કોઈ દુખમાંથી પણ નાનું સુખ શોધો
અંતરમાંથી જે કામ કરવા માટે સાદ આવતો હોય અને એ કામ કરવા મળે એ મારે માટે સુખ છે. આ સાથે જ ગમતાં લોકોને મળતા રહેવાથી અને ગમતું કામ કરતાં રહેવાથી હું ખુશ રહું છું. ખાસ કરીને પોતાની જાત સાથે વાત કરતાં રહેવી મને ખૂબ ગમે છે. આ ઉપરાંત જીવનમાં બનતી કોઈ પણ ઘટનાઓ વિશે મન સાથે ગોઠડી માંડવાથી મને અત્યંત આનંદ મળે છે. આમ કરતાં રહેવાથી પોતાના સારા-નરસા મુદ્દા ધ્યાનમાં આવે છે અને આપણો વિકાસ થતો રહે છે. આવું કરતા રહેવાથી આસપાસ બનતી અકળાવનારી ઘટનાઓની દિલ પર અસર બહુ જલદી થતી નથી. મારે માટે મારો મન સાથેનો મેળાપ પરમ આનંદની ક્ષણો લઈ આવે છે.
જ્યાં સુધી સુખની આધારિતતાનો પ્રશ્ન છે તો મને લાગે છે કે એ અપેક્ષાઓ સાથે સંબંધ ધરાવે છે. હું માનું છું કે બીજાઓ પાસે અપેક્ષાઓ રાખવા કરતાં આપણે જ કોઈને માટે કંઈક કરી છૂટીએ તો એ વધુ સુખદાયક છે. સુખ માટે કોઈના આધારની અપેક્ષા રાખીએ એના કરતા અપણે કોઈના સુખના આધાર બનીએ તો એનાથી રૂડું શું? કોઈકની પાસે સુખની આશા રાખવા કરતાં આપણી પરિસ્થિતિમાંથી સુખ શોધતા આપણે શીખી જવું જોઈએ, જેથી આપણે આપણા સુખ માટે બીજાઓ પર આધાર રાખવો ન પડે.
બહુ ઓછા એવા પ્રસંગો કે ઘટનાઓ બને છે, જ્યારે હું વ્યથિત થયો હોઉં. છતાંય જ્યારે સમય નથી સચવાતો અને લોકો શરતો નથી પાળતા અને જૂઠાણા આચરે છે ત્યારે થો...ડો વ્યથિત થાઉં છું. હું હંમેશાં આવા પ્રસંગોએ સમજવા પ્રયત્ન કરું છું કે જો કોઈ કામ ના થયું હોય એની પાછળ કોઈક ચોક્કસ કારણ હશે. સામેવાળી વ્યક્તિની મર્યાદાને સમજીને હું મારાં મનને વ્યથિત થતાં રોકી શકું છું. આ વાત પણ અપેક્ષાઓના દમનથી જ શક્ય થઈ શકે છે. કદાચ એટલે જ આસપાસના માણસો અને દુનિયાને છોડી જવાનું મન મને ક્યારેય થયું નથી.
મારા જીવનમાં આવેલા કપરા કાળ વિશે વિગતે વાત કરીએ તો શબ્દના સીમાડા ઓછા પડે. થોડા સમય પહેલા કેદારનાથ યાત્રાએ ગયેલો ત્યારે ત્યાં જે કુદરતી હોનારત અમે જોઈ છે એ ઘટનાને યાદ કરું છું તો આજે પણ રૂંવાડા ઊભા થઈ જાય છે. હું મારી પત્ની સાથે કેદારનાથની યાત્રાએ ગયો હતો. લગભગ સાતમી જૂને જ્યારે અમે મંદિરે પહોંચ્યાં ત્યારે મંદિરના પૂજારીએ અમને કહ્યું કે, ‘આપ દોનો અકેલે આયે હો?’ તો મેં કહ્યું કે, ‘હા.’ એટલે એમણે અમને તરત કહ્યું કે, ‘આપ દર્શન કરકે જલદી સે નીકલ જાઈએ. ક્યુંકી મોસમ કા કુછ ભરોસા નહીં હૈ.’ તેમની સૂચનાથી અમે ઝડપભેર પૂજાવિધિ પતાવીને વિલંબ કર્યા વિના નીચે ઉતરી ગયા. અમે જેવા નીચે ઉતર્યા એવો તરત વરસાદ શરૂ થયો અને એ વરસાદનું જે જોર હતું બોસ! એનું વર્ણન પણ નહીં કરી શકાય એવો એ વરસાદ હતો.
અમે જે હોટલમાં રોકાયેલા એ હોટલ બે નદીઓની વચ્ચે હતી અને વરસાદ શરૂ થયો એના થોડા જ કલાકોમાં નદીઓ તો જાણે રણચંડી બની! જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી! જોકે અમારી હોટલને આડે માર્ગમાં કંઈક આવી ગયેલું, જેને કારણે અમારી હોટલની નીચેની જમીન ધોવાઈ જતા બચી ગયેલી. એક રાતના ઉજાગરા પછી અમે ગમે તેમ રીતે હોટલમાંથી અને એ વિસ્તારમાંથી બહાર નીકળેલા અમે સહીસલામત બહાર આવ્યા એ બદલ ત્યાંની સ્થાનિક પ્રજાનો પણ આભાર માનવો જ રહ્યો. કારણ કે પોતાનું સઘળુ પાણીમાં વહી ગયું હોવા છતાં એ લોકોએ પ્રવાસીઓ પ્રત્યે જે ખેલદિલી બતાવી એ કાબિલેદાદ હતી. આ ઘટના પરથી હું હંમેશાં સતર્ક રહેતા તો શીખ્યો જ પણ સાથે ત્યાંના રહેવાસીઓની સ્પીરીટે અમને ઘણી હિંમત અને પ્રેરણા આપી. આ હોનારત નરી આંખે જોયા બાદ હું શીખ્યો કે આપણી નાની નાની પીડાઓ, જેને આપણે દુખ સમજીને કાગારોળ કરતા હોઈએ છીએ એ પીડાઓ વાસ્તવમાં ઘણી નાની અને અસ્થાયી હોય છે. એટલે આ ઘટના બાદ દુખ કે પીડા જેવી બબાતો માટે મારો દૃષ્ટિકોણ ઘણે અંશે બદલાયો છે.
આ સિવાય પણ જીવનમાં અનેક કપરા પ્રસંગો આવ્યા છે પણ કાયમ મક્કમ મનોબળ અને પોઝિટીવ રહેવાથી હું કપરા સમયમાંથી સરળતાથી બહાર નીકળી શક્યો છું. જીવનમાં મળેલા કેટલાક અનુભવો બાદ જીવનમાં હું સતર્કતા જાળવવાનું પણ શીખ્યો છું. જીવનમાં હું એ પણ શીખ્યો છું કે પોતાના સુખ-દુખની સરખામણી કોઈની સાથે નહીં કરવી. જેમ માણસો જુદા એમ એમના સુખ-દુખ પણ જુદા જ હોવાના. પોતાની પરિસ્થિતિની અન્યો સાથે સરખામણી કરનાર વ્યક્તિ કોઈ દિવસ સુખી થઈ શકતી નથી.
મારે વાચકોને એટલું જ કહેવું છે જિંદગીમાં સુખી થવા માટે બહાર વલખા મારવા કરતા કે અન્ય લોકો પર આધાર સારું વાંચન, સારા વિચારો અને પોઝિટીવિટીથી ભર્યા-ભર્યા રહેવું અને જો કોઈ દુખ આવે તો એમાંથી પણ નાનું સુખ શોધવાના પ્રયત્નો કરવા. આપણા દુખમાંથી પણ કંઈક સારું શોધતા આપણને આવડી ગયું તો ભયોભયો થઈ ગયો એમ સમજી લેવું. કારણ કે આવું કરવાથી દુખી થવાના પ્રસંગો અને કારણોની માત્રા ઘટી જશે.
(શબ્દાંકન- વિકેન જોષી)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર