો હતો કે, ધારો કે તમે મને ચંદ્ર પર લઈ જાઓ અને ત્યાં કોઈક મહાનમાં મહાન એવોર્ડ આપો તો મને એની જરા સરખી પણ મજા ન આવે. ત્યાં મારું સન્માન થતું હોવા છતાં કે, મને આટલી બધી નામના મળતી હોવા છતાં મને એનો કોઈ આનંદ નહીં હોય, કારણ કે ત્યાં મારા સ્વજનો કે મિત્રો હાજર નથી હોતા. પણ ધારો કે એ જગ્યાએ મારા પ્રિયજનોની હાજરી હોય અને એમની સામે આવું કંઈક થાય તો મારા આનંદનો પાર ન રહે.

આ તો એક ઉદાહરણ હતું, પરંતુ આવી અનેક બાબતોએ આપણું સુખ કે આપણું દુખ બીજા પર આધારિત રહેલું હોય છે. એક રીતે જોવા જઈએ તો આધારિત હોવું શબ્દ થોડો નેગેટિવ છે. એક સંદર્ભમાં જોવા જઈએ તો આ શબ્દનો અર્થ એમ નીકળે કે આપણું સુખ કોઈના તાબામાં છે. પણ હું એ અર્થમાં વાત નથી કરતો. તમારા લોકો તમારી આસપાસ હોય અને તમે તમારા પ્રિયજનોની સાથે કે એમના માટે જીવતા હો તો જીવનની અને સુખની સાર્થકતા લાગે છે.

કોઈ એક ફિલ્મ, કોઈ ગીત કે સરસ ભોજન તમે એકલા એકલા એન્જોય કરો કે સમરસીયા પાંચેક જણાની સાથે એ એન્જોય કરો તો આનંદ અચાનક બેવડાઈ જાય છે. એવું પણ નથી કે આ બધો આનંદ એકલા ન મેળવી શકાય. કેટલાક આનંદ અને સુખ આપણે એકલા જરૂર માણી શકીએ છીએ, પરંતુ એમાં સ્વજનો કે મિત્રો ભળે તો એ મજા, એ આનંદનું વિસ્તરણ થઈ જતું હોય છે.
એવી કઈ ઘટના કે બાબતો ઘટે ત્યારે તમારું મન વ્યથિત થઈ જાય?

વ્યથિત થવાના કારણો તો ઘણા હોય છે. પરંતુ સામાન્યતઃ પોતાને સ્પર્શતી કે પોતાને લગતી બાબતો વિશે લોકોની ઉદાસીનતા કે એમની ગેરસમજણો જોઉં ત્યારે એમ થાય કે, આ લોકો કેમ પોતાનું હિત કે અહિત સમજતા નથી? સમાજમાં જ્યાં નજર કરીએ ત્યાં આપણને ઠેર ઠેર આવા ઉદાહરણો મળી રહે છે. ત્યારે એમ થઈ આવે કે, આટલી અમસ્તી વાત આ લોકોને કેમ સમજાતી નથી? પોતે છતરાઈ રહ્યા છે એની પણ એમને ખબર નથી પડતી? પહેલા મને આ બાબતે ઘણો ગુસ્સો આવતો, પણ હવે મને એ બાબતે દુખ થઈ રહ્યું છે.

આસપાસના સંબંધો કે માણસોથી કંટાળીને ભાગી જવાનું મન થયું છે ખરું?

ના ક્યારેય નહીં. મિત્રો અને સ્વજનોની બાબતમાં હું એટલો બધો લકી રહ્યો છું કે એમના થકી હું અત્યંત પ્રેમ પામ્યો છું. સાચું કહું તો મારા સ્વજનો અને મારા મિત્રો મારી તાકાત છે, જેમના કારણે મને ટકી રહેવાનું બળ મળી રહે છે.

જીવનમાં ક્યારેય કપરો કાળ જોવાનો આવ્યો છે ખરો?

હા જીવનમાં કપરો કાળ તો ઘણો જોયો છે. જીવનનો શરૂઆતનો સમય બહુ સમૃદ્ધિભર્યો નહોતો. એટલે એ દૃષ્ટિએ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો. જોકે પત્રકારત્વમાં આવ્યા પછી મારે જીવન કે કામની બાબતે કોઈ સંઘર્ષ કરવો પડ્યો નથી. અઢારેક વર્ષ પહેલા એકાદ મહિનો મારી પાસે કામ નહોતું, પરંતુ એ ગાળો પણ ઘણો નાનો હતો. બાકી, રોજિંદા જીવનમાં ચાલતી રહેતી નાનીમોટી ખટપટોને હું કપરા સમય તરીકે નથી ગણતો. પરંતુ જે બાબતો તમને કેટલાક સત્યો સમજાવે કે કેટલીક અન્ય બાબતોની સમજણ પાડે અને તમને એવું લાગે કે, તમે ક્યાંક ફસાયા છો કે ભેરવાયા છો એને હું જીવનનો કપરો સમય ગણું છું

મારી કરિયરની વાત કરું તો હું પત્રકારત્વમાં આવ્યો એ પહેલા છ મહિના સુધી મેં એક એડ એજન્સીમાં ક્લાયન્ટ સર્વિસિંગનું કામ કરેલું. મારા જીવનમાં સૌથી કપરોકાળ હું એ છ મહિનાને ગણી શકું. કારણ કે, એ કામ મારી પ્રકૃતિથી તદ્દન વિરુદ્ધ પ્રકારનું કામ હતું. પણ ત્યારે મને નોકરીની જરૂર હતી એટલે મારે એ કામ કરવું પડેલું.

જો તમે દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર નીકળવા માટે તમે શું કરો?

પીડામાંથી બહાર આવવા માટે મારી પાસે બે-ત્રણ રસ્તા છે. પરંતુ એમાંનો એક સૌથી અકસીર રસ્તો છે લખવું! જો હું આનંદમાં હોઉં કે બહુ જ દુખી થાઉં તો એ બંને સંજોગોમાં મારે લખવું પડતું હોય છે. જોકે લખવું એટલે છાપાની કૉલમો નહીં કે એવું પણ નહીં કે કંઈક ભાવપૂર્ણ લખું. આવા સમયે હું પત્રો લખીને અથવા બીજું કંઈક લખીને એમાં મારી જાતને ઢાળી દઉં છું અને મારી પીડમાંથી મોક્ષ મેળવું છું.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

હું એ શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું. આ ઉપરાંત બીજા સાથે કડવા થયાં વિના કે આપણી હિંમત ગુમાવ્યા વિના આપણને જે સાચું લાગે અને જે કરવા જેવું લાગે એ કરતા રહેવું. આ બાબતે મને સ્નેહી વડીલ પ્રકાશ ન. શાહ સાંભરે છે, જેમની પાસે હાલમાં 75 વર્ષની ઉંમરે હતાશ થવાના અસંખ્ય કારણો છે. એમની જગ્યાએ કોઈ બીજો માણસ હોત તો એ અત્યંત હતાશ થઈ ગયો હોત, પરંતુ પ્રકાશ ન. શાહ એ બાબતે જરા જુદી માટીના સાબિત થયા છે અને તેઓ હતાશ નથી થતાં અને પોતાનું કામ આગળ વધાર્યે રાખે છે.

આ ઉપરાંત બીજું એ શીખ્યો કે, હંમેશાં આપણી જાતને હળવાશથી લેવી. એવો ભ્રમ ક્યારેય નહીં રાખવો આપણે અમુક ચોક્કસ પ્રકારના કામ કરીને આપણે મોટા તીર મારી લઈએ છીએ. અલબત્ત, આપણું જે કામ હોય એ પૂરી તબિયતથી કરવું. પરંતુ એ કામ કરતી વખતે કે કર્યા પછી પોતે કંઈક મોટું કરી નાંખ્યું છે એના ભ્રમમાં નહીં રાચવું.

તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કોણ અને સૌથી દુખી માણસ કોણ?

સૌથી સુખી માણસની કેટેગરીમાં હું મારી જાતનો પણ સમાવેશ કરું છું. જે માણસ પોતાનું ગમતું કામ કરીને એની રોજગારી મેળવતો હોય તો એને આપણે સુખી ગણી શકીએ. અને જે માણસ પાસે રુચિ અને ક્ષમતાઓ હોવા છતાં માત્ર પૈસા કમાવવા ખાતર એણે પોતાનું ગમતું કામ નહીં કરતા બીજું કંઈક કરવું પડે છે તો એ બીચારો દુખી જ હોવાનો. કારણ કે, એણે આખી જિંદગી એનું કામ વેંઢારવું પડતું હોય છે અને પોતાની રસરુચિથી અળગા રહેવા પડે એ વધારાનું.

અમારા વાચકોને આનંદમાં રહેવા માટે કોઈ સલાહ કે ટિપ્સ આપશો?

વાચકોને એક જ સલાહ આપવી કે, આવી સલાહો ક્યારેય માનવી નહીં અને ક્યારેય અમારા જેવા દાઢીવાળી કે દાઢી વગરનાઓને રવાડે ચઢવું નહીં. હંમેશાં પોતાનું સુખ પોતે જ શોધી લેવાનું. કારણ કે, આપણો આનંદ કે આપણા જીવનની સાર્થકતા આપણી અંદર જ રહેલી હોય છે. એના માટે બહાર વલખા મારવું અયોગ્ય છે. ટિપ્સ તો શેર બજારની બાબતે આપી શકાય, સુખ કે આનંદની બાબતે આપી શકાય નહીં.

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.