ખભા પરથી ઈતિહાસને ખંખેરવાની મથામણ
આમ તો સુખ કે દુઃખની કોઈ વ્યાખ્યા હોઈ ના શકે કારણ કે દરેક વ્યક્તિ માટે સુખ અને દુઃખ બિલકુલ જ પોતીકા હોવાના. આ બંને એવી લાગણી છે કે વ્યક્તિએ વ્યક્તિએ એ જુદો અર્થ ધારણ કરવાની. મારા માટે સુખ એટલે ગમતા મિત્રોનું આસપાસ હોવું, ગમતા વિષયો પર ગપ્પા મારવા, ત્રીજે ઘેર સંભળાય એવું ફેફસાંફાડ હસવું, ધાર્યા પ્રમાણે કામનો ઉકેલ આવવો. અને એમાંય કંઈપણ જાણવા આતુર વિદ્યાર્થીઓ પાસે આખાને આખા ઠલવાઈ જવામાં જે સુખ મળે તે બીજા કશામાં ન મળે. જોકે આજકાલ છેલ્લા બે સુખ ભાગ્યે જ મળે છે. આનાથી ઝાઝું કદી ઈચ્છ્યું નથી ને માગવાની મને ટેવ નથી.
હું માનું છું કે આનંદ અને સુખ પરસ્પર સંકળાયેલા છે, જેમાંથી મને આનંદ મળે તે સઘળું મને સુખની લાગણીથી ભીંજવવાનું જ ને? મારો આનંદ વર્ગમાં, મિત્રો સાથે, ફિલ્મ કે નાટક જોવામાં, વાર્તા-નવલકથા, નાટક કે આત્મકથાઓ વાંચવામાં. સરસ ખાવામાં પણ આનંદ આવે - જો મારે રાંધવાનું ન હોય તો! દિવસના ભાગે સૂવામાં મને સ્વર્ગ લગોલગ સુખ મળે એવું કહી શકું. પણ હા, જે આનંદ વર્ગમાં પરસેવે નીતરતા ભણાવવામાં છે, મિત્રો સાથે ગપ્પા મારવામાં છે તેની તોલે કશું ના આવે... કશું જ નહીં.
હું માનું છું કે સુખ જાત સાથે સંકળાયેલી લાગણી છે એટલે સુખી થવું કે દુઃખી થવું એનો આધાર જાત પર છે. એ વાત અમુક અંશે સાચી છે પણ સંપૂર્ણ સાચી નથી. એના માટે તો કદાચ સાધુની કક્ષાએ પહોંચવું પડે બાકી દુઃખી થવા માટે મારે કારણો શોધવા જવા નથી પડતા. વિદ્યાર્થી માત્ર ગાઈડ જ વાંચે ને બીજું કશું જ ન વાંચે તો હું દુઃખી થાઉં, વ્યવસ્થાતંત્ર જડ અને બધિર થતું જાય, સાવ ખોટા, બોદા, લાયકાત વગરના લોકો આ કે તે કારણસર અહીં કે ત્યાં ગોઠવાઈ જાય એની પીડા પણ થાય. જ્યાં નજર નાખો ત્યાં નર્યો દંભ અને બેવડા ધોરણ જ દેખાય, ભ્રષ્ટાચાર, સગાવાદ, અપ્રમાણિકતા આ બધું પ્રજાને કોઠે પડતું જાય છે એનું દુઃખ જરાય ઓછું નથી. ટૂંકમાં તમને લાગે છે કે આજકાલ જરાક સંવેદનશીલ હોય એવી વ્યક્તિને દુખી થવા માટે મહેનત કરવી પડે?
દુનિયાભરમાં ધર્મના નામે થતી કત્લેઆમથી મન એટલું વિક્ષુબ્ધ થઈ ગયું છે કે હું ‘ધર્મ’ શબ્દને છેટેથી જ નમસ્કાર કરતી થઈ ગઈ. આપણે બધા માત્ર માણસ હોઈએ, માનવતા આપણો ધર્મ હોય તે પૂરતું નથી? આ કે તે ધર્મના થયા કે તરત જ મારાવાળા - તમારાવાળાના ખાનાં પડવાના અને પ્રશ્નો વધવાના. મને સૌથી વધારે વ્યથા ધર્મના નામે થતી કત્લેઆમ અને કોઈપણ વ્યક્તિની અંતિમવાદી વિચારસરણીથી થાય. આપણા તમામ (હા તમામ) રાજકારણીઓને સાવ ખોટી દલીલો કરતા જોઉં, સાવ ખોટું કરતા જોઉં, એકમેક પર કાદવ ઉછાળતા સાંભળું ત્યારે પણ દુઃખ તો થાય જ છે. 20-25 વર્ષ સુધી ન્યાય મેળવવા લડતા સામાન્ય માણસોને જોઈને પીડા પણ થાય ને એની ટકી રહેવાની તાકાત માટે આદર પણ થાય. કહેવાતા ભણેલાઓ, બૌદ્ધિકોને માનવતાને બદલે ક્ષુલ્લક લાભ ખાતર આ કે તેને ટેકો આપતા જોઉં ત્યારે પણ દુઃખ થાય. જવા દો ભાઈ... મારે દુઃખી થવા માટે જરાય મહેનત નથી કરવી પડતી. ને છતાંય મિંયા ક્યું દુબલે... વાળી કહેવત મારી બાબતે ધરાર ખોટી પડે છે, એનું શું કરો?
સંબંધોથી ભાગવાનું મન તો મને કદી નથી થયું. મારે આમ પણ સાચુકલા સંબંધ સિવાયના તકલાદી, સ્વાર્થના પાયા પર ઊભેલા સંબંધો કદી બંધાતા જ નથી, અને આ સંબંધો તો મારી જીવનમૂડી છે. પણ હા, સંજોગોથી ભાગવાનું મન તો અનેકવાર થયું છે. પણ ભાગીને જવું ક્યાં? એનો જવાબ મળતો નથી. એટલે જ્યાં છું ત્યાંની ત્યાં જ છું. ઘણીવાર ફ્રેન્ચ કવિ બોદલેરની જેમ કહેવાનું મન થઈ જાય :
Anywhere, Any where, out of this world,
whether it is heaven, whether it is hell.
પણ ભાઈ આવું કહેવું સહેલું છે, કરવું અઘરું. મારી મુશ્કેલી એ છે કે મને હરપળ જિંદગી રળિયામણી લાગે છે. તમામ મુશ્કેલીઓ અને પીડાઓ છતાં મને જીવવામાં જલસા પડે છે. જિંદગીને ભરપૂર જીવવામાં માનનારી હું એને અઢળક ચાહું છું એટલે પલાયન શક્ય જ નથી.
મારા માટે કપરો સમય એટલે જ્યાં ટકી રહેવામાં મુશ્કેલી લાગે તે. ને એવું તો આ 53 વર્ષની જિંદગીમાં કેટલીયેવાર બન્યું છે. સાવ નાનેથી શરીર સ્વાસ્થ્યને લગતા અનેક પ્રશ્નો, મરવા પડી બે-ત્રણ વાર પણ મરી નહીં... પણ સૌથી કપરોકાળ લાગેલો 12મા ધોરણમાં. વિજ્ઞાનપ્રવાહની 12મા ધોરણની પરીક્ષા અધૂરી છોડીને ઘરે ભાગી આવેલી ત્યારે ટકી રહેવાનું સૌથી અઘરું લાગેલું. એક બાજુ 12મા ધોરણ સુધીના ઝળહળતાં વર્ષો, ઈનામોના ઢગ અને ફેફસાં ફાટી જાય એટલાં વખાણની સામે હું મારા પલાયનનો કોઈ રીતે મેળ પાડી જ નો’તી શકતી. સાવ નાનેથી મારીને મારા બાપુની એકમાત્ર ધખના હતી દાકતર થવાની. એના બદલે પલાયન? હું જાતનો સામનો નો’તી કરી શકતી પછી દુનિયાની ક્યાં વાત કરું? બીજા વર્ષે પરીક્ષા આપી, પાસ થઈ પણ દાકતર ના થઈ શકી... બી.ફાર્મ થવું પડ્યું...
વળી 1992માં પીએચ.ડી. શરૂ કર્યું ને હાથ તથા પીઠમાં અસહ્ય પીડા શરૂ થઈ. MRI, X-Rays પછી વડોદરા મેડિકલ કૉલેજના ન્યૂરોલોજી વિભાગના એક ડૉક્ટરે કહી દીધું : ‘હવે ભણવાની વાત ભૂલી જાઓ. તમે કદી વાંકા નહીં વળી શકો, બેસી નહીં શકો, લખવાની તો વાત જ જવા દો ને આ બધું વધતું જશે...’ આ આંચકો પચાવવો બહુ અઘરો લાગેલો. પણ મારી હિંમત તોડનાર એ એકમાત્ર દાકતરને બાદ કરતાં ડૉ. લાખાણી, ડૉ. પરાગ પંડ્યા, ડૉ. કમલ લીમડી જેવા ફરિશ્તા જેવા ડૉક્ટરોએ હિંમત બંધાવી, મને લખતી કરીને આજ સુધી ટકાવી રાખી છે. આ પીડા કદી સાથ નથી છોડવાની એ જાણ્યા પછી મેં પણ એની સાથે જીવવાનું શીખવા માંડ્યું...
શરીરની પીડાઓ સામે ઝીક ઝિલતા મને આવડતું જતું હતું. ત્યાં જ અસ્તિત્વની સૌથી મોટી કટોકટીએ મને અવાચક બનાવી દીધી. 1995-96માં સુરતમાં ઘર લેવા નીકળી ને દરેક ખૂણેથી નર્યો નકાર જ મળ્યો. ‘તમને દઈએ તો અમારા બાકીના ફ્લેટ્સ ન વેચાય.’ ‘તમે તમારા વિસ્તારમાં કેમ નથી લેતા?’, ‘ના રે ભાઈ, તમારા મિંયાઓનો શો ભરોસો?’ જેવા જવાબોએ મને ખળભળાવી મૂકેલી. નર્યા માણસ હોવાની મારી ધારણાના પાયા હચમચી ગયેલા. મારા વજૂદને આ જવાબોએ તળેઉપર કરી દીધેલું. મારી બધી દલીલો સમાજની કાળમીંઢ દીવાલો સાથે અફળાઈને પાછી ફરી રહી હતી. આજે આટલા વર્ષો પછી હવે મેં સ્વીકારી લીધું છે કે સમાજ કાને બહેરો હોય છે. એ તમને વ્યક્તિ તરીકે નહીં સમૂહના એક ભાગ તરીકે જ સજા કરે છે. કોણે ક્યાં જન્મ લેવો એ કોઈના પણ હાથની વાત નથી છતાં મને ધરાર ઘર કે પછીથી નોકરીમાં પણ નામની સજા મળી જ.
મેં જાતમહેનતે, ઘરના લોકોને દુભવીને પણ માણસ બનવાની, ઈતિહાસને મારા ખભા પરથી ખંખેરવાની મથામણ કરી હતી પણ કહેવાતા ધર્મના રખેવાળોએ ઈતિહાસને બમણા ભાર સાથે મારા ખભા પર ખડકી આપ્યો. સમૂહની સજા ધરાર વ્યક્તિને કરાઈ રહી હતી ને આમાં તો કોઈ મિત્ર પણ કશી મદદ કરી શકે એમ ન હતા. 2006નું તાપીનું પૂર મૂળિયામાંથી જિંદગીને ઉખેડી ગયેલું પણ વળી જીવતા આવડેલું. એટલે કહેવાનું મન થાય કે કુદરતી કટોકટીઓનો સમય જતા કાયમ ઉકેલ નીકળ્યો છે ને જિંદગી ફરી પાટે ચડી છે પણ માણસે, સમાજે ઊભી કરેલી અસ્તિત્વની આ કટોકટીનો કોઈ ઉપાય આજની ક્ષણે મને નથી દેખાતો.
હું શરીર કે મન - કોઈપણ પીડામાંથી બહાર આવવા કાં તો અનુવાદો કરું, નવલકથાઓ વાંચુ કે ફિલ્મો જોઉં. આધાશીશીની માથાફોડ પીડા કે કમરની અસહ્ય પીડામાંથી દવા, દાકતર કે મિત્ર કોઈ નથી બહાર કાઢી શકતું, એ કામ માત્ર પુસ્તકો જ કરી શક્યા છે કાયમ.
મને ક્યારેય કોઈ બોધ આપતા કે જીવન સુધારી નાખવાનો ઉપદેશ આપતા પુસ્તકોએ મદદ કરી હોય એવું યાદ નથી. એવું હોત તો હું આમ તરતની પળે ભડકો ના થઈ જતી હોતને? હા, મને પુસ્તકોએ એટલું બધું શિખવાડ્યું છે કે, હું આજે જે કંઈ છું એમાં 75 ટકા ફાળો માત્ર પુસ્તકોનો જ. શરીર અને મનને જાતભાતની સમસ્યાઓ ઘેરી વળે, મને કંઈ નથી આવડતું અથવા હું કશા કામની નથી એવી લાગણી ભીંસે, ટકવાની ઈચ્છા તળિયે જઈ બેસે ત્યારે મને વાન ગોગની જીવનકથા 'Lust for life' (‘સળગતાં સૂરજમુખી’ શીર્ષકથી વિનોદ મેઘાણીએ કરેલ અનુવાદ) ટકાવી રાખે છે. હારવા માંડેલી, થાકવા માંડેલી જાતને ઊભી કરવા, જીવનમાં, પ્રેમમાં, ઈશ્વરમાં અને માણસમાં ફરી શ્રદ્ધા જગાડે છે ‘એટ્ટીની રોજનીશી’. ગમે તેટલાં સંઘર્ષ વચ્ચે પણ સ્વમાનભેર પોતાની શરતે જીવવાની તાકાત આપે છે પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’, ભારતના ભાગલાને વિષય બનાવતું સાહિત્ય શીખવાડે છે કે મૂળિયાં ઊખડી ગયા પછી એ ફરીથી રોપાઈ શકે. ગમે તેટલાં અવરોધો પછી પણ જિંદગી આગળ ડગ માંડે જ છે એવું શીખવાડે છે આ સાહિત્ય. દેશ-દુનિયાનો સાચો ઈતિહાસ, મારા દેશની સંસ્કૃતિ, એનો ભવ્ય ભૂતકાળ, એની વિકાસયાત્રા... આ બધું સાચા પરિપ્રેક્ષ્યમાં માત્ર પુસ્તકો જ સમજાવી શકે. કોઈ ઔષધ કે મનોચિકિત્સક, મિત્ર કે ગુરુ કરતાં વધુ અસર પુસ્તક કરી શકે છે એ મારો તો વ્યક્તિગત અનુભવ છે.
મારા મતે હસવાની વેળાએ સાથે હસી શકે અને મૂંઝવણની, વેદનાની વેળાએ ખભો ધરી શકે તેવા સાચુકલા મિત્રો જેને હોય તે દુનિયામાં સૌથી સુખી અને જેને આવા મિત્રો ન હોય તેમને હું દુનિયાના સૌથી દુઃખી માણસ ગણું છું. ગમતું કામ, ગમતો પરિવેશ, ગમતું ઘર, ગમતા સગા... આ બધું મળે કે ના મળે એ આપણા હાથની વાત નથી. પણ મિત્રો તો ગમતા પસંદ કરી શકાય છે. એટલે જ હું માનું છું કે સુખી થવાની કોઈ સલાહ કે ટીપ્સ હોઈ ના શકે. જો આવી સલાહ કામ લાગતી હોત તો આપણે ત્યાં સુખી થવા માટે જે કંઈ જરૂરી હોય તે સઘળું હોવા છતાં ધરાર દુઃખી થનારાની સંખ્યા આટલી મોટી ન હોત? સુખી થવા કે કરવાને બદલે દુઃખી થવા/કરવાના હથિયારો સતત સજાવતા રહેતા લોકોની આટલી મોટી સંખ્યા જોઈ હું તો કોઈ સલાહ ન આપું. હું માનું છું કે આ વ્યક્તિની પસંદગી છે. એણે નક્કી કરવાનું છે કે પોતે સુખી થવું છે કે દુઃખી. કેટલાક લોકો ભડભડ બળતી આગ જેવી જિંદગીમાંય કિલ્લોલતા હોય છે અને કેટલાકને છત્રી પલંગે પોઢાડો તો યે જંપ નથી, એટલે ભાઈ સુખી થવાની કોઈ ટીપ્સ હોય એવું હું તો નથી માનતી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર