ટોટલ હેલ્થ = હેપીનેસ
મારા જીવનમાં મેં સુખ વિશે ક્યારેય આટલું ગંભીરતાપૂર્વક વિચાર્યું નથી પણ હું દૃઢપણે માનું છું કે સુખ એટલે માણસનું દરેક રીતે સ્વસ્થ હોવું. શારીરિક સ્વસ્થતાથી શરૂ કરીને માનસિક સ્વાસ્થ્ય તો ખરું જ પણ એની સાથે સામાજિક, ઈમોશનલી અને નૈતિક રીતે પણ સ્વસ્થ હોવું અગત્યનું છે.
જો હું મારા અંગત સુખની વાત કરું તો ઉપર આપેલી વ્યાખ્યા પ્રમાણે હજુ પણ હું સમગ્ર રીતે સુખી નથી જ, છતાંય બીજા લોકોને ખુશ જોઈને, તેમને હસતાં જોઈને હું આનંદ મેળવું છું. અન્યોને કઈ રીતે મદદ કરવી કે અન્યોના જીવનમાં સુખ કઈ રીતે લાવી શકાય એ વિશે હું કાયમ વિચારતો રહું છું. અને મારી આજુબાજુના લોકોને આનંદમાં જોઈને ખુશ થાઉં છું. એટલે કદાચ એ તારણ પર આવી શકાય કે મારું અંગત સુખ માત્ર મારા પૂરતુ મર્યાદિત નથી, પણ મારા સુખનો વિસ્તાર અન્યોના સુખ સુધી વિસ્તરેલો છે.
તમે જ્યારે પૂછો છો કે સુખ માટે આધારિતતા કેટલી યોગ્ય? ત્યારે હું માનું છું કે સુખ ચોક્કસ અન્યો ઉપર આધારિત છે જ. આપણું જીવન જાણ્યે-અજાણ્યે અનેક લોકો સાથે સંકળાયેલું હોય છે અને એમના સુખ-દુખની અસર આપણા પર થાય જ છે. જેમ મેં અગાઉ કહ્યું કે હું બીજાને સુખી જોઈને ખુશ થાઉં છું. એનો અર્થ એ જ થયો કે, મારું સુખ પણ કંઈક અંશે બીજા પર આધારિત છે.
આ ઉપરાંત તમે એમ પણ પૂછ્યું છે કે, મારું મન ક્યારે વ્યથિત થાય છે. તો એ બાબતે હું માનું છું કે, માણસે જીવનમાં વધુ પડતી અપેક્ષાઓ રાખવી જોઈએ નહીં. અપેક્ષાઓ હંમેશાં આપણને દુખી કરતી હોય છે. મારી વાત કરું તો મેં પણ જ્યારે કોઈક વ્યક્તિ કે સંસ્થા પાસેથી જ્યારે વધુ પડતી આશા બાંધી છે અને એ પૂરી નથી થઈ ત્યારે હું વ્યથિત થયો છું. આવું એક વાર નહીં પરંતુ અનેક વખત બન્યું છે. જો કે આવું વારંવાર થવા છતાંય મને આ દુનિયા કે આજુબાજુના લોકોને કે સંબંધોને છોડીને ભાગી જવાનું મન ક્યારેય નથી થતું. કારણ કે, માણસ કે માણસાઈમાં મારી શ્રદ્ધા પ્રબળ છે.
મારા જીવનમાં આવેલા કપરા સમય વિશે યાદ કરું છું તો એવી ઘણી યાદો આંખો સામે તરવરી ઊઠે છે. પણ મારા જીવનનો સૌથી વધુ કપરો સમય એ હતો જ્યારે હું સમલૈંગિક તરીકે બહાર આવ્યો. એ સમયે સમાજની મુખ્યધારાની જે વિચારસરણી હતી એનાથી તદ્દન ઉંધી દિશામાં મારે મારું વહાણ હંકારવાનું હતું. મને લાગે છે કે મારે માટે આ કામ સૌથી અઘરું હતું. પણ આવી બધી જ સમસ્યાઓમાંથી બહાર નીકળવા અને હળવા થવા સમયાંતરે મેં મારા આંસુઓનો સહારો લીધો છે. જ્યારે પણ વ્યથિત થયો છું અથવા મુશ્કેલ પરિસ્થિતિ આવી છે ત્યારે કાયમ રડીને મેં મારો ભાર હળવો કર્યો છે.
સમલૈંગિક તરીકે હું બહાર આવ્યો અને મેં જ્યારે ભારે વિરોધનો સામનો કર્યો ત્યારે એ પરિસ્થિતિમાંથી હું એટલું શીખ્યો કે સમાજ સમલૈંગિકોને નથી સ્વીકારતો કારણકે આ વાત વિશે લોકોને કોઈ જ્ઞાન જ નથી. જે દેશમાં સેક્સ વિશે કે સેક્સ એજ્યુકેશન વિશે પણ ખૂલીને વાત ન થતી હોય ત્યાં સમલૈંગિકતા જેવા વિષય પર કોણ વાત કરે? મેં એટલું જ જાણ્યું કે સમાજ કંઈ ખોટું નથી કરતો અને મારા મતે એ પરિસ્થિતિમાં સમાજ દોષી નહોતો પણ સમલૈંગિકો વિશે એમનું અપૂરતું જ્ઞાન દોષી હતું.
જગતના સૌથી સુખી અને દુખી માણસની વાત કરીએ તો, મારા મતે જગતનો સૌથી સુખી માણસ એ જ છે કે, જે બધી જ રીતે સ્વસ્થ હોય અને દુખી માણસ એ છે, જે વધુ પડતી અપેક્ષાઓમાં રાચે છે કારણ કે, અપેક્ષા ક્યારેય કોઈને સુખ નથી આપી શકતી. ‘Khabarchhe.com’ના વાચકોને હું એટલું જ કહીશ કે જીવનપર્યંત સુખી થવું હોય તો ખુશ રહો અને બીજાને પણ ખુશ કરતાં રહો, બીજાના સુખમાં પોતાનું સુખ શોધતા રહો, અન્યોને અપણાથી થાય એટલી મદદ કરો અને અપેક્ષાઓ ન રાખો તો જીવનમાં ક્યારેય દુખી નહીં થાઓ.
(શબ્દાંકન- વિકેન જોષી)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર