મારા જીવનના પ્રાસ, લેખન અને પ્રવાસ!
સુખ અને દુખ એ દરેક માણસની અત્યંત વ્યક્તિગત બાબત છે પરંતુ મારા માટે મારું સુખ એ સ્ટેટ ઑફ માઈન્ડ છે. એટલે કે હું જેને સુખ સમજું છું એ જ મારું સુખ છે, બીજાઓ માટે એ બાબત સુખ ન પણ હોઈ શકે. અને બીજી વાત એ પણ છે કે, આપણું સુખ આપણે જાતે જ શોધવા પડતું હોય છે. કોઈ બીજું માણસ લાખ પ્રયત્ને પણ આપણને આપણું સુખ બતાવી ન શકે.
જીવનમાં આનંદ મેળવવા માટે હું બધું ઓછી બાબતો પણ આધારિત છું. હું મોટાભાગે ટ્રાવેલિંગ અને લેખનમાં મારી જાતને પરોવેલી રાખું છું. કારણ કે આ બે બાબતો એવી છે, જેમાં હું મારી જાત સાથે સીધો સંવાદ સાધુ છું અને એના કારણે ટ્રાવેલિંગ કે રાઈટિંગમાં મને જે આનંદ મળે છે એવો આનંદ અન્ય કોઈ બાબતમાંથી નથી મળતો. જો મારા જીવનમાંથી આ બે બાબતોની બાદબાકી કરી દેવામાં આવે તો મારા જીવનમાંથી આનંદની પણ બાદબાકી થઈ જાય. કારણ કે, મારું સુખ કે મારા આનંદનું કેન્દ્રબિંદુ જ આ બે બાબતોમાં રહેલું છે.
સુખની આધારિતતાની વાત આવે છે ત્યારે આપણે ત્યાં સામાન્ય રીતે એવા પ્રવચનો કે ઉપદેશો અપાતા હોય છે કે, આપણું સુખ બીજાઓ પર આધાર રાખતું નથી. કેટલાક લેખકો- ફિલોસોફરો પણ સુખની આધારિતતા નકારી ગયા છે. પરંતુ ટેલિવિઝન ચેનલની જાહેર ખબર કહે છે કે, 'અસલી મજા સબ કે સાથ આતા હૈ,' હું પણ એ બાબતને અનુસરુ છું. આપણા આનંદ કે સુખને આપણે લોકો સાથે શેર કરીશું તો એ આનંદ બમણો થઈ જતો હોય છે. આ જ થિયરી દુખની બાબતે પણ લાગુ પડે છે કે, જો આપણે આપણા દુખો કે પીડાઓની આપણા સ્નેહીઓ સાથે ચર્ચા કરીશું તો આપણું મન તો હળવું થશે જ પરંતુ આપણને આપણી સમાસ્યાનો હલ પણ મળશે.
માનવ મન અત્યંત અળવીતરું હોય છે, એટલે કઈ બાબતે આપણું મન ઝૂમી ઉઠે કે કઈ બાબતે તે વ્યથિત થઈ જાય એ નક્કી નથી હોતું. મારા સંદર્ભે વાત કરું તો કોઈ પરિસ્થિતિ મારા આયોજન મુજબ ન ચાલતી હોય કે, દિવસ દરમિયાનમાં મારું ધારેલું કંઈ ન થાય તો મારું મન વ્યથિત થઈ જાય. કોઈક દિવસ હું ધારું કે, મારે આટલા પાના લખવા છે અને કોઈક કારણસર લખવામાં મારું મન નહીં ચોંટે અને હું ધાર્યા કરતા ઓછું લખું તો હું ઘણી બેચેની અનુભવું. હું માનું છું કે, આ બાબત તમામ લોકોને લાગુ પડે છે. પોતાનું ધાર્યું ન થાય ત્યારે કોણ આનંદમાં રહેતું હશે?
પણ આ તો મારી વ્યક્તિગત વ્યથાની વાત છે. બની શકે કે, એમાં સ્વાર્થનો નજીવો અંશ પણ ભળ્યો હોય. પરંતુ એ સાથે જ હું પત્રકાર અને નવલકથાકાર પણ છું. એટલે સમાજમાં બનતી કેટલીક ઘટનાઓ મને ન સ્પર્શે તો જ નવાઈ. અખબારોમાં આપણે દર ત્રીજે દિવસે બળાત્કાર કે નિર્દોષો પર અત્યાચારના સમાચારો વાંચીએ છીએ, જેમાં ભાગ્યે જ પીડિતોને યોગ્ય ન્યાય મળતો હોય છે. આવા સમયે એક માયકાંગલી સિસ્ટમના ભાગ હોવાનો મને અત્યંત અફસોસ થાય. અને આ માયકાંગલાપણું સિસ્ટમ કે ગવર્મેન્ટનું જ નથી. એક નાગરીક તરીકે આપણે પણ આવી ગંભીર બાબતોમાં કશું નક્કર કરતા હોતા નથી. એટલે એ નિયમ આપણને પણ લાગુ પડે.
