જીવનમાં પોતાનું ગમતું કામ કરનારો માણસ સુખી

12 Jun, 2016
12:05 AM

mamta ashok

PC:

તમારા માટે સુખની વ્યાખ્યા શું?

મારા મનગમતા કામમાં સતત રચ્યોપચ્યો રહું એ જ મારું સુખ.

તમને આનંદ કઈ કઈ બાબતોમાંથી મળે?

આ સવાલનો જવાબ પણ મારા કામ સાથે જ સંકળાયેલો છે. મને નાટકો પુષ્કળ ગમે છે અને હું સતત નાટકો કરતો રહું છું. મારા નાટકો જ મને આનંદ આપે છે.

આપણું સુખ કોઇના પર આધારિત હોઈ શકે ખરું?

આપણું સુખ કે આપણું જીવન, હંમેશાં કોઇને કોઇ બાબતે અન્યો સાથે જોડાયેલું રહે છે. માણસ જ્યારે સમૂહમાં રહેતો હોય ત્યારે એ ક્યારેય એકલો સુખી નહીં રહી શકે. એટલે સ્વાભાવિક જ આપણું સુખ અન્યો પર આધારિત હોવાનું. સુખનો આધાર ત્યારે જ અવગણી શકાય જ્યારે કોઇ માણસ એના તમામ સંપર્કો તોડીને હિમાલયની ટોચ પર રહેતો હોય!

એવી કઈ ઘટના કે બાબત ઘટે ત્યારે તમારું મન વ્યથિત થાય?

મારા માટે વ્યથા એ ઘણી ક્ષણિક બાબત છે. મનુષ્ય તરીકે આપણી ઘણી જરૂરિયાતો કે માગો પૂરી નહીં થાય કે કશીક ઉણપ લાગે ત્યારે વ્યથા અનુભવાય ખરી, પરંતુ હું બહુ જલદી મારી વ્યથામાંથી બહાર આવી જાઉં છું. દાખલા તરીકે ગુજરાતી પ્રજા મારા નાટકો જોવા નહીં આવે તો મને એ બાબતે ગમગીની થાય કે, યાર આ લોકો કેમ મારી આટલી સુંદર કૃતિ જોવા નથી આવતા? પછી મને એમ થાય કે, બિચારો ગુજરાતી દર્શક હાલમાં બીબાંઢાળ નાટકો જોવામાં સંડોવાયેલો છે, પણ એને જ્યારે એ વાત સમજાશે ત્યારે એ આપોઆપ નાટક જોવા આવશે!

આસપાસના સંબંધો અથવા માણસોથી કંટાળીને ક્યારેક ભાગી જવાનું મન થયું છે ખરું?

ના. આગળ કહ્યું એમ હું સમૂહનો માણસ છું એટલે આસપાસના માણસોને છોડીને ભાગી જવાનું મન ક્યારેય, કોઇ પણ પરિસ્થિતિમાં નથી થયું.

જીવનમાં ક્યારેય કપરોકાળ જોવાનો આવ્યો છે ખરો?

હા, મારો કપરોકાળ હંમેશાં ચાલું જ રહ્યો છે. પણ, આ બાબતે મારું કાગડો જેવું છે, તમે મને તેલમાં નાંખો તોય મને મજા આવે અને રેતીમાં નાંખો તોય મજા આવે. કપરા સમયનો સામનો કર્યા સિવાય આપણા કોઇનો છૂટકો નથી.

જો તમે દુખી થાઓ તો તમારી પીડામાંથી બહાર આવવા માટે તમે શું કરો?

મારું સુખ અને દુખ બંને નાટકો સાથે સંકળાયેલું છે, એટલે જો મને પીડા અનુભવાય તો એમાંથી બહાર આવવા માટે હું નવા નાટકની તૈયારી શરૂ કરી દઉં.

અત્યાર સુધીના જીવનમાંથી શું શીખ્યાં?

હું 61 વર્ષનો થયો છું, છતાં મારું શીખવાનું હજુ ચાલું જ છે. રોજ સવારે ઊઠું ત્યારે મને કંઈક નવું જાણવા મળે છે, રોજ નવા નાટકો આવે છે,  રોજ કંઈક નવી કૃતિ માણવાની મળે છે અને એ બધામાંથી મને અઢળક શીખવાનું મળે છે. મારી જ્ઞાનની ભૂખ ઘણી જબરી છે અને એ સંતોષવા માટે મારે સતત પ્રવૃત્તિમય રહેવું પડે છે. જીવનના છ દાયકામાં ઘણું જોયાં, જાણ્યાં બાદ પણ હું મારી જાતને લર્નર તરીકે જોઉં છું એટલે શીખવાની પ્રક્રિયા જ હજુ ચાલું હોય ત્યાં અત્યાર સુધીમાં હું શું શીખ્યો છું એ બાબતને સ્પષ્ટ નહીં કરી શકું.

તમારા મતે દુનિયાનો સૌથી સુખી માણસ કેવો હોય અને સૌથી દુખી માણસ કેવો હોય?

જે માણસ પોતાની મનગમતી પ્રવૃત્તિ કરતો હોય એ માણસ સૌથી સુખી માણસ હોવાનો અને દુખી માણસ એ કે, જે જીવનમાં પોતાનું ગમતું નથી કરતો અને બળદની જેમ અન્ય કોઇ પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. મેં એવા અનેક લોકોને જોયા છે, જેમને નાટકો કરવાની ઈચ્છા હતી અને હમણા શેરબજારમાં કે હીરાબજારમાં કરોડોનો વેપાર કરે છે. જોકે આટલી કમાણી કરવા છતાં એનો માંહ્યલો તો એ જ કહેતો હોય છે કે, 'આના કરતા તો મેં નાટક કર્યા હોત તો સારું થાત!'

અમારા વાચકોને આનંદમાં રહેવાની કોઇ સલાહ આપશો?

બધાએ મારા નાટકો જોવા!

(મુલાકાતઃ અંકિત દેસાઈ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.