આપણા દુખ માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ

28 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

મારા મતે સુખ એટલે એક એવું તત્વ જે મારા મનને પરમ શાંતિ આપે અને બીજાને નુકસાન કે દુખ ન પહોંચાડે. એટલે સુખ વિશેની મારી સમજ એટલી જ કે આપણું સુખ ક્યારેય બીજાને માટે હાનિકારક હોવું જોઈએ નહીં. આવું ત્યારે જ બને જ્યારે આપણા સુખમાં લેશમાત્ર પણ સ્વાર્થ ન હોય! આ ઉપરાંત હું સુખને સંતોષ સાથે પણ જોડું છું. કારણ કે તમારી પાસે ભૌતિક વસ્તુઓ કેટલી છે એ સુખ નથી. પણ તમારી પાસે જેટલું છે એનો સંતોષ માનીને તમે એને કેટલું માણી શકો છો એ ખરું સુખ છે.

મને મારા મિત્રો સાથે સમય પસાર કરવું ખૂબ ગમે છે. મારાં બહુ ઓછા એવા મિત્રો છે કે, જેમને કોઈ પણ જાતના પડદા વગર મળી શકાય છે અને એમાં ઉંમરનો કોઈ બાધ નથી રહેતો. એ સિવાય મને સંગીત સાંભળીને કે સરસ કવિતા વાંચીને પણ ખૂબ આનંદ થાય છે. આ ઉપરાંત મને ખાવાનો શોખ પણ છે, કોઈ સારી વાનગી બનાવવા કે ખાવાથી હું ખૂબ જ આનંદિત રહી શકું છું.

સુખ એ માણસની આંતરીક બાબત છે. આપણે ખુશ રહેવું કે સુખી થવું એ માત્ર આપણા પર જ આધાર રાખે છે. એટલે હું એવું સ્પષ્ટપણે માનું છું કે, આપણું સુખ ક્યારેય બીજી વ્યક્તિ કે કોઈ વસ્તુ પર આધારિત હોઈ શકે જ નહીં. આપણી અપેક્ષાઓ કે સપનાંઓ વિશે બીજાને શું ખ્યાલ હોવાનો? અને ખ્યાલ હોય તો પણ એની સાથે એમને લેવાદેવા કેટલી? એટલે આપણું સુખ કે દુખ કોઈ બીજા માણસ પર નભતું નથી. આપણી સાથે જે કંઈ પણ થાય છે એની પાછળ જવાબદાર આપણે જ છીએ.

મારા જીવનના વસવસા વિશે કહું તો મને એક વાત હંમેશાં વ્યથિત કરતી રહી છે કે ઘરમાં સંગીતકાર પિતા (નીનુ મઝુમદાર) હોવા ઉપરાંત બધી સગવડતાઓ હોવા છતાં હું સંગીત શીખી શકી નહીં. એ સિવાય સામેવાળી વ્યક્તિને જેવી ધારી હોય એવી ના નીકળે ત્યારે પણ હું થોડી વ્યથિત થઈ જાઉં છું. બાકી ઉંમરના આ પડાવ પર પહોંચ્યા પછી હવે તો મને કોઈ પીડા નથી થતી. જો કે જીવનમાં અનેક ચઢાવ-ઉતાર જોયા હોવા છતાં મને ક્યારેય આસપાસના માણસોને છોડીને ચાલ્યા જવાનું મન થયું નથી.

મેં પણ મારા જીવનમાં કપરો સમય જોયો છે. ખાસ કરીને જ્યારે મારા પહેલા લગ્ન સફળ નહીં રહ્યા અને મારા ડિવોર્સ થયા હતાં અને હું એકલી રહેતી હતી ત્યારે અને જ્યારે મારી નોકરી છૂટી ગઈ હતી ત્યારે. કારણ કે આ સમયમાં હું સંબંધની બાબતે ઘણી ડિસ્ટર્બ હતી તેમજ આર્થિક ભીંસમાં પણ સપડાયેલી હતી, પણ આજે જ્યારે પાછી વળીને જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે, એ સંજોગોએ મને ઘણી ઘડી છે. આવા સમયમાં હું અભિનય કરતી અને અભિનયે જ મારું જીવન બદલી નાખ્યું છે.

હું એમ માનું છું કે સુખ અને દુખ સાપેક્ષ હોય છે. પણ છતાં સુખી કે દુખી માણસની વ્યાખ્યા કરવાની હોય તો હું કહીશ કે, જે પોતાની જિંદગી સારી રીતે ખુશીથી જીવી શકતો હોય એ સુખી છે અને જે માણસ તેની પાસે ઘણું બધું હોવા છતાં કાયમ અછત જ અનુભવે અથવા નાની નાની બાબતોને લઈને જે માણસ ફરિયાદો કરતો એ માણસ દુખી છે. આપણે જીવનમાં જ્યાં પણ હોઈએ છીએ ત્યાં એટલે કે આપણે જે પણ પરિસ્થિતિમાં જીવતા હોઈએ એ પરિસ્થિતિમાં આપણી ઉપર તેમજ નીચે ઘણા લોકો હોય છે, એટલે સારું એ છે કે આપણી પાસે જે કંઈ છે એને પૂરી રીતે માણીએ અને એનો આનંદ લઈએ અને આપણા બાહ્ય સંજોગોથી વધુ અસર ન પામીએ, જેથી સુખેથી રહી શકાય.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.