જ્યારે કોઈક ઘરમાં વડીલોની અવહેલના થતી હોય અને આપણે એમાં વચ્ચે પડીને સમાધાન કરાવવાનો પ્રયત્ન કરીએ અને કોઈ આપણને એમ કહે કે, ‘ભાઈ, તમે આઘા જ રહોને. ઈટ ઈઝ નન ઑફ યોર બિઝનેસ!’ ત્યારે મારી ઉંઘ ઉડી જાય છે કે, કહેવાતા આ સ્વસ્થ સમાજમાં આપણે દેશના વરિષ્ટ નાગરિકો, વડીલોને જે સ્થાન આપવું જોઈએ એ પણ નહીં આપી શકીએ?
આ ઉપરાંત વિકાસની આડમાં જ્યારે વૃક્ષોનું આડેધડ નિકંદન કરવામાં આવે ત્યારે પણ મારો આત્મા ખળભળી ઉઠે. કારણ કે, માણસ પર તો જ્યારે અત્યાચાર થાય ત્યારે તે આર્તનાદ કરી શકે છે. પરંતુ પ્રકૃતિનું શું? પ્રકૃતિ એની પીડા ક્યાં વ્યક્ત કરવાની? જોકે આજના સમયમાં માનવ સમુદાયને એવી બધિરતા સ્પર્શી ગઈ છે કે, તેને દુખી માણસનો અવાજ નથી સંભળાતો તો ત્યાં પ્રકૃતિના આર્તનાદ સંભળાવાની તો વાત જ શું કરવી?
આસપાસના સંબંધો કે લોકોથી કંટાળીને ભાગી જવાનો પ્રશ્ન આવે છે ત્યારે હું એમ કહીશ કે હા, કેટલીકવાર એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે, મને એમ થાય કે હું આનાથી આઘી ખસી જાઉં. જોકે એ મારી પલાયનવૃત્તિ નથી હોતી. પલાયન શબ્દમાં કાયરતા રહેલી હોય છે અને આવી કાયરતા મને તો ના ખપે. પરંતુ જો કોઈક વાર મન વિક્ષુબ્ધ થાય તો હું મારા સ્વરચિત કવચમાં જતી રહું છું. કારણ કે હું અત્યંત દુખી હોઉં ત્યારે પણ હું લખતી જ હોઉં છું અને હું આનંદમાં હોઉં ત્યારે પણ હું લખતી જ હોઉં છું. આ જ વાત મારા ટ્રાવેલિંગને પણ લાગું પડે છે કે, હું ખુશ હોઉં ત્યારે તો મને ક્યાંક ઉપડી જવાનો વિચાર આવે જ. પણ, હું દુખી હોઉં ત્યારે પણ મને આ જ વિચાર આવે.
મારા જીવનના કપરા સમયની વાત કરું એ પહેલા હું એક વાત સ્પષ્ટ કરીશ કે, મારો કપરોકાળ જ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે. લગ્ન પહેલા હું સુરતમાં અત્યંત પ્રોટેક્ટિવ અને મુંબઈ કરતા સાવ અલગ વાતાવરણમાં ઉછરી છું. મુંબઈમાં મારા લગ્ન ઘણા ભર્યા ભાદર્યાં હાઈ ક્વોલિફાઈડ પરિવારમાં થયેલા અને અમે સંયુક્ત કુટુંબમાં રહેતા. એવામાં વર્ષો પહેલા મારા પતિ ગંભીર બીમારીમાં સપડાયેલા. એમની બીમારી દરમિયાન એક સમય તો એવો પણ આવેલો કે, મને થયેલું કે હું મારા પતિને ગુમાવી બેસીસ. એ ગાળામાં મને અમારા ઘરના આર્થિક વ્યવહારો વિશે પણ કશી જ ખબર ન હતી. મેં એ ગાળામાં ખૂબ મનોમંથન કરેલું અને ત્યારે જ મને વિચાર સ્ફૂરેલો કે, મારે મારી કરિયર હોવી જોઈએ. ત્યાં સુધી મેં કરિયર વિશે કોઈ વિચાર સુદ્ધાં પણ નહોતો કર્યો.
જોકે ત્યાર પછી તો મારા પતિ સ્વસ્થ પણ થયા અને મારી નોર્મલ લાઈફ પણ શરૂ થઈ ગઈ. પરંતુ એમની બીમારી વખતે મારા મનમાં મારી કરિયર હોવાના જે બીજ રોપાયેલા એ બીજ જ પછી ફાલી-વિસ્તરીને વટવૃક્ષ બન્યાં અને એને કારણે જ હું જીવનમાં ઘણું હાંસલ પણ કરી શકી. શરૂઆતના તબક્કામાં તો હું ફેશન ડિઝાઈનિંગના ક્ષેત્રમાં ગયેલી પરંતુ પત્રકારત્વમાં મારા રસ- રુચિ વધુ હોવાને કારણે મેં પત્રકારત્વની કેડીએ ચાલવાનું શરૂ કર્યું. અને ફ્રીલાન્સર તરીકે શરૂ થયેલું મારું કામ 'ઈન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટિંગ અને 'મુંબઈ સમાચાર'ના તંત્રીપદ સુધી મને લઈ ગયું. તે વખતે મને ઘેરી વળેલી અસલામતીની તીવ્ર ભાવનાએ મને કારકિર્દી આપી. એટલે કહેવું હોય તો એમ કહી શકાય કે, મારા દુખનું કારણ જ સુખનું બીજ બની ગયું.
હવે પીડાઓમાંથી બહાર નીકળવાની વાત આવે ત્યારે હું એમ કહીશ કે, હું જ્યારે પણ દુખ અનુભવું કે કોઈ ચચરાટ મને ઘેરી વળે તો હું ધ્યાનમાં બેસું છું અથવા મારું ગમતું મ્યુઝિક સાંભળું છું. આ ઉપરાંત લેખન અને પ્રવાસો તો ખરા જ. જોકે છેલ્લા એક-બે વર્ષથી મેં આ બાબત પર થોડી રોક લગાવી છે. હું દુખી હોઉં તો હવે હું નવી જગ્યાએ પ્રવાસો કરવાનું ટાળું છું. કારણ કે પાછળથી એ સ્થળો સાથે આપણી કડવી લાગણીઓ અને ખરાબ યાદો જોડાઈ જાય છે.
પીડાને વિશે હું એમ પણ માનું છું કે, જેમ માણસની ઉંમર વધે એમ આપણી પીડાઓની માત્રા પણ ઘટતી જાય છે. કારણ કે ઉંમરની સાથે માણસમાં આપોઆપ પરિપક્વતા આવી જતી હોય છે અને પાછળથી આપણે સુખ-દુખ જેવી બાબતોને જરા જુદા દૃષ્ટિકોણથી પણ જોતા થઈ જતાં હોઈએ છીએ.
મારા જીવનમાં મને મારું પત્રકારત્વ પણ ખૂબ ખપમાં આવ્યું છે. પત્રકારત્વની મારી કારકિર્દીમાં હું એટલા બધા અનુભવોમાંથી પસાર થઈ છું અને એટલા બધા લોકોને હું મળી છું કે, જીવનના વિવિધ પાસા કે અન્ય તમામ બાબતો પ્રત્યે હું જરા જુદો, કંઈક નોખો દૃષ્ટિકોણ ધરાવતી થઈ છું. મજાની વાત એ છે કે હું પત્રકારત્વને કારણે જ હું જલદીથી કોઈના પર ભરોસો મૂકી શકતી નથી. મારી સાથે સારી રીતે વર્તતા માણસો પ્રત્યે મને તરત જ શંકા જાય કે, 'આ માણસ મારી સાથે આ રીતે કેમ વર્તે છે?' જોકે હું એમ નથી કહેતી કે પત્રકારત્વને લીધે હું ઘણી શંકાશીલ બની છું. પરંતુ હું એમ ચોક્કસ કહીશ કે માણસ પૂરો તરાસ્યા- ચકાસ્યા પછી એની સાથે સંબંધ-મૈત્રી કેળવવામાં આવે તો પાછળથી છેતરાવાનો વારો આવતો નથી.
દુનિયાના સૌથી સુખી અને દુખી માણસની વાત કરું. તો મારા માટે દુનિયાનો સૌથી સુખી માણસ એ જ છે, જે દરેક પળને 'આજની ઘડી છે રળિયામણી' એમ માનીને વર્તમાનમાં જીવે. જોકે હજુ સુધી એવા કોઈ માણસને મળવાનું થયું નથી. અને મારા મતે સૌથી દુખી માણસ એ છે, જે હંમેશાં આવતી કાલની જ ચિંતા કર્યા કરતો હોય. આ સાથે હું એમ પણ કહીશ કે, જે માણસ આવતી કાલની જરા સરખી પણ ચિંતા નહીં કરતો હોય એય સૌથી દુખી! કારણ કે આવતીકાલની જરાય ચિંતા નહીં કરતા કેટલાક દોસ્તોને મેં જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરતા જોયા છે.
આજે સુખ દુખની વાત નીકળી જ છે તો હું 'khabarchhe.com'ના વાચકોને એક સલાહ આપવાની હિંમત કરું છું કે, ભૂતકાળને વાગોળીને એમાં લિજ્જત મેળવતા હો તો એની પર પૂર્ણવિરામ જરૂર મૂકજો. કારણ કે એ હિંચકો છે, જે તમને ક્યાંય નહીં પહોંચાડે બલ્કે તમારા દુખ જ તમારા સુખની ઈંટ કઈ રીતે બની જાય તે વિશે વિચારશો તો જિંદગીમાં એક મકામ તો એવો આવશે કે, જ્યાંથી પાછા ફરીને જોશો, તો તમે એ દુખના દિવસો દેખાડવા માટે ભગવાનને થેંક્યું તો જરૂર કહેશો.
(મુલાકાતઃ અંકિત દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર